શ્રીરામકૃષ્ણ દેવેન્દ્રને ઘેર દીવાનખાનામાં ભક્તોની સભા ભરીને બેઠા છે. દીવાનખાનું નીચેને મજલે. સંધ્યા થઈ ગઈ છે. ઓરડામાં દીવો બળે છે. છોટો નરેન, રામ, માસ્ટર, ગિરીશ, દેવેન્દ્ર, અક્ષય, ઉપેન્દ્ર વગેરે ઘણાય ભક્તો પાસે બેઠા છે. ઠાકુર એક યુવક ભક્તને જુએ છે ને આનંદમાં તરે છે. તેને ઉદ્દેશીને ભક્તોને કહે છે; જમીન, પૈસા અને સ્ત્રી, આ ત્રણે આનામાં નથી કે જેથી સંસારમાં બદ્ધ થાય. એ ત્રણ વસ્તુઓ ઉપર મન રહે તો ભગવાનની સાથે મનનો યોગ થાય નહિ. એણે વળી કાંઈક જોયું હતું. (યુવક ભક્તને) કહે તો અલ્યા, શું જોયું હતું?

(કામિનીકાંચનત્યાગ અને બ્રહ્માનંદ)

દેવેન્દ્રનાથ

ભક્ત (હસીને) – મેં જોયું કે કેટલાક વિષ્ટાના ઢગલા પડ્યા છે. કોઈ માણસો એ ઢગલાની ઉપર બેઠા છે, તો કોઈ જરા દૂર બેઠા છે.

શ્રીરામકૃષ્ણ – સંસારી લોકો, જેઓ ઈશ્વરને ભૂલી રહ્યા છે તેમની આ દશા એણે જોઈ છે. એટલે એના મનમાંથી બધાનો ત્યાગ થતો જાય છે. કામ-કાંચન ઉપરથી જો મન ઊઠી જાય તો પછી ચિંતા શી?

‘ઉહ, શી નવાઈ! મારે તો કેટલાં જપ-ધ્યાન કર્યા પછી એ બધાં મનમાંથી ગયાં હતાં! આને એકદમ આટલો જલદી કેમ કરીને મનમાંથી ત્યાગ થઈ ગયો? કામ નીકળી જવો શું સહેલી વાત? મને પણ છ મહિના પછી એક વાર છાતીમાં કંઈક થવા લાગ્યું! ત્યારે ઝાડ નીચે પડીને રોવા લાગ્યો. મેં કહ્યું કે મા, જો એવું કંઈ થશે તો ગળે છરી ફેરવી દઈશ!’

(ભક્તોને) – કામ-કાંચન જો મનમાંથી નીકળી ગયાં, તો પછી બાકી શું રહ્યું? પછી તો કેવળ બ્રહ્માનંદ!

શશી એ અરસામાં નવા નવા ઠાકુરની પાસે આવજા કરે છે. એ વખતે તેઓ વિદ્યાસાગર કોલેજમાં બી.એ.ના પહેલા વરસમાં ભણે. ઠાકુર હવે તેની વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – આ છોકરો જે આવે છે, તેનું મન પૈસામાં ક્યારેક ક્યારેક જશે એમ જોયું; પરંતુ કેટલાકનું તો જોઉં છું કે મુદ્દલ જશે નહિ! કેટલાક છોકરાઓ વિવાહ નહિ કરે.

ભક્તો આ બધી વાતો એક શ્વાસે સાંભળી રહ્યા છે.

(અવતારને કોણ ઓળખી શકે?)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – મનમાંથી કામ-કાંચન સંપૂર્ણ ગયા વિના અવતારને ઓળખી શકવો મુશ્કેલ. એક વાર એક જણે રીંગણાં વેચનારા કાછિયાને એક હીરાની કિંમત પૂછતાં તેણે કહ્યું કે હું આ પાંચીકાની કિંમતમાં નવ શેર રીંગણાં દઉં. નવ શેરથી એક પણ વધારે દઉં નહિ! (સૌનું હાસ્ય, ને છોટા નરેનનું ઉચ્ચ હાસ્ય).

ઠાકુરે જોયું કે છોટો નરેન વાતનો મર્મ ઝટ દઈને સમજી ગયો છે.

શ્રીરામકૃષ્ણ – આની કેવી સૂક્ષ્મ બુદ્ધિ! નાગાજી એવી જ રીતે ઝટ દઈને સમજી લેતા; ગીતા, ભાગવત વગેરે જ્યાં જે સમજવાનું હોય ત્યાં એ સમજી લેતા.

(કુમાર વૈરાગ્ય એક આશ્ચર્ય – વેશ્યાનો ઉદ્ધાર કેવી રીતે થાય?)

શ્રીરામકૃષ્ણ – નાની ઉંમરથી જ કામ-કાંચન-ત્યાગ એ બહુ નવાઈભર્યું! બહુ જ ઓછા માણસોને એ થાય! બાકીના તો ટોચાયેલી કેરી જેવા! એવી કેરી દેવસેવામાં લેવાય નહિ, અને પોતાને ખાતાંય બીક લાગે.

પહેલાં ખૂબ પાપ કર્યાં હોય ને ત્યાર પછી મોટી ઉંમરે હરિનામ લે; એ તદ્દન ન કરવા કરતાં સારું. (ન મામા કરતાં કહેણા મામા જેવું.)

‘અમુક મલ્લિકની મા, બહુ જ મોટા ઘરની દીકરી. વેશ્યાઓની વાતમાં પૂછે છે કે એમનો શું કોઈ રીતે ઉદ્ધાર નહિ થાય? પોતે અગાઉ કેટલાય ધંધા કર્યા છે ને? એટલે પૂછી જોયું! મેં કહ્યું કે હા થાય, જો અંતરથી વ્યાકુળતાપૂર્વક રુદન કરે અને ખરેખરા અંત:કરણથી કહે કે હવે નહિ કરું, તો. અમથું હરિનામ લીધે શું વળે? અંતરથી રડવું જોઈએ.’

Total Views: 298
ખંડ 42: અધ્યાય 11 : અંતરંગ સાથે બલરામ બસુના ઘરે
ખંડ 42: અધ્યાય 13 : દેવેન્દ્રના ભવનમાં ઠાકુર કીર્તનાનંદે અને સમાધિ-અવસ્થામાં