બારણામાં ગિરીશ; ઠાકુર શ્રીરામકૃષ્ણને ઘરમાં લઈ જવા માટે આવ્યા છે. ભક્તોની સાથે ઠાકુર જેવા નજીક આવ્યા કે તરત જ ગિરીશે લાકડીની પેઠે તેમની સન્મુખે જમીન પર પડીને નમન કર્યું. આજ્ઞા મળતાં ઊઠ્યા. ઠાકુરની ચરણરજ લીધી. અને તેમને સાથે લઈ જઈને ઉપલે માળે દીવાનખાનામાં બેસાડ્યા. ભક્તો ઉતાવળા ઉતાવળા બેસી ગયા. સૌની ઇચ્છા કે પોતે ઠાકુરની નજીક બેસે અને તેમના મધુર કથામૃતનું પાન કરે.

આસન પર બેસવા જતાં ઠાકુરે જોયું કે ત્યાં એક સમાચારપત્ર પડ્યું છે. છાપામાં સંસારીઓની વાતો, વિષય-કથા, પરચર્ચા, પરનિંદા હોય; એટલે એ અપવિત્ર તેમની નજરે. તેમણે ઇશારત કરી કે જેથી એ છાપું બીજી જગાએ મૂકી દેવાય.

છાપું લઈ ગયા પછી શ્રીઠાકુર બેઠા.

નિત્યગોપાલે પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (નિત્યગોપાલને) – ત્યાં?

નિત્યગોપાલ – જી હા, દક્ષિણેશ્વર આવ્યો નહિ. તબિયત ખરાબ, દુ:ખાવો છે.

શ્રીરામકૃષ્ણ – કેમ છે?

નિત્યગોપાલ – ઠીક નથી.

શ્રીરામકૃષ્ણ – એક બે ભૂમિકા નીચે રહેવું.

નિત્યગોપાલ – માણસો ગમતાં નથી. એ લોકો કેટલુંય બોલે, તેથી ડર લાગે; કોઈ કોઈ વાર તો ખૂબ હિંમત આવી જાય.

શ્રીરામકૃષ્ણ – એમ તો જરૂર થવાનું. તારી સાથે કોણ રહે છે?

નિત્યગોપાલ – તારક. એ હંમેશાં સાથે રહે છે. વખતે વખતે એ પણ ગમે નહિ. (શ્રી તારકનાથ ઘોષાલ : સ્વામી શિવાનંદ : શ્રીરામકૃષ્ણ સંઘના બીજા અધ્યક્ષ).

શ્રીરામકૃષ્ણ – નાગાજી (તોતાપુરી) કહેતા કે તેમના મઠમાં એક જણ સિદ્ધ હતો. એ આકાશ સામું જોઈને ચાલ્યો જતો. તદ્દન ગણેશગરજી – બેપરવા. તેની પાસે કોઈ જતું તો તેને બહુ દુ:ખ થતું. તે અધીરો થઈ ગયો હતો.

આ બોલતાં બોલતાં શ્રીરામકૃષ્ણનો ભાવ બદલાયો. કોણ જાણે કયા ભાવમાં અવાક થઈ રહ્યા. થોડી વાર પછી બોલે છે, ‘તું આવ્યો? હુંય આવ્યો છું!’

આ વાતો કોણ સમજે? આ શું દેવભાષા?

Total Views: 397
ખંડ 51: અધ્યાય 8 : અવતાર-કથાપ્રસંગે - અવતાર અને જીવ
ખંડ 51: અધ્યાય 9 : શ્યામપુકુરના મકાનમાં ડૉક્ટર સરકાર, નરેન્દ્ર, શશી, શરદ, માસ્ટર, ગિરીશ વગેરે ભક્તો સાથે