શ્રીરામકૃષ્ણ (ઈશાનને) – તમે કંઈક બોલો ને! આ (ડૉક્ટર) અવતારમાં માનતા નથી.

ઈશાન – જી, શી ચર્ચા કરવી? ચર્ચા હવે ગમતી નથી!

શ્રીરામકૃષ્ણ (નારાજીથી) – કેમ? યોગ્ય વાત કરવી નહિ?

ઈશાન (ડૉક્ટરને) – અહંકારને લીધે આપણામાં શ્રદ્ધા ઓછી! કાકભુશુંડિ રામચંદ્રને પ્રથમ અવતાર તરીકે માનતા ન હતા! છેવટે જ્યારે ચંદ્રલોક, દેવલોક, કૈલાસ વગેરે બધેય ભમી ભમીને જોયું કે રામના હાથમાંથી કોઈ પણ રીતે છુટકારો નથી, ત્યારે પોતે કબૂલીને રામનું શરણ લીધું. એટલે રામ તેને પકડીને મોઢામાં નાખીને ગળી ગયા. ત્યારે કાકભુશુંડિએ જોયું કે તે પોતાના ઝાડ પર જ બેઠેલા છે. તેનો અહંકાર ગળી ગયો. ત્યારે કાકભુશુંડિ જાણી શક્યા કે રામચંદ્ર જોવામાં આપણા જેવા માણસ ભલે, પણ તેમના ઉદરમાં બ્રહ્માંડ! તેમના ઉદરમાં આકાશ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો, સમુદ્ર, પર્વત, વૃક્ષો, જીવ, જંતુ વગેરે.

(જીવની ક્ષુદ્ર બુદ્ધિ – Limited Powers of the conditioned)

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – આટલું સમજવું કઠણ થઈ પડે છે કે જે સરાટ (અણુ), તે જ વિરાટ; જેનું નિત્ય, તેની જ લીલા. ઈશ્વર માણસ થઈ શકે નહિ એ વાત ભાર દઈને આપણે અલ્પ બુદ્ધિથી કેમ કહી શકીએ? આપણી અલ્પ બુદ્ધિમાં એ બધી વાતોની શી ધારણા થઈ શકે? એક શેરના લોટામાં શું ચાર શેર દૂધ સમાય?

‘એટલા માટે સાધુ પુરુષો, મહાત્માઓ, કે જેમણે ઈશ્વર-દર્શન કર્યાં હોય તેમના કહેવામાં શ્રદ્ધા રાખવી જોઈએ. સાધુ પુરુષો ઈશ્વર-ચિંતન કરતા રહે, જેમ વકીલો મુકદૃમામાં મશગૂલ રહે તેમ. તમને કાકભુશુંડિની વાતમાં શ્રદ્ધા બેસે?’

ડૉક્ટર – જેટલું સારું હોય તેટલું માનીએ. કબૂલ કરીએ એટલે પતી જાય, કશી ગરબડ રહે નહિ. વારુ, રામને અવતાર કેમ કરીને કહેવાય? પ્રથમ તો જુઓ વાલી-વધ. છુપાઈને ચોરની પેઠે બાણ મારીને તેને મારી નાંખ્યો. એ તો માણસનું કામ, ઈશ્વરનું નહિ.

ગિરીશ ઘોષ – મહાશય! એ કામ ઈશ્વર જ કરી શકે.

ડૉક્ટર – પછી જુઓ સીતાનો ત્યાગ.

ગિરીશ ઘોષ – મહાશય! એ કામ ઈશ્વર જ કરી શકે, માણસ કરી શકે નહિ.

(સાયન્સ કે મહાપુરુષોનાં વાક્યો?)

ઈશાન (ડૉક્ટરને) – આપ (ઈશ્વરના) અવતારમાં માનતા નથી કેમ? હજી હમણાં તો બોલ્યા કે જેણે આકાર બનાવ્યો છે તે સાકાર; ને જેણે મન બનાવ્યું છે તે નિરાકાર. આ હજી હમણાં જ તો આપે કહ્યું કે ઈશ્વરનો ખેલ, તેમાં બધું સંભવે!

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – ઈશ્વર અવતાર લઈ શકે એ વાત તેમના અંગ્રેજી ‘સાયન્સ’ (અંગ્રેજી વિજ્ઞાન-શાસ્ત્ર)માં નથી! એટલે પછી કેવી રીતે શ્રદ્ધા બેસે? (સૌનું હાસ્ય).

‘એક વાત સાંભળો. એક જણ આવીને કહે કે ‘અરે એય! પેલી શેરીમાં હું જોઈ આવ્યો કે અમુકનું મકાન કડેડાટ કરતુંને પડી ગયું હતું!’ જેણે તેને વાત કરી તે અંગ્રેજી ભણતર ભણ્યો હતો. તેણે કહ્યું કે ‘અરે જરા ખમો! એક વાર છાપું તો જોઈએ!’ છાપું વાંચીને જોયું કે તેમાં પેલું મકાન પડી ગયાના ખબર ક્યાંય ન હતા. એટલે તે માણસ બોલી ઊઠ્યો કે ‘જાઓ, તમારી વાત હું માનતો નથી. એ મકાન પડી ગયાના સમાચાર છાપામાં ક્યાં છે? માટે તમારી એ વાત ખોટી!’ (સૌનું હાસ્ય).

ગિરીશ (ડૉક્ટરને) – આપે શ્રીકૃષ્ણને ઈશ્વર માનવા જ પડશે. આપને માણસ માનવા દઈશ નહિ. તમારે કહેવું જ પડશે કે એ Demon or God (કાં તો શેતાન ને કાં તો ઈશ્વર)!

(સરળતા અને ઈશ્વરશ્રદ્ધા)

શ્રીરામકૃષ્ણ – માણસ સરળ ન હોય તો ઈશ્વરમાં ઝટ દઈને શ્રદ્ધા બેસે નહિ. સંસારી બુદ્ધિથી ઈશ્વર બહુ જ દૂર! સંસારી બુદ્ધિ હોય તો એને અનેક સંશય આવે! અનેક પ્રકારનો અહંકાર આવે, પંડિતાઈનો અહંકાર, ધનનો અહંકાર, એ બધો. પણ આ (ડૉક્ટર) સરળ!

ગિરીશ (ડૉક્ટરને) – મહાશય! શું કહો છો? કપટીને કંઈ જ્ઞાન થાય?

ડૉક્ટર – રામ.. રામ! એવું કંઈ થાય!

શ્રીરામકૃષ્ણ – ‘કેશવ સેન કેવા સરળ હતા! એક દિવસ ત્યાં (રાસમણિને કાલી-મંદિરે) આવ્યા હતા. અતિથિશાળા જોઈને સાંજે ચાર વાગ્યાને સમયે કહે છે, ‘હેં ભાઈ! અતિથિ, કંગાલ ભિખારીઓને ક્યારે જમાડવાના?’

શ્રદ્ધા જેટલી વધશે, જ્ઞાન પણ તેટલું વધશે. જે ગાય વીણી વીણીને ખાય તે છરક છરક કરીને દૂધ દે. પણ જે ગાય પાંદડાં, છોતરાં, ભૂસું, જે આપો તે ગબગબ કરીને ખાઈ તે ગાય ભર્ર્ર્ ભર્ર્ર્ કરીને દૂધ દે. (સૌનું હાસ્ય).

બાળક જેવી શ્રદ્ધા ન હોય તો ઈશ્વરને પામી શકાય નહિ. માએ કહ્યું છે કે અમુક તારા મોટાભાઈ થાય તો બાળકની ખાતરી કે એ મારો સોળે સોળ આના મોટો ભાઈ. મા કહે કે ત્યાં હાઉ છે, તો બાળકની સોળે સોળ આના ખાતરી કે એ ઘરમાં હાઉ છે! એવી બાળક જેવી શ્રદ્ધા જોઈને ઈશ્વરને દયા આવે. વ્યવહારુ બુદ્ધિથી ઈશ્વરને પામી શકાય નહિ.

ડૉક્ટર (ભક્તો તરફ જોઈને) – પણ ગાય જે તે ખાઈને દૂધ આપે એ સારું નહિ. મારી એક ગાયને એ રીતે જે તે ખવડાવતા. પરિણામે હું ખૂબ માંદો પડ્યો. ત્યારે મેં વિચાર કર્યાે કે આનું કારણ શું? ખૂબ ઝીણવટભરી તપાસ કરતાં કરતાં પત્તો લાગ્યો કે ગાયે ભાતની કણકી ને એવું બીજું કેટલુંય ખાધું હતું. પછી તો ભારે ઉપાધિ! હવાફેર કરવા લખનૌ જવું પડ્યું! છેવટે બાર હજાર રૂપિયાનો ખરચ! (સૌનું ખડખડાટ હાસ્ય).

શેમાંથી શું થાય એ કહી શકાય નહિ. પાક પાડાના બાબુઓને ત્યાં સાત મહિનાની એક છોકરી માંદી થઈ ગઈ હતી. ઉટાંટિયો ને ઉધરસ (whooping cough) થઈ હતી. હું જોવા ગયો હતો. કોઈ રીતે દરદનું કારણ નક્કી કરી શકતો ન હતો. છેવટે ખબર પડી કે ગધેડી ભીંજાઈ હતી! જે ગધેડીનું દૂધ તે છોકરીને પાતા હતા તે. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – શું કહો છો? આ તો આંબલીના ઝાડ નીચે મારી ગાડી ગઈ હતી એટલે મને અમ્લ-શૂળનું દર્દ થયું છે એના જેવી વાત! (ડૉક્ટર અને સૌનું હાસ્ય).

ડૉક્ટર (હસતાં હસતાં) – એક વહાણના કેપ્ટનનું માથું બહુ જ ચડ્યું હતું. એટલે વહાણના ડૉક્ટરોએ મસલત કરીને વહાણની જ બાજુએ  (blister) (ફોડલો ઉઠાવવા માટેની મલમ પટ્ટી) લગાડી દીધું! (સૌનું હાસ્ય).

(સાધુસંગ અને ભોગવિલાસત્યાગ)

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – સાધુસંગની હંમેશાં જરૂર છે, (સંસાર) રોગ તો લાગેલો જ છે. સાધુઓ જે પ્રમાણે કહે, તે પ્રમાણે કરવું જોઈએ. એકલું સાંભળ્યે શું વળે? દવા ખાવી જોઈએ. ખાવાપીવામાં સંભાળ રાખવી જોઈએ. પથ્ય પાળવું જોઈએ.

ડૉક્ટર – પથ્યથી જ મટી જાય.

શ્રીરામકૃષ્ણ – વૈદ્ય ત્રણ પ્રકારના : ઉત્તમ વૈદ્ય, મધ્યમ વૈદ્ય ને અધમ વૈદ્ય. જે વૈદ્ય આવીને નાડી જોઈને ‘દવા લેજો હો!’ એટલું કહીને ચાલ્યો જાય તે અધમ વૈદ્ય. રોગીએ દવા લીધી કે નહિ એ ખબર તે રાખે નહિ. અને જે વૈદ્ય રોગીને દવા લેવા સારુ ઘણું ઘણું સમજાવે, મીઠા શબ્દોમાં કહે કે ‘અરે, દવા લીધા વિના મટે કેવી રીતે, તમે તો સમજુ છો ને? હું પોતે દવા વાટી દઉં છું; લો; પીઓ’, એ મધ્યમ વૈદ્ય. અને જે વૈદ્ય રોગી કોઈ રીતે દવા પીતો જ નથી એ જોઈને રોગીની છાતી ઉપર ચડી ગોઠણ ભરાવીને પરાણે દવા ગળે ઉતારી દે એ ઉત્તમ વૈદ્ય.

ડૉક્ટર – વળી એવી પણ દવા છે કે જેમાં છાતી પર ગોઠણ ભરાવવા પડે જ નહિ. જેમ કે હોમિયોપથી.

શ્રીરામકૃષ્ણ – ઉત્તમ વૈદ્ય છાતી પર ગોઠણ ભરાવે તોય તેમાં ડરવાનું કારણ નથી.

વૈદ્યની પેઠે આચાર્યાે ત્રણ પ્રકારના. જે આચાર્ય ધર્માેપદેશ દઈને પાછળથી શિષ્યોની કંઈ સંભાળ ન લે એ અધમ આચાર્ય. જે શિષ્યોના કલ્યાણ સારુ તેમને વારંવાર સમજાવે, કે જેથી તેઓ ઉપદેશની ધારણા કરી શકે; પ્રેમ દેખાડે, અનેક રીતે સમજાવે, તે મધ્યમ પ્રકારના આચાર્ય. અને જ્યારે શિષ્યો કોઈ રીતે કાન દેતા નથી એ જોઈને કોઈ કોઈ આચાર્ય જોર સુધ્ધાં વાપરે તેને હું કહું ઉત્તમ આચાર્ય.

(સ્ત્રીઓ અને સંન્યાસી – સંન્યાસીઓ માટે કઠિન નિયમ)

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – સંન્યાસીને માટે કામિની-કાંચનનો ત્યાગ. સંન્યાસીઓએ સ્ત્રીઓનું ચિત્ર સુધ્ધાં જોવું નહિ. સ્ત્રીઓ શેના જેવી તે જાણો છો? જાણે કે અથાણાં આંબલી. મનમાં વિચાર આવતાં જ મોઢામાં પાણી છૂટે. અથાણાં આંબલી પાસે લાવવાની જરૂર રહે નહિ.

પરંતુ આ વાત તમારે માટે નથી. એ છે સંન્યાસીઓ માટે. તમારે સ્ત્રીઓની સાથે બને તેટલું અનાસક્ત થઈને રહેવું. સમયે સમયે જઈને એકાંતમાં ઈશ્વર-ચિંતન કરવું. અને ત્યાં તેમનામાંથી કોઈ હોવું ન જોઈએ. ઈશ્વરમાં વિશ્વાસ, ભક્તિ આવે તો ઘણે અંશે અનાસક્ત થઈને રહી શકાય. એક બે છોકરાં થઈ ગયાં એટલે સ્ત્રી-પુરુષ બન્નેએ ભાઈબહેનની પેઠે રહેવું; અને હંમેશાં ઈશ્વરની પ્રાર્થના કરવી, કે જેથી ઇન્દ્રિય-સુખમાં મન ન જાય, છૈયાંછોકરાં ન થાય.

ગિરીશ (હસતાં હસતાં ડૉક્ટરને) – આપ અહીંયાં ત્રણ ચાર કલાકથી બેઠા છો તે દરદીઓને જોવા નથી જવું?

ડૉક્ટર – હવે ક્યાં ડૉક્ટરનો ધંધો, અને ક્યાં રોગી! આ એક પરમહંસ થયા છે તેથી મારું બધું ગયું! (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – જુઓ કર્મનાશા નામની એક નદી છે. એ નદીમાં ડૂબકી મારવી એ મોટી મુશ્કેલી. એથી કર્મ નાશ થઈ જાય. એ વ્યક્તિ પછી કોઈ જાતનું કર્મ કરી શકે નહિ. (ડૉક્ટર અને સૌનું હાસ્ય).

ડૉક્ટર (માસ્ટર, ગિરીશ અને બીજા ભક્તોને) – જુઓ, હું તમારો જ છું. રોગને માટે માનતા હો તો નહિ, પણ તમારો પોતાનો માણસ સમજીને જો માનો, તો હું તમારો.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – એક છે અહૈતુકી ભક્તિ. એ જો આવે તો બહુ સારું. પ્રહ્લાદની અહૈતુકી ભક્તિ હતી. એવો ભક્ત કહેશે, ‘હે ઈશ્વર! મારે ધન, માન, દેહસુખ એમાંનું કંઈ જ જોઈએ નહિ. એવું કરો કે જેથી તમારાં ચરણકમલમાં મને શુદ્ધ ભક્તિ આવે.

ડૉક્ટર – હા, કાલી-મંદિરે લોકોને પ્રણામ કરતા જોયા છે. અંદર હોય કેવળ કામના, કે ‘મા, મને નોકરી અપાવો, મારો રોગ મટાડી દો એ બધું.

(શ્રીરામકૃષ્ણને) જે દરદ તમને થયું છે, તેમાં માણસો સાથે વાતચીત નહિ કરવાની. પણ જ્યારે હું આવું ત્યારે માત્ર મારી સાથે જ વાતચીત કરવી. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – આ રોગ મટાડી દો; ભગવાનનાં નામ-ગુણ-કીર્તન કરવાનું બનતું નથી!

ડૉક્ટર – ધ્યાન કરો ને, એટલે થયું!

શ્રીરામકૃષ્ણ – એ કેવી વાત? હું એકધોયો શું કરવા થાઉં? હું તો પાંચ પ્રકારે શાક બનાવીને ખાઉં! ક્યારેક મોળું, પાણીવાળું શાક,ક્યારેક તીખું મરચાંવાળું, તો ક્યારેક ખાટું આંબલીવાળું, તો ક્યારેક તેલમાં તળેલું. તેમ ક્યારેક પૂજા, ક્યારેક જપ, ક્યારેક ધ્યાન, અથવા ક્યારેક પ્રભુનું નામ-ગુણ-કીર્તન કરું, તો ક્યારેક પ્રભુનું નામ લેતો નાચું.

ડૉક્ટર – હુંય એકધોયો નથી.

(અવતારમાં ન માનીએ તો કંઈ દોષ ખરો?)

શ્રીરામકૃષ્ણ – તમારો દીકરો અમૃત અવતારમાં માનતો નથી. તે એમાં શું ખોટું? ઈશ્વરમાં નિરાકાર તરીકે શ્રદ્ધા હોય તોય તેમને પામી શકાય. તેમજ વળી સાકાર તરીકે શ્રદ્ધા હોય તોય તેમને પામી શકાય. ઈશ્વરમાં શ્રદ્ધા હોવી અને તેના શરણાગત થવું એ બેની જરૂર છે. માણસ તો અજ્ઞાની; તેની ભૂલ તો થાય જ. એક શેરના લોટામાં કાંઈ ચાર શેર દૂધ સમાય? ગમે તે માર્ગે હો, વ્યાકુળ થઈને ઈશ્વરને બોલાવવો જોઈએ. પ્રભુ તો અંતર્યામી. ખરા અંતઃકરણનો પોકાર એ સાંભળે જ સાંભળે. વ્યાકુળતાપૂર્વક તમે સાકારવાદીને માર્ગે જાઓ, અથવા નિરાકારવાદીને માર્ગે જાઓ, ઈશ્વરને પામશો જ.

પુરણપોળી સીધી રાખીને ખાઓ અથવા આડી કરીને ખાઓ પણ મીઠી લાગે જ. તમારો દીકરો અમૃત બહુ સારો.

અમૃત

ડૉક્ટર – એ તમારો ચેલો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય, ડૉક્ટરને) – કોઈ સાલો મારો ચેલો નથી. હું જ સૌનો ચેલો છું. સૌ ઈશ્વરનાં બાળક, ઈશ્વરના દાસ; હું પણ તેનો જ બાળક, હું પણ તેનો જ દાસ.

ચાંદામામા સૌના મામા (સભામાંના સૌનો આનંદ અને હાસ્ય).

Total Views: 371
ખંડ 42: અધ્યાય 5 : રાજપથમાં શ્રીરામકૃષ્ણનો અદ્‌ભુત ઈશ્વરાવેશ
ખંડ 42: અધ્યાય 6 : ઠાકુર ભક્તોના ઘરે - સમાચારપત્ર - નિત્યગોપાલ