ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ બલરામના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. ગિરીશ, માસ્ટર, બલરામ પાછળથી છોટો નરેન, પલ્ટુ, દ્વિજ, પૂર્ણ, મહેન્દ્ર મુખર્જી વગેરે ભક્તો હાજર છે. ત્યાર બાદ બ્રાહ્મ-સમાજના શ્રીયુત્ ત્રૈલોક્ય સાન્યાલ, જયગોપાલ સેન વગેરે ઘણાય ભક્તો આવ્યા. સ્ત્રી-ભક્તો પણ ઘણીયે આવેલી છે. તેઓ ચકની પાછળ બેસીને ઠાકુરનાં દર્શન કરે છે. મોહિનીમોહનની સ્ત્રી પણ આવી છે. પુત્રશોકથી ગાંડી જેવી બનેલી તે અને તેના જેવાં સંતપ્ત ઘણાંય આવ્યાં છે : એવી શ્રદ્ધાથી કે ઠાકુરની પાસે જરૂર શાંતિ મળશે.

આજે ચૈત્ર વદ તેરસ; ૧૨મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૫. સમય ત્રણેક વાગ્યાનો.

માસ્ટરે આવીને જોયું તો ઠાકુર ભક્તોની સભા ભરીને બેઠા છે ને પોતાની સાધનાનું વિવરણ અને વિવિધ જાતની આધ્યાત્મિક અવસ્થાઓનું વર્ણન કરી રહ્યા છે. માસ્ટરે આવીને જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કર્યા અને તેમના કહેવાથી તેમની પાસે આવીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – એ વખતે (સાધનાને વખતે) ધ્યાનમાં જોઈ શકતો કે ખરેખર એક જણ હાથમાં ત્રિશૂળ લઈને બાજુમાં બેઠો છે. બીક દેખાડે છે કે જો ઈશ્વરનાં ચરણકમલમાં મન નહિ રાખું તો ત્રિશૂળથી મને મારશે, મન બરાબર નહિ હોય તો છાતી ભેદાઈ જવાની!

(નિત્યલીલાયોગ – પુરુષપ્રકૃતિવિવેકયોગ)

ક્યારેક મા એવી અવસ્થા કરી દેતાં કે નિત્યમાંથી મન લીલામાં ઊતરી આવતું, તો વળી ક્યારેક મન લીલામાંથી નિત્યે ચડતું.

જ્યારે લીલામાં મન ઊતરી આવતું ત્યારે ક્યારેક સીતા-રામનું રાતદિન ચિંતન કરતો અને સીતા-રામના સ્વરૂપનું હંમેશાં દર્શન થતું. રામલાલાને (બાલ-રામની અષ્ટ ધાતુની બનાવેલી નાની મૂર્તિને) લઈને આખો દિવસ ફર્યા કરતો. ક્યારેક તેને નવરાવતો, ક્યારેક ખવડાવતો. વળી ક્યારેક રાધા-કૃષ્ણના ભાવમાં રહેતો. ત્યારે એ સ્વરૂપનું હમેશાં દર્શન થતું. વળી ક્યારેક ગૌરાંગના ભાવમાં રહેતો, તેમાં બન્ને ભાવનું મિલન; પુરુષ અને પ્રકૃતિ ભાવનું મિલન. એ અવસ્થામાં હમેશાં ગૌરાંગના સ્વરૂપનું દર્શન થતું. વળી પાછી અવસ્થા બદલાઈ ત્યારે લીલા છોડીને નિત્યમાં મન ચડી ગયું. સરગવાનાં ને તુલસીનાં પાન એક સરખાં જ લાગવા માંડ્યાં. પછી ઈશ્વરી રૂપો ગમતાં નહિ. મેં કહ્યું કે આ બધી સ્થિતિમાં પણ (પ્રભુથી) અલગતા રહેલી છે. તેથી તેમને નીચે રાખી દીધાં. ઓરડામાં જેટલી દેવ-દેવતાઓની છબીઓ હતી એ બધી ઉતારી નાખી. કેવળ એ અખંડ સચ્ચિદાનંદ, આદિપુરુષનું ચિંતન કરવા લાગ્યો. હું પોતે દાસીભાવે રહ્યો, એ પુરુષની દાસી!

‘મેં બધી જાતની સાધના કરી છે. સાધના ત્રણ પ્રકારની : સાત્ત્વિક, રાજસિક, તામસિક. સાત્ત્વિક સાધનામાં સાધક આતુર થઈને ઈશ્વરને બોલાવે, અથવા ઈશ્વરનું કેવળ નામ લઈને રહે. બીજી કશીયે ફળની ઇચ્છા નહિ. રાજસિક સાધનામાં અનેક જાતની પ્રક્રિયાઓ : આટલાં પુરશ્ચરણ કરવાં, આટલાં તીર્થ કરવાં, પંચતપ કરવું પડે, ષોડશોપચાર પૂજા કરવી જોઈએ વગેરે હોય. તામસિક સાધના એ તમોગુણનો આધાર લઈને કરેલી સાધના. જેમ કે ‘જય કાલી! શું તું દર્શન નહિ દે? અબઘડી ગળે છરી ફેરવી દઉં, જો તું દર્શન ન દે તો!’ એ સાધનામાં શુદ્ધાચાર નહિ. જેમ કે તંત્રોની સાધના.

‘એ અવસ્થામાં (સાધના અવસ્થામાં) અદ્‌ભુત અદ્‌ભુત દર્શનો થતાં, આત્માનું રમણ પ્રત્યક્ષ જોયું. મારા જેવા જ સ્વરૂપનો એક જણ મારા શરીરની અંદર પ્રવેશ કરવા લાગ્યો. અને પછી ષડ્-પદ્મમાંથી પ્રત્યેક પદ્મની સાથે રમણ કરવા લાગ્યો. ષડ્-પદ્મ બિડાયેલાં હતાં. ઠક ઠક કરીને રમણ કરે અને એક એક પદ્મ ખીલી ઊઠે અને ઊર્ધ્વમુખ થઈ જાય! એ પ્રમાણે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્રાર વગેરે બધાં પદ્મ ખીલી ઊઠ્યાં અને અધોમુખ હતાં તે ઊર્ધ્વમુખ થયાં એ મેં પ્રત્યક્ષ જોયું.

(ધ્યાનયોગ-સાધના – ‘નિવાતનિષ્કંપમીવ પ્રદીપમ્’)

‘સાધના વખતે ધ્યાન કરતાં કરતાં હું આરોપણ કરતો દીવાની શિખાનું.જ્યારે હવા જરાય ન હોય ને બિલકુલ હલે ચલે નહિ, એવી દીપશિખાનું આરોપણ કરતો.

‘ગંભીર ધ્યાનમાં સાધક બાહ્યભાન રહિત થઈ જાય. જેમ કે એક શિકારી પક્ષી મારવા સારુ નિશાન લે છે. તેની પાસેથી વરઘોડો ચાલ્યો જાય છે. સાથે જાનૈયા, કેટલીય રોશની, વાજિંત્રો, ઘોડાગાડી વગેરે ક્યાંય સુધી પાસેથી ચાલ્યાં ગયાં, પણ શિકારીને ભાન નહિ. એને ખબર જ પડી નહિ કે પાસે થઈને વરઘોડો પસાર થયો.

‘એક જણ એકલો તળાવને કાંઠે બેસીને માછલાં પકડે છે. (હાથમાં માછલી પકડવાની સોટી.) કેટલીય વાર પછી ઉપરનું બરુ હાલવા લાગ્યું, વચ્ચે વચ્ચે આડું થઈ જવા લાગ્યું. ત્યારે તે માણસ સોટીને ઉપર ખેંચવાની તૈયારીમાં છે. એ વખતે એક વટેમાર્ગુ તેની નજીક આવીને પૂછે છે કે ‘ભાઈ, ફલાણા બેનર્જીનું ઘર ક્યાં એ બતાવી શકશો?’ કશોય જવાબ નહિ. પેલો માણસ એ વખતે હાથમાંની સોટીને આંચકો મારવાની તૈયારીમાં છે. વટેમાર્ગુ ઊંચે અવાજે વારંવાર કહેવા લાગ્યો, ‘ભાઈ! ફલાણા બેનર્જીનું મકાન ક્યાં એ બતાવી શકશો?’ આને કશો ખ્યાલ જ નહિ; તેનો તો હાથ ધ્રૂજે છે, માત્ર તરતા બરુના ટુકડા તરફ જ નજર. આથી વટેમાર્ગુ નારાજ થઈને ચાલ્યો ગયો. તેના ઘણે દૂર ચાલ્યા ગયા પછી અહીં બરુ ડૂબ્યું અને એ સાથે જ આ માણસે આંચકો મારીને માછલું બહાર ખેંચી લીધું. એ પછી અંગૂછાથી મોઢા પરનો પરસેવો લૂછીને બૂમ મારીને વટેમાર્ગુને બોલાવવા લાગ્યો કે ‘અરે એય! સાંભળો, સાંભળો!’ વટેમાર્ગુ પાછો ફરવા તૈયાર નહિ. ખૂબ બૂમાબૂમ પછી એ પાછો ફર્યો. આવીને કહે છે, ‘કેમ ભાઈ, વળી પાછા શા માટે બોલાવો છો?’ એટલે તેણે કહ્યું, ‘શું પૂછતા હતા તમે?’ એટલે વટેમાર્ગુ કહે છે કે ‘અરે ભલા માણસ! એ વખતે કેટલીય વાર પૂછ્યું તોય જવાબ ન આપ્યો ને હવે પૂછો છો કે ‘શું પૂછતા હતા તમે?’ પેલાએ જવાબ આપ્યો, ‘ભાઈ, એ વખતે બરુ ડૂબતું હતું, એટલે હું કાંઈ જ સાંભળી શક્યો નહિ!’

‘ધ્યાનમાં એવી એકાગ્રતા થાય કે બીજું કંઈ દેખી ન શકાય; સાંભળવામાં પણ ન આવે, સ્પર્શનું જ્ઞાન પણ થાય નહિ. સાપ શરીર પર થઈને ચાલ્યો જાય તોય ખબર પડે નહિ! જે ધ્યાન કરે એ પણ સમજી શકે નહિ. સાપ પણ જાણી શકે નહિ.

ગાઢ ધ્યાનમાં ઇન્દ્રિયોનાં બધાં કામકાજ બંધ થઈ જાય. મન જરાય બહિર્મુખ રહે નહિ. જાણે કે દરવાજાનાં કમાડ દેવાઈ ગયાં; ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધાય બહાર પડ્યા રહે.

ધ્યાન વખતે પ્રથમ ઇન્દ્રિયોના વિષયો બધા સામે આવે. ગંભીર ધ્યાન વખતે એ બધા આવે નહિ, બહાર પડ્યા રહે. ધ્યાન કરતાં કરતાં મને કેટલાં દર્શનો થતાં! મેં પ્રત્યક્ષ જોયું કે સામે સોનામહોરનો ચરુ, શાલ, થાળ ભરીને મીઠાઈ, બે સુંદર સ્ત્રીઓ, તેમનાં નાકમાં મોટી નથ- વગેરે બધું રહ્યું છે. મનને પૂછ્યું કે મન, આમાંથી તું શું ઇચ્છે છે? આમાંથી કોઈ ભોગ ભોગવવાની ઇચ્છા છે? મન બોલ્યું, ‘ના, કંઈ ઇચ્છતું નથી. ઈશ્વરનાં ચરણકમલ સિવાય બીજું કંઈ ન જોઈએ.’ સ્ત્રીઓની અંદર બહાર બધું જોઈ શક્યો, જેમ કાચના ઓરડા માંહેની બધી ચીજો બહારથી જોઈ શકાય તેમ. તેમની અંદર જોયું તો માંસ, આંતરડાં, રક્ત, વિષ્ટા, કૃમિ, કફ, પેશાબ એ બધું.’

(અષ્ટસિદ્ધિ અને ઠાકુર શ્રીરામકૃષ્ણ – ગુરુગીરી અને વેશ્યાવૃિત્ત)

શ્રીયુત્ ગિરીશ વચ્ચે વચ્ચે ઠાકુરનું નામ લઈને રોગ મટાડવાનું કહેતા.

શ્રીરામકૃષ્ણ (ગિરીશ વગેરે ભક્તોને) – જેઓ હીન બુદ્ધિના હોય તેઓ જ સિદ્ધિ માગે; જેવી કે રોગ મટાડવાનું, કેસ જિતાડવાનું, પાણી પર ચાલ્યા જવાનું, એ બધું. જેઓ શુદ્ધ ભક્ત હોય તેઓ ઈશ્વરનાં ચરણકમલ વિના બીજું કાંઈ માગે નહિ. હૃદય એક દિવસ કહે છે કે ‘મામા! માતાજી પાસેથી કાંઈક શક્તિ માગો, થોડીક સિદ્ધિ માગો!’ મારો તો બાળકના જેવો સ્વભાવ. કાલી-મંદિરમાં જપ કરતી વખતે માને કહ્યું: ‘મા, હૃદુ કહે છે કે કંઈ શક્તિ માગો, કાંઈક સિદ્ધિ માગો.’ તરત માએ દેખાડી દીધું કે સામે આવીને ઘાઘરો ઊંચો કરીને પાછળ ફરીને ઝાડે જવા બેઠી હતી એક ઘરડી વેશ્યા, ચાળીસેક વર્ષની, મોટા મોટા નિતંબવાળી, કાળી કિનારના ઘાઘરાવાળી.. વિષ્ટા ત્યાગ કરે છે. માએ બતાવી દીધું કે સિદ્ધિ એ આ ઘરડી વેશ્યાની વિષ્ટા સમાન! એટલે પછી જઈને હૃદયને ધમકાવ્યો અને કહ્યું કે ‘તેં શું કામ મને એવી વાત શીખવી મૂકી? એને લીધે તો મારે આવું જોવું પડ્યું?’

‘જેમનામાં જરાક સિદ્ધિ હોય તેમને પ્રતિષ્ઠા, માનમરતબો એ બધું મળે. ઘણાયની ઇચ્છા હોય છે કે ગુરુપણું કરીએ – પાંચ માણસો ગણે, માને; શિષ્ય-સેવકો થાય. માણસો કહે કે ગુરુચરણના ભાઈનું આજકાલ બહુ સારુ જામી ગયું છે. કેટલાય માણસો આવે જાય; ચેલા, સેવકો કેટલાય થયા છે; ઘરમાં સમૃદ્ધિની છનાછની થઈ રહી છે. કેટલાય માણસો કેટલીય ચીજો લઈને આવે છે. એની એવી શક્તિ થઈ છે કે એ જો ધારે તો કેટલાય માણસોને ખવરાવી શકે!

‘પણ ગુરુપણું એ વેશ્યાવૃિત્ત જેવું! ધૂળરાખ જેવા પૈસાટકા માટે, માણસોમાં નામ કાઢવું, પગચંપી તથા શરીરની સેવા કરાવવી, એ બધાને સારુ જાત વેચી દેવી! જેનાથી ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય એ શરીર, મન અને આત્માનો સામાન્ય વસ્તુ સારુ આવો ઉપયોગ કરવો એ સારું નથી. (નાત્માનમવસાદયેત્ – ગીતા.૬.૫) એક જણ કહેતો હતો કે હમણાં ગુલાબડીને બહુ સારો સમય આવ્યો છે. હમણાં તો એની સ્થિતિ બહુ જ સારી છે; મજાનું એક ઘર ભાડે રાખ્યું છે; ત્યાં પલંગ, વાસણકુસણ, ગાદીતકિયા વગેરે. કેટલાય માણસો એને વશ છે, આવે છે, જાય છે! એટલે કે ગુલાબડી વેશ્યા થઈ છે; એટલે સુખ મા’તું નથી! પહેલાં તે એક ગૃહસ્થને ઘેર કામવાળી હતી. હવે એ વેશ્યા થઈ છે! સામાન્ય વસ્તુઓ સારુ પોતાનો સર્વનાશ!

(શ્રીરામકૃષ્ણનું સાધના વખતે પ્રલોભન (Temptation) – અભેદ બુદ્ધિ)

શ્રીરામકૃષ્ણ અને ઇસ્લામધર્મ

‘સાધના વખતે ધ્યાન કરતાં કરતાં, એ ઉપરાંત પણ બીજું કેટલુંય જોતો. બીલીના ઝાડ નીચે ધ્યાન કરી રહ્યો છું. એ વખતે પાપ-પુરુષ આવ્યો ને કેટલીય જાતની લાલચ દેખાડવા લાગ્યો. તે ગોરા સોલ્જરનું રૂપ લઈને આવ્યો હતો. તેણે પૈસાટકા, માનમરતબો, કીર્તિ, રમણ-સુખ, વિવિધ જાતની સિદ્ધિઓ એ બધું મને આપવા માંડ્યું. હું માનું સ્મરણ કરવા લાગ્યો. આ અતિ ગુહ્ય વાત. માએ દર્શન દીધાં. એટલે માને મેં કહ્યું કે ‘મા, આને કાપી નાખો!’ માનું એ રૂપ, એ ભુવનમોહન રૂપ બરાબર યાદ આવે છે! કૃષ્ણમયીનું રૂપ! (કૃષ્ણમયી બલરામની નાની છોકરી, નાની છોકરીનું સ્વરૂપ ધારણ કરીને આવેલાં) પરંતુ એમની દૃષ્ટિથી આખું જગત જાણે કે ડોલી રહ્યું છે.’

જરા વાર ઠાકુર બોલતા બંધ રહ્યા. વળી પાછા બોલે છે : ‘એ ઉપરાંત જે કેટલુંક જોતો તે તો બોલાતું નથી. જાણે કે કોઈક મોઢું બંધ કરી રાખે છે!’

‘સરગવો ને તુલસી (પાન) એક સરખાં લાગતાં. ભેદબુદ્ધિ દૂર કરી દીધી. વડ નીચે ધ્યાન કરું છું, ત્યાં જોયું તો એક દાઢીવાળો મુસલમાન પુરુષ (મહમદ પેગંબર) એક થાળીમાં ભાત લઈને સામો આવ્યો. એ થાળીમાંથી મુસલમાનોને ખવડાવીને મનેય થોડુંક આપી ગયો. માએ દેખાડ્યું કે સત્ય એક જ; બે નહિ! સચ્ચિદાનંદ જ વિવિધ રૂપ ધારણ કરીને રહેલો છે; એ જ જીવ, જગત બધું થઈ રહ્યો છે. એ જ અન્ન થઈ રહ્યો છે.

(ઠાકુર શ્રીરામકૃષ્ણનો બાલકભાવ અને ભાવાવેશ)

(ગિરીશ, માસ્ટર વગેરેને) – ‘મારો બાળક જેવો સ્વભાવ. હૃદય કહે છે કે ‘મામા! માને કંઈક શક્તિ માટે કહો.’ હું તો તરત માને કહેવા ચાલ્યો. માએ મને એવી અવસ્થામાં રાખ્યો છે કે જે વ્યક્તિ પાસે રહે તેનું કહેવું સાંભળવું પડે. નાનું છોકરું જેમ તેની પાસે કોઈ ન હોય તો અંધારું જ જુએ, મને પણ એમ થતું. હૃદય પાસે ન હોય તો મારો જીવ નીકળી જવા જેવું થતું. જુઓ, મારામાં એ ભાવ આવી રહ્યો છે. વાત કરતાં કરતાં ઉદ્દીપન થાય.’

એ બોલતાં બોલતાં ઠાકુર ભાવ-મગ્ન થતા જાય છે. દેશકાળનું ભાન ચાલ્યું જાય છે. અતિ કષ્ટે ભાવ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાવમાં બોલે છે : ‘હજીયે તમને દેખી શકું છું, પણ એવું લાગે છે કે જાણે ચિરકાળથી તમે બેઠેલા છો; ક્યારે આવ્યા છો, ક્યાં આવ્યા છો એ કશુંય યાદ નથી!’

ઠાકુર કેટલોક વખત સ્થિર રહ્યા.

સહેજ સ્વસ્થ થઈને કહે છે કે ‘પાણી પીવું છે.’ સમાધિભંગ થયા પછી મનને જગત-ભાનમાં ઉતારવા માટે ઠાકુર એ શબ્દો ઘણે ભાગે બોલે. ગિરીશ નવા નવા આવેલા છે. એમને એ ખબર નથી એટલે પાણી લેવા જાય છે. ઠાકુર અટકાવીને કહે છે કે ‘ના બાપુ, અત્યારે પી શકું એમ નથી.’

ઠાકુર અને ભક્તો ઘણીક વાર ચૂપ રહ્યા છે. હવે ઠાકુર વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – હેં ભાઈ! આમ કરવાથી શું મેં કશો અપરાધ કર્યો, આ બધી ગુપ્ત વાતો કહી દેવામાં?

માસ્ટર શો જવાબ આપે? એટલે એ ચૂપ રહે છે. ઠાકુર વળી બોલે છે, ‘ના; અપરાધ શા માટે થાય? હું તો માણસોને વિશ્વાસ બેસે એટલા સારુ બોલ્યો છું!’ થોડીક વાર પછી જાણે કે કેટલીય વિનંતી કરીને કહે છે :

‘તમે તેની સાથે મુલાકાત કરાવી દેશો?’ (એટલે કે પૂર્ણની સાથે).

માસ્ટર (સંકુચિત ભાવે) – જી, હમણાં જ ખબર મોકલું છું.

શ્રીરામકૃષ્ણ (આગ્રહપૂર્વક) – અહીં છેડો મળે છે!

ઠાકુર શું એમ કહે છે કે તેમની પાસે આવનાર અંતરંગ ભક્તોની અંદર પૂર્ણ એ છેલ્લો ભક્ત; એની પછીના ખાસ કોઈ અંતરંગ નહિ?

Total Views: 399
ખંડ 42: અધ્યાય 14 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દેવેન્દ્રના ઘરે ભક્તો સાથે
ખંડ 43: અધ્યાય 2 : પૂર્વકથા - શ્રીરામકૃષ્ણનો મહાભાવ - બ્રાહ્મણીની સેવા