ગિરીશ, માસ્ટર વગેરેને સંબોધીને ઠાકુર પોતાની મહાભાવની અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – એ અવસ્થા પછી આનંદ પણ અનેરો; પહેલાં કષ્ટ પણ તેવું જ! મહાભાવ એ ઈશ્વરીય ભાવ, આ શરીર-મનને ઊથલપાથલ કરી નાખે. જાણે કે નાનકડી ઝૂંપડીમાં મોટો હાથી ઘૂસ્યો છે. ઝૂંપડી ઊથલપાથલ થઈ જાય; કાં તો ભાંગીને ચૂરેચૂરાય થઈ જાય!

ઈશ્વરનો વિરહાગ્નિ સામાન્ય નહિ. (ગૌરાંગ પ્રભુના પાર્ષદો) રૂપ અને સનાતન જે ઝાડ નીચે બેસતા તેનાં પાંદડાં સુકાઈ જઈને ખોખાં થઈ જતાં. હું એ અવસ્થામાં ત્રણ દિવસ સુધી બેહોશ થઈને પડ્યો રહ્યો હતો. હાલીચાલી શકતો નહિ. એક જગાએ પડ્યો રહેતો. જરા હોશમાં આવતો ત્યારે (ભૈરવી) બ્રાહ્મણી મારો હાથ ઝાલીને સ્નાન કરાવવા લઈ જતી. પરંતુ તેનાથી મારા શરીરને અડાતું નહિ. મારું આખું શરીર એક જાડી ચાદરથી ઢાંકી રાખતો. બ્રાહ્મણી એ ચાદરની ઉપર હાથ મૂકીને મને પકડી લઈને જતી. મારે શરીરે જે બધી માટી લાગી હતી એ શેકાઈને બળી ગઈ હતી!

જ્યારે એ અવસ્થા આવતી ત્યારે મેરુદંડની અંદર થઈને જાણે કે કોઈએ હળની કોશ ચલાવી હોય એમ થતું. ‘જીવ નીકળી જાય છે, જીવ નીકળી જાય છે’ એમ બૂમ પાડતો! પરંતુ ત્યાર પછી ખૂબ જ આનંદ!’

ભક્તો આ મહાભાવની અવસ્થાનું વર્ણન આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – તમારે આટલું બધું કરવાની જરૂર નથી. મારા અનુભવો તો ઉદાહરણ-પ્રમાણ રૂપ થવા માટે છે, માટે. તમે બધા તો સંસારની પાંચ ચીજો લઈને રહો છો; હું એક ઈશ્વર જ લઈને રહું છું. મને ઈશ્વર વિના બીજું કાંઈ ગમતું નથી. ઈશ્વરની મરજી એવી. (હસીને) કોઈ એક-ડાળિયું ઝાડ પણ હોય, કોઈ પાંચ ડાળવાળું ઝાડ પણ હોય. (સૌનું હાસ્ય).

‘મારી અવસ્થાઓ દૃષ્ટાંતરૂપ થવા માટે છે. તમે સંસાર કરો ભલે, પણ અનાસક્ત થઈને કરજો. અંગે કાદવ લાગશે, પણ ખંખેરી નાખજો કાદવી માછલીની પેઠે. કલંક-સાગરમાં તરશો તો શરીરે કલંક નહિ લાગે.

ગિરીશ (હસીને) – આપનાં પણ લગ્ન તો થયાં છે. (હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસીને) – સંસ્કારને માટે લગ્ન કરવાં પડ્યાં. પણ સંસાર-વહેવાર કેમ કરીને થઈ શકે? મારા ગળામાં જનોઈ પહેરાવી દેતા, પણ વળી પાછી નીકળી જતી. સંભાળી શકતો નહિ. એક મત એવો છે કે શુકદેવનાંય લગ્ન થયાં હતાં, સંસ્કારને માટે. કદાચ એક છોકરી પણ થઈ હતી. (સૌનું હાસ્ય).

‘કામ-કાંચન એ જ સંસાર; ઈશ્વરને ભુલાવી દે.’

ગિરીશ – કામ-કાંચન છોડે છે કોણ?

શ્રીરામકૃષ્ણ – વ્યાકુળ થઈને ઈશ્વરને પ્રાર્થના કરો. વિવેક માટે પ્રાર્થના કરો. ઈશ્વર જ સત્ય, બીજું બધું અનિત્ય એવી ધારણાનું નામ વિવેક. જેમ કે ગળણું લઈને પાણી ગાળી લઈએ ત્યારે કચરો એક બાજુએ રહે ને પાણી બીજી બાજુએ રહે. વિવેકરૂપી ગળણાનું આરોપણ કરો. તમે ઈશ્વરને જાણીને સંસાર કરો. એનું જ નામ વિદ્યાનો સંસાર.

‘જુઓ ને સ્ત્રી-જાતિની કેવી મોહિની શક્તિ, અવિદ્યારૂપી સ્ત્રીઓની. પુરુષોને જાણે કે મૂરખ, માલ વિનાના કરી મૂકે. જ્યારે જોઉં કે સ્ત્રી-પુરુષ એક સાથે બેઠાં છે, ત્યારે કહું કે ‘આહા! આ લોકો હવે ખલાસ!’ (માસ્ટરના સામું જોઈને) હરુ એવો સુંદર છોકરો, પણ તેને ડાકણ વળગી છે! અરે હરુ ક્યાં ગયો, હરુ ક્યાં ગયો? પણ એ ક્યાં જાય? સૌ જઈને જુએ છે તો હરુ વડના ઝાડ નીચે સૂમસામ થઈને બેઠો છે! પહેલાંનું રૂપ નહિ, એ તેજ નહિ, એ આનંદ નહિ! વડની ડાકણ તેને વળગી છે! જો સ્ત્રી કહે, ‘જરા જઈ આવો તો એક વાર!’ તો તરત પુરુષ ઊભો થઈને ચાલતો થાય! પેલી કહે કે ‘બેસો ને જરા!’ તો તરત બેસી જાય.

‘એક બિચારો નોકરીનો ઉમેદવાર નોકરી સારુ એક ઓફિસના અમલદાર પાસે ધક્કા ખાઈ ખાઈને હેરાન થઈ ગયો; પણ નોકરી કેમેય મળે નહિ. સાહેબ એમ કહ્યા કરે કે ‘હમણાં જગા ખાલી નથી, વચ્ચે વચ્ચે તપાસ કરતો રહેજે!’ એ પ્રમાણે કેટલોય વખત નીકળી ગયો. ઉમેદવાર બિચારો હતાશ થઈ ગયો. એક દિવસ પોતાના એક ભાઈબંધની પાસે પોતાનું દુ:ખ કહી સંભળાવતો હતો. એ ભાઈબંધે એ બધું સાંભળીને કહ્યું, ‘તુંય અક્કલ વિનાનો છે! એ ઉલ્લુની પાસે ધક્કા ખાઈને ટાંટિયા ઘસવાના હોય? તું પેલી ગુલાબડીને પકડ ને, કાલે જ તને નોકરી મળી સમજ!’ પેલો કહે, ‘એમ? હું હમણાં જ જાઉં!’ ગુલાબડી પેલા સાહેબની રખાત. પેલો ઉમેદવાર તો ગુલાબડી પાસે જઈને કહે છે, ‘બાઈ સાહેબ, હું બહુ જ મુશ્કેલીમાં આવી પડ્યો છું. તમે આટલું ન કરો તો મારું કંઈ ન થાય. હું બ્રાહ્મણનો દીકરો, બીજે ક્યાં જાઉં? બાઈ, આજ કેટલાય મહિના થયાં નોકરી નથી. છોકરાંછૈયાં ભૂખે મરે છે. તમે જરા બે શબ્દ કહી નાખો તો મારું કામ બની જાય!’ ગુલાબડી વિચાર કરવા લાગી કે અહા! બ્રાહ્મણનો દીકરો દુ:ખી થાય છે! તેણે કહ્યું કે ‘ઠીક મા’રાજ, કોને કહું?’

ઉમેદવાર બોલ્યો, ‘સાહેબને જરા બે શબ્દો કહો તો મને જરૂર ઓફિસમાં એક નોકરી મળી જાય.’ ગુલાબડી કહે કે ‘હું આજે જ સાહેબને કહીને નક્કી કરી દઈશ.’

બીજે દિવસે સવારે ઉમેદવારની પાસે એક પટાવાળો જઈને હાજર! તેણે કહ્યું કે ‘તમે આજથી જ ઓફિસમાં હાજર થજો!’ એ ઓફિસમાં ગયો એટલે સાહેબે પોતાના ઉપરી અમલદાર પર ચિઠ્ઠી લખી દીધી કે ‘આ ચિઠ્ઠી લાવનાર માણસ જગાને માટે બહુ જ યોગ્ય છે. તેને દાખલ કરવામાં આવ્યો છે. એનાથી ઓફિસનું કામ સારી રીતે ચાલશે!’

આ કામિની-કાંચનને લઈને જ બધા ભોળવાઈ રહ્યા છે. મને તો એ બધું જરાય ગમે નહિ. હું ખરું કહું છું કે ‘ઈશ્વર વિના બીજું કંઈ જ હું જાણતો નથી.’

Total Views: 246
ખંડ 43: અધ્યાય 1 : ઠાકુરે નિજમુખે કહેલ સાધનાવિવરણ
ખંડ 43: અધ્યાય 3 : સત્યકથા કલિયુગની તપસ્યા - જીવ-કોટિ અને ઈશ્વર-કોટિ