સમય બપોરના ત્રણ. ઠાકુરની પાસે એક બે ભક્તો બેઠેલા છે. ઠાકુર ‘ડૉક્ટર ક્યારે આવશે’ અને ‘કેટલા વાગ્યા છે’ એમ બાળકની પેઠે અધીરા થઈને વારંવાર પૂછ્યા કરે છે. ડૉક્ટર આજે સંધ્યાકાળ પછી આવવાના છે.

અચાનક ઠાકુરને બાળકના જેવી અવસ્થા થઈ છે! ઓશીકું ખોળામાં લઈને જાણે કે વાત્સલ્ય-રસમાં ડૂબાડૂબ થઈને છોકરું ધવરાવે એમ બેઠા છે; ભાવ-મગ્ન! બાળકની પેઠે હસી રહ્યા છે, ધોતિયું જુદી રીતે પહેરે છે!

મણિ વગેરે આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે.

થોડીવાર પછી ભાવ શાંત થયો. ઠાકુરનો ભોજનનો સમય થયો છે, એમણે રવાની ખીર થોડીક ખાધી. ઠાકુર મણિની પાસે એકાંતમાં અતિગુપ્ત વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (મણિને, એકાંતમાં) – આટલો વખત હું ભાવ-અવસ્થામાં શું જોતો હતો ખબર છે? ત્રણ ચાર ગાઉનું મોટું સિહડ જવાના રસ્તાનું મેદાન. એ મેદાનમાં હું એકલો હતો. એ જે પેલો પંદર વરસના છોકરા જેવો પરમહંસ વટતળા નીચે જોયો હતો, વળી પાછો તેના જેવો જ બરાબર જોયો!

‘ચારે બાજુએ આનંદનું ધુમ્મસ! એની જ અંદરથી તેર ચૌદ વરસનો એક છોકરો નીકળ્યો. તેનું મોઢું હજી દેખાય છે! પૂર્ણના જેવું રૂપ. અમે બેઉ જણા દિગંબર! ત્યાર પછી આનંદથી એ મેદાનમાં બન્નેની દોડાદોડ અને રમત!’

‘દોડાદોડી કરીને એ પૂર્ણને (૧૩-૧૪ વર્ષના છોકરાને) તરસ લાગી. તેણે એક પ્યાલામાંથી પાણી પીધું. પાણી પીને તે મને આપવા આવ્યો. મેં કહ્યું કે ‘ભાઈ, તારું એઠું પી શકું નહિ.’ એટલે એ હસતો હસતો જઈને પ્યાલો ધોઈને બીજો એક પ્યાલો પાણી લઈ આવ્યો ને મને આપ્યું.’

(ભયંકરા કાલકામિની – જાણે કે બધી નજરબંધી)

ઠાકુર વળી પાછા સમાધિ-મગ્ન. થોડીક વાર પછી સ્વસ્થ થઈને વળી પાછા મણિની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – વળી અવસ્થા બદલાય છે. પ્રસાદ થયેલી વસ્તુ જ ખાવી એ ભાવ પણ મનમાંથી નીકળી ગયો. સાચું-ખોટું એક થતું હોય છે. તેમ વળી શું જોતો હતો ખબર છે? ઈશ્વરી-રૂપ. ભગવતી-મૂર્તિ; તેના પેટમાં બાળક. તેને પ્રસવ કરીને વળી તે જ ખાતી જાય છે. જેટલું અંદર જાય છે એ બધું શૂન્ય થઈ જાય છે. મને બતાવી રહી છે કે બધું શૂન્ય!

‘જાણે કે બોલે છે કે લાગ! લાગ! લાગ! લાગ નજર! લાગ!

મણિ ઠાકુરની વાતનો વિચાર કરી રહ્ય છે, કે ‘જાદુગર જ સાચો, બીજો બધો તેનો જાદુ; બધું ખોટું.’

(સિદ્ધિ સારી નહિ – હીન કોટિને સિદ્ધિ)

શ્રીરામકૃષ્ણ – વારુ, ત્યારે પૂર્ણને આકર્ષણ કર્યું, તે થયું નહિ કેમ? આ જુઓ, જરાક શ્રદ્ધા ઓછી થતી જાય છે!

મણિ – એ બધું તો સિદ્ધિનું કામ.

શ્રીરામકૃષ્ણ – ઘોર સિદ્ધિ!

મણિ – એ જે તે દિવસે અધર સેનને ઘેરથી ગાડી કરીને આપની સાથે અમે દક્ષિણેશ્વર આવતા હતા, ત્યારે બાટલી ફૂટી ગઈ. એ વખતે અમારામાંનો એક જણ બોલ્યો કે આથી શું નુકસાન થશે તે આપ એક વાર જુઓ તો. આપે કહ્યું એ જોવાની મને શી પડી છે? એ બધું તો સિદ્ધિ!

શ્રીરામકૃષ્ણ – એવી રીતે જ વરદાન દ્વારા કે આશીર્વાદ દ્વારા સંતાન થવાં! કે તેમના રોગ મટાડવા! એ બધુંય સિદ્ધિ! જેઓ અતિ હીન કોટિના હોય તેઓ જ રોગ મટાડવા કે છોકરું થવા સારુ ઈશ્વરને પૂજે!

Total Views: 381
ખંડ 51: અધ્યાય 9 : શ્યામપુકુરના મકાનમાં ડૉક્ટર સરકાર, નરેન્દ્ર, શશી, શરદ, માસ્ટર, ગિરીશ વગેરે ભક્તો સાથે
ખંડ 42: અધ્યાય 7 : પાર્ષદો સાથે - અવતાર સંબંધી વાતો