ભક્તો ઘણાય હાજર છે; શ્રીરામકૃષ્ણની પાસે બેઠેલા છે. નરેન્દ્ર, ગિરીશ, રામ, હરિપદ, ચુની, બલરામ, માસ્ટર વગેરે ઘણાય છે.

નરેન્દ્ર માનતા નથી કે ઈશ્વર માનવદેહ ધારણ કરીને અવતાર લે. આ બાજુ ગિરીશની જ્વલંત શ્રદ્ધા કે ઈશ્વર યુગે યુગે અવતાર લે અને માનવ-શરીર ધારણ કરીને મર્ત્ય-લોકમાં આવે. ઠાકુરની બહુ ઇચ્છા છે કે આ બાબતમાં એ બે જણ વચ્ચે ચર્ચા થાય. એટલે શ્રીરામકૃષ્ણ ગિરીશને કહે છે કે ‘તમે બન્ને જરા અંગ્રેજીમાં ચર્ચા કરો તો; મારે જોવું છે.’

ચર્ચા શરૂ થઈ, પણ અંગ્રેજીમાં નહિ, બંગાળીમાં જ. વચ્ચે વચ્ચે એકાદ બે અંગ્રેજી શબ્દો. નરેન્દ્ર બોલ્યા કે ઈશ્વર અનંત, તેમની ધારણા કરવાની આપણામાં કઈ શક્તિ? એ સૌ કોઈની અંદર છે, માત્ર અમુક એક જણની અંદર જ આવેલ છે એમ નહિ.

શ્રીરામકૃષ્ણ (સ્નેહથી) – એનો જે મત, મારોય તે જ મત. ઈશ્વર સર્વત્ર છે. પણ એક વાત છે, કે શક્તિનો ભેદ. ક્યાંક અવિદ્યા-શક્તિનો પ્રકાશ, તો ક્યાંક વિદ્યા-શક્તિનો. કોઈ આધારમાં વધુ શક્તિ, તો કોઈ આધારમાં ઓછી શક્તિ. એટલે સર્વ મનુષ્યો સમાન ન હોય.

રામ – આ બધી નકામી ચર્ચાથી શું વળવાનું હતું?

શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને) – ના, ના, એનો એક અર્થ છે.

ગિરીશ (નરેન્દ્રને) – તમે કેમ કરીને જાણ્યું કે ઈશ્વર દેહ ધારણ કરીને આવતો નથી?

નરેન્દ્ર – એ ‘અવાઙ્મનસઽગોચરમ્।

શ્રીરામકૃષ્ણ – ના, તે શુદ્ધ બુદ્ધિને ગોચર. શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ આત્મા એક જ. ઋષિઓએ શુદ્ધ બુદ્ધિ યાને શુદ્ધ આત્મા દ્વારા શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કર્યો હતો.

ગિરીશ (નરેન્દ્રને) – ઈશ્વર માણસરૂપે અવતાર ન લે તો માણસને સમજાવે કોણ? માણસને જ્ઞાન-ભક્તિ આપવા સારુ ઈશ્વર દેહ ધારણ કરીને આવે. નહિતર ઉપદેશ કોણ આપે?

નરેન્દ્ર – કેમ? તે અંદર રહીને જ સમજાવી દે.

શ્રીરામકૃષ્ણ (સ્નેહથી) – હા, હા. અંતર્યામીરૂપે તે સમજાવે.

ત્યાર પછી તો જોરદાર ચર્ચા ચાલી. અનંત (ઇન્ફિનિટિ)ના શું અંશ થાય? વળી હેમિલ્ટન શું કહે છે? હર્બર્ટ સ્પેન્સર શું કહે છે? વળી ટિંડેલ, હક્સલે શું કહી ગયા છે એ બધી ચર્ચા ઊપડી.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – જુઓ, આ બધું મને ગમતું નથી. હું તો બધું ઈશ્વરમાં જોઉં છું! એટલે પછી ચર્ચા શા માટે કરવી? હું તો અનુભવી રહ્યો છું કે ઈશ્વર જ બધું! એ જ બધું થઈ રહેલ છે. એ પણ ખરું, અને વળી આ પણ ખરું. એક અવસ્થામાં મન-બુદ્ધિ અખંડમાં લીન થઈ જાય. નરેન્દ્રને જોઈને મારું મન અખંડમાં લીન થાય!

(ગિરીશને) એનો શો ખુલાસો, કહો જોઈએ?

ગિરીશ (હસતાં હસતાં) – એ સિવાય તો લગભગ બધું સમજ્યો છું ને એટલે! (સૌનું હાસ્ય).

(રામાનુજ અને વિશિષ્ટાદ્વૈતવાદ)

શ્રીરામકૃષ્ણ – વળી (એ ભૂમિકાએથી) બે પગથિયાં ઊતર્યા વિના વાત કરી શકું નહિ.

વેદાંત, આચાર્ય શંકરે જે સમજાવ્યું છે એ પણ છે અને (આચાર્ય) રામાનુજનો વિશિષ્ટાદ્વૈતવાદ પણ છે.

નરેન્દ્ર – વિશિષ્ટાદ્વૈતવાદ શું?

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – વિશિષ્ટાદ્વૈતવાદ છે રામાનુજનો મત. એટલે કે જીવ જગત વિશિષ્ટ બ્રહ્મ. બધું મળીને એક.

જેમ કે એક બીલું. એક જણે તેની છાલ, બી અને અંદરનો ગર જુદાં કર્યાં હતાં. હવે બીલાનું વજન કેટલું એ જાણવાની જરૂર પડી. એ વખતે શું એકલા ગરનું જ વજન કર્યે બીલાનું વજન મળી શકે? છાલ, બી, ગર એ બધાંનું એકી સાથે વજન કરવું જોઈએ. પ્રથમ છાલ નહિ, બી નહિ, અંદરનો ગર એ જ મુખ્ય વસ્તુ એમ જણાય. ત્યાર પછી વિચાર કરી જુએ તો જે વસ્તુનો ગર, તે જ વસ્તુની છાલ અને બી. પ્રથમ ‘નેતિ નેતિ’ કરીને જવું જોઈએ; જીવ નેતિ જગત નેતિ, એ પ્રમાણે વિચાર કરવો જોઈએ, કે બ્રહ્મ જ વસ્તુ, બીજું બધું અવસ્તુ. ત્યાર પછી અનુભવ થાય કે જેનો ગર તેની જ છાલ અને બી. જેને બ્રહ્મ કહો છો તેમાંથી જ જીવ-જગત. જેનું નિત્ય, તેની જ લીલા. એટલે શ્રીરામાનુજાચાર્ય કહેતા કે જીવ-જગત-વિશિષ્ટ બ્રહ્મ. આનું જ નામ વિશિષ્ટાદ્વૈતવાદ.

Total Views: 284
ખંડ 51: અધ્યાય 10 : ઠાકુરની પરમહંસ અવસ્થા - ચારે દિશામાં આનંદ-ધુમ્મસનું દર્શન - ભગવતીરૂપદર્શન - જાણે કે કહે છેઃ લાગ! નજર લાગ!
ખંડ 51: અધ્યાય 11 : પૂર્ણ જ્ઞાન - દેહ અને આત્મા અલગ - શ્રીમુખે કહેલું ચરિતામૃત