ગિરીશનું આમંત્રણ છે. રાત્રે જ જવું પડશે. એ વખતે રાતના આશરે નવ વાગ્યા હશે. ઠાકુર જમશે એમ ધારીને રાત્રીનું ભોજન બલરામે પણ તૈયાર કરાવ્યું છે. એમ લાગે છે કે પાછું બલરામને મનમાં દુ:ખ ન થાય, એટલા માટે ગિરીશને ઘેર જતી વખતે ઠાકુરે કહ્યું: ‘બલરામ, તમે પણ જમવાનું મોકલી દેજો.’

ઠાકુર મેડી પરથી ઊતરતાં ઊતરતાં જ ભગવદ્‌ભાવમાં વિભોર; જાણે કે પીધેલ! સાથે નારાયણ, માસ્ટર, પાછળ રામ, ચુની વગેરે ઘણાય. એક ભક્ત કહે છે કે ‘સાથે કોણ જશે?’ ઠાકુરે કહ્યું, ‘ગમે તે એક જણ હશે તો ચાલશે.’ ઊતરતાં ઊતરતાં જ ભાવમાં ગરકાવ! નારાયણ હાથ ઝાલવા ગયો, ઠાકુર પડી ન જાય એટલા સારુ. ઠાકુરે નારાજી દર્શાવી. થોડીક વાર પછી નારાયણને સ્નેહથી કહેવા લાગ્યા, ‘તું હાથ ઝાલે તો માણસો મને પીધેલ માને એટલે; હું મારી મેળે ચાલ્યો જઈશ.’

ઠાકુર બોઝપાડાના ત્રણ રસ્તા પસાર કરે છે. ત્યાંથી જરાક છેટે શ્રીયુત્ ગિરીશચંદ્રનું મકાન. ઠાકુર આટલા જલદી ચાલે છે શા માટે? ભક્તો પાછળ પડી જાય છે. શી ખબર, હૃદયમાં કોણ જાણે કયો અદ્‌ભુત દેવ-ભાવ આવ્યો છે! વેદમાં જેને વાણી અને મનથી પર કહેલ છે, શું તેનું ચિંતન કરીને ઠાકુર ગાંડાની પેઠે પગ મૂકતા જાય છે? હજી હમણાં જ તો બલરામને ઘેર બોલ્યા કે એ પુરુષ મનવાણીથી અતીત નથી; તે શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ મન અને શુદ્ધ આત્માને ગોચર! તો શું ઠાકુર તે જ પુરુષનો સાક્ષાત્કાર કરે છે? આ શું જુએ છે કે ‘જો કુછ હૈ સો તૂ હિ હૈ?’

આ જુઓ નરેન્દ્ર આવે છે. અમસ્તા તો ‘નરેન્દ્ર’ ‘નરેન્દ્ર’ કરીને ગાંડા! પણ અત્યારે ક્યાં? નરેન્દ્ર તો આ સામે આવ્યો, પણ ઠાકુર તો વાત કરતા નથી! લોકો કહે છે કે આનું નામ ભાવ. શ્રીગૌરાંગને શું આ પ્રમાણે થતું?

આ ભાવ કોણ સમજે? ગિરીશના ઘરમાં જવાની ગલીની સામે ઠાકુર આવી પહોંચ્યા. સાથે ભક્તો. હવે નરેન્દ્રની સાથે વાત કરે છે. નરેન્દ્રને કહે છે કે ‘સારો છો ને ભાઈ! હું એ વખતે બોલી શકતો ન હતો!’ એક એક અક્ષર કરુણાભર્યો! હજી સુધી બારણામાં આવી પહોંચ્યા નથી. એટલામાં અચાનક ઊભા રહી ગયા.

નરેન્દ્રની સામે જોઈને બોલી ઊઠ્યા: એક વાત, ‘આ એક (દેહી?), પેલું એક’ (જગત?).

જીવ, જગત! ભાવાવેશમાં ઠાકુર આ બધું શું જોતા હતા? તેમને જ ખબર. અવાક થઈને શું જોતા હતા? એક બે શબ્દો નીકળ્યા, જાણે કે વેદવાણી, દેવવાણી! અથવા જાણે કે અનંત સાગરને કાંઠે ગયા છીએ અને આશ્ચર્યચકિત થઈને ઊભા છીએ. એવામાં જાણે કે અનંત તરંગમાલાઓથી ઊઠતા અનાહત નાદના એક બે તરંગોએ કર્ણરંધ્રમાં પ્રવેશ કર્યો!

Total Views: 292
ખંડ 51: અધ્યાય 7 : યુગધર્મ વિશેની વાત - જ્ઞાનયોગ અને ભક્તિયોગ
ખંડ 51: અધ્યાય 8 : અવતાર-કથાપ્રસંગે - અવતાર અને જીવ