(પૂર્વકથા – ઉન્માદ અવસ્થામાં કોઠીના મકાન પાછળ જાણે કે દેહમાં હોમાગ્નિ જલી રહ્યો હતો – પંડિત પદ્મલોચનની શ્રદ્ધા અને તેમનું મૃત્યુ)
ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં સારવાર માટે ભક્તો સાથે રહેલા છે. આજે શરદ-પૂર્ણિમા. શુક્રવાર, ૨૩મી ઓકટોબર, ૧૮૮૫. સમય સવારના દસ. ઠાકુર માસ્ટરની સાથે વાતો કરી રહ્યા છે.
માસ્ટર ઠાકુરને પગે મોજાં પહેરાવે છે.
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – કંફોર્ટરને (મફલરને) કાપીને પગે પહેરીએ તો ચાલે નહિ? મજાનું ગરમ. (માસ્ટર હસે છે).
ગઈ કાલે ગુરુવારની રાત્રે ડૉક્ટર સરકારની સાથે ઘણી વાતો થઈ હતી. ઠાકુર એ બધી વાતોનો ઉલ્લેખ કરીને માસ્ટરને હસતાં હસતાં કહે છે, ‘કાલે હું કેવો ‘તું હું’, ‘તું હું’ બોલ્યો!
ઠાકુર કાલે કહેતા હતા કે જીવો ત્રિતાપે બળી રહ્યા છે, છતાં કહે છે કે મજામાં છીએ. બોરડીના કાંટાથી હાથ ઉઝરડાય છે, દડદડ કરતું લોહી વહે છે, છતાં કહેશે કે મારે હાથે કંઈ જ થયું નથી. જ્ઞાનાગ્નિ વડે એ કાંટાને બાળવો તો જોઈએ ને?
છોટો નરેન એ વાતને યાદ કરીને કહે છે કે કાલની વાંકા કાંટાની વાત મજાની! જ્ઞાનાગ્નિથી બાળી દેવો!
શ્રીરામકૃષ્ણ – મને આ બધી અવસ્થાઓ સાક્ષાત્ થતી.
‘કોઠી (રાસમણિનો બંગલો)ની પાછળ થઈને જતાં જતાં મારે આખે શરીરે જાણે કે હોમાગ્નિ પ્રજવળી ઊઠ્યો!
‘પદ્મલોચન કહેતો કે ‘તમારી અવસ્થાઓ વિશે સભા ભરીને લોકોને કહીશ.’ પરંતુ એ પછી એનું અવસાન થયું.
અગિયારેક વાગ્યાને સમયે ઠાકુરની તબિયતના સમાચાર લઈને મણિ ડૉક્ટર સરકારને ઘેર આવ્યા છે.
ડૉક્ટર એ બધા સમાચાર પૂછી લઈને ઠાકુરને વિશે જ વાતચીત કરે છે. તેમની બાબતમાં વધુ સાંભળવાની ઉત્સુકતા બતાવે છે.
ડૉક્ટર (સહાસ્ય) – કાલે હું કેવો બોલ્યો કે ‘તું હું, તું હું’ બોલવા જતાં એવા પિંજારાના હાથમાં પડવું પડે!
મણિ – જી હા, એવા ગુરુના હાથમાં પડ્યા વિના અહંકાર જાય નહિ.
કાલે ભક્તિની વાત કેવી કહી, કે ભક્તિ સ્ત્રી-જાતિ, અંતઃપુર સુધી જઈ શકે.
ડૉક્ટર – હા, એ સરસ વાત; પરંતુ એટલે કંઈ જ્ઞાનને છોડી તો દેવાય નહિ ને?
મણિ – પરમહંસદેવ એમ તો કહેતા નથી. એ જ્ઞાન અને ભક્તિ બેઉ લે છે; નિરાકાર ને સાકાર. એ કહે છે કે ભક્તિરૂપી ઠંડીથી પાણીનો થોડોક ભાગ બરફ થઈ ગયો, વળી પાછો જ્ઞાન-સૂર્યનો ઉદય થયો એટલે બરફ ગળી ગયો. એટલે કે ભક્તિ-યોગમાં સાકાર, જ્ઞાન-યોગમાં નિરાકાર.
‘અને એ જોયું છે, કે ઈશ્વરને તેઓ (શ્રીરામકૃષ્ણ) એટલો બધો નજીક જુએ છે કે તેમની સાથે હંમેશાં વાતો કરે છે! નાના છોકરાની પેઠે બોલે છે કે ‘મા બહુ જ દુઃખે છે!’
‘અને કેવું અવલોકન (દર્શન) એમનું! મ્યુઝિયમમાં (સંગ્રહસ્થાનમાં) fossil (પ્રાણી પથ્થર) થઈ ગયા છે તે જોયા. તરત સાધુસંગની ઉપમા થઈ ગઈ! પથ્થરની પાસે રહેતાં રહેતાં પ્રાણી પથ્થર થઈ ગયાં છે; તેમ સાધુની પાસે રહેતાં રહેતાં સાધુ થઈ ગયા!’
ડૉક્ટર – ઈશાન બાબુ કાલે અવતાર અવતાર કરતા હતા. અવતાર વળી શું? માણસને ઈશ્વર કહેવો!
મણિ – જેવી એમની શ્રદ્ધા, તેમાં ઈન્ટરફિયર કર્યે (માથું માર્યે) શું વળે?
ડૉક્ટર – હાં, શી જરૂર?
મણિ – અને પેલી વાતમાં કેવા હસાવ્યા’તા! એક જણ જોઈ આવ્યો કે અમુક મકાન પડી ગયું છે. પરંતુ છાપામાં એ લખ્યું નથી, માટે એ માનવામાં આવે નહિ!
ડૉક્ટર મૂંગા થઈ રહ્યા છે, કારણ કે ઠાકુર બોલ્યા હતા કે ‘તમારા સાયન્સમાં અવતારની વાત નથી, એટલા માટે અવતાર નથી!’
બપોર થયા. ડૉક્ટર મણિને લઈને ગાડીમાં ચડ્યા. બીજા દરદીઓને તપાસીને પછી છેવટે શ્રીરામકૃષ્ણને તપાસવા જવાના.
તે દિવસે ડૉક્ટર ગિરીશના આમંત્રણથી ‘બુદ્ધ-લીલા’ નાટક જોવા ગયા હતા. ડૉક્ટર ગાડીમાં બેઠા બેઠા મણિને કહે છે, ‘બુદ્ધને દયાનો અવતાર કહ્યો હોત તો વધુ સારું થાત; વિષ્ણુનો અવતાર શા માટે કહે છે?’
ડૉક્ટરે મણિને હેદુવાના ચાર રસ્તા પાસે ઉતારી દીધા.




