એક ભક્ત – આપની આ બધી ભાવ-સમાધિ વગેરે ઉદાહરણ માટે; તો પછી અમારે શું કરવાનું?

શ્રીરામકૃષ્ણ – ભગવત્પ્રાપ્તિ કરવી હોય તો તીવ્ર વૈરાગ્યની જરૂર. જે કંઈ ઈશ્વરના માર્ગમાં અડચણરૂપ લાગે તેનો તરત જ ત્યાગ કરવો જોઈએ. પછીથી થશે એમ માનીને વિલંબ કરવો ઉચિત નહિ. કામ-કાંચન ઈશ્વરના માર્ગમાં વિરોધી; એમાંથી મન ખેંચી લેવું જોઈએ.

ઢીલા ઢફ થયે ચાલે નહિ. એક જણ ખાંધે અંગૂછો નાખીને નદીએ નહાવા જવા સારુ બહાર નીકળે છે. એટલામાં ઘરમાંથી સ્ત્રી બોલી કે તમે કંઈ કામના નહિ. આ ઉંમર પાકી ગઈ તોય હજી ઘરબાર સંસારની લાલસા ઓછી થઈ નહિ. મને છોડીને એક દિવસ પણ રહી શકો નહિ. પેલો માણસ જુઓ, કેવો ત્યાગી છે!

પતિ – કેમ? એણે શું કર્યું છે?

પત્ની – તેને સોળ પત્ની છે. એક પછી એક કરીને એ તેમનો ત્યાગ કરતો જાય છે, તમારાથી તો કોઈ દિવસ ત્યાગ થવાનો નથી!

પતિ – એક એક કરીને ત્યાગ! અરે ગાંડી, એનાથી ત્યાગ થવાનો નથી. જે ત્યાગ કરે તે શું થોડે થોડે ત્યાગ કરે!

પત્ની (હસીને) – તોય તમારા કરતાં સારો.

પતિ – અરે ગાંડી, તું સમજતી નથી. એ એનું કામ નહિ. ત્યાગ હું જ કરી શકું; આમ જો આ ચાલ્યો!

‘આનું નામ તીવ્ર વૈરાગ્ય. જેવો વિવેક આવ્યો કે એ ક્ષણે જ ત્યાગ કર્યો. અંગૂછો ખાંધે ને નીકળી ગયો. ઘરબારની વ્યવસ્થા કરવા આવ્યો નહિ. ઘર તરફ એક વાર પાછા ફરીને જોયું પણ નહિ.

જે ત્યાગ કરે તેનામાં મનનું ખૂબ જોર જોઈએ. બહારવટિયા જેવો ભાવ. ધાડ પાડતી વખતે બહારવટિયા બોલે કે ‘એય! મારો, કાપો, લૂંટો!

‘તમારે બીજું શું કરવાનું? ઈશ્વરમાં ભક્તિ-પ્રેમ રાખીને દિવસ કાઢવાના. કૃષ્ણના ચાલ્યા ગયા પછી યશોદાજી શોકથી ગાંડાની પેઠે રાધિકાજીની પાસે દોડતાં ગયાં. ત્યારે રાધિકાજીએ તેમનો શોક જોઈને તેમને આદ્યશક્તિરૂપે દર્શન દીધાં અને બોલ્યાં કે ‘મા, મારી પાસેથી વરદાન માગો!’ એટલે યશોદા બોલ્યાં કે, ‘મા, બીજું શું માગું? એટલું આપો કે કાયા, મન, વાણીથી કૃષ્ણની જ સેવા કરી શકું; આ આંખોથી તેના ભક્તોનાં દર્શન કરી શકું; જ્યાં જ્યાં તેની લીલા થઈ હોય ત્યાં ત્યાં આ પગથી જઈ શકું; આ હાથથી તેની અને તેના ભક્તોની સેવા કરી શકું; બધી ઇન્દ્રિયો કૃષ્ણનું જ કાર્ય કરે.’

એ વાત કહેતાં કહેતાં ઠાકુર શ્રીરામકૃષ્ણને વળી ભાવ-સમાધિનો આવેશ આવવા માંડ્યો. અચાનક પોતાની મેળે બોલે છે : ‘સંહારમૂર્તિ કાલી! કે નિત્ય કાલી!’

ઠાકુરે અતિ કષ્ટથી ભાવનું સંવરણ કર્યું. પછી જરા પાણી પીધું. વળી પાછા યશોદાની વાત કરવા જાય છે ત્યાં શ્રીયુત્ મહેન્દ્ર મુખર્જી આવી પહોંચ્યા. એ અને એમના નાના ભાઈ શ્રીયુત્ પ્રિય મુખર્જી ઠાકુરની પાસે નવા નવા આવજા કરે છે. મહેન્દ્રને લોટની મિલ અને બીજો ધંધો છે. તેમના ભાઈ એન્જિનિયરનું કામ કરતા. એમનું બધું કામકાજ માણસો સંભાળે; એટલે એમને ખૂબ ફુરસદ મળે. મહેન્દ્રની ઉંમર ૩૬-૩૭ હશે. તેના ભાઈની ઉંમર લગભગ ૩૪-૩૫. તેમનું વતન કેંદેટી ગામ. કોલકાતામાં બાગબજાર લત્તામાં પણ તેમનું રહેવાનું એક ઘર છે. તેમની સાથે એક યુવાન ભક્ત આવજા કરે છે, તેનું નામ હરિ. તેનો વિવાહ થયો છે; પણ ઠાકુર ઉપર ખૂબ ભક્તિ. મહેન્દ્ર ઘણાય દિવસ થયા દક્ષિણેશ્વર ગયા નથી. હરિ પણ ગયો નથી. આજે બન્ને આવ્યા છે. મહેન્દ્ર ગૌરવર્ણ અને સદા હસમુખા; શરીર બેવડું. મહેન્દ્રે જમીન પર નમીને ઠાકુરને પ્રણામ કર્યા. હરિએ પણ પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ – કેમ, આટલા બધા દિવસ સુધી દક્ષિણેશ્વર આવતા નહીં?

મહેન્દ્ર – જી, કેંદેટી ગયો હતો; કોલકાતામાં હતો નહિ.

શ્રીરામકૃષ્ણ – કેમ ભાઈ, છોકરાંછૈયાં નથી, કોઈની નોકરી કરવાની નથી; તોય ફુરસદ નહિ? આ તો સારી જંજાળ!

ભક્તો બધા મૂંગા બેઠા છે. મહેન્દ્ર જરા શરમાઈ ગયા.

શ્રીરામકૃષ્ણ (મહેન્દ્રને) – તમને કહું છું શા માટે? તમે સરલ, ઉદારમના છો, તમારામાં ઈશ્વર-ભક્તિ છે, એટલા માટે.

મહેન્દ્ર – જી, આપ તો અમારા સારા માટે જ કહો છો.

(વિષયી અને પૈસાવાળો સાધુ – સંતાનની માયા)

શ્રીરામકૃષ્ણ (હસીને) – અને અહીંયા તો ઠાકરથાળીમાં પૈસા મૂકવા ન પડે. યદુની મા એટલા સારુ કહે કે બીજા સાધુઓ માત્ર ‘આપો, આપો’ જ કર્યા કરે; બાબા, તમારું એવું નહિ!’ સંસારી લોકોને પૈસા ખરચ કરવા પડે એથી નારાજ થાય.

એક જગાએ રામલીલા થતી હતી. એક જણને ત્યાં બેસીને જોવાની ખૂબ ઇચ્છા. પણ તેણે ડોકું તાણીને જોયું તો વચ્ચે પૈસા વગેરે ભેટ મૂકવાની થાળી પડી છે. એટલે એ ધીરે ધીરે ત્યાંથી સરકીને ચાલ્યો ગયો. બીજે એક ઠેકાણે રામલીલા થતી હતી ત્યાં ગયો. ત્યાં બહુ જ ભીડ જામી હતી. એક બે માણસોને પૂછતાં તેણે જાણ્યું કે અહીંયાં કંઈ ભેટ ધરવાની નથી. એટલે પેલો પોતાના બન્ને હાથની કોણીઓ ભરાવતો ભરાવતો ભીડમાંથી રસ્તો કરીને છેક નજીક જઈ પહોંચ્યો. પછી સારી રીતે બેસીને મૂછે તાવ દઈને સાંભળવા લાગ્યો. (હાસ્ય).

‘અને તમારે તો છોકરાંછૈયાં નથી કે જેથી મન આમતેમ ભમે. એક જણ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ, મહિને આઠસો રૂપિયાનો પગાર, તે કેશવ સેનને ત્યાં (નવ-વૃંદાવન) નાટક જોવા આવ્યો હતો. હું પણ ગયો હતો. મારી સાથે રાખાલ અને બીજા કેટલાક આવ્યા હતા. નાટક જોવા હું જ્યાં બેઠો હતો ત્યાં જ તેઓ પણ અમારી બાજુમાં બેઠા. એ વખતે રાખાલ ઊઠીને ગયો હતો. એટલે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ આવીને ત્યાં બેઠો ને તેના નાના છોકરાને રાખાલની જગાએ બેસાડ્યો. મેં કહ્યું કે ‘એને ત્યાં બેસાડશો એ નહિ ચાલે.’ મારી એવી અવસ્થા હતી કે જે પાસે બેસે તે જે કહે તે પ્રમાણે કરવું પડે; એટલે જ રાખાલને પાસે બેસાડ્યો હતો! પણ જ્યાં સુધી નાટક ચાલ્યું ત્યાં સુધી ડેપ્યુટીએ કેવળ એ છોકરાની સાથે બોલ બોલ જ કર્યા કર્યું! સાલાએ જરાક વાર પણ નાટક જોયું નહિ! વળી મેં સાંભળ્યું છે કે એ બૈરીનો ગુલામ. પેલી ઊઠ કહે તો ઊઠે અને બેસ કહે તો બેસે. વળી એક ચીબલા વાંદરા જેવા છોકરા સારુ આટલું બધું.

‘ધ્યાન બ્યાન તો કરો છો ને?’

મહેન્દ્ર – જી, જરા જરા થાય.

શ્રીરામકૃષ્ણ – આવતા રહેજો વચ્ચે વચ્ચે.

મહેન્દ્ર (હસીને) – ક્યાં ગાંઠ-બાંઠ છે એ આપ જાણો. આપ જોજો.

શ્રીરામકૃષ્ણ (હસીને) – પહેલાં આવો તો ખરા! પછી દાબીદૂબીને જોઈએ કે ક્યાં ગાંઠ છે. આવતા કેમ નથી?

મહેન્દ્ર – કામકાજની ભીડમાં અવાતું નથી. એમાં વળી કેંદેટીનું ઘર અવારનવાર સંભાળવું પડે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તો પ્રત્યે આંગળી ચીંધીને, મહેન્દ્રને) – આ બધાને શું ઘરબાર નથી? અને કામધંધા નથી? એ લોકો આવી શકે છે કેમ કરીને?

(પરિવારનું બંધન)

શ્રીરામકૃષ્ણ (હરિને) – અને તું કેમ આવતો નથી? તારી બૈરી આવી હોય એમ લાગે છે?

હરિ – જી ના.

શ્રીરામકૃષ્ણ – ત્યારે કેમ ભૂલી ગયો?

હરિ – જી, માંદો હતો.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – સાવ દૂબળો-પાતળો માંદલો થઈ ગયો છે! એનામાં ભક્તિ તો ઓછી નથી. ભક્તિના ઝપાટાને જુએ છે કોણ? ઊછળતી ભક્તિ! (હાસ્ય).

ઠાકુર એક ભક્તની સ્ત્રીને ‘હાવીની મા’ કહેતા. હાવીની માનો ભાઈ આવ્યો છે. એ કોલેજમાં ભણે, ઉંમર આશરે વીસની. એ ક્રિકેટ રમવા માટે ઊઠ્યો. તેનો નાનો ભાઈ પણ ઠાકુરનો ભક્ત. એ પણ સાથે ગયો. થોડીક વાર પછી દ્વિજ પાછો આવ્યો એટલે ઠાકુર બોલ્યા, ‘તું ગયો નહિ?’

એક ભક્ત બોલ્યો કે એ કદાચ ભજન સાંભળવા માટે પાછો આવ્યો છે.

આજે બ્રાહ્મ-સમાજી ભક્ત શ્રીયુત્ ત્રૈલોક્યનાં ભજન થવાનાં છે. પલ્ટુ આવીને હાજર. ઠાકુર કહે છે, ‘આ કોણ? અલ્યા, આ તો પલ્ટુ!’

બીજો એક કિશોર ભક્ત પૂર્ણ આવી પહોંચ્યો. ઠાકુરે તેને બહુ મુશ્કેલીથી તેડાવ્યો છે. તેના ઘરનાં માણસો કોઈ રીતે આવવા દે નહિ. માસ્ટર જે વિદ્યાલયમાં ભણાવે તે વિદ્યાલયમાં પાંચમા ધોરણમાં એ છોકરો ભણે. છોકરાએ આવીને નમીને પ્રણામ કર્યા. ઠાકુર તેને પોતાની પાસે બેસાડીને આસ્તે આસ્તે વાતો કરે છે. માત્ર માસ્ટર પાસે બેઠા છે, બીજા ભક્તોનું ધ્યાન નથી. ગિરીશ એક બાજુએ બેસીને કેશવ-ચરિત્ર વાંચે છે.

શ્રીરામકૃષ્ણ (છોકરા-ભક્તને) – અહીં આવ.

ગિરીશ (માસ્ટરને) – કોણ આ છોકરો?

માસ્ટર (નારાજ થઈને) – એક છોકરો, બીજું કોણ?

ગિરીશ (હસીને) – It needs no ghost to tell me that. (એ મને સમજાવીને કહેવાની જરૂર નથી.)

પૂર્ણચંદ્ર ઘોષ

માસ્ટરને બીક લાગે છે કે પાછા ઝાઝા માણસો જાણી લે તો એ છોકરાને ઘેર ધાંધલ થાય અને માસ્ટરને માથે આળ આવે. એટલા માટે ઠાકુર પણ છોકરાની સાથે આસ્તે આસ્તે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – એ બધું કરે છે, જે કહ્યું હતું તે?

છોકરો – જી હા.

શ્રીરામકૃષ્ણ – સ્વપ્નમાં કાંઈ દેખાય છે? અગ્નિની શિખા, મશાલનો પ્રકાશ, સધવા સ્ત્રી? મસાણ બસાણ? એ બધાં દેખાય તો બહુ સારાં.

છોકરો – આપને જોયા’તા. આપ બેઠા છો ને કાંઈક બોલો છો!

શ્રીરામકૃષ્ણ- શું? ઉપદેશ? એકાદ શબ્દ બોલ તો!

છોકરો – યાદ નથી.

શ્રીરામકૃષ્ણ – કંઈ વાંધો નહિ. એ બધું સારું. તારી ઉન્નતિ થશે. મારા તરફ તો ખેંચાણ છે ને?

થોડી વાર પછી ઠાકુર કહે છે, ‘કેમ, ત્યાં (એટલે દક્ષિણેશ્વર) આવીશ ને?’

છોકરો – એ કહી શકું નહિ.

શ્રીરામકૃષ્ણ – કેમ? ત્યાં તારાં કોઈ સગાં છે ને?

છોકરો – જી હા; પણ ત્યાં જવાની સગવડ નહિ થાય.

ગિરીશ કેશવ-ચરિત્ર વાંચે છે. બ્રાહ્મ-સમાજના શ્રીયુત્ ત્રૈલોક્યે એ ચરિત્ર લખ્યું છે. પુસ્તકમાં લખ્યું છે કે ‘પરમહંસદેવ પહેલાં સંસાર ઉપર બહુ જ નારાજ હતા; પરંતુ કેશવની સાથે પરિચયમાં આવ્યા પછી તેણે પોતાનો મત બદલાવ્યો છે. હવે પરમહંસદેવ કહે છે કે સંસારમાં રહીને પણ ધર્મ થાય!’ એ વાંચીને કોઈ કોઈ ભક્તોએ ઠાકુરને એ વાત કહી છે. ભક્તોની ઇચ્છા, કે ત્રૈલોક્યની સાથે આજે એ વિષય લઈને ચર્ચા થાય. પુસ્તક વાંચીને એ બધી વાત ઠાકુરને સંભળાવવામાં આવી હતી.

(ઠાકુરની અવસ્થા – ભક્તસંગ-ત્યાગ)

ગિરીશના હાથમાં ચોપડી જોઈને ઠાકુર ગિરીશ, માસ્ટર, રામ તથા બીજા ભક્તોને કહે છે કે ‘આ લોકો એ લઈને જ પડ્યા રહેલા છે એટલે ‘સંસાર સંસાર’ કર્યા કરે છે; કામ-કાંચનની અંદર જ રહ્યા છે. ઈશ્વર-પ્રાપ્તિ થઈ હોય તો એ વાત ન બોલે. ઈશ્વરનો આનંદ મળ્યે સંસાર કાક-વિષ્ટા જેવો લાગે.

‘મેં પહેલાં બધુંય છી.. એમ કરીને ત્યાગી દીધું હતું. સંસારીઓના સંગનો તો ત્યાગ કર્યો, પણ વચ્ચે તો ભક્તોનો સંગ-બંગ પણ છોડી દીધો! જોયું કે ફટ્ દઈને મરી જાય, અને એ સાંભળીને હું તરફડું! એ તો હવે વળી જરાક માણસોની સાથે રહું છું!

Total Views: 330
ખંડ 43: અધ્યાય 3 : સત્યકથા કલિયુગની તપસ્યા - જીવ-કોટિ અને ઈશ્વર-કોટિ
ખંડ 43: અધ્યાય 5 : સંકીર્તનાનંદે ભક્તો સાથે