એક ભક્ત – મહાશય, નવ-હુલ્લોલ નામે એક નવો સંપ્રદાય નીકળ્યો છે. લલિત ચેટર્જી એ સંપ્રદાયમાં છે.

શ્રીરામકૃષ્ણ – અનેક મત છે. મત એ માર્ગ છે. પરંતુ સૌ માને કે મારો મત સાચો; મારી ઘડિયાળ જ બરાબર ચાલે છે.

ગિરીશ (માસ્ટરને) – પોપ શું કહે છે તે યાદ છે ને?

‘It is with our judgements as our watches, none

Go just alike, yet each believes his own.’

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એનો અર્થ શું?

માસ્ટર – સહુ એમ માને છે કે અમારી ઘડિયાળ બરાબર ચાલે છે, પણ કોઈ બે ઘડિયાળોનો મેળ ખાય નહિ.

શ્રીરામકૃષ્ણ – પણ બીજી ઘડિયાળો ભલે ને ગમે તેટલી ખોટી હોય, પણ સૂર્ય તો બરાબર ચાલે છે ને? સૂર્યની સાથે ઘડિયાળને મેળવી લેવી જોઈએ.

એક ભક્ત – અમુક બાબુ બહુ જ ખોટું બોલે.

શ્રીરામકૃષ્ણ – સાચું બોલવું એ કલિયુગની તપસ્યા. કલિકાલમાં બીજી તપસ્યા કઠણ. સત્યને વળગીને રહીએ તો ભગવાનને પામી શકાય. તુલસીદાસ કહે છે :

સત્ય-વચન ઔર નમ્રતા, પરસ્ત્રી માત સમાન;

ઇતનેસે હરિ ના મિલે, તો તુલસી જૂઠ જબાન!

કેશવ સેને બાપનું દેણું કબૂલ્યું હતું. બીજો હોત તો કોઈ દિવસ કબૂલ ન કરત. એમાંય વળી લખાણ તો કંઈ હતું જ નહિ.

જોડાસાંકોના દેવેન્દ્ર (મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર)ના બ્રાહ્મ-સમાજમાં જઈને જોયું તો કેશવ સેન વેદી પર બેસીને ધ્યાન કરી રહ્યા છે. એ વખતે તેની યુવાવસ્થા. મેં મથુરબાબુને કહ્યું કે ‘આ જેટલા બધા ધ્યાન કરી રહ્યા છે તેમાંથી આ છોકરાનું જ બરુ ડૂબ્યું છે, ગલની પાસે માછલી આંટા મારી રહી છે.’

એક જણ – તેનું નામ નહિ દઉં – તેણે દશ હજાર રૂપિયા સારુ અદાલતમાં ખોટી સાક્ષી આપેલી. કેસ જીતવા માટે મારી મારફત મા કાલીને અર્ધ્ય દેવરાવ્યો. મેં તો સરલ બાળક-બુદ્ધિથી અર્ધ્ય આપ્યો. એ કહે કે ‘બાબા, આ અર્ધ્ય માને પગે મૂકો તો!’

એક ભક્ત – બહુ સારો માણસ!

શ્રીરામકૃષ્ણ – પરંતુ તેની શ્રદ્ધા કે હું આપીશ એટલે મા સાંભળવાનાં જ!

લલિત બાબુની વાત નીકળતાં ઠાકુર કહે :

‘અહંકાર તે શું જાય? એકાદ બે માણસમાં જોવામાં આવતો નથી. બલરામમાં અહંકાર નથી અને આનામાં નથી! બીજો માણસ હોત તો કેટલો ગર્વ, તમોગુણ, વિદ્યાનું અભિમાન વગેરે આવ્યાં હોત. જાડા બ્રાહ્મણમાં હજીયે જરા જરા છે. (માસ્ટરને) મહિમ ચક્રવર્તી ખૂબ ભણ્યો છે; નહિ?

માસ્ટર – જી હા, તેણે ઘણાંય પુસ્તકો વાંચ્યાં છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – તેની સાથે ગિરીશ ઘોષનો વાર્તાલાપ થાય તો જરા (ચર્ચા) જામે.

ગિરીશ (હસીને) – એ એમ માનતા લાગે છે કે સાધના કરે તો સહુ કોઈ શ્રીકૃષ્ણના જેવા થઈ શકે.

શ્રીરામકૃષ્ણ – બરાબર એ પ્રમાણે નહિ, પણ ભાવાર્થ એવો જ.

ભક્ત – જી, શ્રીકૃષ્ણના જેવા શું સહુ કોઈ થઈ શકે?

શ્રીરામકૃષ્ણ – અવતાર અને અવતારના અંશ, એમને કહેવાય ઈશ્વર-કોટિ; અને સાધારણ લોકોને કહેવાય જીવ યા જીવ-કોટિ. જેઓ જીવ-કોટિના હોય તેઓ સાધના કરીને ઈશ્વર-પ્રાપ્તિ કરી શકે; પણ તેઓ એ સમાધિમાં ગયા પછી પાછા ઊતરી આવી શકે નહિ.

‘જેઓ ઈશ્વર-કોટિ, તેઓ જાણે કે રાજાના કુંવર જેવા; મહેલના સાતે મજલાની ચાવી તેમના હાથમાં. તેઓ સાતે મજલા ઉપર ચડી શકે; તેમજ ઇચ્છા મુજબ નીચે ઊતરી પણ શકે. જીવ-કોટિ તો જાણે નાના નોકરો, સાત મજલાના મહેલના અમુક ભાગ સુધી જઈ શકે એટલું જ.

(જ્ઞાન અને ભક્તિનો સમન્વય)

‘જનક રાજા જ્ઞાની. તેમણે સાધના કરીને જ્ઞાન-પ્રાપ્તિ કરી હતી; શુકદેવ જ્ઞાનની ઘનમૂર્તિ.’

ગિરીશ – આહા!

શ્રીરામકૃષ્ણ – શુકદેવને સાધના કરીને જ્ઞાન-પ્રાપ્તિ કરવી પડી ન હતી. નારદજીને પણ શુકદેવના જેવું જ બ્રહ્મ-જ્ઞાન હતું. પરંતુ તેઓ ભક્તિ લઈને રહેતા હતા, લોકોપદેશ સારુ. પ્રહ્લાદ ક્યારેક સોઽહમ્ ભાવમાં રહેતા તો ક્યારેક દાસ-ભાવમાં યા સંતાન-ભાવમાં. હનુમાનજીની પણ એ જ અવસ્થા હતી.

પણ મનમાં ઇચ્છા કરતાંવેંત જ સહુની એવી અવસ્થા થઈ જાય નહિ. કોઈ વાંસમાં પોલાણ વધુ તો કોઈ વાંસમાં ઓછું.

Total Views: 249
ખંડ 43: અધ્યાય 2 : પૂર્વકથા - શ્રીરામકૃષ્ણનો મહાભાવ - બ્રાહ્મણીની સેવા
ખંડ 43: અધ્યાય 4 : કામિની-કાંચન અને વૈરાગ્ય