ગિરીશ ઘેર ચાલ્યા ગયા. પાછા આવવાના છે.
શ્રીયુત્ જયગોપાલ સેનની સાથે ત્રૈલોક્ય આવી પહોંચ્યા. તેમણે ઠાકુરને પ્રણામ કર્યા અને બેઠા. ઠાકુર તેમના કુશળ સમાચાર પૂછે છે. છોટા નરેને આવીને ઠાકુરને જમીન પર નમીને પ્રણામ કર્યા. ઠાકુર બોલ્યા કે ‘કેમ તું શનિવારે આવ્યો નહિ?’
હવે ત્રૈલોક્ય ભજન ગાય છે.
શ્રીરામકૃષ્ણ – આહા, તમે આનંદમયીનાં ભજન તે દિવસે ગાયાં! કેવાં મીઠાં ભજન! બીજા બધા માણસોનાં ભજન ફિક્કાં લાગે! તે દિવસે તો નરેન્દ્રનું ભજન પણ સારું લાગ્યું નહિ. એ ગીત જરા થવા દો ને.
ત્રૈલોક્ય ગાય છે – ‘જય શચિનંદન.’..
ઠાકુર મોઢું ધોવા જાય છે. સ્ત્રી-ભક્તો પડદા પાછળ આતુર થઈને બેઠેલી છે. તેમની પાસે જઈને એક વાર દર્શન આપી આવશે. ત્રૈલોક્યનું ભજન ચાલે છે.
ઠાકુર ઓરડાની અંદરથી પાછા આવીને ત્રૈલોક્યને કહે છે : ‘જરા આનંદમયીનું ભજન.’ ત્રૈલોક્ય ગાય છે :
‘કેવો પ્રેમ મા! માનવ-સંતાન પરે, સ્મરણ કરતાં પ્રેમધારા આંખે ઝરે. (ઓ મા)
તવ પદે અપરાધી હું છું જનમ અવધિ; તોય જોઈ મુખ સામે પ્રેમ-નયને
બોલાવો મધુર વચને, સ્મરણ કરતાં પ્રેમધારા આંખે ઝરે.
તમારા પ્રેમનો ભાર, વહી શકું ના વધુ વાર,
પ્રાણ ઊઠે છે રડી, હૃદય ભરી તવ સ્નેહદર્શને,
લઉં હું શરણ મા, તવ શ્રી ચરણે –
ગીત સાંભળતાં સાંભળતાં છોટો નરેન ગાઢ ધ્યાનમાં મગ્ન થઈ ગયો છે; જાણે કે લાકડા જેવો! ઠાકુર માસ્ટરને કહે છે, ‘જુઓ જુઓ, કેવું ગાઢ ધ્યાન! એકદમ બાહ્ય જ્ઞાન રહિત!’
ગીત પૂરું થયું. ઠાકુરે ત્રૈલોક્યને આ ગીત ગાવાનું કહ્યું :
‘મને દે મા પાગલ કરી’, હવે નહિ કામ જ્ઞાન વિચાર્યે…
રામ કહે છે કે જરા હરિનામ ભલે થઈ જાય!
ત્રૈલોક્ય ગાય છે : ‘મન એક વાર હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ;
હરિ, હરિ, હરિ બોલી ભવસિંધુ પારે ચલ…’
માસ્ટર ધીમે ધીમે બોલે છે, ‘ગૌર નિતાઈ તમે બે ભાઈ?’
ઠાકુર પણ એ ગીત ગાવાનું કહે છે. ત્રૈલોક્ય અને ભક્તો બધા મળીને ગાય છે:
‘ગૌર નિતાઈ તમે બે ભાઈ, પરમ દયાળ હે પ્રભુ!’
ઠાકુર પણ જોડાયા. એ પૂરું થયું એટલે બીજું એક ગીત ઉપાડ્યું :
જેમનાં હરિ બોલતાં નયન ઝરે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…
જેઓ માર ખાઈ પ્રેમ વેચે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…
જેઓ વ્રજના કાન-બલરામ, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…
જેઓ ચાંડાલને પણ ખોળે બેસાડે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…
આ ગીતની સાથે ઠાકુર બીજું એક ગીત ગાય છે :
‘નદિયા ડગમગ ડગમગ કરે, ગૌર પ્રેમના હિલ્લોળે..’
ઠાકુર ફરીથી એક બીજું ગીત ગાય છે :
કોણ ‘હરિ બોલ, હરિ બોલ’ કહીને જાય,
જા રે માધાઈ એ બધું જાણી આવ.
(જાણે ગૌર જાય કે નિતાઈ જાય રે), (જેનાં રક્તવર્ણાં ચરણે છે સુવર્ણ નુપૂર),
(જેનું માથું છે મુંડેલ અને કંથા છે તૂટેલ), (જાણે કે એક પાગલ ચાલ્યો જાય).
છોટો નરેન રજા લે છે.
શ્રીરામકૃષ્ણ – તારે બાપ મા પ્રત્યે ખૂબ ભક્તિ રાખવી, પણ ઈશ્વરના માર્ગમાં અડચણ કરે તો માનીશ નહિ. ખૂબ જોર લાવવું. સાલો બાપ!
છોટો નરેન – કોણ જાણે, પણ મને જરાય બીક લાગતી નથી.
ગિરીશ પોતાને ઘેરથી વળી આવી પહોંચ્યા. ઠાકુર ત્રૈલોક્યની સાથે તેનો પરિચય કરાવી આપે છે અને કહે છે કે તમે વાતચીત કરો. જરા વાતચીત પછી ત્રૈલોક્યને કહે છે, ‘એ ગીત હજી એક વાર.’ ત્રૈલોક્ય ગાય છે :
(ઝિંઝોટી-ખમાજ અને ઠુમરી)
‘જય શચિનંદન, ગૌર ગુણાકર, પ્રેમ પરશમણિ, ભાવરસ-સાગર.
કેવા સુંદર, મુરતિ મોહન, નયન રંજન, કનક વરણ –
કેવા મૃણાલ-નિંદિત, આજાનુ-લંબિત, પ્રેમ-પ્રસારિત કોમલ યુગલ કર,
કેવું રુધિર વદનકમલ પ્રેમરસે દીસે ઢલઢલ,
વાંકડિયા વાળ, સુંદર ગંડસ્થળ, હરિ પ્રેમે વિહ્વળ, અપરૂપ મનોહર.
મહાભાવે મંડિત, હરિરસ રંજિત, આનંદે પુલકિત અંગ;
મદમસ્ત માતંગ, સુવર્ણ ગૌરાંગ, આવેશે વિભોર અંગ,
અનુરાગે ગદ્ગદ હરિગુણગાયક, પ્રેમરસનાયક,
સાધુહૃદયરંજક, અલોક-સામાન્ય, ભક્તિ-સિંધુ શ્રીચૈતન્ય,
‘આવ ભાઈ,’ કહી અંત્યજને, પ્રેમભર્યા લે ખોળે,
નૃત્યે બાહુ બેઉ ઊછળે; હરિ બોલે હરિ બોલે;
અવિરત ઝળે જળ નયને નિરંતર, ‘ક્યાં હરિ પ્રાણધન?’ કહી કરે રુદન;
મહાસ્વેદ કંપન, હુંકાર-ગર્જન; પુલકે રોમાંચિત, શરીર કદંબિત,
ધૂળમાં આળોટતું સુંદર કલેવર, હરિ-લીલા-રસ નિકેતન,
ભક્તિ-રસ પ્રસ્રવણ,
દીનજન-બાંધવ, બંગાલનું ગૌરવ, ધન્ય ધન્ય શ્રીચૈતન્ય પ્રેમ-શશધર –
‘ગૌર હસે, રડે, નાચે, ગાય’ એ સાંભળીને ઠાકુર ભાવ-મગ્ન થઈને ઊભા થઈ ગયા. એકદમ બહારના ભાનરહિત!
સહેજ સ્વસ્થ થઈને ત્રૈલોક્યને વિનંતી કરીને કહે છે : ‘એક વાર પેલું ગીત: ‘શું નિહાળ્યું રે!’ ત્રૈલોક્ય ગાય છે :
‘શું જોયું રે કેશવ ભારતીની કુટિરમાં,
અપરૂપ જ્યોતિ, શ્રી ગૌરાંગ મૂરતિ; બે નયને વહે પ્રેમ શતધારે…
ભજન સમાપ્ત થયાં. સંધ્યા થવાની તૈયારી. ઠાકુર હજીયે ભક્તો સાથે બેઠેલા છે.
શ્રીરામકૃષ્ણ (રામને) – વાજિંત્રો નથી! સારાં વાજિંત્રો હોય તો કીર્તન ખૂબ જામે. (હસીને) બલરામની વ્યવસ્થા કેવી, ખબર છે? બ્રાહ્મણની ગાય જેવી, એ (આખો દિવસ ગામમાં ભટકતી ફરે ને જ્યાં ત્યાંથી ખાય, એટલે) ખાવાનું માગે ઓછું, ને દૂધ આપે ભર્ર્ર્ર્ર્ર્ર્ર્ ભર્ર્ર્ કરીને! (સૌનું હાસ્ય). બલરામનો અંતરનો ભાવ, આપ લોકો જ ગાઓ ને આપ જ બજાવો! (હાસ્ય).




