સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને ઈશ્વરનાં મધુર નામ લે છે. ભક્તો ચારે બાજુ બેઠેલા છે અને એ મધુર નામ સાંભળી રહ્યા છે. ગિરીશ, માસ્ટર, બલરામ, ત્રૈલોક્ય અને બીજા અનેક ભક્તો હજી બેઠા છે. કેશવ-ચરિત્ર નામના ગ્રંથમાં ત્રૈલોક્યે શ્રીરામકૃષ્ણનો સંસાર વિશેનો અભિપ્રાય બદલાયાની વાત જે લખી છે તે વાત ત્રૈલોક્યની સામે કાઢવાનું ભક્તોએ નક્કી કર્યું છે. ગિરીશે વાત ઉપાડી.

ગિરીશ ત્રૈલોક્યને કહે છે કે આપે જે લખ્યું છે કે સંસાર સંબંધે આમનો (શ્રીરામકૃષ્ણનો) અભિપ્રાય બદલાયો છે એ બરાબર નથી.

શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્ય અને બીજા ભક્તોને) – આ બાજુનો આનંદ મળે તો પેલો આનંદ ગમે નહિ. ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય તો સંસાર ફિક્કો લાગે. શાલ મળે તો ધાબળી ગમે નહિ.

ત્રૈલોક્ય – જેઓ સંસાર કરવા ઇચ્છે છે તેમની વાત હું કરું છું; જેઓ ત્યાગી, તેમની વાત હું નથી કહેતો.

શ્રીરામકૃષ્ણ – તમે લોકોની એ બધી કેવી વાત?

જેઓ ‘સંસારમાં રહીને ધર્મ,’ ‘સંસારમાં રહીને ધર્મ’ એમ કર્યા કરે છે, તેઓને એક વાર જો ભગવાનનો આનંદ મળે તો પછી તેમને બીજું કાંઈ ગમે નહિ. કામકાજ કરવાનો ઉત્સાહ બધો ઓસરી જાય. ક્રમે ક્રમે જેમ આનંદ વધતો જાય તેમ કામ થઈ શકે નહિ, માત્ર એ આનંદ જ શોધતા ફરે. ભગવાનના આનંદની સરખામણીમાં વિષયાનંદ અને રમણાનંદ!! એક વાર ભગવાનના આનંદનો સ્વાદ મળે તો એ આનંદને માટે દોડાદોડી કરવા માંડે, પછી સંસાર રહે કે જાય. (તેની કોને પડી હોય?)

‘તરસથી છાતી ફાટી જતી હોય; ભલે સાત સમુદ્ર, તેર નદીઓ, બધાંય સરોવર પાણીથી ભરપૂર હોય તોય ચાતક એ પાણી પીએ નહિ. સ્વાતિ નક્ષત્રના વરસાદના પાણી માટે મોઢું વકાસીને બેઠું રહે. ‘વિના સ્વાતિ જળ સબ ધૂળ!’

(બે આનાનો મદ્ય અને બંને બાજુએ સંભાળવું)

આ લોકો કહે છે કે બન્ને બાજુ સાચવીશું, (સંસાર પણ કરીશું ને ઈશ્વરનેય ભજીશું.) એક પ્યાલી પીધો હોય, તો બન્ને બાજુ સંભાળવાનો વિચાર આવે. વધારે નશો કર્યો હોય તો પછી શું બન્ને બાજુએ સંભાળી શકાય?

‘ઈશ્વરનો આનંદ મળે તો બીજું કંઈ ગમે નહિ. એ વખતે પછી કામ-કાંચનની વાતો જાણે કે છાતીમાં વાગે. (ઠાકુર કીર્તનના સૂરમાં બોલે છે) ‘બીજાની વાત તો બીજી જ હોય, મને એ જરાય ગમે નહિ!’ ઈશ્વરી આનંદ મળે, ત્યાર પછી માણસ ઈશ્વર સારુ ગાંડો થઈ જાય. એ વખતે રૂપિયાબુપિયા કંઈ ગમે નહિ.

ત્રૈલોક્ય – સંસારમાં રહીએ એટલે રૂપિયા પણ જોઈએ ને સંગ્રહ પણ કરવો જોઈએ. થોડાંક દાન-દયા..

શ્રીરામકૃષ્ણ – શું? પહેલાં રૂપિયા ભેગા કરવા ને પછી ઈશ્વર? અને દાન-દયા કેટલાં કરાય છે એ તો સૌને ખબર છે! પોતાની દીકરીઓના વિવાહમાં હજારો રૂપિયાનાં ખરચ, અને પાડોશના ઘરનાં ભલે ને ભૂખે મરતાં હોય; તેમને પાશેર લોટની ચપટી દેતાં જીવ નીકળી જાય. કેટલીય ગણતરી કરીને દેવાય! ત્યાં ખાવા નથી મળતું માણસને; તેમાં અમે શું કરીએ? એ સાલા મરે કે જીવે; અમે અને અમારા ઘરનાં બધાં સુખે રહીએ એટલે થયું! મોઢેથી કહેશે કે સર્વ જીવો પર દયા!

ત્રૈલોક્ય – સંસારમાં પણ સારા માણસો તો છે ને? જેવા કે પુંડરિક વિદ્યાનિધિ, ચૈતન્યદેવના ભક્ત; તે તો સંસારમાં હતા.

શ્રીરામકૃષ્ણ – તેને ગળા સુધી (ઈશ્વરીય પ્રેમનો) દારૂ આવી ગયો હતો. જો જરાક વધુ પીધો હોત તો પછી એ સંસાર કરી શકત નહિ.

ત્રૈલોક્ય ચૂપ થઈ ગયા. માસ્ટર એક તરફ જઈને ગિરીશને કહે છે, ‘ત્યારે તો એમણે જે લખ્યું છે એ બરાબર નથી.’

ગિરીશ – તો તો પછી આપે જે લખ્યું છે એ બરાબર નથી?

ત્રૈલોક્ય – કેમ? સંસારમાં રહીને ધર્મ થાય એ શું ઠાકુર માનતા નથી?

શ્રીરામકૃષ્ણ – થાય; પણ જ્ઞાન-પ્રાપ્તિ કરીને રહેવું જોઈએ. ભગવાનને મેળવીને રહેવું જોઈએ. ‘પંકસાગરે રહે તોય, પંક ન લાગે અંગ.’ ત્યારે કાદવી માછલીની પેઠે રહી શકે. ઈશ્વર-પ્રાપ્તિ પછીનો જે સંસાર એ વિદ્યાનો સંસાર. કામ-કાંચન એની અંદર ન હોય, માત્ર ભક્તિ, ભક્ત અને ભગવાન હોય. મારેય સ્ત્રી છે, ઘરમાં ઠામવાસણેય છે, કોઈ માણસો આવે તેને જમાડીયે દઉં, તેમ વળી હાવીની મા વગેરે આવે ત્યારે તેમની પણ સરભરા કરું!

Total Views: 365
ખંડ 43: અધ્યાય 5 : સંકીર્તનાનંદે ભક્તો સાથે
ખંડ 43: અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને અવતાર તત્ત્વ