એક ભક્ત (ત્રૈલોક્યને) – આપના પુસ્તકમાં જોયું કે આપ અવતારમાં માનતા નથી. ચૈતન્યદેવની વાતમાં જોયું.

ત્રૈલોક્ય – એમણે પોતે જ એ વાતનો પ્રતિવાદ કર્યો છે. જગન્નાથપુરીમાં જ્યારે અદ્વૈત ગોસ્વામી અને બીજા ભક્તોએ ‘આપ જ ભગવાન’ એમ કહીને કીર્તન ગાયું હતું ત્યારે ગીત સાંભળીને ચૈતન્યદેવે ઓરડાનું બારણું વાસી દીધું હતું. ઈશ્વરનું અનંત ઐશ્વર્ય. ઠાકુર જેમ કહે છે કે ભક્ત ઈશ્વરનું દીવાનખાનું, એ ખરું. પણ દીવાનખાનું ખૂબ શણગારેલું હોય એટલે એનું શું બીજું કંઈ ઐશ્વર્ય ન હોય?

ગિરીશ – પરમહંસદેવ કહે છે કે પ્રેમ જ ઈશ્વરનો સારાંશ. જે માણસ દ્વારા આપણને ઈશ્વરનો પ્રેમ મળે તેની જ આપણને જરૂર. ઠાકુર કહે છે કે ગાયનું દૂધ તેના આંચળમાંથી આવે; એટલે આપણને આંચળની જરૂર. ગાયના શરીરનાં બીજાં અંગોની આપણને જરૂર નહિ, હાથ, પગ કે શિંગડાંની.

ત્રૈલોક્ય – ઈશ્વરનું પ્રેમરૂપી દૂધ અનંત નાળીઓ દ્વારા આવે. એ તો અનંત શક્તિમાન.

ગિરીશ – આ પ્રેમની પાસે બીજી કઈ શક્તિ ટકી શકે?

ત્રૈલોક્ય – જેની એ શક્તિ, તે મનમાં ધારે તો સર્વ કંઈ બની શકે.

ગિરીશ – બીજી બધી એમની શક્તિ ખરી; પણ અવિદ્યા-શક્તિ.

ત્રૈલોક્ય – અવિદ્યા એટલે શું? અવિદ્યા નામની શું કોઈ વસ્તુ છે? અવિદ્યા એટલે એક અભાવ, જેમ અંધકાર એ પ્રકાશનો અભાવ છે તેમ. ઈશ્વરનો પ્રેમ આપણે માટે અતિ મૂલ્યવાન એ ખરું; તેના બિંદુમાં આપણો સિંધુ એ બરાબર; પણ એ જ છેવટની વાત એમ કહીએ તો ઈશ્વરને સીમિત કરવા જેવું થયું.

શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્ય અને બીજા ભક્તોને) – હા, હા, એ બરાબર; પણ જરાક દારૂ પીવાથી જ જો આપણને નશો ચડી જાય તો પછી કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ પડ્યો છે, એ બધી ગણતરીનું આપણને કામ શું? અનંત શક્તિના ખબર લેવા જવાનું આપણને કામ શું?

ગિરીશ (ત્રૈલોક્યને) – આપ અવતારમાં માનો છો?

ત્રૈલોક્ય – ભક્તમાં જ ભગવાન અવતીર્ણ. અનંત શક્તિનું Manifestation પ્રાગટ્ય થાય નહિ, થઈ શકે નહિ. કોઈ પણ માણસમાં થઈ શકે નહિ.

ગિરીશ – છોકરાંઓની ‘બ્રહ્મ-ગોપાલ’ કહીને સેવા કરી શકો અને મહાપુરુષની ઈશ્વર તરીકે શું પૂજા કરી શકાય નહિ?

શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્યને) – અનંતની બાબત અહીં શા માટે ઘુસાડો છો? તમને અડવું હોય તો શું તમારા આખા શરીરને અડવું જોઈએ કે? ગંગાસ્નાન કર્યું એનો અર્થ શું હરદ્વારથી તે ગંગાસાગર સુધીની આખી ગંગાને હાથ લગાડ્યો હોવો જોઈએ કે? ‘હું મર્યે મટે જંજાળ!’ જ્યાં સુધી ‘હું’ રહે ત્યાં સુધી ભેદબુદ્ધિ રહે. ‘હું’ નીકળી જાય પછી શું રહે એ કોઈ જાણી શકે નહિ, મોઢેથી બોલી શકે નહિ. જે છે તે છે! એ વખતે પછી થોડોક (ઈશ્વર) આમાં પ્રકાશિત થયો છે ને બાકીનો પેલામાં પ્રકાશિત થયો છે, એ બધું કહી શકાય નહિ. સચ્ચિદાનંદ સાગર! એની અંદર ‘હું’ પણું એ ઘડા જેવું. જ્યાં સુધી ઘડો છે ત્યાં સુધી જાણે કે પાણીના બે ભાગ હોય એમ લાગે; ઘડાની અંદર એક ભાગ ને બહારનો એક ભાગ. પણ ઘડો ફૂટી જાય ત્યારે વળી એક જ પાણી. એ પણ કહી શકાય નહિ! કહે કોણ?

ચર્ચા પૂરી થયા પછી ઠાકુર ત્રૈલોક્યની સાથે મીઠાશભરી વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – તમે તો આનંદમાં છો ને?

ત્રૈલોક્ય – ક્યાં અહીંથી ઊઠ્યો કે વળી પાછો જેવો હતો તેવો જ થઈ જવાનો. અહીં આપની પાસે મજાની ઈશ્વરની ઉદ્દીપના થાય છે!

શ્રીરામકૃષ્ણ – જોડા પહેરી રાખ્યા હોય તો કાંટામાં જતાં બીક લાગે નહિ. ‘ઈશ્વર સત્ય અને બીજું બધું અનિત્ય’ એ જ્ઞાન હોય તો કામ-કાંચનની બીક જ નહિ.

બલરામ ત્રૈલોક્યને મીઠું મોઢું કરાવવા સારુ બીજા ઓરડામાં લઈ ગયા. શ્રીરામકૃષ્ણ ત્રૈલોક્યની અને તેમના સંપ્રદાયના લોકોની અવસ્થાનું ભક્તો પાસે વર્ણન કરે છે. રાતના નવ વાગ્યા છે.

(અવતારને શું બધા લોકો ઓળખી શકે?)

શ્રીરામકૃષ્ણ (ગિરીશ, મણિ અને બીજા ભક્તોને) – એ લોકો શેના જેવા, ખબર છે? એક કૂવાનો દેડકો હતો. તેણે કોઈ દિ’ પૃથ્વી જોઈ ન હતી. માત્ર કૂવાને જ ઓળખે. એટલે એ કોઈ રીતે માને નહિ કે પૃથ્વી જેવી એક વસ્તુ છે. આ લોકોને ભગવાનના આનંદની ખબર નથી. એટલે તેઓ ‘સંસાર, સંસાર’ કરે છે.

(ગિરીશને) તમે એમની સાથે જીભાજોડી શું કામ કરો છો? એ લોકો બન્નેને લઈને રહે છે. ભગવાનનાં દર્શનના આનંદનો સ્વાદ ચાખ્યા વિના એ આનંદની વાત સમજી શકે નહિ. પાંચ વરસના બાળકને શું રમણસુખનો આનંદ સમજાવી શકાય? સંસારીઓ જે ‘ઈશ્વર’ ‘ઈશ્વર’ કરે, એ બધી સાંભળેલી વાતો. જેમ કે દેરાણી-જેઠાણીઓ ઝઘડો કરે ત્યારે તેમની પાસેથી છોકરાઓ સાંભળી રાખે, અને બોલે કે ‘ભગવાનના સોગંદ!’

‘પરંતુ એમાં એમનો દોષ નથી. સૌ કોઈ શું અખંડ સચ્ચિદાનંદને સમજી શકે? રામચંદ્રને માત્ર બાર ઋષિઓ ઓળખી શક્યા હતા. સહુ કોઈ ઓળખી શકે નહિ. કોઈ સાધારણ માણસ તરીકે જાણે; કોઈ સાધુ પુરુષ તરીકે જાણે; બે ચાર માણસો અવતાર તરીકે સમજી શકે!

‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ હીરો બજારમાં લઈ જા; જુદા જુદા માણસો પાસે તેની કિંમત કરાવીને મને કહેજે કે કોણ શો ભાવ આપે છે. પહેલાં રીંગણાવાળા કાછિયા પાસે લઈ જજે. એ પ્રમાણે મુનીમ હીરો બજારમાં લઈ ગયો ને કાછિયાને બતાવ્યો. તેણે હીરાને આમતેમ ફેરવી કરીને કહ્યું કે ‘ભાઈ, આનાં નવ શેર રીંગણા આપું!’ મુનીમ કહે કે ‘અલ્યા! જરા વધુ દે. કંઈ નહિ તોય દશ શેર આપ!’ તેણે કહ્યું, ‘મેં બજાર ભાવ કરતાં વધુ બોલી નાખ્યું છે; એટલામાં તમારે પોસાય તો આપી જાઓ.’ એટલે મુનીમ હસતો હસતો હીરો પાછો લઈને શેઠની પાસે ગયો અને કહ્યું કે ‘શેઠ, રીંગણાવાળો નવશેર રીંગણાં કરતાં વધુ એક પણ રીંગણું આપવા રાજી નથી. એ કહે છે કે એમાંય મેં બજારભાવ કરતાં વધુ બોલી નાખ્યું છે!’

શેઠ હસીને બોલ્યા, ‘વારુ, હવે કાપડિયાની પાસે લઈ જા. કાછિયો તો રીંગણાં લઈને વેચે; એ વળી કેટલુંક સમજે? કાપડિયાની પૂંજી વધુ હોય; જોઈએ, એ શું કહે છે.’ મુનીમ હીરાને કાપડિયાની પાસે લઈ જઈને કહે છે કે ‘શેઠ, આ રાખવું છે? શું આપશો બોલો?’ કાપડિયો કહે કે ‘હા, નંગ છે સારું. મજાનું ઘરેણામાં બેસાડી શકાય. હું એના નવસો રૂપિયા આપું.’ મુનીમે કહ્યું કે ‘શેઠ એથી જરાક વધુ ઉપર ચડો તો હું આપી દઉં, ઓછામાં ઓછા હજાર તો આપો!’ એટલે કાપડિયો બોલ્યો કે ‘ભાઈ, હવે વધુ બોલશો મા. બજારભાવ કરતાં મેં વધારે બોલી દીધું છે. નવસો ઉપર એક રૂપિયોય વધુ નહિ.’ મુનીમ વળી પાછો હીરો શેઠની પાસે લઈ જઈને હસતો હસતો કહેવા લાગ્યો કે ‘શેઠ, કાપડિઓ કહે છે કે નવસો રૂપિયા કરતાં વધુ એક રૂપિયોય આપી શકું નહિ. વધુમાં એ કહેવા લાગ્યો કે મેં બજારભાવ કરતાં વધુ બોલી નાખ્યું છે.’ એટલે શેઠ હસતાં હસતાં કહે છે કે ‘હવે ઝવેરીની પાસે જાઓ, એ શું કહે છે એ જોઈએ.’ મુનીમ ઝવેરીની પાસે લઈ ગયો. ઝવેરી હીરો હાથમાં લઈને જરા જોતાંની સાથે એકદમ બોલી ઊઠ્યો : ‘આના રૂપિયા એક લાખ આપું!’

(ઈશ્વરકોટિ અને જીવકોટિ)

‘સંસારમાં રહીને ધર્મ, ધર્મ’ આ લોકો કહે છે! એ શેના જેવું, કહું? જેમ કે એક જણ એક ઓરડીમાં બેઠો છે. ઓરડી ચારે કોરથી બંધ. માત્ર ઉપરની છતમાં એક જરાક જેટલું કાણું છે. તેમાંથી સૂર્યનો જરાક પ્રકાશ આવે છે. માથા પર છત હોય તો શું સૂર્યને દેખી શકાય? જરાક જેટલા પ્રકાશમાં શું વળે? કામ-કાંચનરૂપી છત. એ છત કાઢી નાખ્યા વિના શું સૂર્યને જોઈ શકાય? સંસારી માણસો જાણે કે ઓરડીની અંદર પુરાઈ રહેલા છે!

‘અવતાર વગેરે ઈશ્વર-કોટિ. તેઓ ખુલ્લી જગામાં ફરે છે. તેઓ ક્યારેય પણ સંસારમાં બદ્ધ થાય નહિ, કેદમાં પુરાય નહિ. તેમનો ‘અહં’ એ મોટો અહં નહિ. સંસારી લોકોની જેમ. સંસારી માણસોનો ‘હું’ જાણે કે ચારે બાજુ દીવાલો અને માથા પર છત. તેમાંથી બહારની કોઈ ચીજ દેખી શકાય નહિ. અવતાર વગેરેનો ‘અહં’ પાતળો. એ અહંની સોંસરું થઈને ઈશ્વરને હંમેશાં જોઈ શકાય. જેમ કે એક માણસ દીવાલની એક બાજુએ ઊભો છે. દીવાલની બન્ને બાજુએ અનંત મેદાન. એ દીવાલમાં જો કાણું હોય તો દીવાલની પેલી બાજુનું બધું દેખાય. મોટું બાકોરું હોય તો આવજા કરી શકાય. અવતાર વગેરેનો ‘અહં’ મોટા બાકોરાવાળી દીવાલ જેવો. દીવાલની આ બાજુએ રહે તોય પેલી બાજુનું અનંત મેદાન તેઓ જોઈ શકે. એનો અર્થ એ કે દેહ ધારણ કર્યા છતાં તેઓ હંમેશાં યોગાવસ્થામાં જ રહે. તેમની ઇચ્છા થાય તો મોટા બાકોરાની પેલી બાજુએ જઈને સમાધિ-મગ્ન થવા છતાં મોટું બાકોરું હોવાને લીધે આવજા કરી શકે, વળી પાછા સમાધિમાંથી ઊતરી આવી શકે.

ભક્તો આશ્ચર્યચકિત થઈને આ અવતાર-તત્ત્વ સાંભળી રહ્યા છે.

Total Views: 312
ખંડ 43: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણ અને વિદ્યાનો સંસાર - ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર
ખંડ 44: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામના ઘરે અંતરંગ ભક્તો સંગે