(નરેન્દ્ર, માસ્ટર, યોગિન, બાબુરામ, રામ, ભવનાથ, બલરામ, ચુની)

આજ શુક્રવાર, વૈશાખ સુદ દશમ; ૨૪મી એપ્રિલ, ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ આજે કોલકાતા આવ્યા છે. માસ્ટર આશરે એક વાગ્યે બલરામના દીવાનખાનામાં જઈને જુએ છે તો ઠાકુર સૂતેલા છે. પાસે એક બે ભક્તો આરામ કરી રહ્યા છે.

માસ્ટર એક બાજુએ બેસીને એ સૂઈ રહેલ બાલક-મૂર્તિને જોઈ રહ્યા છે ને વિચાર કરે છે કે શી નવાઈ! આ મહાપુરુષ, પ્રાકૃત લોકોની જેમ આ પણ સૂતેલા છે! તેમણે પણ જીવના ધર્મો સ્વીકાર્યા છે!

માસ્ટર એક પંખો લઈને ધીરે ધીરે પવન નાખે છે. થોડી વાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણની ઊંઘ ઊડી. ઠાકુર ઊઠીને બેઠા. કપડાં હજી આડાંઅવળાં છે. માસ્ટરે જમીન પર નમીને પ્રણામ કર્યા અને તેમની ચરણરજ લીધી.

(શ્રીરામકૃષ્ણને પ્રથમ માંદગીનો સંચાર – એપ્રિલ ૧૮૮૫)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને, સ્નેહથી) – ઠીક છો ને? કોણ જાણે કેમ, પણ મારા ગળામાં ગાંઠ જેવું થયું છે. પાછલી રાતે બહુ જ દુ:ખે. કેમ કરીને મટે, બાપુ! (ચિંતાતુર થઈને) કેરીનું અંબલ (ખાટું, પાણીવાળું શાક) કર્યું હતું, તે બધું જરા જરા ખાધું. (માસ્ટરને) તમારા ઘરમાંથી કેમ છે? તે દિવસે તો દૂબળાં થઈ ગયેલાં જોયાં. જરાતરા ઠંડક કરતા રહેજો.

માસ્ટર – જી; લીલું નાળિયેર બાળિયેર?

શ્રીરામકૃષ્ણ – હા, સાકરનું શરબત આપવું સારું.

માસ્ટર – હું રવિવારે ઘેર રહેવા ગયો છું.

શ્રીરામકૃષ્ણ – સારું કર્યું. ઘેર રહેવું તમને અનુકૂળ. બાપ, મા બધાં છે. વહેવાર તમારે એટલો બધો સંભાળવો ન પડે.

વાત કરતાં કરતાં ઠાકુરનું ગળું સુકાવા લાગ્યું. એટલે બાળકની પેઠે પૂછે છે: (માસ્ટરને) મારું ગળું સુકાય છે. શું સૌનું ગળું સુકાય છે?

માસ્ટર – જોગીન બાબુ, તમારુંય ગળું સુકાય છે?

યોગીન્દ્ર (સ્વામી યોગાનંદ)

યોગીન્દ્ર – ના; એમ લાગે છે કે એમને ગરમી થઈ છે.

એંડેદાના યોગીન્દ્ર, ઠાકુરના એક અંતરંગ ત્યાગી ભક્ત. ઠાકુર અવ્યસ્થિત રીતે બેઠા છે. કોઈ કોઈ ભક્તો હસે છે.

શ્રીરામકૃષ્ણ – જાણે છોકરું ધવરાવવા બેઠો છું. (સૌનું હાસ્ય). વારુ, ગળું સુકાય છે તે નાસપતી ખાઉં કે જામરૂલ (ધોળાં જાંબુ)?

બાબુરામ – તો એ જ લઈ આવું; જામરૂલ?

શ્રીરામકૃષ્ણ – તારે અત્યારે તડકામાં જવાની જરૂર નથી. માસ્ટર પંખો નાખતા હતા.

શ્રીરામકૃષ્ણ – હવે બસ. તમે ઘણી વાર થયાં..

માસ્ટર – જી, તકલીફ નથી પડતી.

શ્રીરામકૃષ્ણ (સ્નેહથી) – નથી પડતી?

માસ્ટર નજીકની સ્કૂલમાં ભણાવે છે. તે એક વાગ્યે વચ્ચે રજા પડવાથી જરા આવ્યા હતા. એટલે હવે સ્કૂલમાં પાછા જવા સારુ ઊઠ્યા અને ઠાકુરને ચરણે વંદના કરી.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – હમણાં જ જવું છે?

એક ભક્ત – સ્કૂલ હજી છૂટી નથી. આ તો વચમાં એક વાર આવ્યા હતા.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – જાણે કે ઘરવાળી. તેને સાત આઠ છૈયાંછોકરાં, ઘરસંસારનું રાતદિ’ કામકાજ; વળી એની વચ્ચે વચ્ચે થોડીક વાર આવીને સ્વામીની સેવા કરી જાય! (સૌનું હાસ્ય).

Total Views: 299
ખંડ 43: અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને અવતાર તત્ત્વ
ખંડ 44: અધ્યાય 2 : શ્રીયુત્ બલરામના ઘરે અંતરંગ ભક્તો સાથે