ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામ બસુના ઉપલા મજલા પરના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. સહાસ્ય વદન. ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. નરેન્દ્ર, માસ્ટર, ભવનાથ, પૂર્ણ, પલ્ટુ, છોટો નરેન, ગિરીશ, રામ બાબુ, દ્વિજ, વિનોદ વગેરે ઘણાય ભક્તો ચારે બાજુ બેઠા છે.

આજે શનિવાર, વૈશાખ વદ દશમ; તારીખ ૯મી મે, ઈ.સ. ૧૮૮૫. ત્રણ વાગ્યાનો સમય.

બલરામ ઘેર નથી. તબિયત બરોબર ન હોવાથી તે મોંગેર હવાફેર કરવા ગયા છે. તેમની (કથામૃત પ્રસિદ્ધ થતી વખતે મૃત્યુ પામેલ) મોટી દીકરીએ ઠાકુર અને ભક્તોને બોલાવીને મહોત્સવ કર્યો છે. જમ્યા પછી ઠાકુર જરા આરામ લે છે.

ઠાકુર માસ્ટરને વારે વારે પૂછ્યા કરે છે કે તમે કહો, કે હું શું ઉદાર છું ખરો?

ભવનાથ હસતાં હસતાં કહે છે કે એ વળી શું બોલવાના? મૂંગા બેસી રહેવાના!

એક હિંદુસ્થાની ભિખારી ભજન ગાવા આવ્યો છે. ભક્તોએ એક બે ગીત સાંભળ્યાં. ગીત નરેન્દ્રને ગમી ગયું. તેણે ગાવાવાળાને કહ્યું કે ફરીથી ગા.

શ્રીરામકૃષ્ણ – બસ, બસ, હવે બહુ થયું! પૈસા ક્યાં છે? (નરેન્દ્રને) તેં તો (ગાવાનું) કહ્યું!

ભક્ત (હસીને) – મહાશય આપને અમીર ઠરાવ્યા છે; આપ તકિયાને અઢેલીને બેઠા છો ને એટલે! (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસીને) – માંદો ધારી શકે!

હાજરાના અહંકારની વાત નીકળી. હાજરાને કોઈ કારણસર દક્ષિણેશ્વર કાલીમંદિર છોડીને ચાલ્યા જવું પડ્યું હતું.

નરેન્દ્ર – હાજરા કબૂલ કરે છે કે પોતાને અભિમાન આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ – અરે, એ વાત સાંભળીશ નહિ! દક્ષિણેશ્વરમાં ફરી આવવા સારુ એ એમ બોલે છે. (ભક્તોને) નરેન્દ્ર તો હંમેશાં એમ જ કહે, કે હાજરા એક મહાન!

નરેન્દ્ર – હજીયે કહું છું.

શ્રીરામકૃષ્ણ – કેમ? આટલું આટલું તો સાંભળ્યું, છતાં?

નરેન્દ્ર – દોષ જરાક છે, પણ ગુણ ઘણા છે.

શ્રીરામકૃષ્ણ – નિષ્ઠા છે ખરી.

હાજરા મને કહે છે કે અત્યારે તમને હું ગમતો નથી, પણ પછી મને તમારે શોધવો પડશે. શ્રીરામપુરથી એક ગુસાંઈ આવ્યો હતો, અદ્વૈતવંશી. તેની ઇચ્છા, કે ત્યાં (દક્ષિણેશ્વરમાં ઠાકુરની પાસે) એક બે રાત રહે. મેં ખાતરબરદાસ્ત કરીને એને રહેવાનું કહ્યું. હાજરા કહે કે ‘એને ખજાનચીની પાસે મોકલી દો.’ એમ કહેવામાં એનો મતલબ એ કે ગુસાંઈને દૂધ બૂધ જોઈએ, તે કદાચ હાજરાના ભાગમાંથી દેવું પડે તો? એટલે મેં કહ્યું કે ‘એમ કે સાલા? એ ગુસાંઈ, અદ્વૈત ગોસ્વામીનો વંશજ, એટલે હું એને સાષ્ટાંગ નમસ્કાર કરું; અને તું સંસારમાં રહીને કામ-કાંચન લઈને અનેક કાળાંધોળાં કરીને હવે એક જરાક જપ કરવા લાગ્યો એટલે આટલું અભિમાન રાખે છે? શરમાતો નથી?’

‘સત્ત્વગુણથી ઈશ્વર-પ્રાપ્તિ થાય; રજોગુણ, તમોગુણ ઈશ્વરથી વિમુખ કરે. સત્ત્વગુણને ધોળા રંગની સાથે સરખાવ્યો છે, રજોગુણને લાલ રંગની સાથે અને તમોગુણને કાળા રંગની સાથે.

‘મેં એક દિવસ હાજરાને પૂછ્યું કે ‘તમે કહો જોઈએ, કોનામાં કેટલો સત્ત્વગુણ આવ્યો છે?’ એ કહે છે કે ‘નરેન્દ્રમાં સોળ આના, અને એના પોતામાં અઢાર આના!’ મેં પૂછ્યું : ‘મારામાં કેટલોક છે?’ એટલે હાજરા કહે કે ‘તમને હજી લાલિમા છે – તમારામાં બાર આના.’ (સૌનું હાસ્ય).

‘હાજરા દક્ષિણેશ્વરમાં બેસીને જપ કરતો. પાછો એની અંદરથીયે પોતાનું મહેનતાણું કાઢવાનો પ્રયાસ કરતો. માથે કેટલા હજાર રૂપિયાનું દેણું છે, એ દેણું ચૂકવવાનું છે. પોતે બેઠો બેઠો જપ કરે. રસોઇયા બ્રાહ્મણની વાતમાં કહે કે એવા બધા માણસોની સાથે શું અમે વાત કરીએ?

(કામના ઈશ્વરપ્રાપ્તિમાં વિઘ્ન – ઈશ્વરનો બાલકસ્વભાવ)

‘વાત એમ છે કે જરાક જેટલીયે કામના અંદર હોય તો ભગવાનને પ્રાપ્ત કરી શકાય નહિ. ધર્મની સૂક્ષ્મ ગતિ! સોયના નાકામાં દોરો પરોવતી વખતે, દોરાનો જરા પણ તાંતણો આડો હોય તો સોયના નાકામાં દોરો જવાનો નહિ.

ત્રીસ ત્રીસ વરસ થયાં માળા તાણે, તોય કેમ કાંઈ થતું નથી? જંતુની કરડથી જો શરીરમાં ઘારું પડે તો તેને છાણાનો શેક કરવો જોઈએ. એકલી દવા ચોપડ્યે મટે નહિ.

કામના હોય ત્યાં સુધી ગમે તેટલી સાધના કરો ને, તોપણ સિદ્ધિ પ્રાપ્ત થાય નહિ.

‘પણ એક વાત છે. જો ઈશ્વરની કૃપા થાય, ઈશ્વરની દયા થાય તો એક ક્ષણ વારમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. જેમ કે હજાર વરસનો અંધારો ઓરડો હોય, તેમાં અચાનક કોઈ દીવો લાવે તો એક ક્ષણમાં અજવાળું થઈ જાય તેમ.

‘જેમ કે કોઈ ગરીબનો છોકરો કોઈ પૈસાદાર માણસની નજરમાં આવી ગયો. તેણે દીકરીની સાથે તેને પરણાવ્યો. એ સાથે જ ગાડી, ઘોડા, નોકર-ચાકર, પોશાક, સાજસરંજામ, ઘર-બંગલો વગેરે બધું મળી જાય!

એક ભક્ત – મહાશય, ઈશ્વરની કૃપા થાય કેમ કરીને?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર બાળકના જેવા સ્વભાવના! જેમ કે એક નાનું બાળક ખોળામાં કિંમતી રત્ન લઈને બેઠું હોય. કેટલાક માણસો એ રસ્તેથી ચાલ્યા જાય. ઘણાય એની પાસે એ રત્ન માગે. પણ એ બાળક કપડામાં હાથ દાબીને મોઢું ફેરવી જઈને કહેશે કે ‘ના, હું નહિ દઉં’. પણ કદાચ કોઈ અમસ્તો ચાલ્યો જતો હોય અને માગેય નહિ, તો પણ તેની પાછળ પાછળ દોડતું જઈને પોતાની મેળે જ આપી દે.

(ત્યાગ – પછી જ ઈશ્વરલાભ – પૂર્વકથા – સેજોબાબુનો ભાવ)

‘ત્યાગ વિના ઈશ્વરને પામી શકાય નહિ. મારો ઉપદેશ લઈ શકે એવો માણસ ક્યાં છે? હું સાથી શોધું છું; મારા જેવા વિચારનો માણસ. કોઈક ખૂબ ભક્તને જોઉં એટલે એમ થાય કે આ કદાચ મારો ઉપદેશ લઈ શકશે. પણ વળી થોડાક સમયમાં જ જોઉં કે એ જુદા સ્વભાવનો નીકળ્યો!

‘એક ભૂત ભાઈબંધ શોધતો હતો. શનિ કે મંગળવારે અકસ્માતથી મરે તો ભૂત થાય. એટલે એક ભૂત જેવો જુએ કે શનિ કે મંગળવારે કોઈક અકસ્માત થયો છે એટલે તરત જ તે ત્યાં દોડતો જાય ને મનમાં ધારે કે ચાલો હવે આપણને એક ભાઈબંધ જડ્યો! પણ જ્યાં પાસે જાય ત્યાં તો જુએ કે માણસ બચી ગયો છે. અગાસી ઉપરથી પડી ગયો હતો ને બેભાન થઈ ગયો હતો, પણ પાછો જીવતો થઈ ગયો છે!

અને એ ભૂતને ભાઈબંધ જ જડ્યો નહિ!

‘મથુરબાબુને એક વાર ભાવ-અવસ્થા થઈ. બધોય વખત જાણે કે પીધેલની પેઠે રહે. કશુંય કામકાજ કરી શકે નહિ. એટલે પછી સૌ કહેવા લાગ્યા કે ‘આ પ્રમાણે થાય તો પછી પોતાની માલમિલકતની વ્યવસ્થા કોણ સંભાળશે? જરૂર છોટા ભટ્ટાચાર્યે (શ્રીરામકૃષ્ણે) કંઈક કરી નાખ્યું છે.’

(નરેન્દ્રનું બેભાન થઈ જવું – ગુરુશિષ્યની બે વાતો)

‘નરેન્દ્ર જ્યારે પહેલવહેલો આવ્યો ત્યારે મેં એની છાતીએ હાથ મૂકતાંની સાથે જ એ બેહોશ થઈ ગયો. ત્યાર પછી ચેતના આવતાં રડીને કહેવા લાગ્યો કે ‘અરે! તમે મને એમ શા માટે કર્યું? મારે ઘેર હજી બાપ છે, મારી બા છે.’ ‘મારું મારું’ કરવું એ અજ્ઞાનથી થાય.

‘એક ગુરુએ શિષ્યને કહ્યું કે ‘બેટા, સંસાર મિથ્યા છે. તું એ મૂકીને મારી સાથે ચાલ્યો આવ.’ શિષ્ય કહે કે ‘ભગવન્, આ લોકો મને કેટલો ચાહે છે, મારા બાપુ, મારી બા, મારી સ્ત્રી! એ બધાંને છોડીને કેમ કરીને આવું?’ ગુરુએ કહ્યું : ‘તું ભલેને મારું મારું કર્યા કર, અને કહે કે એ લોકો તને ચાહે છે, પણ એ બધી તારી ભૂલ છે. હું તને એક યુક્તિ બતાવું છું. એ પ્રમાણે કરજે એટલે તને ખબર પડશે કે એ લોકો તને ખરેખર ચાહે છે કે નહિ!’ એમ કહીને એક ઔષધિની ગોળી એના હાથમાં દઈને ગુરુ બોલ્યા કે ‘આ ખાજે એટલે તું સાવ મડદા જેવો થઈ જઈશ, પણ તારી ચેતના જશે નહિ. તું બધું જોઈ શકીશ, સાંભળી શકીશ. ત્યાર પછી હું આવી જઈશ અને પછી ક્રમેક્રમે તારી પહેલાંના જેવી જ અવસ્થા થઈ જશે.’

‘શિષ્યે બરાબર એ પ્રમાણે કર્યું. ગોળી ખાઈને સૂઈ ગયો ને થોડાક વખતમાં સાવ મડદા જેવો થઈ ગયો. ઘરમાં તો રડારોળ થઈ રહી. મા, બૈરી વગેરે બધાં પછડાટો ખાઈને રડી રહ્યાં છે. એવે વખતે એક બ્રાહ્મણ આવીને કહે છે કે ‘શું થયું છે?’ તેમણે બધાંએ કહ્યું કે ‘આ છોકરો મરી ગયો છે.’ ગુરુ મરેલા માણસની નાડી તપાસીને કહે છે કે ‘આ શું, આ તો મર્યો નથી! હું અબઘડી એક દવા આપું છું. એ ખાવાની સાથે જ બધું મટી જશે!’ ઘરનાં માણસોને તો જાણે હાથમાં સ્વર્ગ આવ્યું. પછી બ્રાહ્મણે કહ્યું, ‘પણ એમાં એક વાત છે. એ દવા છે મંત્રેલી. પહેલાં તમારામાંથી ગમે તે એક જણે એ ખાવી પડશે ને ત્યાર બાદ રોગીને આપવામાં આવશે. પરંતુ જે પહેલું ખાશે તેનું મોત થશે! તે એમાં શું? આનાં તો પોતાનાં ઘણાંય માણસો છે એમ દેખાય છે. એમાંથી કોઈ ને કોઈ તો જરૂર ખાવાનું. મા અથવા સ્ત્રી, તેઓ તો ખૂબ રડે છે; તેઓ તો જરૂર ખાશે.’

એટલે બધાંયનું રડવું બંધ થઈને સૌ ચૂપ થઈ ગયાં. થોડી વાર પછી મા બોલ્યાં, ‘આવડો મોટો ઘરસંસારનો વહેવાર વગેરે, હું જાઉં તો કોણ સંભાળી શકે?’ એમ કહીને વિચારમાં પડી ગયાં. બૈરી હજી હમણાં જ રોતી રોતી છાતી કૂટતી બોલતી હતી કે ‘અરે રે, મારાં કરમ ફૂટી ગયાં રે!’ એ કહે કે ‘હવે એમનું તો જે થવાનું હતું તે થઈ ગયું, પણ મારાં બે ત્રણ સાવ નાનાં છોકરાં; હું જો જાઉં તો એમને કોણ સંભાળે?’

પેલો શિષ્ય આ બધું જોતો હતો, સાંભળતો હતો, તે ઊભો થઈ ગયો અને બોલી ઊઠ્યો કે ‘ગુરુદેવ! ચાલો, તમારી સાથે આવું છું!’ (સૌનું હાસ્ય).

‘બીજો એક શિષ્ય પણ ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને જઈ શકતો નથી. શિષ્ય ગુરુ પાસે હઠયોગની ક્રિયાઓ શીખતો. એટલે તેના ગુરુએ તેને અમુક ક્રિયા બતાવી દીધી; અને તે એક દિવસ મડદા જેવો થઈ ગયો. ઘરમાં બૈરીએ તો રડારોળ કરી મૂકી. આડોશપાડોશનાં માણસો આવીને જુએ છે તો એ હઠયોગી ઓરડીમાં આસન વાળીને બેઠો છે. વાંકોચૂંકો ને ઠંડો થઈને. બધાય સમજી ગયા કે તેનો પ્રાણવાયુ નીકળી ગયો છે. બૈરી તો માંડી પછડાટો ખાવા ને રડવા : ‘અરે રે, તમે તો મને ભરદરિયે એકલી મૂકી ગયા રે! હવે મારાથી કેમ જીવાશે રે! આવું થશે એવું તો સ્વપ્નેય ધાર્યું નહોતું રે!’ આ બાજુ સમય થયો એટલે સગાંવહાલાં એ હઠયોગીને ઓરડીમાંથી બહાર કાઢવા સારુ ભેગાં થયાં.

‘પણ ત્યાં એક નવી આફત ઊભી થઈ! વાંકોચૂંકો અને ઠરડો થઈ જવાને લીધે એ યોગી બારણામાંથી નીકળી શકે નહિ. એટલે એક જણ દોડતો જઈને પાડોશીને ત્યાંથી એક કુહાડી લઈ આવ્યો ને બારણાનું ચોકઠું કાપવા માંડ્યો. આ બાજુ બૈરી પછડાટો ખાતી ખાતી રોતી હતી, તે આ ધડ ધડ અવાજ સાંભળી દોડી આવીને રોતી રોતી પૂછવા લાગી કે ‘અરે ભાઈ! તમે આ શું કરો છો?’ પેલા માણસોએ કહ્યું કે ‘ભાઈ બારણામાંથી નીકળી શકતા નથી, એટલે ચોકઠું કાપીએ છીએ.’ એ સાંભળીને તેને અટકાવીને સ્ત્રી કહે કે ‘અરે બાપુ! એવું કરો મા. હું તો હવે રાંડીરાંડ થઈ; સંભાળ લેનારું તો કોઈ રહ્યું નહિ; મારે હવે આ ત્રણ ચાર નાનાં કચ્ચાંબચ્ચાંને મોટાં કરવાનું માથે પડ્યું! એ બારણું એક વાર ભાંગ્યું તો પછી નવું તો હવે થવાનું નથી. શું કરીએ? એમનું તો જે થવાનું હતું તે થઈ ગયું. એટલે હવે બારણાને બદલે એમના જ વાંકા હાથપગ જુદા પાડી નાખો ને?’

એ સાંભળતાં જ પેલા હઠયોગીનો દવાનો નશો ઊતરી ગયો! અને તે ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે ‘સાલી! મારા હાથપગ કાપવા આવી છો, કેમ?’ એમ કહીને ઘરનો ત્યાગ કરીને ગુરુની સાથે ચાલ્યો ગયો. (સૌનું હાસ્ય).

‘ઘણીય સ્ત્રીઓ ઢોંગ કરીને શોક દેખાડે. વહેવારમાં રોવું કૂટવું તો પડે. એ જાણીને પહેલાં નાકની ચૂંક અને બીજાં ઘરેણાં કાઢીને પેટીમાં મૂકી દે અને તેને ચાવી દઈ દે. ત્યાર પછી આવીને પછડાટ ખાઈને પડે અને રડે કે ‘અરે રે બાઈ, મારાં કરમ ફૂટી ગયાં રે!’

Total Views: 356
ખંડ 44: અધ્યાય 7 : સમાધિસ્થ માણસ શું પાછા ફરી શકે? - શ્રીમુખ કથિત ચરિતામૃત - કુયાર સિંગ
ખંડ 45: અધ્યાય 2 : અવતાર વિશે શ્રીરામકૃષ્ણ સન્મુખે નરેન્દ્રાદિના વિચાર