(કુયાર સિંગ, તત્કાલીન સિપાઈઓના હવાલદાર હતા.)

મહિમાચરણ (શ્રીરામકૃષ્ણને) – મહાશય, સમાધિવાન પુરુષ શું પાછો ફરી શકે?

શ્રીરામકૃષ્ણ (મહિમાને એક બાજુએ) – તમને એકલાને એ કહીશ. તમે જ એ વાત સાંભળવાને યોગ્ય. કુયાર સિંગ પણ એ વાત પૂછતો. જીવ અને ઈશ્વરમાં ઘણો તફાવત. જીવ સાધન-ભજન કરીને વધુમાં વધુ સમાધિ સુધી જઈ શકે. પણ ઈશ્વર જ્યારે અવતાર લે, ત્યારે તે સમાધિમાં જઈને પણ વળી પાછા ફરી શકે. જીવોનો વર્ગ, જાણે કે રાજાનો નોકરવર્ગ. રાજાના બહારના ઓરડા સુધી તેમની આવજા હોય. રાજાનો મહેલ સાત મજલાનો, પરંતુ રાજાનો કુંવર સાતેય મજલે આવજા કરી શકે; તેમજ વળી બહાર પણ આવી શકે. બધા કહે કે (સમાધિમાંથી) ફરે નહિ. ફરે નહિ તો પછી શંકરાચાર્ય, રામાનુજ, એ બધા શું? એમણે વિદ્યાનો અહંકાર રાખ્યો હતો.

મહિમાચરણ – ખરી વાત. જો એમ ન હોય તો ગ્રંથો લખ્યા કેમ કરીને?

શ્રીરામકૃષ્ણ – એ ઉપરાંત જુઓ પ્રહ્લાદ, નારદ, હનુમાન વગેરેએ પણ સમાધિ પછી ભક્તિ રાખી હતી.

મહિમાચરણ – જી હાં.

(કોરું જ્ઞાન કે જ્ઞાનચર્ચા – સમાધિ પછીનું જ્ઞાન – વિદ્યાનો અહં)

શ્રીરામકૃષ્ણ – કોઈ કોઈ જ્ઞાન-ચર્ચા કરે એટલે માની લે કે પોતે શુંનો શુંય થઈ ગયો છે! કાં તો જરાક વેદાંત વાચ્યું હોય. પરંતુ યથાર્થ જ્ઞાન થયું હોય તો અહંકાર આવે નહિ. એટલે જો સમાધિ થાય ને માણસ ઈશ્વર સાથે એક થઈ જાય તો પછી અહંકાર રહે નહિ. સમાધિ થયા વિના યથાર્થ જ્ઞાન થાય નહિ. સમાધિ થાય એટલે પરમાત્માની સાથે એક થઈ શકાય, પછી અહંકાર રહે નહિ.

‘એ શેના જેવું ખબર છે? ખરે બપોરે સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે માણસ પોતાની ચારે બાજુ નજર કરી જુએ તો પોતાની છાયા દેખાય નહિ. તેમ યથાર્થ જ્ઞાન થયે, સમાધિસ્થ થયે અહંકારરૂપી છાયા રહે નહિ.

‘યથાર્થ જ્ઞાન થયા પછી જો અહં રહે, તો જાણવું કે તે વિદ્યાનો અહં, ભક્તિનો અહં, દાસ અહં. એ ‘અવિદ્યાનો અહં’ નહિ.

તેમજ વળી જ્ઞાન અને ભક્તિ એ બેઉ માર્ગ. ગમે તે માર્ગે જાઓ, એ એક ઈશ્વરને જ પામશો. જ્ઞાની એક રીતે પરમાત્માને જુએ, ભક્ત બીજી રીતે જુએ.

‘જ્ઞાનીનો ઈશ્વર તેજોમય, ભક્તનો રસમય.’

(શ્રીરામકૃષ્ણ અને માર્કંડેય ચંડીમાં વર્ણવેલ અસુરવિનાશનો અર્થ)

ભવનાથ પાસે બેઠો છે અને બધું સાંભળે છે. ભવનાથ નરેન્દ્રના ઘણા અનુરાગી. શરૂશરૂમાં એ બ્રાહ્મસમાજમાં હંમેશાં જતા.

ભવનાથ (શ્રીરામકૃષ્ણને) – મારે એક પૂછવાનું છે. હું ચંડી સમજી શકતો નથી. ચંડીમાં લખ્યું છે કે મા ઘચ ઘચ બધાને મારી નાખે છે! એનો અર્થ શો?

શ્રીરામકૃષ્ણ – એ બધી લીલા. મને પણ વિચાર આવતો એ વાતનો. ત્યાર પછી જોયું તો બધુંય માયા : ઈશ્વરની સૃષ્ટિ પણ માયા, તેમનો સંહાર પણ માયા.

ઓરડાની પશ્ચિમ બાજુની અગાસીમાં પાતળો નખાઈ. ગિરીશ ઠાકુરને અને ભક્તોને બોલાવીને ઉપર લઈ ગયા. આજે વૈશાખ સુદ દશમ. જગત ચાંદનીમાં હસી રહ્યું છે. અગાસી ચંદ્રકિરણમાં ઝબોળાયેલી છે. આ બાજુ ભક્તો શ્રીરામકૃષ્ણની સાથે બેસીને પ્રસાદ લઈ રહ્યા છે. સહુ કોઈ આનંદથી પરિપૂર્ણ.

ઠાકુર ‘નરેન્દ્ર, નરેન્દ્ર’ કરીને ગાંડા. નરેન્દ્ર સામેની પંક્તિમાં બીજા ભક્તો સાથે બેઠો છે. વચ્ચે વચ્ચે ઠાકુર નરેન્દ્રના ખબર પૂછી રહ્યા છે. ભોજન અર્ધુંક થયું ન થયું ત્યાં અચાનક ઠાકુર પોતાની પાતળમાંથી દહીં અને તરબૂચનો પણો લઈને નરેન્દ્રની પાસે પહોંચ્યા ને બોલ્યા, ‘નરેન્દ્ર, તું આવડું આ ખા!’ ઠાકુર બાળકની પેઠે વળી પોતાના આસન પર જઈને બેઠા.

Total Views: 330
ખંડ 44: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ગોપીપ્રેમ
ખંડ 45: અધ્યાય 1 : નરેન્દ્ર અને હાજરા મહાશય