નરેન્દ્ર – Proof (પ્રમાણ) ન હોય તો કેમ કરીને શ્રદ્ધા બેસે કે ઈશ્વર મનુષ્ય થઈને આવે?

ગિરીશ – શ્રદ્ધા જ Sufficient Proof (પૂરતું પ્રમાણ). આ વસ્તુ અહીં છે એનું પ્રમાણ શું? શ્રદ્ધા જ પ્રમાણ!

એક ભક્ત – External World (બાહ્ય જગત) બહાર છે એમ તત્ત્વજ્ઞાની પંડિતો કોઈ Prove (સાબિત) કરી શક્યા છે? પણ એમ કહે છે કે Irresistible belief (અતૂટ શ્રદ્ધા).

ગિરીશ (નરેન્દ્રને) – ઈશ્વર તમારી સામે આવે તોયે તમે માનવાના નહિ. કદાચ એ તમને એમ કહે કે ‘હું ઈશ્વર, માણસરૂપે આવ્યો છું,’ તોય તમે કહેશો કે એ માણસ મિથ્યાવાદી છે, કપટી છે!

દેવતાઓ અમર એ વાત નીકળી.

નરેન્દ્ર – તેનું પ્રમાણ ક્યાં?

ગિરીશ – તમારી સામે આવે તોય તમે માનવાના નહિ.

નરેન્દ્ર – અમર એટલે Past ages (ભૂતકાળ)માં અમર હતા એનું પ્રમાણ જોઈએ.

મણિ પલ્ટુને કાંઈક કહે છે.

પલ્ટુ (નરેન્દ્રને હસીને) – અનાદિ હોવાની શી જરૂર? અમર થવું હોય તો અનંત થવાની જરૂર.

શ્રીરામકૃષ્ણ (હસીને) – નરેન્દ્ર વકીલનો દીકરો, અને પલ્ટુ ડેપ્યુટી મેજિસ્ટ્રેટનો! (સૌનું હાસ્ય).

સૌ જરા ચૂપ રહ્યા છે.

યોગીન (ગિરીશ વગેરે ભક્તોને, હસીને) – નરેન્દ્રની વાત હવે ઠાકુર માનતા નથી.

શ્રીરામકૃષ્ણ (હસીને) – હું એક દિવસ કહેતો હતો કે ચાતક પક્ષી આકાશના જળ વિના બીજું કોઈ જળ પીએ નહિ. નરેન્દ્ર કહે કે ચાતક બીજું પાણી પણ પીએ. ત્યારે મેં માને કહ્યું કે ‘મા, ત્યારે આ બધી વાતો શું ખોટી થઈ ગઈ?’ મને તો ભારે ચિંતા થઈ! બીજે એક દિવસ વળી નરેન્દ્ર આવ્યો. ઓરડા પાસે કેટલાંક પંખી ઊડતાં હતાં. તે જોઈને બોલી ઊઠ્યો કે ‘આ!’

મેં કહ્યું કે ‘શું?’ એ કહે કે ‘આ ચાતક! આ ચાતક!’ મેં જોયું તો કેટલાંક ચામાચીડિયાં! ત્યારથી પછી એની વાત માનતો નથી. (સૌનું હાસ્ય).

(ઈશ્વરરૂપદર્શન એ શું મનની ભૂલ?)

શ્રીરામકૃષ્ણ – ‘યદુ મલ્લિના બગીચામાં નરેન્દ્રે મને કહ્યું કે ‘તમે આ ઈશ્વરનાં રૂપબૂપ જે દેખો છો એ બધી મનની ખોટી ભ્રમણા.’ એ સાંભળીને હું તો નવાઈ પામી જઈને બોલી ઊઠ્યો કે ‘એ મૂર્તિઓ મારી સાથે વાત પણ કરે છે, રે!’ નરેન્દ્ર કહે કે એ મનની ભ્રમણાને લીધે એમ થાય. ત્યારે હું તો માની પાસે જઈને રડવા લાગ્યો. મેં કહ્યું, ‘મા, આ શું થયું? આ બધાં દર્શનો, ત્યારે શું ખોટાં કે જેથી નરેન્દ્રે આવી વાત કરી?’ એ સાંભળીને માએ બતાવી દીધું કે ચૈતન્ય, અખંડ ચૈતન્ય, ચૈતન્યમય રૂપો! અને બોલ્યાં કે ‘જો દર્શનો બધાં ખોટાં હોય તો આ બધી વાતો સાચી પડે છે કેમ કરીને?’ એ સાંભળીને નરેન્દ્રને મેં કહ્યું કે ‘સાલા, તેં મને અશ્રદ્ધા કરાવી દીધી! આવતો નહિ હવેથી!’

(ઠાકુર શ્રીરામકૃષ્ણ શાસ્ત્ર અને ઈશ્વરની વાણી – Revelation)

વળી ચર્ચા ચાલવા લાગી. નરેન્દ્ર ચર્ચા કરે છે. નરેન્દ્રની ઉંમર એ વખતે બાવીસ વરસ ને ચાર મહિના.

નરેન્દ્ર (ગિરીશ, માસ્ટર વગેરેને) – અને શાસ્ત્રોનેય માનવાં કેમ કરીને? મહાનિર્વાણ તંત્ર એક વાર કહે છે કે બ્રહ્મ-જ્ઞાન થાય નહિ તો નરકે જાય. વળી પાછું એ જ કહે છે કે ભગવતી દેવી પાર્વતીની ઉપાસના વિના બીજો રસ્તો જ નથી. મનુસંહિતામાં મનુએ લખી છે પોતાની જ વાતો! મુસાએ લખ્યું છે પેન્ટાટ્યુક! તેમાં પોતાના મૃત્યુનું જ વર્ણન.

સાંખ્ય-દર્શન કહે છે ‘ઈશ્વરાસિદ્ધે:’ ઈશ્વર છે એ સાબિત કરી શકાતું નથી, પ્રમાણ ન હોવાને લીધે! પણ પાછું કહે છે કે વેદને માનવા જોઈએ, કારણ કે વેદો નિત્ય!

‘પણ તેથી હું એમ માનતો નથી કે આ બધું છે નહિ. કહું છું કે હું સમજી શકતો નથી, મને સમજાવી દો. શાસ્ત્રનો અર્થ, જેના મનમાં જેમ આવ્યું તેમ તેણે કર્યો છે. હવે એમાં કયો લેવો? પ્રકાશ લાલ કાચની સોંસરો થઈને આવે તો લાલ દેખાય, લીલા કાચમાં થઈને આવે તો લીલો દેખાય!’

એક ભક્ત – ગીતા ભગવાને કહી છે.

શ્રીરામકૃષ્ણ – ગીતા બધાં શાસ્ત્રનો સાર. સંન્યાસીની પાસે બીજું કાંઈ ન હોય તો પણ એ નાની ગીતા તો હોય જ.

એક ભક્ત – ગીતા શ્રીકૃષ્ણ બોલ્યા છે.

નરેન્દ્ર – શ્રીકૃષ્ણ બોલ્યા છે, કે આ બોલ્યા છે!

શ્રીરામકૃષ્ણ નવાઈ પામીને નરેન્દ્રની આ વાતો સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – આ બધી બહુ સરસ ચર્ચા ચાલે છે.

શાસ્ત્રના બે પ્રકારના અર્થ : શબ્દાર્થ અને ભાવાર્થ. ભાવાર્થ લેવો જોઈએ, કે જે અર્થનો ઈશ્વરની વાણી સાથે મેળ મળે. પત્રની વાત અને જે માણસે પત્ર લખ્યો હોય તેના મોઢાની વાતમાં ઘણો તફાવત. શાસ્ત્રો છે પત્રની વાત. ઈશ્વરની વાણી મોઢાની વાત. હું માના મુખની વાતની સાથે મેળ મળે નહિ તો કોઈ વાત સ્વીકારું નહિ.

વળી અવતાર વિશે વાત નીકળી.

નરેન્દ્ર – ઈશ્વરમાં શ્રદ્ધા હોય એટલે બસ! પછી એ ક્યાં લટકે છે અથવા શું કરે છે એ બધાંની મારે જરૂર નહિ. અનંત બ્રહ્માંડ! અનંત અવતાર!

‘અનંત બ્રહ્માંડ,’ ‘અનંત અવતાર’ એ સાંભળીને શ્રીરામકૃષ્ણે હાથજોડ કરીને નમસ્કાર કર્યા અને કહે છે ‘અહા!’

(મણિ ભવનાથને કંઈક કહે છે.)

ભવનાથ – આ કહે છે કે ‘હાથી જ્યારે જોયો નથી, ત્યારે એ સોયની અંદર થઈને જઈ શકે કે નહિ એ કેમ કરીને જાણવું? ઈશ્વરને ઓળખતા નથી; અને છતાં એ માણસ થઈને અવતાર લઈ શકે કે નહિ એ ચર્ચા કરીને કેવી રીતે સમજવું?

શ્રીરામકૃષ્ણ- બધુંય સંભવે. ઈશ્વર ભૂરકી નાખી દે! જેમ બાજીગર ગળાની અંદર છરી ઘોંચી દે. તેમજ વળી બહાર કાઢે. ઈંટ, પથ્થર ગળી જાય!

Total Views: 479
ખંડ 45: અધ્યાય 1 : નરેન્દ્ર અને હાજરા મહાશય
ખંડ 45: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ અને કર્મ - તેમની બ્રહ્મજ્ઞાનની અવસ્થા