ભક્ત – બ્રાહ્મ-સમાજના અનુયાયીઓ કહે છે કે સંસારનાં કર્મો એ કર્તવ્ય છે. એ કર્મોનો ત્યાગ કર્યે ચાલે નહિ.
ગિરીશ- ‘સુલભ સમાચાર’માં એ પ્રમાણે લખ્યું છે એ જોયું. પણ ઈશ્વરને જાણવા માટે જે બધાં કર્મો છે એય કરીને પાર પડાતાં નથી, ત્યાં વળી બીજાં કર્મો!
શ્રીરામકૃષ્ણે જરા હસીને, માસ્ટરની સામે જોઈને આંખોથી ઇશારત કરી કે એ જે કહે છે એ જ બરાબર!
માસ્ટર સમજ્યા કે કર્મકાંડ બહુ કઠણ.
પૂર્ણ આવ્યો છે.
શ્રીરામકૃષ્ણ – કોણે તને ખબર આપ્યા?
પૂર્ણ – સારદાએ.
શ્રીરામકૃષ્ણ (હાજર સ્ત્રી-ભક્તોને) – અરે! આને જરા નાસ્તો કરાવો તો!
હવે નરેન્દ્ર ભજન ગાય છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ભક્તો ભજન સાંભળશે. નરેન્દ્ર ગાય છે :
પર્વત સાગર વ્યોમે જાગો રુદ્ર ઉદ્યત-વજ્ર,
દેવદેવ મહાદેવ, કાલાકાલ મહાકાલ;
ધર્મરાજ શંકર શિવ તારો, હરો પાપ.
ગીત : સુંદર તમારું નામ દીનશરણ હે!
વરસે અમૃતધાર, શમે શ્રવણ પ્રાણરમણ હે!
ગીત : વિપદ-ભય-તારણ, જે કરે તેનું સ્મરણ, તેને કદી ભૂલો મા;
મિથ્યા ભ્રમમાં ભૂલી સદા રહ્યા છો ભવ-નશામાં ડૂબી, એ શી વિડંબના
આ ધન જન, નવ રહે કાયમ, ઈશ્વરને ભૂલો મા;
છોડી અસાર, ભજો રે સાર, સંસાર-યાતના-
હવે હિત-વચન સુણો; યત્ને કરી ધારણા,
વદન ભરી, નામ હરિ, સતત કરો ઘોષણા –
ચાહો જો ભવ પાર થવા, છોડો વિષયવાસના,
અર્પી તન, હૃદય, મન, પ્રભુની કરો સાધના…
પલ્ટુ – પેલું ગીત ગાશો?
નરેન્દ્ર – કયું?
પલ્ટુ – ‘દેખો જો તમારું એહ, અતુલ પ્રેમ-આનન,
શો ભય સંસાર, શોક ઘોર-વિપદ-શાસન.’
નરેન્દ્ર એ ગીત ગાય છે :
દેખું જો તમારું એ અતુલ પ્રેમ-આનન,
શો ભય સંસાર, શોક ઘોર-વિપદ-શાસન-
અરુણ-ઉદયે અંધાર જેમ જાય જગત છોડીને,
તેમ દેવ તમારી જ્યોતિ મંગલમય વિરાજતી;
ભક્ત-હૃદય શોક રહિત, બને મધુર સાંત્વને –
તમારી કરુણા, તમારો પ્રેમ, હૃદયે પ્રભુ સ્મરતાં,
ઊછળે હૃદયે નયનવારિ, રાખે કોણ નિવારીને,
જય કરુણામય, જય કરુણામય, તમારો પ્રેમ ગાઈએ,
જાય ભલે જાય પ્રાણ, તમારાં કર્મ-સાધનમાં…
માસ્ટરના આગ્રહથી નરેન્દ્ર વળી ગાય છે. માસ્ટર અને ભક્તો બધા હાથ જોડીને ભજન સાંભળી રહ્યા છે.
હરિરસ-મદિરા પીને મમ માનસ મત્ત બનો રે,
આળોટીને અવની પર, હરિ હરિ બોલી રડો રે..
(ગતિ કરો ગતિ કરો કહીને)
ગંભીર નિનાદે હરિ નામે ગગન ભરી દો રે,
નાચો હરિ બોલી બેઉ હાથ ઉઠાવીને, હરિનામ વહેંચો રે,
(ફરી લોકોના દ્વારે દ્વારે)
હરિપ્રેમાનંદરસે રાતદિન તમે તરો રે,
ગાઓ હરિનામ, થાઓ પૂર્ણકામ, નીચ વાસના નાસો રે.
ગીત – ચિંતય મમ માનસ હરિ ચિદ્ઘન નિરંજન,…
ગીત – ચમત્કાર અપાર જગત રચના તમારી…
ગીત – ગગનમય થાળ રવિ ચંદ્ર દીપક બન્યા…
ગીત – એક પુરાતન પુરુષ નિરંજન ચિત્ત સમાધાન કરો રે…
નારાયણના આગ્રહથી વળી નરેન્દ્ર ગાય છે :
આવો મા, આવો મા, ઓ હૃદય-રમા, પ્રાણ-પૂતળી મા-
હૃદય આસને, થાઓ મા બિરાજિત, જોઉં હું તમોને મા-
જન્મથી હું છું તારું મુખ જોઈ રહ્યો, જાણો છો જનનિ, શું દુ:ખ પામું;
એક વાર હૃદયકમલ વિકાસ કરી પ્રકાશો તેમાં આનંદમયી –
(શ્રીરામકૃષ્ણ સમાધિઅવસ્થામાં – એમની બ્રહ્મજ્ઞાનીની અવસ્થા)
નરેન્દ્ર મનમાં ને મનમાં ગાય છે –
ગીત – ગાઢ અંધકારે મા, તવ ચમકે અરૂપ-રાશિ,
તેથી યોગી ધ્યાન ધરે, થઈ ગિરિગુહા-વાસી…
સમાધિનું આ ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર સમાધિસ્થ થતા જાય છે.
નરેન્દ્ર વળી એક વાર અગાઉનું ગીત ગાય છે :
હરિરસ-મદિરા પીને મમ માનસ મત્ત બનો રે…
શ્રીરામકૃષ્ણ ભાવ-મગ્ન; ઉત્તરાભિમુખ થઈને દીવાલને અઢેલીને પગ ઝૂલતા રાખીને તકિયા ઉપર બેઠા છે. ભક્તો ચારે બાજુ બેઠેલા છે.
ઠાકુર ભાવ-મગ્ન થઈને માની સાથે એકલા વાતો કરે છે. ઠાકુર બોલે છે : ‘આ વખતે ખાઈને જઈશ. તું આવી? શું તું ગાંસડાંપોટલાં બાંધી, ઉતારો શોધીને બધું ઠીકઠાક કરીને આવી?’
ઠાકુર શું એમ કહે છે કે ‘મા, તું શું આવી?’ ઠાકુર અને મા શું અભિન્ન?
‘અત્યારે મને કોઈ ગમતું નથી.’
‘મા! ગીત શા માટે સાંભળવાં? એથી તો મન જરા બહાર ચાલ્યું જાય!’
ઠાકુર ધીરે ધીરે વધારે બાહ્ય જગતની સંજ્ઞામાં આવતા જાય છે. ભક્તો તરફ જોઈને કહે છે, ‘પહેલાં માછલીઓને પાણીના વાસણમાં જીવતી રાખેલી જોઈને નવાઈ લાગતી; મનમાં થતું કે એ લોકો કેવા નિષ્ઠુર? આવી રીતે જીવાડીને આખરે એમની હત્યા કરવાના! પણ અવસ્થા જ્યારે બદલવા લાગી ત્યારે થયું કે શરીરો માત્ર ખોળિયા જેવાં! રહે તોય ભલે, જાય તોય ભલે!
ભવનાથ – ત્યારે શું મનુષ્ય-હિંસા કરી શકાય? માણસને મારી નાખી શકાય?
શ્રીરામકૃષ્ણ – હા, એ અવસ્થામાં થઈ શકે. (ન હન્યતે હન્યમાને શરીરે, ગીતા.૨.૨૦) પણ એ અવસ્થા સહુ કોઈની થાય નહિ, બ્રહ્મ-જ્ઞાનની અવસ્થા.
‘એક બે ભૂમિકા નીચે ઊતરી આવું, ત્યાર પછી ભક્તિ-ભક્ત ગમે!
ઈશ્વરમાં વિદ્યા-અવિદ્યા બંને છે. વિદ્યા-માયા ઈશ્વર તરફ લઈ જાય, અવિદ્યા-માયા માણસને ઈશ્વરથી દૂર લઈ જાય. વિદ્યા-માયાનો ખેલ જ્ઞાન, ભક્તિ, દયા, વૈરાગ્ય. એ બધાંનો આધાર લેવાથી ઈશ્વર પાસે પહોંચી શકાય.
‘એનાથી એક પગથિયું ઉપર ચડતાં જ ઈશ્વર – બ્રહ્મ-જ્ઞાન. એ અવસ્થામાં બરાબર અનુભવ થાય, બરાબર દેખાય કે ઈશ્વર જ બધું થઈ રહ્યો છે. ત્યા-ગ્રાહ્ય રહે નહિ. કોઈની ઉપર ગુસ્સો કરી શકાય નહિ.
‘ગાડીમાં બેસીને જઈ રહ્યો છું. ત્યાં જોયું તો ઉપર ઝરૂખામાં ઊભેલી છે બે વેશ્યા. જોયું તો સાક્ષાત્ ભગવતી! તેમને જોઈને પ્રણામ કર્યા.
‘મારી જ્યારે આ (બ્રહ્મ-જ્ઞાનની) અવસ્થા પહેલવહેલી થઈ, ત્યારે પછી મા કાલીની પૂજા કે ભોગ ધરવાનું કરી શકતો નહિ. હલધારી અને હૃદય બોલ્યા કે ખજાનચી કહે છે કે ભટ્ટાચાર્યાજી ભોગ ધરાવશે નહિ તો શું કરશે? એ અપશબ્દો બોલે છે એ સાંભળીને હું તો માત્ર હસવા લાગ્યો. જરાય ગુસ્સો આવ્યો નહિ.
આ બ્રહ્મ-જ્ઞાન પ્રાપ્ત કરીને પછી ઈશ્વરની લીલાનું આસ્વાદન કરતા ફરો. એક સાધુ એક મોટા શહેરમાં આવીને શહેરનો રંગ જોતો ફરે છે. એવે વખતે તેના એક પરિચિત બીજા સાધુની સાથે ભેટો થઈ ગયો. તેણે કહ્યું કે તમે આ મોજથી હરીફરી રહ્યા છો, તે તમારાં બચકાંપોટલાં ક્યાં? એ બધાં ચોરાઈ તો નથી ગયાં ને?
પેલા સાધુએ કહ્યું કે ‘ના મહારાજ, પહેલાં ઉતારો પાકો કરી, બચકાંપોટલાં બરાબર સાચવીને ઓરડીમાં મૂકી, ઓરડીને તાળું દઈને પછી શહેરનો રંગ જોતો ફરું છું!’ (સૌનું હાસ્ય).
ભવનાથ – આ ખૂબ ગહન વાત.
મણિ (સ્વગત) – બ્રહ્મ-જ્ઞાન પછી લીલા આસ્વાદન! સમાધિની પછી નીચે ઊતરવું!
શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરેને) – બ્રહ્મ-જ્ઞાન શું એમ સહેજમાં થઈ જાય કે ભાઈ? મનનો નાશ થયા વિના થાય નહિ! ગુરુ શિષ્યને કહે છે કે ‘તું મને મન આપ, હું તને જ્ઞાન આપું!’ નાગાજી કહેતા, ‘અરે, મન વેડફી નાખવું નહિ.’
(Biology – ‘Natural Law’ in the Spiritual World)
એ અવસ્થામાં માત્ર હરિકથા ગમે; અને ભક્ત-સંગ.
(રામને) તમે તો ડૉક્ટર; જ્યારે રક્તની સાથે (ઔષધ) મળીને એકરૂપ થઈ જાય ત્યારે જ કામ થાય ને? તેમ આ અવસ્થામાં અંદર બહાર બધે ઈશ્વર! સાધક જુએ કે ઈશ્વર જ દેહ, મન, પ્રાણ, આત્મા!
મણિ (સ્વગત) – Assimilation (એકરૂપતા)!
શ્રીરામકૃષ્ણ – બ્રહ્મ-જ્ઞાનની અવસ્થા મનનો નાશ થાય ત્યારે જ થાય. મનનો નાશ એટલે અહંનો નાશ, આ જે ‘હું, હું’ કરી રહ્યો છે તેનો. એ નાશ ભક્તિમાર્ગથી થાય કે જ્ઞાનમાર્ગથી અર્થાત્ વિચારપથથી થાય. નેતિ નેતિ અર્થાત્ આ બધું માયા, સ્વપ્નવત્, એવો વિચાર જ્ઞાનીઓ કરે. આ જગત નેતિ નેતિ, માયા. જગત જ્યારે ઊડી ગયું ત્યારે બાકી રહ્યા કેટલાક જીવો કે જે અહંરૂપી ઘડાઓમાં રહ્યા છે.
ધારો કે પાણીથી ભરેલા દસ ઘડા છે. એ બધામાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે. કેટલા સૂર્ય દેખાય છે?
ભક્ત – દસ પ્રતિબિંબ અને એક સાચો સૂર્ય તો છે જ.
શ્રીરામકૃષ્ણ – ધારો કે એક ઘડો ફોડી નાંખ્યો; પછી કેટલા સૂર્ય દેખાય?
ભક્ત – નવ; એક ખરો સૂર્ય તો છે જ.
શ્રીરામકૃષ્ણ – વારુ, નવ ઘડા ફોડી નાખ્યા; કેટલા સૂર્ય દેખાય?
ભક્ત – એક પ્રતિબિંબ ને એક સાચો સૂર્ય તો છે જ.
શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – એ છેવટનો ઘડો ફોડી નાંખીએ તો શું રહે?
ગિરીશ – જી, એકલો સાચો સૂર્ય.
શ્રીરામકૃષ્ણ – ના. શું રહે એ મોઢેથી બોલી શકાય નહિ. જે છે તે છે! પ્રતિબિંબ સૂર્ય ન હોય તો સાચો સૂર્ય છે એ કેમ કરી જાણશો? સમાધિસ્થ થાય ત્યારે અહં-તત્ત્વનો નાશ થાય. સમાધિસ્થ વ્યક્તિ નીચે ઊતરી આવે ત્યારે તેણે સમાધિમાં શો અનુભવ કર્યો હતો એ મોઢેથી કહી શકે નહિ.




