સંધ્યા ક્યારનીયે થઈ ગઈ છે. બલરામના દીવાનખાનામાં દીવાનો પ્રકાશ ઝળહળી રહ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ હજીયે ભાવમગ્ન; ભક્તોથી ઘેરાઈને બેઠા છે. ઈશ્વરી ભાવમાં બોલે છે,

‘અહીં બહારનું બીજું કોઈ નથી; એટલે તમને કહું છું, કે ખરા અંત:કરણથી ઈશ્વરને જે કોઈ જાણવા ઇચ્છશે તેને ઈશ્વર-દર્શન થશે, જરૂર થશે! જે ઈશ્વરના સારુ આતુર, ઈશ્વર વિના બીજું કાંઈ ઇચ્છે નહિ તેને જરૂર થશે!

‘જેઓ અહીંના (મારા અંતરંગ ભક્તો) છે તેઓ બધા આવી ગયા છે. હવેથી જેઓ આવશે, તેઓ બહારના માણસો. તેઓ પણ વચ્ચે વચ્ચે આવતા રહેશે. મા તેમને કહી દેશે કે આમ કરો, આવી રીતે ઈશ્વરને બોલાવો.

(ઈશ્વર જ ગુરુ – જીવની મુક્તિનો એકમાત્ર ઉપાય)

‘શા માટે જીવોનું મન ઈશ્વર તરફ જતું નથી? ઈશ્વર કરતાં એની મહામાયાનું જોર વધુ. જેમ જજ કરતાં તેના બેલિફનું જોર વધુ હોય તેમ! (સૌનું હાસ્ય).

‘રામચંદ્રે નારદને કહ્યું, ‘નારદ, હું તમારી સ્તુતિથી બહુ જ પ્રસન્ન થયો છું, મારી પાસેથી કંઈક વરદાન માગો!’

‘નારદ બોલ્યા, ‘રામ! તમારાં ચરણકમળમાં મારી શુદ્ધ ભક્તિ રહે, અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત ન બનું!’ રામ કહે, ‘તથાસ્તુ! હજી બીજું કાંઈક વરદાન માગો.’ નારદ બોલ્યા, ‘રામ; બીજું કાંઈ વરદાન જોઈતું નથી.’

‘આ ભુવનમોહિનીની માયામાં બધાં મુગ્ધ થઈ રહ્યાં છે. ઈશ્વર દેહ ધારણ કરીને આવે ત્યારે તે પણ મુગ્ધ થાય. રામ સીતાને માટે રોતાં રોતાં ફરતા હતા. ‘પંચભૂતોમાં પડે, તો બ્રહ્મ પણ રડે.’ ‘પરંતુ એક વાત છે; ઈશ્વર ધારે ત્યારે મુક્ત થાય.’

ભવનાથ – ગાર્ડ (આગગાડીમાં) પોતાની મરજીથી પોતાને પૂરી રાખે; વળી જ્યારે ધારે ત્યારે ત્યાંથી ઊતરી પણ શકે.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર-કોટિ, જેમ કે અવતાર વગેરે : મનમાં ઇચ્છા કરતાં વેંત મુક્ત થઈ શકે. જેઓ જીવ-કોટિ, તેઓ તેમ કરી શકે નહિ. જીવો કામ-કાંચનથી બદ્ધ. તેમના અંતરના ઓરડાનાં બારીબારણાં બધાં સ્ક્રૂથી બંધ કરેલાં; બહાર નીકળે કેવી રીતે?

ભવનાથ (સહાસ્ય) – જેમ આગગાડીમાં થર્ડ ક્લાસ પેસેન્જર (તૃતીય શ્રેણીના મુસાફરો), તાળા-બંધ હોય છે, નીકળી ન શકે.

ગિરીશ – જીવ જો એવી રીતે આડોઅવળો અને ચારે બાજુથી બદ્ધ હોય તો પછી એને માટે ઉપાય ખરો?

શ્રીરામકૃષ્ણ – ગુરુકૃપા ધારણ કરીને ઈશ્વર પોતે જો માયાપાશ છેદી નાખે, તો પછી બીક નહિ.

આથી શું ઠાકુર સૂચન કરે છે કે તે પોતે જ જીવોના માયાપાશ કાપી નાખવા સારુ શરીર ધારણ કરીને, ગુરુરૂપ લઈને આવ્યા છે?

Total Views: 305
ખંડ 45: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ અને કર્મ - તેમની બ્રહ્મજ્ઞાનની અવસ્થા
ખંડ 46: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે ભક્તોના ઘરે - રામના ઘરે