ઠાકુર શ્રીરામકૃષ્ણ રામને ઘેર પધાર્યા છે. તેના ઘરના નીચેના દીવાનખાનામાં ભક્તોથી વીંટળાઈને બેઠા છે. હસતો ચહેરો. ઠાકુર ભક્તો સાથે આનંદથી વાતો કરી રહ્યા છે.

આજ શનિવાર, જેઠ સુદ દસમ; ૨૩મી મે, ઈ.સ. ૧૮૮૫. સમય આશરે પાંચ વાગ્યાનો. ઠાકુરની સામે શ્રીયુત્ મહિમા બેઠેલા છે. ડાબી બાજુએ માસ્ટર. ચારે બાજુએ પલ્ટુ, ભવનાથ, નિત્યગોપાલ, હરમોહન. આવતાંની સાથે શ્રીરામકૃષ્ણ ભક્તોના ખબર પૂછી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – છોટો નરેન આવ્યો નથી?

થોડી વાર પછી છોટો નરેન આવી પહોંચ્યો.

શ્રીરામકૃષ્ણ – એ આવ્યો નથી?

માસ્ટર – જી!

શ્રીરામકૃષ્ણ – કિશોરી? ગિરીશ ઘોષ આવશે નહિ? નરેન્દ્ર આવશે નહિ?

થોડી વાર પછી નરેન્દ્રે આવીને પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – કેદાર (ચાટુર્જે) હોત તો ઠીક થાત! ગિરીશ ઘોષ સાથે એનો ખૂબ મેળ. (મહિમાને, હસીને) એ પણ એમ જ કહે છે. (એટલે કે મને અવતાર કહે છે.)

દીવાનખાનામાં કીર્તન થવાની તૈયારી થઈ છે. કીર્તનકાર હાથ જોડીને ઠાકુરને કહે છે કે ‘આપ આજ્ઞા કરો તો કીર્તન શરૂ થાય.’

ઠાકુર કહે છે કે ‘જરા પાણી પીવું છે.’

પાણી પીને ઠાકુરે બટવામાંથી થોડોક મુખવાસ લીધો અને માસ્ટરને બટવો બંધ કરવાનું કહ્યું.

કીર્તન થાય છે. ખોલ (વાજિંત્ર)ના અવાજથી જ ઠાકુરને ભાવ થવા લાગે છે. ગૌર-ચંદ્રિકા સાંભળતાં સાંભળતાં એકદમ સમાધિ-મગ્ન. પાસે નિત્યગોપાલ હતો તેના ખોળામાં પગ લંબાવી દીધા. નિત્યગોપાલ પણ ભાવમાં આવી જઈને રુદન કરી રહ્યા છે. ભક્તો બધા આશ્ચર્યચકિત થઈને આ સમાધિ અવસ્થા એક નજરે જોઈ રહ્યા છે.

(Yoga, Subjective and Objective, Identity of God (the Absolute) the Soul and the Cosmos (જગત))

ઠાકુર જરા સ્વસ્થ થઈને વાત કરે છે : ‘નિત્યમાંથી લીલા અને લીલામાંથી નિત્ય. (નિત્યગોપાલને) તું શું ધારે છે?

નિત્યગોપાલ (નમ્રતાથી) – બન્ને સારું.

શ્રીરામકૃષ્ણ (આંખ મીંચીને) – શું માત્ર આમ જ? શું આંખ મીંચ્યે જ ઈશ્વર છે, અને આંખ ઉઘાડ્યે નહિ? જેનું નિત્ય, તેની જ લીલા, જેની લીલા તેનું જ નિત્ય.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – બાપુ, તમને એક વાર કહું કે,

મહિમાચરણ – જી, બન્ને ઈશ્વરની ઇચ્છા.

શ્રીરામકૃષ્ણ – કોઈ સાત માળ ઉપર ચડે, પણ પાછો ઊતરી શકે નહિ; તો વળી કોઈ ઉપર ચડીને પછી ઉપર નીચે આવજા કરી શકે.

ઓધવજીએ ગોપીઓને કહ્યું હતું કે ‘તમે જેને તમારા કૃષ્ણ કહો છો; તેઓ સર્વભૂતોમાં છે, તેઓ જ જીવ-જગત થઈ રહ્યા છે.’

‘એટલે કહું છું કે આંખ મીંચ્યે જ શું ધ્યાન થાય, ને આંખ ઉઘાડ્યે શું (ઈશ્વર) નથી?’

મહિમાચરણ – મારે એક પૂછવું છે. ભક્ત, એનેય સાવ તો નિર્વાણ જોઈએ ને?

(પૂર્વકથા – તોતાપુરીનું રુદન – Is Nirvan the End of Life?)

શ્રીરામકૃષ્ણ – નિર્વાણ જોઈએ જ એવું કંઈ નથી. એક એવો મત પણ છે કે નિત્ય કૃષ્ણ, તેના નિત્ય ભક્તો; ચિન્મય શ્યામ, ચિન્મય ધામ!

‘જેમ કે જ્યાં ચંદ્ર હોય ત્યાં તારાઓ પણ હોય. નિત્ય કૃષ્ણ, નિત્ય ભક્ત! તમે જ તો કહો છો કે અંતર્બહિર્યદિ હરિસ્તપસા તત: કિમ્। (નાન્તર્બહિર્યદિ હરિસ્તપસા તત: કિમ્। આરાધિતો યદિ હરિસ્તપસા તત: કિમ્। નારાધિતો યદિ હરિસ્તપસા તત: કિમ્। વિરમ વિરમ બ્રહ્મન્ કિમ્ તપસ્યાસુ વત્સ। વ્રજ વ્રજ દ્વિજ શીધ્રં શંકરં જ્ઞાનસિંધુમ્। લભ લભ હરિભક્તિં વૈષ્ણવોક્તાં સુપક્વાં, ભવનિગડનિબંધચ્છેદનીં કર્તરીં ચ।

અને તમને તો કહ્યું છે, કે વિષ્ણુ અંશમાં જન્મ્યે ભક્તિનું બીજ જાય નહિ. હું એક જ્ઞાનીને પનારે પડ્યો હતો. તેણે અગિયાર માસ વેદાન્ત સંભળાવ્યું. પરંતુ ભક્તિનું બીજ કંઈ જાય? હરી ફરીને પાછું એનું એ ‘મા, મા!’ હું જ્યારે ભજન ગાતો ત્યારે નાગાજી રોઈ પડતા અને કહેતા કે ‘અરે, યે ક્યા રે?’ જુઓ એવો મોટો જ્ઞાની રડી પડતો! (છોટા નરેનને) આટલું જાણી રાખો કે જેમ અમરવેલના મૂળમાં સહેજ પાણી જાય કે તરત જ એ વેલ ઊગે, તેમ ભક્તિનું બીજ એક વાર પડ્યે એ વ્યર્થ ન જાય. એમાંથી પછી ક્રમે ક્રમે ઝાડ, ફૂલ, ફળ બધું ઊગી નીકળે.

‘એ તો મૂશલ કુલનાશનમ્। યાદવોએ મૂશળને કેટલું ઘસ્યું હતું! ઘસાઈ ઘસાઈને એક લગારેક રહ્યું હતું. એ એક લગારેકમાંથી જ આખા યદુવંશનો નાશ થયો. ગમે તેટલો જ્ઞાન-વિચાર કરો ને; અંદર ભક્તિનું બીજ હોય તો વળી પાછું ફરી ફરીને પણ એનું એ; હરિ, હરિ, હરિ બોલ.

ભક્તો એકચિત્તે સાંભળી રહ્યા છે. ઠાકુર હસતાં હસતાં મહિમાચરણને કહે છે: ‘આપને શું ગમે?’

મહિમાચરણ (હસીને) – કંઈ નહિ, કેરી ગમે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – શું એકલા એકલા? કે પોતે પણ ખાઓ ને સહુને જરા જરા આપો?

મહિમા (હસીને) – મારી ઇચ્છા એટલી બધી નથી; એકલાને મળે તોય બસ.

(ઠાકુર શ્રીરામકૃષ્ણનો સાચો ભાવ)

શ્રીરામકૃષ્ણ – પરંતુ મારો અંતરનો ભાવ શો, ખબર છે? (આંખ બંધ કર્યે જ (એટલે કે ધ્યાનમાં જ) ઈશ્વર દેખાય અને) આંખો ખુલ્લી રાખ્યે શું ઈશ્વર નથી? હું નિત્ય અને લીલા બન્ને સ્વીકારું.

ઈશ્વર-પ્રાપ્તિ કર્યે જાણી શકાય કે ઈશ્વર જ સ્વરાટ, (શુદ્ધ આત્મા) અને એ જ વિરાટ; ઈશ્વર જ અખંડ સચ્ચિદાનંદ; તેમજ એ જ જીવ, જગત સઘળું થઈ રહ્યા છે.

(કોરું શાસ્ત્રજ્ઞાન મિથ્યા – સાધના કરવાથી પ્રત્યક્ષ જ્ઞાન મળે)

‘સાધના જોઈએ. એકલાં શાસ્ત્રો વાંચ્યે કંઈ ન વળે. મેં જોયા વિદ્યાસાગરને; ખૂબ ભણ્યા છે પણ પોતાની અંદર શું છે એ જાણતા નથી. છોકરાઓને ભણાવવામાં જ આનંદ. ભગવાનના આનંદનો સ્વાદ હજુ મળ્યો નથી. એકલું ભણ્યે શું વળે? ધારણા ક્યાં? પંચાંગમાં લખ્યું છે કે વીસ ઇંચ પાણી પડશે, પણ પંચાંગ નિચોવો તો એક ટીપુંય ન પડે!’

મહિમાચરણ – સંસારમાં કામકાજ ખૂબ, સાધનાનો ક્યાં સમય છે?

શ્રીરામકૃષ્ણ – કેમ વારુ? તમે જ તો કહો છો કે બધું સ્વપ્નવત્!

સામે સાગર જોઈને લક્ષ્મણ ધનુષ્ય-બાણ હાથમાં લઈને ક્રોધ કરીને બોલી ઊઠ્યા કે હું વરુણનો વધ કરીશ, કારણ કે આ સમુદ્ર આપણને લંકામાં જવા દેતો નથી. રામચંદ્રે તેમને સમજાવ્યા કે લક્ષ્મણ, આ જે કંઈ જુઓ છો એ બધુંય સ્વપ્નવત્, અનિત્ય. સમુદ્ર પણ અનિત્ય, તમારો ક્રોધ પણ અનિત્ય, મિથ્યા દ્વારા મિથ્યાનો વધ કરવો એ પણ મિથ્યા.

મહિમાચરણ ચૂપ રહ્યા.

(કર્મયોગ કે ભક્તિયોગ – સદ્‌ગુણ કોણ?)

મહિમાચરણને સંસારમાં ઘણાંય કામકાજ. વળી તેમણે એક નવી નિશાળ શરૂ કરી છે, પરોપકારને માટે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ ફરીથી વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – શંભુ કહે કે મારી તો એવી ઇચ્છા છે કે મારા આ બધા રૂપિયા સત્કર્મોમાં ખર્ચું; સ્કૂલ, દવાખાનાં કરાવી દઉં; રસ્તા, ઘાટ બંધાવી દઉં. મેં કહ્યું કે એ બધું નિષ્કામ ભાવે કરી શકો તો સારું. પરંતુ નિષ્કામ ભાવે કર્મ કરવું બહુ જ કઠણ. કઈ બાજુએથી કામના આવી પડે એ ખબર ન પડે. અને બીજી એક વાત હું તમને પૂછું, કે જો ઈશ્વર આવીને તમને દર્શન દે તો તમે તેની પાસે શું કેટલાંક દવાખાનાં, નિશાળ, ઇસ્પિતાલ એ બધું માગવાના?

એક ભક્ત – મહાશય, સંસારીઓને માટે ઉપાય શો?

શ્રીરામકૃષ્ણ – સાધુ-સંગ, ઈશ્વર સંબંધી વાતો સાંભળવી.

સંસારીઓ ઘેનમાં છે. કામિની-કાંચનના નશામાં ચકચૂર! પીધેલા માણસને જરા જરા ચોખાનું ધોવાણ પિવડાવતાં પિવડાવતાં ધીરે ધીરે હોશ આવે.

‘અને સદ્‌ગુરુની પાસેથી ઉપદેશ લેવો જોઈએ. સદ્‌ગુરુનાં કેટલાંક લક્ષણો છે. જે કાશીએ ગયો હોય અને કાશી જોયું હોય, તેની પાસેથી જ કાશીની વાત સાંભળવી જોઈએ. એકલા પંડિત થયે કંઈ ન વળે. જેને સંસાર અનિત્ય એવું જ્ઞાન થયું નથી એવા પંડિતની પાસેથી ઉપદેશ લેવો ઉચિત નથી.

પંડિતમાં વિવેક-વૈરાગ્ય હોય તો જ તે ઉપદેશ આપી શકે.

‘સામાધ્યાયી નામે એક પંડિતે કહ્યું હતું, ‘ઈશ્વર નીરસ!’ જુઓ તો ખરા, જે ઈશ્વર રસ-સ્વરૂપ, તેને કહે છે નીરસ! જેમ કે એક જણ કહેતો હતો કે ‘મારા મામાને ઘેર આખી ગૌશાળા ભરીને ઘોડા છે.’ (સૌનું હાસ્ય).

(અજ્ઞાન – હું અને મારું – જ્ઞાન અને વિજ્ઞાન)

‘સંસારીઓ નશામાં ચકચૂર થઈ રહ્યા છે. તેઓ હમેશાં મનમાં માને કે હું જ આ બધું કરું છું અને આ ઘરબાર બૈરીછોકરાં એ બધુંય મારું! મોઢું બગાડીને કહેશે કે ‘આ લોકોનું (બૈરીછોકરાંનું) શું થાય? મારા વિના એમનું કેમ કરીને ચાલે? મારાં બૈરીછોકરાંને કોણ સંભાળે?’ રાખાલ કહે કે મારી સ્ત્રીનું શું થાય?’

હરમોહન – રાખાલ એવું બોલ્યો?

શ્રીરામકૃષ્ણ – તે બોલે નહિ તો શું કરે? જેનામાં છે જ્ઞાન, તેનામાં છે અજ્ઞાન. લક્ષ્મણ રામને કહે કે ભાઈ, આ શી નવાઈ? સાક્ષાત્ વસિષ્ઠદેવ, મહાજ્ઞાની, તેમનેય પુત્રશોક થયો? રામ બોલ્યા કે ભાઈ, જેનામાં છે જ્ઞાન, તેનામાં છે અજ્ઞાન; માટે જ્ઞાન-અજ્ઞાનથી પાર જાઓ.

‘જેમ કે કોઈના પગમાં કાંટો વાગ્યો હોય તો એ કાંટાને કાઢવા માટે બીજો એક કાંટો શોધી લાવે. ત્યાર પછી બીજા કાંટાથી પહેલો કાંટો કાઢી નાખીને પછી બન્ને કાંટા ફેંકી દે. તેમ અજ્ઞાન-કાંટો કાઢવા સારુ જ્ઞાનરૂપી કાંટો લાવવો જોઈએ. ત્યાર પછી જ્ઞાન અને અજ્ઞાન એ બન્ને કાંટા ફેંકી દેવા. ત્યારે પછી થાય વિજ્ઞાન.

‘ઈશ્વર છે એવું અંતરમાં અનુભવીને તેને વિશેષરૂપે જાણવો જોઈએ. ઈશ્વરની સાથે વિશેષરૂપે સંબંધ થવો જોઈએ, વાતચીત વગેરે કરવી જોઈએ. એનું નામ વિજ્ઞાન. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું – ‘તું ત્રિગુણાતીત થા.’

‘આ વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિદ્યામાયાનો આધાર લેવો જોઈએ. ઈશ્વર સત્ય, જગત અનિત્ય એવો વિચાર; અર્થાત્ વિવેક-વૈરાગ્ય. તેમજ ઈશ્વરનાં નામ, ગુણ, કીર્તન, ધ્યાન, સાધુ-સંગ, પ્રાર્થના એ બધું વિદ્યામાયાની અંદર. વિદ્યામાયા જાણે કે અગાસી ઉપર ચડવાનું છેવટનું પગથિયું. એથી આગળ એક પગથિયું ઉપર ચડ્યા એટલે જ અગાસી. અગાસીએ ચડવું એટલે ઈશ્વર-પ્રાપ્તિ.

(સંસારી લોકો અને કામિની-કાંચન ત્યાગી તરુણો)

‘સંસારી માણસો કામ-કાંચનના નશામાં ચકચૂર થઈ રહ્યા છે. તેમને હોશ નથી. એટલે હું છોકરાઓને પસંદ કરું છું. તેમની અંદર હજી કામ-કાંચન ઘૂસ્યાં નથી, આધાર સારો; ઈશ્વરના કામમાં લાગી શકે.

સંસારીઓમાં તો છોતરાં કાઢતાં કાઢતાં જ બધું જાય. શાક જ મળે નહિ!

‘જેમ કે પથરાથી ટોચાયેલી કેરી. એને લેતી વખતે પણ ગંગાજળ છાંટીને લેવી જોઈએ. એવી કેરી ભગવાનની સેવામાં ઘણે ભાગે ધરાવાય નહિ. બ્રહ્મ-જ્ઞાન લાવીને કેરીને કાપવી જોઈએ. એટલે કે ઈશ્વર જ બધું થયો છે એમ મનને મનાવીને.’

શ્રીયુત્ અશ્વિનીકુમાર દત્ત અને શ્રીયુત્ બિહારીલાલ ભાદુડીના પુત્રની સાથે એક થિયોસોફિસ્ટ આવ્યા છે. મુખર્જી ભાઈઓએ આવીને ઠાકુરને પ્રણામ કર્યાં અને બેઠા. ત્યાં આંગણામાં કીર્તનની તૈયારી થઈ રહી છે. જેવું ખોલ (વાજિંત્ર) વાગ્યું કે તરત જ ઠાકુર ઓરડામાંથી ઊઠીને આંગણામાં જઈને બેઠા. સાથે સાથે ભક્તો પણ ત્યાં ગયા.

ભવનાથ અશ્વિનીકુમારનો પરિચય આપે છે. ઠાકુરે માસ્ટરને અશ્વિનીકુમારને બતાવ્યા. બન્ને જણ વાતો કરે છે. એટલામાં નરેન્દ્ર ત્યાં આવી પહોંચ્યા. ઠાકુર અશ્વિનીને કહે છે, ‘આનું નામ નરેન્દ્ર!’

Total Views: 353
ખંડ 45: અધ્યાય 4 : શ્રીરામકૃષ્ણનું ભક્તોને આશ્વાસન પ્રદાન અને અંગીકાર
ખંડ 47: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણના ગળાના દરદની શરૂઆત