પંડિતજી બેઠા છે. પંડિતજી ઉત્તર-પશ્ચિમ બાજુના રહેવાસી.

શ્રીરામકૃષ્ણ (હસીને માસ્ટરને) – આ સજ્જન ભાગવતના બહુ સારા વિદ્વાન!

માસ્ટર અને ભક્તો પંડિતજીને એક નજરે જોઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (પંડિતને) – વારુ (પંડિતજી), જી, યોગમાયા એટલે શું?

પંડિતજીએ યોગમાયાની એક પ્રકારે વ્યાખ્યા કરી.

શ્રીરામકૃષ્ણ – રાધિકાને કેમ યોગમાયા કહેતા નથી?

પંડિતજીએ એ સવાલનો જવાબ એક રીતે આપ્યો. એટલે ઠાકુર પોતે જ કહે છે : ‘રાધિકા વિશુદ્ધ સત્ત્વમય, પ્રેમમય! યોગમાયાની અંદર ત્રણેય ગુણો છે : સત્ત્વ, રજસ્ અને તમસ્. શ્રીમતીની અંદર વિશુદ્ધ સત્ત્વ વિના બીજું કંઈ નહિ. (માસ્ટરને) નરેન્દ્ર હવે શ્રીમતીને બહુ જ માને છે. એ કહે છે કે સચ્ચિદાનંદને ચાહતાં શીખવું હોય તો રાધિકા પાસેથી શીખી શકાય.

સચ્ચિદાનંદે પોતે રસાસ્વાદન સારુ રાધિકાની ઉત્પત્તિ કરી છે. સચ્ચિદાનંદ કૃષ્ણના શરીરમાંથી રાધા બહાર આવી છે. સચ્ચિદાનંદ કૃષ્ણ જ ‘આધાર’, અને એ પોતે જ રાધિકારૂપે ‘આધેય,’ પોતાના જ રસનું આસ્વાદન કરવા માટે; એટલે કે સચ્ચિદાનંદને ચાહીને આનંદનો ઉપભોગ લેવા માટે.

‘એટલે વૈષ્ણવોના ગ્રંથોમાં એવું કહ્યું છે કે રાધાએ જન્મ પછી આંખો ઉઘાડી ન હતી : હેતુ એવો કે આ આંખોએ બીજા કોને જોવો? રાધિકાને જોવા યશોદા જ્યારે કૃષ્ણને તેડીને ગયાં ત્યારે કૃષ્ણને જોવા રાધાએ આંખો ઉઘાડી. કૃષ્ણે રમતમાં રાધાની આંખોએ હાથ અડકાડી દીધો.

(આસામના છોકરાને) એ તમે કદી જોયું છે કે નાનાં બાળકો આંખે હાથ લગાડી દે?

(સંસારી વ્યક્તિ અને શુદ્ધાત્મા તરુણનો પ્રવેશ)

પંડિતજી ઠાકુરની પાસેથી ઊઠવાની રજા માગે છે.

પંડિતજી- ત્યારે હવે હું ઘેર જાઉં છું.

શ્રીરામકૃષ્ણ (સ્નેહપૂર્વક) – કંઈ પ્રાપ્તિ થઈ છે?

પંડિતજી- બજાર બડા મંદા હય! કમાણી નથી.

પંડિતજીએ થોડી વાર પછી ઠાકુરને પ્રણામ કરીને રજા લીધી.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – જુઓ, સંસારી અને છોકરાઓમાં કેટલો તફાવત? આ પંડિત રાતદિવસ પૈસા પૈસા કરે છે. કોલકાતા આવ્યો છે પેટ માટે. નહીંતર ઘરનાં માણસોનું પેટ ભરાય નહિ. એટલા માટે જેને તેને બારણે ભટકવું પડે છે. મન એકાગ્ર કરીને ઈશ્વર-ચિંતન કરે ક્યારે? પરંતુ છોકરાઓની અંદર કામ-કાંચન નથી; ઇચ્છા થતાં જ ઈશ્વરમાં મન પરોવી શકે.

‘છોકરાઓને સંસારીઓનો સંગ સારો લાગે નહિ. વચ્ચે વચ્ચે રાખાલ કહેતો કે સંસારી માણસ આવતાં જોઈને બીક લાગે છે.

મારી જ્યારે પહેલવહેલી આ અવસ્થા થઈ, ત્યારે સંસારી માણસને આવતો જોઈને હું ઓરડાનાં બારણાં બંધ કરી દેતો!

(પુત્ર-કન્યા વિયોગને કારણે શોક અને શ્રીરામકૃષ્ણ – પૂર્વકથા)

‘દેશમાં અમારે ગામ શ્રીરામ મલ્લિકને કેટલો ચાહતો! પણ અહીં જ્યારે એ આવ્યો ત્યારે તેને અડી શક્યો નહિ.

શ્રીરામની સાથે નાનપણમાં ખૂબ પ્રેમ હતો. રાતદિવસ એક સાથે રહેતા, એક સાથે સૂઈ રહેતા. એ વખતે અમારી ઉંમર સોળ સત્તરની હશે. ગામનાં માણસો કહેતાં કે આ બેમાંથી એક જો છોકરી હોત તો આ બેઉનાં લગ્ન થાત. શ્રીરામને ઘેર બન્ને રમતા. એ સમયની બધી વાતો યાદ આવે છે. તેનાં કુટુંબીઓ પાલખીમાં બેસીને આવતાં. ઉપાડનાર ભાઈઓ ‘હિંજોડા, હિંજોડા’ એમ બોલતા.

‘મેં શ્રીરામને મળવા માટે કેટલીય વાર તેડાં મોકલ્યાં હતાં. હમણાં ચાનકમાં દુકાન નાખી છે. તે દિવસે આવ્યો હતો; બે દિવસ અહીં રહ્યો.

‘શ્રીરામ કહે કે છોકરું-છૈયું કંઈ થયું નથી એટલે ભત્રીજાને ઉછેરીને મોટો કર્યો; એય મરી ગયો.’ એમ કહેતાં શ્રીરામે લાંબો નિ:સાસો મૂકયો; આંખમાં પાણી આવ્યાં. ભત્રીજાને માટે બહુ જ શોક થયો છે.

‘પછી કહે છે કે ‘છોકરું કંઈ થયું નહિ, એટલે સ્ત્રીનો બધો સ્નેહ એ ભત્રીજા ઉપર ઢળ્યો હતો. હવે એ શોકથી અધીરી થઈ છે. મેં તેને કહ્યું હતું કે ગાંડી! હવે શોક કર્યે શું વળવાનું છે? તું કાશી જઈશ?

કહે છે કે ‘ગાંડી!’

બૈરીમાં એકદમ ‘dilute’ થઈ ગયો છે! હું તેને સ્પર્શ કરી શક્યો નહિ! મેં જોયું કે હવે તેનામાં કંઈ જ રહ્યું નથી.’

ઠાકુર શોક વિશે એ બધી વાતો કહી રહ્યા છે. આ બાજુ ઓરડાની ઉત્તર તરફના બારણાની પાસે પેલી શોકથી દુ:ખી બ્રાહ્મણી ઊભી છે. બ્રાહ્મણી વિધવા. તેની એકની એક દીકરીનાં લગ્ન ખૂબ મોટા ઘરમાં થયાં હતાં. એ છોકરીનો વરરાજા ખિતાબધારી, કોલકાતાવાસી જમીનદાર હતો. છોકરી જ્યારે પિયર આવતી ત્યારે સાથે સિપાહી-સંત્રી આવતા. એ જોઈને માની છાતી જાણે કે ગજ ગજ ફુલાઈ જતી. એ એકની એક દીકરી થોડા દિવસ થયા આ લોકનો ત્યાગ કરીને ચાલી ગઈ છે.

બ્રાહ્મણીએ ઊભી રહીને ભત્રીજાના વિયોગને લીધે શ્રીરામ મલ્લિકને થયેલા શોકની વાત સાંભળી. એ કેટલાક દિવસથી બાગબજારથી ગાંડાની પેઠે દોડતી દોડતી શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા આવતી; એમ ધારીને કે શોક નિવારણનો કંઈક પણ ઉપાય મળે. કદાચ ઠાકુર આ દારુણ શોક નિવારવાનો કાંઈક ઉપાય શોધી આપે. ઠાકુર ફરીથી વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મણી અને ભક્તોને) – એક જણ અહીં આવ્યો હતો. જરાક વાર બેસીને કહે કે ‘જાઉં, હું એક વાર છોકરાનું ચંદ્રમુખ જોઈ આવું.’

‘એ સાંભળીને મારાથી રહેવાયું નહિ. તરત હું બોલી ઊઠ્યો ‘એમ કે સાલા! ઊઠ અહીંથી! ઈશ્વરના ચંદ્રમુખ (જોવા) કરતાં છોકરાનું ચંદ્રમુખ!’

(જન્મમૃત્યુ તત્ત્વ – બાજીગરનો ખેલ)

‘(માસ્ટરને) વાત એમ છે કે ઈશ્વર જ સત્ય, બીજું બધું અનિત્ય! જીવ, જગત, ઘરબાર, છોકરાં, છૈયાં એ બધાંય જાદુગરની નજરબંદીના ખેલ જેવાં. જાદુગર લાકડી ફેરવે અને વાજિંત્ર વગાડે અને બોલે કે ‘લાગ, નજર લાગ!’ અને ઢાંકેલું કપડું ઉઘાડે તો અંદરથી કેટલાંય પંખી આકાશમાં ઊડી જાય! પરંતુ ખરું જોતાં તો જાદુગર જ સત્ય, બીજું બધું ખોટું! ઘડીકમાં છે ને ઘડીકમાં નથી!

‘કૈલાસમાં શિવ બેઠા છે; પાસે નંદી. એટલામાં એક મોટો અવાજ સંભળાયો. નંદીએ પૂછ્યું, ‘ભગવન્, આ શેનો શબ્દ થયો?’ શિવે જવાબ આપ્યો કે ‘રાવણ જન્મ્યો, તેનો આ અવાજ!’ થોડીક વાર પછી વળી એક ભયંકર શબ્દ થયો. નંદીએ પૂછ્યું, ‘ભગવન્, આ વખતે શેનો શબ્દ થયો?’ શિવે હસીને કહ્યું કે ‘આ વખતે રાવણનો વધ થયો તેનો!’ જન્મ-મૃત્યુ એ બધાં નજરબંધીના ખેલ જેવાં. ઘડીકમાં દેખાય ને ઘડીકમાં નહિ. ઈશ્વર જ સત્ય, બીજું બધું અનિત્ય. જળ જ સત્ય. જળના પરપોટા ઘડીકમાં છે ને ઘડીકમાં નથી; પાણીમાં મળી જાય. જે જળમાં ઉત્પત્તિ, તે જ જળમાં લય!

ઈશ્વર જાણે કે મહાસમુદ્ર, જીવો જાણે કે પરપોટા. ઈશ્વરમાં જ તેમનો જન્મ, તેમાં જ તેમનો લય.

છોકરાં-છોકરી જાણે કે એક મોટા પરપોટાની સાથે લાગેલા નાના પરપોટા.

ઈશ્વર જ સત્ય. તેના ઉપર શી રીતે ભક્તિ આવે, તેને કેમ કરીને પ્રાપ્ત કરી શકાય એનો હવે પ્રયાસ કરો. શોક કર્યે શું વળશે?

બધા ચૂપ બેઠા છે. બ્રાહ્મણી કહે છે કે ‘ત્યારે હવે હું જાઉં?’

શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મણીને સસ્નેહ) – તમે અત્યારે જશો? કેવો આકરો તડકો! અત્યારે શા માટે? આ લોકોની સાથે ગાડીમાં જજો.

આજે જેઠ માસની સંક્રાંતિ. સમય આશરે ત્રણ ચાર વાગ્યાનો. સખત ગરમી. એક ભક્તે ઠાકુરને એક નવો ચંદનનો પંખો લાવી આપ્યો છે. ઠાકુર પંખો લઈને ખુશી થયા અને બોલ્યા, ‘વાહ! વાહ! ૐ તત્ સત્, કાલી!’ એમ કહીને પ્રથમ બધા દેવતાઓને પવન નાખે છે. ત્યાર પછી માસ્ટરને કહે છે કે ‘જુઓ જુઓ, કેવો સરસ પવન!’

માસ્ટર પણ ખુશ થઈને જુએ છે.

Total Views: 348
ખંડ 47: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણના ગળાના દરદની શરૂઆત
ખંડ 47: અધ્યાય 3 : પાકો અહં અને દાસ અહં