કેપ્ટન પોતાના છોકરાઓને સાથે લઈને આવ્યા છે.

ઠાકુરે કિશોરીને કહ્યું, ‘આમને બધું બતાવી આવો તો, આ મંદિર વગેરે બધું.’

ઠાકુર કેપ્ટનની સાથે વાત કરે છે.

માસ્ટર, દ્વિજ વગેરે ભક્તો જમીન પર બેઠા છે. દમદમના માસ્ટર પણ આવ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ નાની પાટ પર ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. તેમણે કેપ્ટનને નાની પાટની ઉપર જ પોતાની સામે બેસવાનું કહ્યું.

(પાકો અહં અને દાસ અહં)

શ્રીરામકૃષ્ણ – તમારી વાત હું આમને કહેતો હતો. તમારી કેટલી ભક્તિ, કેટલી પૂજા, કેટલા પ્રકારની આરતી!

કેપ્ટન (જરા શરમાઈને) – હું તે શું પૂજા-આરતી કરવાનો? હું કોણ?

શ્રીરામકૃષ્ણ – જે ‘હું’ કામ-કાંચનમાં આસક્ત, તેમાં જ દોષ. હું ઈશ્વરનો દાસ, તેમાં દોષ નહિ. તેવો જ બાળકનો ‘હું’. બાળકો કોઈ પણ ગુણને વશ નહિ. એય હમણાં જ ઝઘડ્યાં, અને વળી પાછા તરત જ ભેગાં. એક ઘડીએ કેટલીય કાળજીથી ધૂળમાં કૂબો બનાવ્યો ને વળી તરત જ ભાંગી નાખ્યો! ‘દાસ અહં’ ‘બાળકનો અહં,’ એમાં કશો દોષ નહિ; એ અહં અહંકારમાં ગણાય નહિ. જેમ સાકર મીઠાઈમાં ગણાય નહિ. બીજી મીઠાઈ ખાવાથી પેટ બગડે, પરંતુ સાકરથી પેટમાંની ખટાશ ચાલી જાય; જેમ ૐકાર શબ્દની અંદર ગણાય નહિ; તેમ.

આ અહંથી સચ્ચિદાનંદને ચાહી શકાય. આ અહં કેમે કર્યો જાય નહિ; એટલે દાસ અહં, ભક્તનો અહં. જો એમ ન હોય તો માણસ શેને આધારે જીવે? ગોપીઓનો કેવો પ્રેમ? (કેપ્ટનને) તમે ગોપીઓની વાત કંઈક કહો. તમે તો ખૂબ ભાગવત વાંચો છો.

કેપ્ટન – જ્યારે શ્રીકૃષ્ણ વૃંદાવનમાં હતા અને તેમની પાસે કશું ઐશ્વર્ય ન હતું ત્યારે પણ ગોપીઓએ તેમને પ્રાણ કરતાંય વધારે ચાહ્યા હતા. એટલે શ્રીકૃષ્ણ બોલ્યા કે હું તેમનું (ગોપીઓનું) ઋણ કેવી રીતે અદા કરી શકું? – કે જે ગોપીઓએ મને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે, – દેહ, મન, ચિત્ત બધુંય!

શ્રીરામકૃષ્ણ ભાવમાં વિભોર થતા જાય છે. ‘ગોવિંદ! ગોવિંદ! ગોવિંદ!’ બોલતાં બોલતાં આવેશમાં આવતા જાય છે. લગભગ બાહ્યભાન રહિત! કેપ્ટન વિસ્મિત થઈને બોલી ઊઠે છે, ‘ધન્ય! ધન્ય!’

કેપ્ટન અને ત્યાં રહેલા ભક્તો ઠાકુરની એ અદ્‌ભુત પ્રેમ-અવસ્થા જુએ છે. જ્યાં સુધી એ સ્વસ્થ ન થાય, ત્યાં સુધી તેઓ ચૂપચાપ એક નજરે જોઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – ત્યાર પછી?

કેપ્ટન – એ યોગીઓને અગમ્ય – યોગિભિરગમ્યમ્। આપના જેવા યોગીઓને અગમ્ય – પરંતુ ગોપીઓને ગમ્ય. યોગીઓ જેને વરસોનાં વરસ સુધી યોગ કરીને પણ પામ્યા નહિ, તેને ગોપીઓ અનાયાસે પામી.

શ્રીરામકૃષ્ણ (હસીને) – ગોપીઓની પાસે ખાવું, પીવું, રમવું, જમવું, ખેલવું, રિસાવું એ બધુંય થયું છે.

(શ્રીયુત્ બંકિમ અને શ્રીકૃષ્ણ ચરિત્ર – અવતારવાદ)

એક ભક્ત બોલ્યા કે શ્રીયુત્ બંકિમે કૃષ્ણ-ચરિત્ર લખ્યું છે.

શ્રીરામકૃષ્ણ – બંકિમ શ્રીકૃષ્ણને માને, રાધાને માનતા નથી.

કેપ્ટન – એમ લાગે છે કે લીલામાં માનતા નથી.

શ્રીરામકૃષ્ણ – વળી એમ પણ કહે છે કે કામ વગેરેની જરૂર.

દમદમના માસ્ટર – નવજીવનમાં બંકિમે લખ્યું છે કે ધર્મનું પ્રયોજન એટલું છે કે જેથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક સર્વ વૃત્તિઓની સ્ફૂર્તિ થાય.

કેપ્ટન – કામ વગેરેની જરૂર, ને તે છતાંય લીલા માને નહિ! ઈશ્વર મનુષ્ય થઈને વૃંદાવનમાં આવ્યા હતા તે તથા રાધાકૃષ્ણ-લીલા વગેરે એ માનતા નથી?

(પૂર્ણબ્રહ્મનો અવતાર – કોરું પાંડિત્ય અને પ્રત્યક્ષ અનુભૂતિનો ભેદ – Mere Booklearning and Realisation)

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એ બધી વાતો તો છાપામાં નથી; એટલે કેમ કરીને માની શકાય?

‘એક જણ આવીને તેના મિત્રને કહે છે કે ‘અરે એય! કાલે પેલા લત્તામાં થઈને હું જઈ રહ્યો હતો. ત્યાં જોયું કે પેલું મકાન કડેડાટ કરતું ને જમીનદોસ્ત થઈ ગયું! તેનો મિત્ર કહે કે ‘અરે જરા ઊભા રહો ભાઈ, એક વાર છાપામાં જોઈ લઉં!’

છાપામાં જોયું તો એ મકાન પડી ગયાના સમાચાર ક્યાંય ન હતા. એટલે એ મિત્ર કહે છે કે ‘ક્યાં? આ છાપામાં તો કંઈ એ વિશે નથી! તમારી વાતમાં કંઈ માલ નથી!’ પેલો માણસ કહે કે ‘અરે ભલા માણસ, પણ હું નજરે જોઈ આવ્યો ને? તેનો મિત્ર કહે કે ‘એ હશે, પણ જ્યારે છાપામાં એ સમાચાર નથી ત્યારે તમારી વાત હું માનતો નથી!’ ઈશ્વર માણસ થઈને લીલા કરે, એ વાત કેમ કરીને મનાય? એ વાત તો એમના અંગ્રેજી ભણતરમાં નથી! પૂર્ણ અવતાર સમજાવવો બહુ જ કઠણ! શું કહો છો? સાત વેંતની અંદર અનંત આવી જાય!

કેપ્ટન – કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયમ્। બોલતી વખતે પૂર્ણ અને અંશ એમ બોલવું પડે.

શ્રીરામકૃષ્ણ – પૂર્ણ અને અંશ; જેમ કે અગ્નિ અને તેના તણખા. અવતાર ભક્તને માટે, જ્ઞાનીને માટે નહિ. અધ્યાત્મ-રામાયણમાં છે કે – હે રામ! તમે જ વ્યાપ્ય તેમ જ વ્યાપક, ‘વાચ્યવાચકભેદેન ત્વમેવ પરમેશ્વર।’

કેપ્ટન – વાચ્યવાચક અર્થાત્ વ્યાપ્ય-વ્યાપક.

શ્રીરામકૃષ્ણ – વ્યાપક એટલે નાનું એક રૂપ. જેમ કે અવતાર; માણસ રૂપ લઈને થયા છે.

Total Views: 327
ખંડ 47: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ અને શ્રીરાધિકાતત્ત્વ - જન્મમૃત્યુ-તત્ત્વ
ખંડ 47: અધ્યાય 4 : અહંકાર વિનાશનું કારણ અને ઈશ્વરપ્રાપ્તિમાં વિઘ્નરૂપ