પૂર્ણ, છોટો નરેન, ગોપાલની મા

શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાઢ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ.

આવતી કાલે રથોત્સવ. એ પ્રસંગે બલરામ ઠાકુરને આમંત્રણ આપીને ઘેર તેડી લાવ્યા છે. ઘેર શ્રી જગન્નાથ-મૂર્તિની નિત્ય સેવા થાય. એક નાનકડો રથ પણ છે. રથોત્સવને દિવસે રથને બહારની ઓસરીમાં લાવીને ખેંચવામાં આવે.

ઠાકુર માસ્ટરની સાથે વાતો કરે છે. પાસે નારાયણ, તેજચંદ્ર, બલરામ અને બીજા કેટલાય ભક્તો. પૂર્ણ વિશે વાત નીકળે છે. પૂર્ણની ઉંમર પંદરની હશે. ઠાકુર તેને જોવા માટે આતુર થયા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વારુ, એ (પૂર્ણ) કયે રસ્તેથી આવીને મળશે? દ્વિજનો અને પૂર્ણનો તમે જ મેળાપ કરાવી દો.

‘એક સત્તાના (અધ્યાત્મ-ભાવના) અને એક ઉંમરના લોકોનો હું મેળાપ કરાવી દઉં. એનો એક અર્થ છે. એથી બેઉ જણની ઉન્નતિ થાય. પૂર્ણનો (ઈશ્વરમાં) અનુરાગ કેવો છે, જોયું છે?’

માસ્ટર – જી હા. હું ટ્રામમાં બેસીને જઈ રહ્યો છું. તે અગાસીમાંથી મને જોઈને રસ્તા ઉપર દોડી આવ્યો, અને આતુર થઈને ત્યાંથી જ નમસ્કાર કર્યા.

શ્રીરામકૃષ્ણ (જળ ભરાઈ આવેલી આંખોએ) – આહા! આહા! છે ને તેને થયું કે આમણે મારો પરમાર્થનો (ઈશ્વર-પ્રાપ્તિ માટેનો) સંયોગ કરાવી આપ્યો છે. ઈશ્વરને માટે આતુર થયા વિના એમ થાય નહિ.

(પૂર્ણની પુરુષસત્તા, દૈવ સ્વભાવ – તપસ્યાના પ્રતાપે નારાયણ સંતાન)

‘આ ત્રણ જણની અંદર પુરુષ-સત્તા, નરેન્દ્ર, છોટો નરેન અને પૂર્ણ. ભવનાથનો નહિ, એનો માદા ભાવ (પ્રકૃતિ ભાવ).

‘પૂર્ણની જે પ્રકારની માનસિક અવસ્થા છે, તે જોતાં કાં તો તરતમાં તેના શરીરનો નાશ થશે. કારણ કે ઈશ્વર-પ્રાપ્તિ થઈ ગઈ પછી (શરીર) રહેવાની શી જરૂર? અથવા તો થોડા દિવસની અંદર જ તોડીફોડીને એ અધ્યાત્મભાવ બહાર નીકળી આવવાનો.

તેનામાં દેવ-સ્વભાવ એટલે દેવતાની પ્રકૃતિ છે. એવી વ્યક્તિમાં લોકોની બીક ઓછી હોય. એને જો ગળામાં માળા, અંગે ચંદન, કે ધૂપ-અગરબત્તીની સુવાસ આપવામાં આવે તો સમાધિ થઈ જાય! એને બરાબર અનુભવ થાય કે અંદર નારાયણ છે, નારાયણ દેહ ધારણ કરીને આવેલ છે. મને એ ખબર પડી ગઈ છે.

(પૂર્વકથા – સુલક્ષણા બ્રાહ્મણીની સમાધિ – રણજિતરાયની ભગવતી કન્યા)

‘દક્ષિણેશ્વરમાં જ્યારે મારી પહેલવહેલી આવી (સમાધિની) અવસ્થા થઈ ત્યારે થોડા દિવસ પછી એક સારા ઘરની બ્રાહ્મણી ત્યાં આવેલી. એ અતિશય સુલક્ષણી. જેવી તેના ગળામાં ફૂલમાળા નાખી અને સામે ધૂપ-અગરબત્તી કરવામાં આવ્યાં કે તરત તેને સમાધિ થઈ ગઈ! થોડી વાર પછી તેને આનંદ, અને તેનાં નેત્રોમાંથી ધારા પડવા લાગી. મેં એ વખતે પ્રણામ કરીને પૂછ્યું, ‘મા, મને (ઈશ્વર-દર્શન) થશે?’ એણે કહ્યું, ‘હા’.

‘પૂર્ણને હજી એક વાર મળવું છે. પણ મળવાની સગવડ ક્યાં છે?

‘કલા હોય એમ લાગે છે. (પૂર્ણ ઈશ્વરની એક કળા લઈને અવતરેલ છે). શી નવાઈ! માત્ર અંશ નહિ, કલા!

‘અને કેવો ચતુર! ભણવામાં પણ તે ખૂબ હોશિયાર! એટલે જ તો મેં તેને વિશે બરાબર અટકળ કરી છે.

‘(માબાપની) તપસ્યાને જોરે નારાયણ સંતાન થઈને જન્મ લે. અમારે ત્યાં દેશમાં જવાના રસ્તામાં રણજિતરાયનું તળાવ છે. રણજિતરાયને ઘેર ભગવતી કન્યા થઈને જન્મેલાં. હજીયે ચૈત્ર મહિનામાં ત્યાં મેળો ભરાય છે. પહેલાં મને બહુ જવાની ઇચ્છા થતી. પણ હવે થતી નથી.

‘રણજિતરાય ત્યાંનો જમીનદાર હતો. તપસ્યાને જોરે એ ભગવતીને કન્યારૂપે પામેલો. એ દીકરી ઉપર તે ખૂબ જ સ્નેહ રાખે. એ સ્નેહને લીધે માતાજી ત્યાં બંધાઈ ગયેલાં. બાપની પાસેથી જરાય આઘાં જાય નહિ. એક દિવસે એ રણજિતરાય પોતાની જમીનદારીનું કામકાજ તપાસી રહ્યા હતા, બહુ જ મશગૂલ. એ છોકરી બાળક-બુદ્ધિથી પૂછ્યા કરે છે, ‘બાપુજી, આ શું? બાપુજી, પેલું શું?’ બાપે ખૂબ સમજાવી-પટાવીને કહ્યું, ‘બેટા, હમણાં તું જરા જા, મારે બહુ જ કામ આવી પડ્યું છે.’ એ છોકરી કોઈ રીતે ત્યાંથી ખસે નહિ. છેવટે બાપે બેધ્યાન થઈને બોલી નાખ્યું કે ‘તું અહીંથી દૂર ચાલી જા! બસ!’ માતાજી એ બહાનું લઈને ઘરની બહાર નીકળી ગયાં. એ વખતે એક શંખની બંગડી વેચવાવાળો એ રસ્તેથી જતો હતો. તેને બોલાવીને તેની પાસેથી માતાજીએ શંખની બંગડીઓ પહેરી. પેલાએ પૈસા માગ્યા એટલે (છોકરીરૂપે) માતાજી બોલ્યાં કે ‘ઘરના ઓરડામાં અમુક ઠેકાણે કુલડીમાં રૂપિયો છે તે લેજે.’ એમ કહીને ત્યાંથી જે ચાલ્યાં ગયાં તે પછી દેખાયાં જ નહિ. આ બાજુ પેલો બંગડીવાળો ઘેર આવીને રૂપિયા સારુ ઉઘરાણી કરવા લાગ્યો. એટલે પછી છોકરી ઘરમાં નથી એ જાણીને ઘરનાં બધાં દોડી આવ્યાં. રણજિતરાયે ચારે કોર માણસો દોડાવ્યાં શોધ કરવા માટે. એ બંગડીવાળાનો રૂપિયો એ કુલડીમાં મળી આવ્યો. રણજિતરાય રડતો રડતો બાઘાની જેમ ફરવા લાગ્યો. એટલામાં માણસોએ આવીને કહ્યું કે તળાવમાં કંઈક દેખાય છે, જુઓ! સૌ કોઈ તળાવને કાંઠે જઈને જુએ છે તો માતાજીએ શંખની બંગડી પહેરેલો હાથ જળની ઉપર ઊંચો રાખ્યો છે! થોડી વાર પછી એ દેખાતો બંધ થયો. ત્યારથી હજી સુધી એ મેળા વખતે ત્યાં ભગવતીની પૂજા થાય છે વારુણીને દિવસે.

(માસ્ટરને) આ બધું સાચું.

માસ્ટર – જી હાં.

શ્રીરામકૃષ્ણ – નરેન્દ્ર આ બધું માને.

‘પૂર્ણનો વિષ્ણુના અંશથી જન્મ. માનસ-પૂજામાં બિલ્વ-પત્ર વડે મેં પૂજા કરી; પણ સ્વીકારાઈ નહિ. પછી તુલસી-પત્ર, ચંદન વડે કરી; ત્યારે થઈ!

‘ઈશ્વર વિવિધરૂપે દર્શન દે. ક્યારેક નરરૂપે, ક્યારેક ઈશ્વરી ચિન્મયરૂપે. રૂપ માનવાં પડે. શું કહો છો?

માસ્ટર – જી હાં.

(ગોપાલની માનો પ્રકૃતિભાવ અને રૂપદર્શન)

અઘોરમણિદેવી (ગોપાલની મા)

શ્રીરામકૃષ્ણ – કામારહાટિની બ્રાહ્મણી (ગોપાલની મા) કેટલાંય (ઈશ્વરીરૂપ) જુએ છે. એ એકલી અટૂલી ગંગાને કાંઠે એક બગીચામાં એકાંત ઓરડીમાં રહે છે અને જપ કર્યા કરે. બાળ-ગોપાળ તેની પાસે સૂએ! (એ બોલતાં બોલતાં ઠાકુર ચમકી જવા લાગ્યા.) કલ્પનાનો ગોપાળ નહિ, સાક્ષાત્! મેં જોયું, તો ગોપાળના હાથ રાતા! સાડલાનો છેડો પકડીને તેની સાથે સાથે ફર્યા કરે! – ખોળામાં સૂઈને ધાવે! – વાતો કરે! (આ બધું સાંભળીને) નરેન્દ્ર ખૂબ રડ્યો!

‘હુંય પહેલાં કેટલુંય જોતો. હવે ભાવ-અવસ્થામાં એટલાં બધાં દર્શન થતાં નથી. હવે પ્રકૃતિ-ભાવ ઓછો થતો જાય છે. પુરુષ-ભાવ આવી રહ્યો છે. એટલે ઈશ્વરી ભાવ બધો અંદર; બહાર એટલો દેખાય નહિ.

‘છોટા નરેનનો પુરુષ-ભાવ, એટલે મન લીન થઈ જાય. ભાવ-સમાધિ વગેરે તેનામાં નહિ. નિત્યગોપાલનો પ્રકૃતિ-ભાવ. એટલે જાણે કે ચડેલ જેવો રહે; તેનામાં ભાવ આવતાં તેનું શરીર લાલ થઈ જાય.

Total Views: 326
ખંડ 47: અધ્યાય 4 : અહંકાર વિનાશનું કારણ અને ઈશ્વરપ્રાપ્તિમાં વિઘ્નરૂપ
ખંડ 48: અધ્યાય 2 : કામિની-કાંચન ત્યાગ અને પૂર્ણ આદિ