સૌ બેઠા છે. ઠાકુર કેપ્ટન અને ભક્તોની સાથે વાતો કરી રહ્યા છે. એટલામાં બ્રાહ્મ-સમાજના જયગોપાલ સેન અને ત્રૈલોક્ય આવીને પ્રણામ કરીને બેઠા. ઠાકુર હસતે ચહેરે ત્રૈલોક્યની સામે જોઈને વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – અહંકાર છે એટલે ઈશ્વર-દર્શન થતું નથી. ઈશ્વરના ઘરના બારણાની આડે આ અહંકારરૂપી ઝાડનું થડ પડ્યું છે. એ થડ ઓળંગ્યા વિના ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરી શકાય નહિ.

‘એક જણ ભૂત-સિદ્ધ થયો. સિદ્ધ થઈને જેવો ભૂતને બોલાવ્યો કે તરત જ ભૂત આવ્યો. આવીને કહે કે શું કામ કરવાનું છે એ બતાવો. જો કામ નહિ આપો તો હું તમારી ડોક મરડી નાખીશ. એ માણસે કરવાનાં જેટલાં કામ હતાં તે બધાં ધીમે ધીમે કરાવી લીધાં. પણ પછી કામ ખૂટી પડ્યાં. એટલે ભૂત કહે કે હવે હું તારી ડોક મરડી નાખું? પેલો સિદ્ધ કહે કે ‘બાપુ, જરા ઊભો રહે. હું હમણાં આવું છું.’ એમ કહીને ગુરુદેવની પાસે જઈને કહેવા લાગ્યો કે ‘ગુરુદેવ! હું તો મહાવિપદમાં પડ્યો છું. આમ બન્યું છે, હવે કરવું શું? એટલે ગુરુ બોલ્યા કે ‘તું એક કામ કર. એ ભૂતને આ વાંકો વાળ સીધો કરવાનું કહેજે. વાંકો વાળ તે કોઈ દિ’ સીધો થાય? ભૂત રાત ને દિવસ એ જ કામ કર્યા કરે, પણ વાળ જેવો હતો તેવો જ વાંકો રહ્યો.

‘અહંકાર પણ તેના જેવો જ. ઘડીકમાં જાણે કે નીકળી ગયો એમ લાગે, પણ બીજી જ ક્ષણે આવી પડે.

‘અહંકારનો ત્યાગ થયા વિના ઈશ્વરની કૃપા થાય નહિ.

કોઈને ત્યાં વરાપ્રસંગે જો એક કોઠારી નીમવામાં આવે તો જ્યાં સુધી કોઠારમાં એ હોય ત્યાં સુધી માલિક ત્યાં આવે નહિ. પણ જ્યારે એ પોતે ઇચ્છા કરીને કોઠાર છોડી જાય, ત્યારે જ માલિક આવીને ઘરને તાળું વાસે અને પોતે કોઠારનો બંદોબસ્ત કરે.

‘સગીરના જ ટ્રસ્ટી નિમાય. નાનું છોકરું પોતે પોતાની મિલકતની સંભાળ લઈ શકે નહિ. એટલે રાજા તેની સંભાળ રાખે. તેમ અહંકારનો ત્યાગ કર્યા વિના ઈશ્વર સંભાળ લે નહિ.

‘વૈકુંઠમાં લક્ષ્મીજી અને નારાયણ બેઠાં હતાં. ત્યાં અચાનક નારાયણ ઊઠીને ઊભા થયા. લક્ષ્મીજી પગ તળાંસતાં હતાં તે બોલી ઊઠ્યાં : ‘પ્રભુ! આમ એકદમ ક્યાં ચાલ્યા?’ એટલે નારાયણ બોલ્યા કે ‘મારો એક ભક્ત બહુ જ આફતમાં આવી પડ્યો છે, તેનું રક્ષણ કરવા જાઉં છું.’ એમ કહીને નારાયણ નીકળી ગયા. પણ બીજી જ ક્ષણે પાછા આવ્યા. એ જોઈને લક્ષ્મીજી બોલ્યાં, ‘પ્રભુ, આટલા જલદી પાછા આવી ગયા?’ નારાયણે હસીને કહ્યું: ‘એ ભક્ત ભગવત્-પ્રેમમાં વિહ્વળ બનીને ચાલ્યો જતો હતો. વચમાં ધોબીઓએ લૂગડાં ધોઈને સૂકવવા નાખ્યાં હતાં. તેના પર થઈને ખ્યાલ વગર ચાલ્યો જવા લાગ્યો. એ જોઈને ધોબીઓ લાકડી લઈને તેને મારવા જતા હતા. એટલે હું તેનું રક્ષણ કરવા જતો હતો.’ લક્ષ્મીજી બોલ્યાં કે ‘ત્યારે પાછા કેમ આવતા રહ્યા?’ નારાયણ હસતાં હસતાં બોલ્યા કે ‘મેં જોયું તો એ ભક્તે પોતે જ ધોબીઓને મારવા માટે ઈંટ ઉપાડી છે! (સૌનું હાસ્ય). એટલે પછી હું ગયો નહિ.’

(પૂર્વકથા – કેશવ અને ગૌરી – સોઽહમ્ અવસ્થા પછી દાસભાવ)

‘કેશવ સેનને મેં કહ્યું હતું કે અહંનો ત્યાગ કરવો જોઈએ. એટલે કેશવ બોલ્યા કે તો પછી મહાશય, સંપ્રદાય કેમ કરીને રહે?

મેં કહ્યું કે આ તે તમારી કેવી બુદ્ધિ? તમે કાચો અહં મૂકી દો, કે જે અહંકારથી કામ-કાંચનમાં આસક્ત થવાય. પરંતુ પાકો અહં, દાસ-અહં, ભક્તનો અહં, એનો ત્યાગ કરવાનું કહેતો નથી. હું ઈશ્વરનો દાસ, હું ઈશ્વરનું સંતાન એનું નામ પાકો અહં. એમાં કશો દોષ નહિ.

ત્રૈલોક્ય – અહંકાર જવો બહુ જ કઠણ. માણસો જાણે કે નીકળી ગયો છે!

શ્રીરામકૃષ્ણ – પાછો અહંકાર થાય એટલા માટે ગૌરી (પંડિત) ‘હું’ એમ ‘બોલતો નહિ.’ ‘હું’ બોલતો નહિ, પણ બોલતો ‘આ.’ હુંય તેની દેખાદેખીથી બોલવા લાગ્યો ‘આ.’ મેં ખાધું છે એમ ન કહેતાં, કહેતો ‘આણે ખાધું છે!’ એ જોઈને મથુરબાબુ એક દિવસ બોલ્યા કે ‘એ શું બાબા, તમારે એ બધું શા માટે બોલવાનું? એ બધું એ લોકો ભલે બોલે. તેમનામાં અહંકાર છે. તમારામાં તો અહંકાર નથી; તમારે એ બધું બોલવાની કશી જરૂર નથી.’

કેશવને કહ્યું કે ‘હું’ તો જાય નહિ. એને દાસભાવમાં રહેવા દો, જેમ કે દાસ. પ્રહ્લાદ બન્ને ભાવમાં રહેતા. ક્યારેક અનુભવ કરતા કે પ્રભુ, તમે તે હું, હું તે જ તમે – સોઽહમ્! તેમજ વળી જ્યારે ‘હું’ એ ભાન આવતું, ત્યારે જોતા કે હું દાસ; તમે પ્રભુ! એક વાર પાકો સોઽહમ્ થઈ ગયા પછી દાસભાવમાં રહેવાનું – હું પ્રભુનો દાસ!

(બ્રહ્મજ્ઞાનનાં લક્ષણ – ભક્તોનો ‘હું’ – કર્મત્યાગ)

(કેપ્ટનને) બ્રહ્મ-જ્ઞાન થાય, તે કેટલાંક લક્ષણોથી સમજાય.

શ્રીમદ્ ભાગવતમાં જ્ઞાનીની ચાર અવસ્થાઓની વાત છે : ૧. બાળક જેવી. ૨. જડ જેવી. ૩. ઉન્મત્ત જેવી. ૪. પિશાચ જેવી. તેની પાંચ વરસના બાળક જેવી અવસ્થા થાય. ક્યારેક વળી ગાંડા જેવું વર્તન થઈ જાય.

ક્યારેક જડની જેમ રહે. એ અવસ્થામાં કર્મ કરી શકે નહિ, કર્મત્યાગ થાય. તો પછી જો કહો કે જનક વગેરેએ જ્ઞાની હોવા છતાં કર્મો કર્યાં હતાં એનું કેમ? એમ જો કહો તો એનો જવાબ એ કે એ વખતના માણસો પોતાના નોકરો ઉપર કામનો ભાર મૂકીને નચિંત રહેતા. અને એ વખતના માણસો ખૂબ પ્રામાણિક હતા.

શ્રીરામકૃષ્ણ કર્મ-ત્યાગની વાત કરે છે. વળી જેમને કર્મોમાં આસક્તિ છે તેમને અનાસક્ત થઈને કર્મો કરવાનું કહે છે.

શ્રીરામકૃષ્ણ – જ્ઞાન થયે ઝાઝાં કર્મો કરી શકે નહિ.

ત્રૈલોક્ય – કેમ? પવહારી બાબા એવા મોટા યોગી, છતાં પણ માણસોના ટંટા વિવાદ મટાડી દે; એટલે સુધી કે મામલા મુકદ્દમાના નિકાલ પણ લાવે.

શ્રીરામકૃષ્ણ – હા હા, એ ખરું. દુર્ગાચરણ ડૉક્ટર એવો મોટો પીનારો! ચોવીસે કલાક દારૂ પીતો રહેતો! પણ કામની વેળાએ બરાબર હોશિયાર, નિદાન કરતી વખતે જરાય ભૂલ કરતો નહિ. તેમ ભક્તિ પ્રાપ્ત કરીને કર્મો કરવામાં દોષ નહિ. પણ એ બહુ જ કઠણ; ખૂબ તપશ્ચર્યા જોઈએ.

‘ઈશ્વર જ બધું કરે છે, આપણે માત્ર યંત્ર સ્વરૂપ. ત્યાં કાલી-મંદિરની સામે શીખ સિપાઈઓ બોલ્યા કે ‘ઈશ્વર દયામય!’ મેં કહ્યું કે ‘વળી દયા કોના ઉપર? એટલે શીખો બોલ્યા, ‘કેમ મહારાજ? આપણા ઉપર!’ મેં કહ્યું કે આપણે બધાં ઈશ્વરનાં છોકરાં; છોકરાં ઉપર વળી દયા શી? ઈશ્વર પોતાનાં છોકરાંઓને સંભાળે છે તે જો સંભાળે નહિ તો શું સામા લત્તાનાં માણસો આવીને સંભાળ લેવાનાં? જુઓ તો, જેઓ ‘દયામય’ કહે, તેઓ એટલોય વિચાર કરે નહિ કે આપણે તે શું પારકાં છોકરાં છીએ?

કેપ્ટન- જી, હા. ઈશ્વર આપણો પોતાનો એ જ્ઞાન આપણને રહેતું નથી.

(ભક્તો અને પૂજા વગેરે – ઈશ્વર ભક્તવત્સલ – પૂર્ણજ્ઞાની)

શ્રીરામકૃષ્ણ – ત્યારે શું ‘દયામય’ કહેવો નહિ? જ્યાં સુધી સાધનાની અવસ્થા હોય ત્યાં સુધી દયામય એમ કહેવાય. પણ ઈશ્વર-પ્રાપ્તિ થાય ત્યારે ઈશ્વર બરાબર પોતાના બાપ કે પોતાની મા જેવો લાગે. જ્યાં સુધી ઈશ્વર-પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એમ લાગે કે આપણે બધા દૂરના માણસો, પારકાં છોકરાં.

સાધનાની અવસ્થામાં ઈશ્વરને બધુંય કહેવો જોઈએ. હાજરા એક દિવસ નરેન્દ્રને કહે કે ઈશ્વર અનંત, એનું ઐશ્વર્ય અનંત. એ તે શું તમારાં સંદેશ-કેળાં ખાવા બેઠો છે કે તમારાં ગીત સાંભળવા બેઠો છે? એ બધી મનની ભ્રમણા.

‘એ સાથે જ નરેન્દ્ર દસ હાથ ઊતરી ગયો! એટલે પછી મેં હાજરાને કહ્યું કે ‘તું તે કેવો પાજી! એ છોકરાઓને અત્યારથી એવું કહેવાથી તેઓ ક્યાં જઈને ઊભા રહે? ભક્તિ ઊડી જાય તો માણસ શું લઈને રહે? અલબત્ત, ઈશ્વરનું અનંત ઐશ્વર્ય, તોય પણ એ ભક્તને આધીન! એક મોટા શેઠનો દરવાન આવીને શેઠના દીવાનખાનામાં એક ખૂણે ઊભો છે. હાથમાં કંઈક વસ્તુ છે, કપડાં નીચે ઢાંકેલી, બિચારો અતિ સંકુચિત ભાવે ઊભો છે. શેઠે પૂછ્યું, ‘દરવાન! હાથમાં શું છે?’ તેણે સંકોચપૂર્વક એક સીતાફળ બહાર કાઢીને શેઠની સામે ધર્યું, એવી ઇચ્છાથી કે શેઠ એ ખાય. તેનો ભક્તિ-ભાવ જોઈને શેઠે એ સીતાફળ બહુ જ પ્રેમથી લીધું અને બોલ્યા, ‘વાહ બહુ મજાનું સીતાફળ! તું ક્યાંથી મહેનત કરીને આ લઈ આવ્યો?’

‘ઈશ્વર ભક્તાધીન! દુર્યાેધને એટલો આદર સત્કાર દેખાડ્યો અને કહ્યું કે ‘મહેલમાં ઉતારો, ભોજનાદિ કરવાનું રાખો.’ પણ ભગવાન (શ્રીકૃષ્ણ) વિદુરની ઝૂંપડીમાં ગયા. પ્રભુ ભક્ત-વત્સલ; વિદુરની શાકભાજી અમૃતની પેઠે આરોગી.

‘પૂર્ણ જ્ઞાનીનું બીજું એક લક્ષણ : પિશાચ જેવો! ખાવાપીવામાં કશો વિચાર નહિ. પવિત્ર, અપવિત્રનો વિચાર નહિ! પૂર્ણ જ્ઞાની અને પૂર્ણ મૂર્ખ, એ બન્નેનાં બહારનાં લક્ષણ એકસરખાં! પૂર્ણ જ્ઞાની ગંગાસ્નાને જાય તો કદાચ મંત્રો જ બોલે નહિ. દેવપૂજા કરતી વખતે કાં તો બધાં ફૂલ એક સાથે જ દેવતાને ચરણે મૂકીને ચાલ્યો આવે, મંત્ર-બંત્ર કંઈ જ નહિ!

(કર્મી અને ઠાકુર શ્રીરામકૃષ્ણ – કર્મ ક્યાં સુધી?)

‘જ્યાં સુધી સંસારના ભોગ ભોગવવાની ઇચ્છા રહે ત્યાં સુધી કર્મત્યાગ કરી શકાય નહિ જ. જ્યાં સુધી ભોગની આશા હોય ત્યાં સુધી કર્મ છે જ!

‘એક પક્ષી એક વહાણના કૂવાથંભ ઉપર બેધ્યાન થઈને બેઠું હતું. વહાણ ગંગાની અંદર ઊભું હતું તે ક્રમે ક્રમે ચાલતું મધદરિયે આવી પડ્યું. એ વખતે પછી પેલા પક્ષીની ચમક ભાંગી. અને તેણે જોયું તો ચારે બાજુ ક્યાંય કિનારો દેખાય નહિ. એટલે કાંઠે જવા સારુ ઉત્તર બાજુએ ઊડી ગયું. ખૂબ દૂર સુધી ઊડી ઊડીને થાકી ગયું તોય કિનારો મળ્યો નહિ. પછી શું કરે? પાછું આવીને વહાણના કૂવાથંભ ઉપર બેઠું. ઘણી વાર પછી પંખી વળી ઊડ્યું. આ વખતે એ પૂર્વ બાજુએ ગયું. એ બાજુએ પણ બીજું કંઈ જોવામાં આવ્યું નહિ, ચારે બાજુ માત્ર અફાટ સાગર. એટલે ખૂબ થાકી જઈને વળી પાછું વહાણ પર આવીને કૂવાથંભ ઉપર બેઠું. થોડી વાર આરામ લઈને વળી દક્ષિણ બાજુએ ગયું. તે જ પ્રમાણે વળી પશ્ચિમ બાજુએ ગયું. આખરે જ્યારે જોયું કે ક્યાંય પણ કિનારો નથી, ત્યારે પાછું આવીને વહાણના કૂવાથંભ ઉપર બેસી ગયું. પછી ઊડ્યું જ નહિ. નચિંત થઈને બેસી રહ્યું. પછી મનમાં બીજી કશી વ્યગ્રતા કે અશાન્તિ રહી નહિ. નિશ્ચિંત થઈ ગયું. કશી પ્રવૃત્તિ જ નહિ.

કેપ્ટન – અહા! ક્યા દૃષ્ટાંત!

(ભોગાંતે વ્યાકુળતા અને ઈશ્વરપ્રાપ્તિ)

શ્રીરામકૃષ્ણ – સંસારી માણસો જ્યારે સુખ સારુ ચારે બાજુ ભટકી ભટકીને હેરાન થાય છતાં સુખ મળે નહિ અને છેવટે થાકે; જ્યારે કામ-કાંચનમાં આસક્ત થઈને કેવળ દુઃખ પામે ત્યારે જ વૈરાગ્ય આવે, ત્યાગ આવે. ઘણા એવા પણ હોય છે, કે તેમને ભોગ પૂરો થયા વિના ત્યાગ આવે જ નહિ. સાધકોના બે વિભાગ : કુટિચક અને બહૂદક. કોઈ કોઈ સાધક અનેક તીર્થાેમાં ભટકે. એક જગાએ સ્થિર થઈને બેસી શકે નહિ. અનેક તીર્થાેનાં ઉદક એટલે પાણી પીએ. જ્યારે ભમી ભમીને ક્ષોભ મટી જાય ત્યારે એક જગાએ કુટિર બાંધીને બેસે અને નિશ્ચિંત તથા પ્રવૃત્તિરહિત થઈને ભગવાનનું ચિંતન કરે.

‘પણ સંસારમાં ભોગેય શું કરવાના! કામ-કાંચનનો ભોગ? એ તો ક્ષણિક આનંદ. ઘડીકમાં છે ને ઘડીકમાં નથી.

સંસારમાં મોટે ભાગે ઉપાધિનાં વાદળાં અને દુઃખનો વરસાદ લાગ્યો જ હોય. સુખનો સૂરજ દેખાય નહિ. દુઃખનો ભાગ જ વધુ. કામ-કાંચનરૂપી વાદળાં સૂર્યને દેખાવા ન દે.

કોઈ કોઈ મને પૂછે કે ‘મહાશય, ઈશ્વરે શા માટે આવો સંસાર કર્યો છે? અમારો શું કોઈ પણ ઉપાય નથી?’

(ઉપાય – વ્યાકુળતા – ત્યાગ)

‘હું કહું કે ઉપાય કેમ ન હોય? ઈશ્વરના શરણાગત થાઓ, અને વ્યાકુળ થઈને પ્રાર્થના કરો કે જેથી અનુકૂળ હવા આવે, જેથી શુભયોગ થઈ જાય. આતુર થઈને બોલાવવાથી ઈશ્વર અવશ્ય સાંભળે જ સાંભળે!

‘એક માણસનો જુવાન દીકરો આજ મરે કે કાલ મરે એવી અવસ્થામાં આવી ગયો. એ માણસ આકુળવ્યાકુળ થઈને આની પાસે, તેની પાસે ઉપાય પૂછતો પૂછતો ફરી રહ્યો છે. એવામાં એક જણે કહ્યું કે ‘જુઓ, તમે આ પ્રમાણે કરી શકો તો તમારું કામ બની જાય. સ્વાતિ નક્ષત્રનું જળ એક મડદાના માથાની ખોપરીમાં પડે. એ જળ એક દેડકો પીવા જાય. એ દેડકાને એક સાપ પકડવા દોડે. દોડીને દેડકાને કરડવા જતાં સાપનું વિષ એ મડદાના માથાની ખોપરીમાં પડે. અને પેલો દેડકો છટકી જાય. એ સાપના વિષવાળું જળ લઈને રોગીને જરા પિવડાવવામાં આવે તો આરામ થાય.

પેલો બિચારો માણસ તો આકુળવ્યાકુળ થઈને એ ઔષધ શોધવા માટે સ્વાતિ નક્ષત્ર જોઈને નીકળ્યો. એટલામાં નસીબ જોગે વરસાદનું એક ઝાપટું પડ્યું. એ વ્યાકુળ થઈને બોલવા લાગ્યો, ‘ભગવાન! હવે એક મડદાની ખોપરી મળે તો સારું!’ શોધતાં શોધતાં જોયું તો એક મડદાની ખોપરી પડી છે, અને તેમાં સ્વાતિ નક્ષત્રના વરસાદનું પાણી પડેલું! ત્યારે એ ફરીથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, ‘હે પ્રભુ! હવે બાકીનાનો મેળાપ કરાવી આપો, – દેડકો અને સાપ!’ તેના અંતરની એવી વ્યાકુળતા કે એને નસીબે બધું મળી ગયું. જોતજોતામાં એક સાપ એક દેડકાની પાછળ દોડતો આવતો દેખાયો. સાપ દેડકાને જ્યાં ફેણ મારવા ગયો ત્યાં દેડકો છટકી ગયો ને સાપનું વિષ પેલી ખોપરીના જળમાં પડી ગયું!

‘ઈશ્વરના શરણાગત થવાથી, આતુર ભાવે તેનું સ્મરણ કરવાથી ઈશ્વર સાંભળે ને સાંભળે જ, બધો સુયોગ પણ કરી આપે!

કેપ્ટન – વાહ, ક્યા દૃષ્ટાંત!

શ્રીરામકૃષ્ણ – હા, પ્રભુ સુયોગ કરી આપે. કાં તો વિવાહ જ થાય નહિ; એટલે પોતાનું બધું મન ઈશ્વરમાં દઈ શકે. કાં તો ભાઈઓ રોજગાર કરીને ઘરનો વહેવાર ચલાવવા લાગે. અથવા એકાદો છોકરો જ મોટો થઈ ગયો. એટલે પછી સંસારવહેવાર સંભાળવાનો રહે નહિ. પછી અનાયાસે સોળે સોળ આના મન ઈશ્વરમાં પરોવી શકાય. પરંતુ કામ-કાંચનનો ત્યાગ થયા વિના ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ. ત્યાગ થાય ત્યારે જ અજ્ઞાન-અવિદ્યાનો નાશ થાય. આતશ-કાચની ઉપર સૂર્યનાં કિરણ પડે તો નીચેની કેટલીયે વસ્તુ બળી જાય, પણ ઓરડાની અંદર જ્યાં છાંયો હોય ત્યાં તે આતશ-કાચ લઈ જાઓ તો કંઈ બળે નહિ. ઘરનો ત્યાગ કરીને બહાર આવવું જોઈએ અને ઊભા રહેવું જોઈએ.

(ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – જનકાદિનો)

‘છતાંય જ્ઞાન-પ્રાપ્તિ પછી કોઈ કોઈ સંસારમાં રહે. તેઓ ઘરની અંદરનું અને બહારનું એમ બન્ને જોઈ શકે. જ્ઞાનનો પ્રકાશ સંસારની અંદર પડે એટલે તેઓ સારું, નરસું, નિત્ય, અનિત્ય એ બધુંય પ્રકાશથી જોઈ શકે.

‘જેઓ અજ્ઞાની, ઈશ્વરમાં માને નહિ છતાં સંસારમાં છે, તેઓ જાણે કે માટીના ઘરમાં રહે છે. તેમને ક્ષીણ પ્રકાશમાં માત્ર ઘરની અંદરનું જ દેખાય. પરંતુ જેમણે જ્ઞાન-પ્રાપ્તિ કરી છે, ઈશ્વરને જાણ્યો છે, અને પછી સંસારમાં છે તેઓ જાણે કે કાચના મકાનમાં રહે છે. તેમને ઘરની અંદરનું પણ દેખાય અને ઘરની બહારની વસ્તુઓ પણ તેઓ જોઈ શકે. જ્ઞાન-સૂર્યનો પ્રકાશ ઘરની અંદર ખૂબ પ્રવેશ કરે. એ વ્યક્તિ ઘરની વસ્તુ ખૂબ સ્પષ્ટ રૂપે જોઈ શકે; શું સારું, શું નરસું; શું નિત્ય, શું અનિત્ય એ બધું.

ઈશ્વર જ કર્તા અને બીજા બધા એના યંત્રરૂપ.

‘એટલા માટે જ્ઞાનીને પણ અહંકાર કરવાની ક્ષમતા નથી. મહિમ્ન-સ્તોત્રના રચનારને ગર્વ આવ્યો. એટલે શિવજીના નંદીએ પોતાના દાંત બહાર કાઢીને દેખાડ્યા. એ જોઈને તેનો અહંકાર ઊતરી ગયો. તેણે જોયું કે નંદીનો એક એક દાંત એક એક મંત્ર! એનો અર્થ શું ખબર છે? કે એ બધા શ્લોક-મંત્રો અનાદિ કાળથી છે. તમે માત્ર તેમને પ્રગટ કર્યા.

‘ગુરુ થવું એ સારું નહિ. ઈશ્વરનો આદેશ મળ્યા વિના આચાર્ય થઈ શકાય નહિ. જે પોતે બોલે કે હું ગુરુ, એ હીન બુદ્ધિનો! ત્રાજવાંનાં પલ્લાં જોયાં નથી? હલકું પલ્લું જ ઊંચે જાય. જે માણસ પોતે ઊંચો થાય એ હલકો. બધાય ગુરુ થવા જાય, ચેલો ગોત્યોય જડે નહિ!’

ત્રૈલોક્ય નાની પાટની ઉત્તર બાજુએ જમીન પર બેઠેલા છે. એ હવે ભજન ગાવાના છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ કહે છે કે ‘અહા! તમારાં શાં ભજન? ત્રૈલોક્ય તંબૂરો લઈને ગીત ગાય છે :

ગીત : ‘તુઝસે હમને દિલકો લગાયા, જો કુછ હૈ સો તું હિ હૈ… વગેરે.

ગીત : નાથ તમે સર્વસ્વ મારા, પ્રાણાધાર, સર્વસાર,

તમ વિણ કોઈ નહિ ત્રિભુવન માંહિ, કહું જેને પ્રભુ મારા…

ગીત સાંભળીને ઠાકુર શ્રીરામકૃષ્ણ ભાવમાં વિભોર થતા જાય છે અને બોલી ઊઠે છે કે ‘આહા! તમે જ સર્વ. આહા! આહા!’

ગીત પૂરું થયું. છ વાગી ગયા છે. ઠાકુર શૌચ વગેરે માટે ઝાઉતલા તરફ જાય છે. સાથે માસ્ટર.

ઠાકુર હસતાં હસતાં વાતો કરતા જાય છે. ત્યાં અચાનક માસ્ટરને પૂછ્યું, ‘કેમ અલ્યા, તમે ખાધું કે નહિ? અને પેલાઓએ ખાધું કે નહિ?’

ઠાકુર ભક્તોને પ્રસાદ દેવા માટે અધીરા થયા છે.

(નરેન્દ્ર અને ઠાકુર શ્રીરામકૃષ્ણ)

આજે સંધ્યાકાળ પછી ઠાકુરની કોલકાતા જવાની વાત છે. ઝાઉતળેથી પાછા આવતી વખતે ઠાકુર માસ્ટરને કહે છે, ‘ત્યારે તો, હવે કોની ગાડીમાં જવું?’

સંધ્યા થઈ છે. ઠાકુરના ઓરડામાં દીવો પેટાવવામાં આવ્યો અને ધૂપ કરવામાં આવ્યો છે. કાલી-વાડીમાં બધી જગાએ નોકર દીવો મૂકી ગયો. ચોઘડિયાં વાગી રહ્યાં છે. હવે પછી બાર શિવ-મંદિરોમાં, વિષ્ણુ-મંદિરમાં અને કાલી-મંદિરમાં આરતી થવાની.

નાની પાટ પર બેસીને દેવ-દેવીઓનાં નામ સ્મરણ કર્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ માતાજીનું ધ્યાન કરે છે. આરતી થઈ ગઈ. થોડીક વાર પછી ઠાકુર ઓરડામાં આમથી તેમ આંટા મારે છે અને વચ્ચે વચ્ચે ભક્તો સાથે વાતો કરે છે તથા કોલકાતા જવા સારુ માસ્ટરની સાથે મસલત કરે છે.

શરત (સ્વામી શારદાનંદ)

એટલામાં નરેન્દ્ર આવ્યો, સાથે શરત અને એક બે યુવકો. તેઓએ આવીને જમીન પર નમીને ઠાકુરને પ્રણામ કર્યા.

નરેન્દ્રને જોઈને ઠાકુરનો સ્નેહ જાણે કે ઊછળી આવ્યો. જેમ એક નાના બાળકને હેત કરે તેમ ઠાકુર નરેન્દ્રને મોઢે હાથ ફેરવીને પ્રેમ દર્શાવવા લાગ્યા અને સ્નેહપૂર્ણ સ્વરે બોલ્યા, ‘તમે આવ્યા છો?’

ઓરડાની અંદર પશ્ચિમાભિમુખ થઈને ઠાકુર ઊભા છે. નરેન્દ્ર અને બીજા કેટલાક યુવકો ઠાકુરને પ્રણામ કરીને પૂર્વાભિમુખ થઈને તેમની સાથે વાતો કરી રહ્યા છે. ઠાકુર માસ્ટરની તરફ મોઢું ફેરવીને બોલે છે, ‘નરેન્દ્ર આવ્યો છે, હવે જવાય? માણસ મોકલીને નરેન્દ્ર વગેરેને તેડાવ્યા હતા, હવે પછી જવાય કે? શું કહો છો!’

માસ્ટર – જી, ત્યારે આજે રહેવા દો.

શ્રીરામકૃષ્ણ – વારુ, કાલે જઈશું; કાં હોડીમાં, નહિતર ગાડી કરીને. (બીજા ભક્તોને) ત્યારે હવે તમે બધા જાઓ, આજે રાત પડી ગઈ છે.

ભક્તો બધાએ એક પછી એક પ્રણામ કરીને રજા લીધી.

Total Views: 353
ખંડ 47: અધ્યાય 3 : પાકો અહં અને દાસ અહં
ખંડ 48: અધ્યાય 1 : ભક્ત બલરામના ઘરે શ્રીશ્રી રથયાત્રા