આજ રથોત્સવ. મંગળવાર, શુક્લ દ્વિતીયા, જુલાઈ ૧૪, ૧૮૮૫. ઠાકુર અતિશય વહેલા ઊઠીને એકલા નૃત્ય કરી રહ્યા છે અને મધુર કંઠે ઈશ્વરનાં નામોચ્ચારણ કરી રહ્યા છે.

માસ્ટરે આવીને પ્રણામ કર્યા. ક્રમે ક્રમે ભક્તો આવી પ્રણામ કરીને ઠાકુરની પાસે બેઠા. ઠાકુર પૂર્ણને માટે બહુ જ આતુર છે. માસ્ટરને જોતાં તેની જ વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – તમે પૂર્ણને મળતા ત્યારે કંઈ ઉપદેશ દેતા?

માસ્ટર – જી, ચૈતન્ય-ચરિત વાંચવાનું કહેલું હતું. એ બધી વાતો એ સારી રીતે કહી શકે છે. અને આપે કહેલું કે સત્યને વળગીને રહેવું; એ વાત પણ કહી હતી.

શ્રીરામકૃષ્ણ – વારુ ‘(હું) અવતાર’ વગેરે બધી વાતો તેને પૂછતાં એ શું કહેતો?

માસ્ટર – મેં કહ્યું હતું કે ચૈતન્યદેવના જેવા એક મહાપુરષને જોવા હોય તો ચાલ.

શ્રીરામકૃષ્ણ – બીજું કંઈ?

માસ્ટર – આપની પેલી વાત. નાની તળાવડીમાં હાથી ઊતરે તો પાણી ખૂબ બહાર છલકાઈ જાય, ક્ષુદ્ર આધારમાં ભાવ ઊભરાઈ જાય.

શ્રીરામકૃષ્ણ – એ જ સારું. પોતાનો ભાવ પોતાની અંદર રહે એ જ સારું.

(ધરતીકંપ અને શ્રીરામકૃષ્ણ – જ્ઞાનીને માટે દેહ અને દેહનાશ સમાન)

લગભગ સાડા છ વાગ્યાનો સમય. માસ્ટર બલરામને ઘેરથી ગંગા-સ્નાન કરવા જઈ રહ્યા છે. રસ્તામાં અચાનક ધરતીકંપ. તરત જ એ ઠાકુરની પાસે પાછા આવ્યા. ઠાકુર દીવાનખાનામાં ઊભેલા છે. ભક્તોય ઊભેલા છે. ધરતીકંપની વાત થાય છે. ધ્રુજારો સહેજ વધુ થયો હતો. ભક્તો ઘણાખરા ડરી ગયા છે.

માસ્ટર – આપણે બધાએ નીચે ઊતરી જવું જોઈતું હતું.

(પૂર્વકથા – આસો માસના તોફાનમાં શ્રીરામકૃષ્ણ – ૫ ઓક્ટોબર, ૧૮૬૪)

શ્રીરામકૃષ્ણ – જે ઘરમાં રહેવાનું, એની જ આ દશા! એમાં વળી માણસોને અભિમાન. (માસ્ટરને) તમને પેલું આસો મહિનાનું તોફાન યાદ છે?

માસ્ટર – જી, હા. ત્યારે મારી ખૂબ નાની ઉંમર, નવ-દસ વરસની હશે. એક ઓરડામાં એકલો બેઠો બેઠો ભગવાનને યાદ કરતો હતો!

માસ્ટર આશ્ચર્યચકિત થઈને વિચાર કરવા લાગ્યા કે ઠાકુરે અચાનક આસોના તોફાનના દિવસની વાત પૂછી શા માટે? હું ભયથી આકુળવ્યાકુળ થઈને રડતો રડતો એકલો એક ઓરડીમાં બેઠો બેઠો ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. એ બધું શું ઠાકુર જાણે છે? અને મને યાદ કરાવી આપે છે? એ શું જન્મથી જ મારું ગુરુરૂપે રક્ષણ કરી રહ્યા છે?

શ્રીરામકૃષ્ણ – તે દિવસે દક્ષિણેશ્વર કાલી-મંદિરે ઘણું મોડું થઈ ગયેલું. પછી જેમતેમ કરીને કંઈક રસોઈ થયેલી. ઝાડ બધાં ઊખડીને પડી ગયેલાં! જુઓ તો, જે ઘરમાં રહીએ છીએ તેની જ આ દશા!

‘પરંતુ પૂર્ણ-જ્ઞાન થયે મર્યું કે માર્યું એક જ લાગે. મર્યે કંઈ મરે નહિ, મારી નાખ્યેય કંઈ મરે નહિ. (ન હન્યતે હન્યમાને શરીરે। ગીતા – ૨.૧૯; નાઽયં હન્તિ ન હન્યતે। ગીતા – ૨.૨૦) જેનું નિત્ય તેની જ લીલા. એ જ એક રૂપે નિત્ય, એક રૂપે લીલા. લીલા-રૂપ ભાંગી જાય તોય નિત્ય તો છે જ. જળ સ્થિર હોય તોય જળ, હલ્યે ચલ્યેય જળ. હલવું ચલવું અટકી જાય તો પણ એ જ જળ!

ઠાકુર ભક્તો સાથે દીવાનખાનામાં બેઠા છે. મહેન્દ્ર મુખર્જી, હરિ બાબુ, છોટો નરેન અને બીજા કેટલાય યુવક ભક્તો બેઠેલા છે. હરિ બાબુ એકલા રહે અને વેદાન્ત-ચર્ચા કરે. ઉંમર ૨૩-૨૪ હશે. વિવાહ કર્યો નથી. ઠાકુર તેમને ખૂબ ચાહે. હમેશાં પોતાની પાસે આવવાનું કહ્યા કરે. એ પોતે એકલા એકલા રહેવાનું પસંદ કરે. એટલે હરિ બાબુ ઠાકુરની પાસે વધુ પ્રમાણમાં જઈ શકતા નથી.

શ્રીરામકૃષ્ણ (હરિ બાબુને) – કેમ ભાઈ, તમે તો ઘણા દિવસ થયા આવ્યા નથી!

(હરિબાબુને ઉપદેશ – અદ્વૈતવાદ અને વિશિષ્ટાદ્વૈતવાદ – વિજ્ઞાન)

હરિબાબુ (સ્વામી તુરીયાનંદ)

(હરિ બાબુને ઉદ્દેશીને) ‘પરમાત્મા એક રૂપે નિત્ય, એક રૂપે લીલા. વેદાન્તમાં શું છે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પરંતુ જ્યાં સુધી ‘ભક્તનો અહં’ રહેવા દીધો હોય, ત્યાં સુધી લીલા પણ સાચી. જ્યારે પરમાત્મા ‘હું’ પણું ભૂંસી નાખે, ત્યાર પછી જે છે તે છે. એ મોઢેથી બોલી શકાય નહિ. જ્યાં સુધી ‘હું’ રહેવા દીધો હોય, ત્યાં સુધી બધુંય લેવું જોઈએ. કેળાંના ઝાડની ખોભળ કાઢતાં કાઢતાં અંદરનો ગરભ મળે. પરંતુ ખોભળ છે, તો જ ગરભ છે; અને ગરભની જ ખોભળ પણ છે જ. એટલે ખોભળનો જ ગરભ અને ગરભની જ ખોભળ. નિત્ય કહેતાંવેંત લીલા છે એ સમજાય. લીલા કહેતાંની સાથે જ નિત્ય છે એ સમજાય.

‘પરમાત્મા જ જીવ, જગત થઈ રહેલ છે; ચોવીસ તત્ત્વો થઈ રહેલ છે. જ્યારે એ નિષ્ક્રિય, ત્યારે તેમને બ્રહ્મ કહું. જ્યારે સૃષ્ટિ રચે, પાલન કરે તથા સંહાર કરે ત્યારે તેમને શક્તિ કહું. બ્રહ્મ અને શક્તિ અભિન્ન. જળ સ્થિર રહે ત્યારેય જળ, હલે ચલે ત્યારેય જળ.

‘હું’ પણાની ભાવના કેમેય જતી નથી. જ્યાં સુધી ‘હું’ એવું ભાન હોય, ત્યાં સુધી જીવ, જગત મિથ્યા કહેવાય નહિ. બીલાનું કોચલું અને બીજ ફેંકી દઈએ તો આખા બીલાનું વજન ન થઈ શકે.

‘જે ઈંટ, ચૂનો, રેતી વડે અગાશી બની છે; તે જ ઈંટ, ચૂના ને રેતીથી પગથિયાં બન્યાં છે. જે બ્રહ્મ, તેની સત્તાથી જ જીવ, જગત.

ભક્તો, વિજ્ઞાનીઓ નિરાકાર સાકાર બન્નેને સ્વીકારે; અરૂપ ને રૂપ બેઉને ગ્રહણ કરે. ભક્તિરૂપી હિમથી આ બ્રહ્મરૂપી જળનો કંઈક અંશ બરફ થઈ જાય. પાછો જ્ઞાન-સૂર્યનો ઉદય થતાં એ બરફ ઓગળી જઈને પાછું જેવું જળ હતું તેવું જ જળ રહે.

(વિચારના અંતે મનનો નાશ અને બ્રહ્મજ્ઞાન)

‘જ્યાં સુધી મન વડે વિચાર ચાલે ત્યાં સુધી નિત્યે પહોંચી શકાય નહિ. મન વડે વિચાર કરવા બેસો એટલે જગતને છોડી શકો નહિ. (જગતની બહાર વિચાર જઈ શકે જ નહિ), રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ વગેરે ઇન્દ્રિયોના વિષયોને છોડી શકાય જ નહિ. વિચાર બંધ થાય ત્યારે પછી બ્રહ્મ-જ્ઞાન. આ મન વડે આત્માને જાણી શકાય નહિ. આત્મા વડે જ આત્માને ઓળખી શકાય. શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ આત્મા એક જ.

‘જુઓ ને, એક વસ્તુને જોવા માટે કેટલાંની જરૂર? આંખની, પ્રકાશની, તેમજ મનની જરૂર. આ ત્રણમાંથી એકનેય બાદ કર્યે વસ્તુ દેખાય નહિ. આ મનનું કામકાજ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી કેમ કરીને કહી શકો કે જગત નથી કે હું નથી?

‘મનનો નાશ થાય, સંકલ્પ-વિકલ્પ નીકળી જાય ત્યારે સમાધિ થાય, બ્રહ્મ-જ્ઞાન થાય. પરંતુ સા, રે, ગ, મ, પ, ધ, નિ; નિ સૂરે લાંબો વખત રહી શકાય નહિ.’

(છોટા નરેનને ઉપદેશ – ઈશ્વરદર્શન પછી એમની સાથે વાર્તાલાપ)

છોટા નરેનની તરફ જોઈને ઠાકુર કહે છે, ‘કેવળ ઈશ્વર છે એટલો અંતરમાં અનુભવ કર્યે શું વળે? ઈશ્વર-દર્શન થાય એટલેથી જ બધું થઈ ગયું, એમ નથી.

ઈશ્વરને ઘરમાં લાવવો જોઈએ, તેની સાથે વાતચીત કરવી જોઈએ.

જેમ કે કોઈએ દૂધ વિશે સાંભળ્યું છે, કોઈએ દૂધને જોયું છે, તો કોઈએ દૂધ પીધું છે.

‘રાજાને કોઈ કોઈએ જોયો હોય. પરંતુ એક બે માણસો જ તેને પોતાને ઘેર લાવી શકે અને જમાડી શકે.’

માસ્ટર ગંગા-સ્નાન કરવા ગયા.

Total Views: 331
ખંડ 48: અધ્યાય 2 : કામિની-કાંચન ત્યાગ અને પૂર્ણ આદિ
ખંડ 48: અધ્યાય 4 : પૂર્વકથા - શ્રી કાશીધામે શિવ અને સોનાનાં અન્નપૂર્ણાનાં દર્શન - આજે બ્રહ્માંડના શાલિગ્રામ રૂપે દર્શન