સમય દસેક વાગ્યાનો હશે. ઠાકુર ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. માસ્ટરે ગંગા-સ્નાન કર્યું, આવીને ઠાકુરને પ્રણામ કર્યા અને પાસે બેઠા.

ઠાકુર ભાવ-અવસ્થામાં પૂરેપૂરા તરબતર થઈને કેટલીયે વાતો બોલે છે. વચ્ચે વચ્ચે અતિ રહસ્યમય દર્શનોની વાતો પણ કંઈક કંઈક બોલી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – મથુરબાબુની સાથે જ્યારે કાશી ગયો હતો ત્યારે મણિકર્ણિકાના ઘાટની પાસે થઈને અમારું વહાણ જઈ રહ્યું હતું, ત્યાં અચાનક મને શિવ-દર્શન! હું વહાણના કાંઠા પાસે આવીને ઊભો ઊભો સમાધિ-મગ્ન! ખલાસીઓ હૃદુને કહેવા લાગ્યા કે ‘પકડો! પકડો!’ પાછો પડી ન જાઉં એટલા માટે. જાણે કે જગતનું જે કંઈ ગંભીર, રહસ્યમય છે તે સર્વ પોતાનામાં સમાવીને શિવ ઘાટે ઊભા રહ્યા છે. પ્રથમ જોયું તો દૂર ઊભેલા છે, ત્યાર પછી પાસે આવતાં જોયા, ત્યાર પછી એ મારી અંદર મળી ગયા!

શ્રીમા અન્નપૂર્ણા

‘ભાવ-અવસ્થામાં જોયું કે એક સંન્યાસી મને હાથ ઝાલીને લઈ જઈ રહ્યો છે. અમે એક મંદિરમાં ગયા, ત્યાં સુવર્ણમય અન્નપૂર્ણાનાં દર્શન થયાં!

‘પરમાત્મા જ આ બધું થઈ રહેલ છે, કોઈ કોઈ વસ્તુમાં તેનો વધુ પ્રકાશ.’

(માસ્ટર વગેરેને) તમે શાલિગ્રામને કદાચ માનતા નહિ હો, ઈંગ્લિશ-મેન પણ માનતા નહિ હોય. તે તમે માનો કે ન માનો, પણ સુલક્ષણ શાલિગ્રામ કે જેમાં સરસ ચક્ર હોય, જેમાં ગોમુખી અને બીજાં બધાં લક્ષણો હોય તો તેમાં ભગવાનની પૂજા થાય.

માસ્ટર – જી, સુલક્ષણવાળા માણસોની અંદર જેમ ઈશ્વરનો વધુ પ્રકાશ.

શ્રીરામકૃષ્ણ – નરેન્દ્ર પહેલાં (મારાં) આ બધાં દર્શનોને મારા મનની ભ્રમણા કહેતો; પણ હવે બધાં માને છે.

ઈશ્વર-દર્શનની વાત કહેતાં કહેતાં ઠાકુરને ભાવ-અવસ્થા થઈ છે, ભાવ-સમાધિમાં મગ્ન. ભક્તો એક નજરે અવાક થઈને જોઈ રહ્યા છે. કેટલીયે વાર પછી ઠાકુરે ભાવ સંવરણ કર્યો અને વાતો કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – શું જોઈ રહ્યો’તો, કહું? આ આખું બ્રહ્માંડ એક શાલિગ્રામ! તેની અંદર તમારી બે આંખો જોતો હતો!

માસ્ટર અને ભક્તો આ અદ્‌ભુત અને અગાઉ કદી ન સાંભળેલાં દર્શનોની વાતો આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યા છે. એ વખતે એક યુવક-ભક્ત સારદા-પ્રસન્ન આવ્યો અને ઠાકુરને પ્રણામ કરીને બેઠો.

શ્રીરામકૃષ્ણ (સારદાને) – ત્યાં (દક્ષિણેશ્વર) કેમ આવતો નથી? કોલકાતા જ્યારે આવું છું ત્યારે આવતો નથી કેમ?

સારદા – મને ખબર મળતા નથી.

શ્રીરામકૃષ્ણ – હવેથી તને ખબર કરીશું! (માસ્ટરને, સહાસ્ય) એક ખરડો કરો તો, છોકરાઓની સૂચિ કરો. (માસ્ટર અને ભક્તોનું હાસ્ય).

(પૂર્ણનો સંવાદ – નરેન્દ્રનાં દર્શનથી ઠાકુરનો આનંદ)

સારદા – ઘેર મારો વિવાહ કરવા માગે છે. આ (માસ્ટર) વિવાહની બાબતમાં અમને કેટલીયે વાર વઢ્યા છે.

શ્રીરામકૃષ્ણ – અત્યારથી જ વિવાહ શા માટે? (માસ્ટરને) સારદાની સરસ અવસ્થા થઈ છે. પહેલાં સંકોચનો ભાવ હતો. જાણે કે લાકડીને છેડે લગાડેલ ગલને ખેંચી લીધો હોય, એમ હવે ચહેરા પર આનંદ આવ્યો છે.

ઠાકુર એક ભક્તને કહે છે, ‘તમે એક વાર પૂર્ણને તેડવા જશો?’

એટલામાં નરેન્દ્ર આવ્યો. ઠાકુરે નરેન્દ્રને નાસ્તો આપવાનું કહ્યું. નરેન્દ્રને જોઈને ઠાકુર ખૂબ જ આનંદિત થયા છે. નરેન્દ્રને ખવડાવીને જાણે કે સાક્ષાત્ નારાયણની સેવા કરે છે. શરીરે હાથ ફેરવીને સ્નેહ કરી રહ્યા છે, જાણે કે સૂક્ષ્મ-ભાવે તેના હાથ પગ દાબી રહ્યા છે! એટલામાં ‘ગોપાલની મા’ (કામારહાટિની બ્રાહ્મણી) ઓરડાની અંદર આવ્યાં. ઠાકુરે બલરામને કામારહાટિએ માણસ મોકલીને ‘ગોપાલની મા’ને તેડાવવા કહેલું. એટલે એ આવ્યાં છે. ગોપાલની મા ઓરડાની અંદર આવતાં જ કહે છે કે ‘આનંદથી મારી આંખોમાંથી પાણી વહે છે!’ એમ કહીને નીચે જમીન પર નમીને ઠાકુરને નમસ્કાર કર્યા.

શ્રીરામકૃષ્ણ – અરે એ વળી શું? એક બાજુથી તમે મને ગોપાળ કહો છો, અને વળી પાછા નમસ્કાર!

‘જાઓ ઘરની અંદર જઈને એકાદું શાક બનાવો. ખૂબ વઘાર દેજો; એવો દેજો કે તેનો છમકારો અહીં સુધી સંભળાય! (સૌનું હાસ્ય).

ગોપાલની મા – આ લોકો (ઘરનાં માણસો) શું ધારશે? ગોપાલની મા શું એમ વિચાર કરી રહ્યાં છે કે હું અહીં નવી નવી આવેલ છું; જો જુદું રાંધીશ એમ કહીશ તો ઘરનાં માણસો મારા માટે શું ધારશે?

ઘરની અંદર જતાં પહેલાં તેમણે નરેન્દ્રને સંબોધીને આતુર અવાજે કહ્યું કે, ‘ભઈલા! મને (ઈશ્વર-દર્શન) થયું છે કે હજી બાકી છે?’

આજે રથોત્સવ. શ્રીજગન્નાથના ભોગરાગ વગેરેની તૈયારી થતાં જરા મોડું થયું છે. હવે ઠાકુરને જમાડવાના છે. એટલે તે ઘરના અંદરના ભાગમાં જાય છે. ત્યાં ઠાકુરનાં દર્શન અને તેમને પ્રણામ કરવા માટે સ્ત્રી-ભક્તો આતુર થઈ રહી છે.

ઠાકુરની કેટલીયે સ્ત્રી-ભક્તો હતી. પરંતુ ઠાકુર તેમની વાત પુરુષ-ભક્તોની પાસે વધુ કહેતા નહિ. જો કોઈ ભક્ત સ્ત્રી-ભક્તોની પાસે આવજા કરતો તો ઠાકુર કહેતા કે ‘બહુ જઈશ નહિ, પડી જઈશ!’ ક્યારેક ક્યારેક તો કહેતા કે, ‘બાઈ માણસ ભક્તિમાં તરબોળ હોય તોય એની પાસે આવજા કરશો મા. સ્ત્રી-ભક્તો અલગ રહે, પુરુષ-ભક્તો અલગ રહે. તો જ બન્નેનું મંગળ. વળી એમ પણ કહેતા કે ‘સ્ત્રી-ભક્તોનો ગોપાલ-ભાવ, વાત્સલ્ય-ભાવ એ બહુ સારો નહિ. એ ‘વાત્સલ્ય’માંથી જ પાછું એક દિવસ ‘તાચ્છલ્ય’ થઈ જાય!’

Total Views: 264
ખંડ 48: અધ્યાય 3 : રથોત્સવને દિવસે ભક્તો સાથે બલરામને ઘેર
ખંડ 48: અધ્યાય 5 : બલરામનો રથોત્સવ - નરેન્દ્રાદિ ભક્તો સાથે સંકીર્તનાનંદે