ઠાકુર શ્રીરામકૃષ્ણ ગનુની માના ઘરના દીવાનખાનામાં બેઠા છે. ઘર એક મજલાનું, બરાબર રસ્તાની ઉપર. ઘરની અંદર સમૂહવાદ્ય (Concert)વગાડનારાઓનું એક મંડળ છે. છોકરાઓ વાજિંત્રો લઈને ઠાકુરનું મનોરંજન કરવા માટે વચ્ચે વચ્ચે બજાવે છે.

સમય રાતના સાડા આઠ. આજે અષાઢ મહિનાની વદ એકમ. ચંદ્રના પ્રકાશમાં આકાશ, ઘર, રાજમાર્ગ વગેરે જાણે કે નાહીને તરબોળ થઈ રહ્યાં છે. ઠાકુરની સાથે ભક્તો પણ આવીને એ ઓરડામાં બેઠા છે.

પેલી બ્રાહ્મણી પણ સાથે સાથે આવી છે. એ ઘડીકમાં ઘરમાં જાય છે, તો ઘડીકમાં બહાર આવીને દીવાનખાનાના બારણાની પાસે ઊભી રહે છે. પડોશના કેટલાક છોકરાઓ દીવાનખાનાની બારી ઉપર ચડીને ઠાકુરને જુએ છે. પડોશનાં નાનાં મોટાં બધાંય ઠાકુરના આગમનના ખબર સાંભળીને ઉતાવળાં ઉતાવળાં મહાપુરુષનાં દર્શન કરવા દોડી આવ્યાં છે.

છોટો નરેન બારી ઉપર છોકરાઓને ચડેલા જોઈને બોલે છે, ‘અરે એય, તમે ત્યાં શું કામ ચડ્યા છો? જાઓ, જાઓ, તમારે ઘેર જાઓ!’ ઠાકુર શ્રીરામકૃષ્ણ સ્નેહથી કહે છે, ‘ના, ના, ભલે ને રહ્યા, ભલે ને રહ્યા!’

ઠાકુર વચ્ચે વચ્ચે બોલે છે, ‘હરિ ૐ! હરિ ૐ!’

શેતરંજીની ઉપર એક આસન બિછાવવામાં આવ્યું છે. તેની ઉપર શ્રીરામકૃષ્ણ બેઠા છે. સમૂહવાદ્યવાળા છોકરાઓને ગીત ગાવાનું કહેવામાં આવ્યું. તેમને બેસવાની જગા સગવડભરી નથી થતી. ઠાકુર પોતાની પાસે શેતરંજી પર બેસવા સારુ તેમને બોલાવે છે.

ઠાકુર કહે છે, ‘આની ઉપર જ બેસો ને! લ્યો હું આ લઈ લઉં છું.’ એમ કહીને ઠાકુરે આસન વીંટી લીધું. છોકરાઓ ગીત ગાય છે :

કેશવ કરો કરુણા દીન પર, કુંજ-કાનન-ચારી;

માધવ મનોમોહન, મોહન મુરલીધારી;

(હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, મન મારા)

વ્રજકિશોર કાલીયહર ત્રાસિત કાતર-ભયભંજન;

નયનબાંકા બાંકાશિખિ પાંખા રાધિકા હૃદિરંજન;

ગોવર્ધનધારણ વનકુસુમભૂષણ દામોદર કંસદર્પહારી;

શ્યામરાસ-રસ-બિહારી,

(હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, મન મારા)

ગીત : આવો મા જીવન ઉમા… વગેરે.

શ્રીરામકૃષ્ણ બોલે છે, ‘અહા કેવું ગીત! કેવું સંગીત! કેવું બજાવવું!’

એક છોકરો બંસી બજાવતો હતો તેની તરફ અને એક બીજા છોકરા તરફ આંગળી ચીંધીને ઠાકુર બોલે છે કે ‘આ જાણે કે પેલાની જોડ!’

હવે એકલાં સમૂહવાદ્યો (કોન્સર્ટ) વાગવા લાગ્યાં. વાગી રહ્યા પછી ઠાકુર આનંદિત થઈને બોલી ઊઠે છે ‘વાહ! કેવું સુંદર!’

એક છોકરા તરફ આંગળી ચીંધીને ઠાકુર કહે છે ‘આને બધું (બધી જાતનાં વાજિંત્ર વગાડતાં) આવડે છે.

(માસ્ટરને) – ‘આ લોકો બધા બહુ સારા માણસો!’

છોકરાઓનું ગાવા-બજાવવાનું થઈ રહ્યા પછી એ છોકરાઓ ભક્તોને કહે છે કે ‘તમે બધા કંઈક ગાઓ.’

બ્રાહ્મણી ઊભી છે. એ બારણાની પાસેથી બોલી, ગીત આ લોકો જાણતા નથી. એક મહિમ બાબુ જાણે ખરા, પણ એ આમની સામે ગાવાના નહિ.

એક છોકરો – કેમ? હું તો બાબાની સામે ગાઈ શકું છું!

છોટો નરેન (મોટેથી હસીને) – એટલે સુધી હજી એ આગળ વધ્યા નથી.

સૌ હસે છે. થોડી વાર પછી બ્રાહ્મણી આવીને કહે છે, ‘આપ અંદર પધારો.’

શ્રીરામકૃષ્ણ – કેમ વારુ?

બ્રાહ્મણી – ત્યાં જરા જલપાન કાઢી રાખ્યું છે; પધારો.

શ્રીરામકૃષ્ણ – અહીંયાં જ લઈ આવો ને!

બ્રાહ્મણી – ગનુની મા કહે છે કે ઘરમાં એક વાર પગલાં કરો તો ઘર કાશી થઈ જશે. પછી આ ઘરમાં મર્યે કશી ગરબડ રહેશે નહિ.

ઠાકુર શ્રીરામકૃષ્ણ બ્રાહ્મણી અને ઘરનાં છોકરાંઓ સાથે અંદરના ઓરડામાં ગયા. ભક્તો ચંદ્રમાના પ્રકાશમાં ફરવા લાગ્યા. માસ્ટર અને વિનોદ ઘરની દક્ષિણ બાજુએ મોટા રસ્તા પર વાતો કરતાં કરતાં ફરી રહ્યા છે.

Total Views: 347
ખંડ 49: અધ્યાય 4 : શોકમગ્ન બ્રાહ્મણીને ઘેર ઠાકુર શ્રીરામકૃષ્ણ
ખંડ 49: અધ્યાય 6 : ગુપ્ત વાતો - ‘ત્રણેય એક’