ઠાકુર બાગબજારની એક શોકમગ્ન બ્રાહ્મણીને ઘેર આવ્યા છે. ઘર જૂનું, ઈંટનું બાંધેલું. ઘરમાં પ્રવેશ કરતાં જ ડાબી બાજુએ ગૌશાળા. બેસવાની વ્યવસ્થા અગાસી ઉપર રાખી છે. ત્યાં માણસો હારબંધ ઊભેલા છે, તો કોઈ બેઠા છે. સૌ ઉત્સુક, કે ક્યારે ઠાકુરનાં દર્શન થાય.

બ્રાહ્મણીઓ બે બહેનો. બન્ને વિધવા. ઘરમાં એમના ભાઈઓ પણ સહકુટુંબ રહે. બ્રાહ્મણીની એકની એક દીકરીનો સ્વર્ગવાસ થવાથી તેને અનહદ શોક થયેલો. આજ ઠાકુર પોતાને ઘેર પધારવાના છે. એટલા માટે તે આખો દિવસ તૈયારી કરી રહી હતી. જ્યાં સુધી ઠાકુર શ્રીયુત્ નંદ બસુને ઘેર હતા ત્યાં સુધી બ્રાહ્મણી ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં એમ આવજા કરી રહી હતી કે ક્યારે ઠાકુર પધારે! ઠાકુરે કહ્યું હતું કે નંદ બસુને ઘેરથી નીકળીને તમારે ઘેર આવીશ. મોડું થવાથી બ્રાહ્મણીના મનમાં થાય છે કે ત્યારે હવે ઠાકુર આવશે નહિ!

ઠાકુર ભક્તો સાથે આવીને અગાસી ઉપર આસને બેઠા. પાસે ચટાઈ ઉપર માસ્ટર, નારાયણ, યોગીન સેન, દેવેન્દ્ર, યોગીન, થોડી વાર પછી છોટો નરેન વગેરે અનેક ભક્તો આવીને એકઠા થઈ ગયા. બ્રાહ્મણીની નાની બહેન અગાસી ઉપર આવીને ઠાકુરને પ્રણામ કરીને કહે છે કે ‘મોટી બહેન આ હજી હમણાં જ ગયાં નંદ બસુને ઘેર ખબર કાઢવા, કે કેમ આટલી બધી વાર લાગી. હવે તો આવવાં જોઈએ.’

નીચે કંઈક અવાજ થવાથી નાની બહેન વળી કહે છે કે મોટી બહેન આવે છે. એમ કહીને તે જોવા લાગી. પણ મોટી બહેન હજી સુધી આવી ન હતી.

ઠાકુર હસમુખે ચહેરે ભક્તોથી વીંટળાઈને બેઠા છે.

માસ્ટર (દેવેન્દ્રને) – કેવું સુંદર દૃશ્ય! નાનાં મોટાં, સ્ત્રીઓ, પુરુષો હારબંધ ઊભાં રહ્યાં છે. બધાંય કેટલાં ઉત્સુક, ઠાકુરને જોવા અને તેમની વાતો સાંભળવા માટે!

દેવેન્દ્ર (શ્રીરામકૃષ્ણને) – માસ્ટર મહાશય કહે છે કે આ જગા નંદ બસુના ઘર કરતાં સારી. આ લોકોની કેવી ભક્તિ!

ઠાકુર હસી રહ્યા છે.

એટલામાં બ્રાહ્મણીની બહેન બોલી ઊઠી, ‘એય્ મોટી બહેન આવી પહોંચ્યાં!’

બ્રાહ્મણીએ આવીને ઠાકુરને પ્રણામ કર્યા. શું બોલવું ને શું કરવું, એ કંઈ એ નક્કી કરી શકતી નથી!

બ્રાહ્મણી અધીરી થઈને બોલી ઊઠે છે, ‘અરે એય, હું તો આનંદની મારી હવે જીવી શકીશ નહિ! તમે બધા કહો કે હું કેમ કરીને જીવું! અરે, મારી દીકરી ચંડી જ્યારે આવતી સિપાઈ પહેરેગીરોને સાથે લઈને, અને રસ્તામાં તેઓ બન્ને બાજુ પહેરો ભરતા ત્યારે પણ મને આટલો આનંદ થતો નહિ, હો! અરે, મારી ચંડીના મરવાનો શોક હવે મને જરાય નથી!

‘હું વિચાર કરતી હતી કે આ (ઠાકુર) જ્યારે આવ્યા નહિ, ત્યારે જે બધી તૈયારી કરી છે એ બધી ચીજો ગંગામાં ફેંકી દેવી અને હવે પછી એમની (ઠાકુરની) સાથે બોલવું જ નહિ. એ જ્યાં જાય ત્યાં એક વાર જવું, દૂરથી દર્શન કરવાં, દર્શન કરીને ચાલ્યા આવવું!’

‘ચાલ જાઉં, ને સૌને કહી આવું કે ચાલો રે, મારું સુખ જોઈ જાઓ! જાઉં અને જોગીનને કહી આવું કે મારું સદ્‌ભાગ્ય જોઈ જા! ’

બ્રાહ્મણી વળી આનંદથી અધીરી થઈને બોલે છે, ‘અરે, લોટરીમાં એક રૂપિયો ભરીને એક મજૂરને એક લાખ રૂપિયા મળ્યા હતા. જેવું તેણે સાંભળ્યું કે પોતાને એક લાખ રૂપિયા મળ્યા છે, તેવો જ તેના આનંદથી એ મરી ગયો, ખરેખર મરી ગયો! અત્યારે મને પણ એમ જ થયું છે! તમે બધા આશીર્વાદ આપો, નહિતર હું ખરેખર મરી જઈશ!’

મણિ એ બ્રાહ્મણીની આનંદની અધીરતા અને અંતરની ભાવમય અવસ્થા જોઈને મુગ્ધ થઈ ગયા છે. તે ઊઠીને બ્રાહ્મણીના પગની રજ લેવા ગયા. એ જોઈને બ્રાહ્મણી બોલી ઊઠી, ‘અરે, એ કરો છો શું, કરો છો શું, ભાઈ?’ એમ કહીને તેણે મણિને સામા પ્રણામ કર્યા.

ભક્તો આવ્યા છે એ જોઈને બ્રાહ્મણી આનંદિત થઈને કહે છે, ‘તમે બધા આવ્યા છો. હું છોટા નરેનને તેડી લાવી છું; એમ ધારીને કે નહિતર હસશે કોણ?’ બ્રાહ્મણી એ પ્રમાણે બોલ્યે જાય છે, એટલામાં તેની નાની બહેન આવીને ઉતાવળી થઈને બોલી ઊઠી કે ‘મોટી બહેન, ચાલો ને તમે; અહીંયાં ઊભાં રહેશો તે કેમ ચાલશે? નીચે આવો! અમે શું એકલાં બધું કરી શકીએ?’

બ્રાહ્મણી તો આનંદમાં વિભોર છે. ઠાકુર અને ભક્તોને જોઈ રહી છે. તેમને છોડીને જઈ શકતી નથી.

એ પ્રમાણે વાતચીત થયા પછી બ્રાહ્મણીએ અતિશય ભક્તિપૂર્વક ઠાકુરને બીજા ઓરડામાં લઈ જઈને મિષ્ટાન્ન વગેરે જમાડ્યાં. ભક્તોને પણ અગાસીમાં બેસાડીને મીઠું મોઢું કરાવ્યું.

રાતના લગભગ આઠ વાગવા આવ્યા. ઠાકુર રજા લે છે. નીચેના માળના ઓરડાની સામે ઓસરી; ઓસરીમાંથી પશ્ચિમાભિમુખ થઈને ફળિયામાં આવ્યા. ત્યાર પછી ગૌશાળાને જમણી બાજુએ રાખીને મોટે દરવાજે અવાય. ઠાકુર જ્યારે ઓસરીમાંથી ભક્તો સાથે મોટા દરવાજા તરફ આવી રહ્યા છે, ત્યારે બ્રાહ્મણી ઊંચે અવાજે બોલાવે છે, ‘એય વહુ! જલદી આવ, ચરણરજ લેવા ચાલ જલદી!’ વહુએ આવીને પ્રણામ કર્યા. બ્રાહ્મણીના એક ભાઈએ પણ આવીને પ્રણામ કર્યા.

બ્રાહ્મણી ઠાકુરને કહે છે, ‘આ બીજો એક ભાઈ, મૂરખ!’ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ના, ના, બધાં સારાં માણસો છે!’

એક જણ દીવો લઈને સાથે સાથે ચાલે છે. ચાલતાં ચાલતાં એક જગ્યાએ જેવું જોઈએ તેવું અજવાળું પડ્યું નહિ.

છોટો નરેન ઊંચે અવાજે બોલે છે, ‘દીવો બતાવો, દીવો બતાવો! એમ ન સમજો કે દીવો દેખાડવાનું પૂરું થઈ ગયું!’ (સૌનું હાસ્ય).

હવે ગૌશાળા. બ્રાહ્મણી ઠાકુરને કહે છે કે ‘આ મારી ગૌશાળા.’ ગૌશાળાની સામે એકવાર ઠાકુર ઊભા રહ્યા. ચારે બાજુએ ભક્તજનો. મણિ જમીન પર નમીને ઠાકુરને પ્રણામ કરે છે ને ચરણરજ લે છે.

હવે ઠાકુર ગનુની માને ઘેર જવાના.

Total Views: 394
ખંડ 49: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થના કલ્યાણની કામના - રજોગુણનું ચિહ્ન
ખંડ 49: અધ્યાય 5 : ગનુની માને ઘેર ઠાકુર શ્રીરામકૃષ્ણ