(દ્વિજ, દ્વિજના પિતા અને ઠાકુર શ્રીરામકૃષ્ણ – માતૃઋણ અને પિતૃઋણ)

દક્ષિણેશ્વર મંદિરમાં એ જ પૂર્વપરિચિત ઓરડામાં રાખાલ, માસ્ટર વગેરે ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ બેઠેલા છે.

સમય ત્રણ કે ચારનો.

ઠાકુરને ગળાના દરદની શરૂઆત થઈ ગઈ છે. છતાંય આખો દિવસ કેવળ ભક્તોના કલ્યાણની ચિંતા કર્યા કરે છે; એટલા માટે કે કેમ તેઓ સંસારમાં બદ્ધ ન થાય, કેમ તેઓને જ્ઞાન-ભક્તિની પ્રાપ્તિ થાય, ઈશ્વર-પ્રાપ્તિ થાય.

દસ બાર દિવસ પહેલાં, ૨૮મી જુલાઈ ને મંગળવારે, ઠાકુર કોલકાતામાં શ્રીયુત્ નંદ બસુને ઘેર દેવદેવતાઓની છબીઓ જોવા ગયા ત્યારે બલરામ વગેરે બીજા ભક્તોને ઘેર પધાર્યા હતા.

શ્રીયુત્ રાખાલ વૃંદાવનથી આવીને થોડા દિવસ પોતાને ઘેર હતા. આજકાલ એ, લાટુ, હરીશ અને રામલાલ ઠાકુરની પાસે રહે છે.

શ્રીશ્રીમા (સારદામણિદેવી) કેટલાક મહિનાથી ઠાકુરની સેવાચાકરી માટે દેશમાંથી આવેલાં છે. તેઓ નોબતખાનાવાળી ઓરડીમાં છે. પેલી ‘શોકમગ્ન બ્રાહ્મણી’ આવીને કેટલાક દિવસથી તેમની પાસે છે.

ઠાકુરની પાસે દ્વિજ, દ્વિજના પિતા અને ભાઈઓ તથા માસ્ટર વગેરે બેઠા છે. આજે રવિવાર, ૯મી ઓગસ્ટ, ૧૮૮૫, શ્રાવણ કૃષ્ણ ચતુર્દશી.

દ્વિજની ઉંમર સોળ વરસની હશે. તેની માતાના સ્વર્ગવાસ પછી પિતાએ બીજું લગ્ન કર્યું છે. દ્વિજ માસ્ટરની સાથે ઘણી વાર ઠાકુરની પાસે આવે. પરંતુ તેના પિતા એથી બહુ નારાજ.

દ્વિજના પિતા કેટલાય દિવસ થયાં ઠાકુરનાં દર્શન કરવા જવાનું કહેતા હતા. એટલે આજે એ આવ્યા છે. કોલકાતાની સોદાગર ઓફિસમાં એ મોટા અમલદાર, મેનેજર. હિંદુ કોલેજમાં ડિ. એલ. રિચર્ડસનની પાસે તેમણે અભ્યાસ કરેલો; અને હાઈકોર્ટની વકીલાત પાસ કરી હતી.

શ્રીરામકૃષ્ણ (દ્વિજના પિતાને) – આપના દીકરાઓ અહીં આવે, તેથી મનમાં કંઈ લાવશો નહિ.

હું તો કહું છું કે ચૈતન્ય-જાગૃતિ પછી સંસારમાં જઈને રહો. કેટલીય મહેનત કરીને જો કોઈ સોનું મેળવે તો તે જમીનમાં રાખી શકે, પેટીની અંદર પણ રાખી શકે, તેમ પાણીમાંય રાખી શકે. સોનાને કંઈ થાય નહિ.

હું કહું છું કે અનાસક્ત થઈને સંસાર કરો. હાથે તેલ ચોપડીને ફણસ ચીરો, તો પછી હાથે ચીકાશ લાગે નહિ.

કાચા મનને સંસારમાં રાખવા જાઓ તો મન મલિન થઈ જાય. જ્ઞાન-પ્રાપ્તિ કરીને પછી સંસારમાં રહેવું જોઈએ.

એકલા દૂધને પાણીમાં રાખ્યે દૂધ બગડી જઈને નકામું થઈ જાય. પણ માખણ કાઢીને પાણીમાં રાખીએ તો કંઈ વાંધો ન આવે.

દ્વિજના પિતા – જી હાં.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – આપ જે આ છોકરાઓને વઢો કરો, એનો અર્થ હું સમજું છું. આપ એમને ઉપર ઉપરથી બીક દેખાડો. પેલા બ્રહ્મચારીએ જેમ સાપને કહેલું કે ‘તું તો ભારે મૂરખ! તને કરડવાની જ મેં મનાઈ કરેલી, ફૂંફાડો કરવાની તો મનાઈ મેં કરી ન હતી! તું જો ફૂંફાડો કરત, તો તારા દુશ્મનો તને મારી ન શકત.’ તેમ આપ જે આ છોકરાઓને વઢો કરો, એ કેવળ ફૂંફાડો દેખાડો.

(દ્વિજના પિતા હસવા લાગ્યા.)

શ્રીરામકૃષ્ણ – સારાં સંતાન થવાં એ પિતાના પુણ્યનું ચિહ્ન. જો તળાવ, કૂવામાં સારું પાણી નીકળે તો એ તળાવ, કૂવાના માલિકનાં પુણ્યનું ચિહ્ન.

‘દીકરાને આત્મજ કહે. તમે અને તમારા દીકરામાં કંઈ ફેર નહિ. તમે જ એક રૂપે દીકરા થયેલ છો. એક રૂપે તમે સંસારી, ઓફિસનું કામકાજ કરો છો, સંસારના ભોગ ભોગવો છો; બીજે એક રૂપે તમે જ ભક્ત થયા છો, તમારા સંતાન રૂપે. મેં સાંભળેલું કે તમે બહુ વિષયી માણસ! પણ એમ તો નથી! (સહાસ્ય) એ બધું તો આપ જાણો. પણ તમે છો ને, ખૂબ હોશિયાર, બધામાં હા ભણો છો.

(દ્વિજના પિતા સહેજ હસે છે.)

શ્રીરામકૃષ્ણ – અહીં આવવાથી, તમે (પિતા) શું વસ્તુ છો એ તેઓ જાણી શકશે. બાપ કેટલી મોટી વસ્તુ! માબાપને છેતરીને જે ધર્મ કરે, તેની તો ધૂળ જ થાય!

(પૂર્વકથા – વૃંદાવનમાં શ્રીરામકૃષ્ણની પોતાનાં માતા માટેની ચિંતા)

‘માણસને માથે કેટલાંક ઋણ છે : પિતૃ-ઋણ, દેવ-ઋણ, ઋષિ-ઋણ. એ સિવાય વળી માતૃ-ઋણ છે. તેમજ પત્ની પ્રત્યેનું પણ ઋણ છે; તેનું ભરણપોષણ કરવું જોઈએ. સતી હોય તો પોતાના અવસાન પછી પણ તેને માટે કંઈક ગોઠવણ કરી જવી જોઈએ.

‘માને લીધે હું વૃંદાવનમાં રહી શક્યો નહિ. જેવું યાદ આવ્યું કે મા દક્ષિણેશ્વર કાલી-મંદિરમાં છે, એટલે પછી મન વૃંદાવનમાં ટક્યું નહિ.

‘હું આ લોકોને કહું છું કે સંસાર કરો, પણ ભગવાનમાંય મન રાખો. સંસાર છોડવાનું કહેતો નથી. આ પણ કરો ને એય કરો.

દ્વિજના પિતા – મારું કહેવાનું એ કે ભણવુંગણવું તો જોઈએ ને? આપની પાસે આવવાની મનાઈ નથી કરતો, પણ બીજા છોકરાઓની સાથે રખડવામાં સમય ન કાઢે.

શ્રીરામકૃષ્ણ – આના (દ્વિજના) જરૂર સંસ્કાર હતા. આ બે ભાઈઓને (અહીં આવવાની ઇચ્છા) થઈ નહિ કેમ? અને આને જ થઈ શા માટે?

‘પરાણે શું તમે રોકી શકવાના હતા? જેના જેવા સંસ્કાર, એમ જ થવાનું.

દ્વિજના પિતા – હા, એ ખરું.

ઠાકુર જમીન ઉપર દ્વિજના પિતાની પાસે આવીને ચટાઈની ઉપર બેઠા છે. વાતો કરતાં વચ્ચે વચ્ચે એમના શરીરે હાથ લગાડી દે છે.

સંધ્યા થવાની તૈયારી છે. ઠાકુર માસ્ટર વગેરેને કહે છે, ‘આ લોકોને બધાં દેવદર્શન કરાવી આવો; મને ઠીક હોત તો હું સાથે જાત.’

ઠાકુરે છોકરાઓને મીઠાઈ આપવાનું કહ્યું. દ્વિજના પિતાને કહે છે કે, ‘આ છોકરાઓ ભલે જરા ખાય, મીઠું મોઢું કરવું જોઈએ.’

દક્ષિણેશ્વરમાં દક્ષિણ-પૂર્વ તરફની ઓસરી

દ્વિજના પિતા દેવાલય અને દેવતાઓનાં દર્શન કરીને બાગમાં જરા ફરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીમાં ભૂપેન, દ્વિજ, માસ્ટર વગરેની સાથે આનંદથી વાતો કરે છે. રમતમાં ભૂપેન અને માસ્ટરની પીઠ ઉપર ધબ્બો મારી દીધો. દ્વિજને સહાસ્ય કહે છે, ‘તારા બાપને કેવું કહ્યું!’ સંધ્યા પછી દ્વિજના પિતા વળી ઠાકુરના ઓરડામાં આવ્યા. જરા વારમાં જ રજા લેવાના છે. દ્વિજના પિતાને ગરમી લાગવા માંડી છે. ઠાકુર પોતે પંખો આપે છે.

દ્વિજના પિતાએ રજા લીધી. ઠાકુર ઊઠીને ઊભા થયા.

Total Views: 436
ખંડ 49: અધ્યાય 6 : ગુપ્ત વાતો - ‘ત્રણેય એક’
ખંડ 50: અધ્યાય 2 : ઠાકુર મુક્ત કંઠ - શ્રીરામકૃષ્ણ શું સિદ્ધ પુરુષ કે અવતાર?