રાતના આઠ વાગ્યા છે. ઠાકુર મહિમાચરણની સાથે વાતો કરે છે. ઓરડામાં રાખાલ, માસ્ટર, મહિમાચરણના એક બે સાથીઓ વગેરે છે.

મહિમાચરણ આજે રાત્રે રોકાવાના છે.

શ્રીરામકૃષ્ણ – વારુ, કેદારને કેવો માનો છો? તેણે દૂધ જોયું છે કે પીધું છે?

મહિમા – હા, તે આનંદનો ઉપભોગ કરે છે.

શ્રીરામકૃષ્ણ – નિત્યગોપાલ?

મહિમા – ઘણો જ આગળ! તેની સરસ અવસ્થા.

શ્રીરામકૃષ્ણ – હા. વારુ, ગિરીશ ઘોષ કેવો થયો છે?

મહિમા – સારો થયો છે. પરંતુ એમનો વર્ગ અલગ.

શ્રીરામકૃષ્ણ – નરેન્દ્ર?

મહિમા – હું પંદર વરસ પહેલાં જે હતો તેવો.

શ્રીરામકૃષ્ણ – છોટો નરેન? કેવો સરળ?

મહિમા – હા, ખૂબ સરળ.

શ્રીરામકૃષ્ણ – બરાબર કહ્યું. (વિચાર કરતાં કરતાં) બીજું કોણ છે?

જે બધા યુવકો અહીં આવે છે તેમણે બે બાબતો જાણી લેવી જોઈએ, એટલે થયું. તો પછી તેમને વધુ સાધનભજન કરવાનું રહે નહિ. પહેલું, હું કોણ; ત્યાર પછી, તેઓ કોણ. છોકરાઓમાંથી ઘણાય (મારા) અંતરંગ.

‘જેઓ અંતરંગ, તેમને મુક્તિ મળવાની નહિ. વાયવ્ય ખૂણામાં હજી એક વાર મારે શરીર લેવું પડશે.’

‘આ છોકરાઓને જોઈને મારા પ્રાણ શીતળ થાય. જેઓ છોકરાં પેદા કરે, કોર્ટ-કચેરી કર્યા કરે, કામિની-કાંચનમાં રચ્યાપચ્યા રહે, તેમને જોઈને કેવી રીતે આનંદ થાય? શુદ્ધ આત્માને જોયા વગર કેમ કરીને રહેવું?

મહિમાચરણ શાસ્ત્રમાંથી શ્લોકો વાંચી સંભળાવે છે, અને તંત્રોમાં કહેલી ભૂચરી, ખેચરી, શાંભવી વગેરે જુદી જુદી મુદ્રાઓની વાત કરે છે.

(ઠાકુરની પાંચ પ્રકારની સમાધિ – ષટ્ચક્રભેદ – યોગતત્ત્વ – કુંડલિની)

શ્રીરામકૃષ્ણ – વારુ, મારો આત્મા સમાધિની પછી મહાકાશમાં પંખીની પેઠે ઊડ્યા કરે એમ કોઈ કોઈ કહે છે.

‘એક હૃષીકેશનો સાધુ આવ્યો હતો. એણે કહ્યું કે સમાધિ પાંચ પ્રકારની. તમને પાંચે પ્રકારની થાય છે એમ હું જોઉં છું. પિપીલિકાવત્ (કીડીની જેવી ગતિવાળી), મીનવત્ (માછલીની જેવી ગતિવાળી), કપિવત્ (વાનરની જેવી ગતિવાળી), પક્ષીવત્, તિર્યક્વત્ (સાપ જેવી વાંકીચૂકી ગતિવાળી).’

‘ક્યારેક મહાવાયુ ચડે, કીડીની પેઠે સર્‌ર્‌ર્‌ર્‌ર્‌ર્‌ સર્‌ર્‌ કરતો.

ક્યારેક સમાધિ અવસ્થામાં ભાવ-સમુદ્રની અંદર આત્મારૂપી મીન આનંદથી ખેલ્યા કરે!

‘ક્યારેક પડખું ફરીને પડ્યો હોઉં ત્યાં મહાવાયુ વાનરની પેઠે મને ઢંઢોળે, ગમ્મત કરે. હું ચૂપચાપ પડ્યો રહું. એ વાયુ અચાનક વાનરની પેઠે કૂદકો મારીને સહસ્રાર-ચક્રે (બ્રહ્મરંધ્રે) ચડી જાય! એટલે હું સડાક કરતો ને ઊભો થઈ જાઉં.

‘તેમ વળી ક્યારેક પંખીની પેઠે આ ડાળેથી પેલી ડાળે, પેલી ડાળેથી બીજી ડાળે, એમ મહાવાયુ ચડવા લાગે! જે ડાળે (ચક્રે) બેસે, એ સ્થાને આગ જેવું લાગે. કાં તો મૂળાધારથી સ્વાધિષ્ઠાને, સ્વાધિષ્ઠાનથી હૃદયે, એ પ્રમાણે ક્રમે ક્રમે માથા સુધી ચડે.

ક્યારેક વળી મહાવાયુ તિર્યક્ (સર્પ જેવી) ગતિએ ચાલે, વાંકોચૂંકો! એ પ્રમાણે ચાલતો ચાલતો છેવટે મસ્તકે આવે ત્યારે સમાધિ થાય.

(પૂર્વકથા – ૨૨/૨૩ વર્ષે પ્રથમ ઉન્માદ, ઈ.સ.૧૮૫૮, ષટ્ચક્રભેદ)

‘કુંડલિની જાગ્યા વિના ચૈતન્ય-જાગૃતિ થાય નહિ.

‘મૂળાધારે કુંડલિની છે. ચૈતન્ય થયે, એ સુષુમ્ણા નાડીની અંદર થઈને સ્વાધિષ્ઠાન, મણિપુર વગેરે બધાં ચક્રો ભેદીને અંતે શિર મધ્યે જઈ ચડે. આનું જ નામ મહાવાયુની ગતિ. એ વખતે અંતે સમાધિ થાય.

‘એકલાં પુસ્તકો વાંચ્યે ચૈતન્ય-જાગૃતિ થાય નહિ. પરમાત્માને પુકારવો જોઈએ. વ્યાકુળ બનીએ ત્યારે કુલકુંડલિની જાગે. જ્ઞાનની વાતો માત્ર સાંભળવાથી કે વાંચવાથી શું વળે?

‘મારી આ અવસ્થા (ઈશ્વર-દર્શનની, સમાધિની) જ્યારે થઈ ત્યારે પહેલાંથી માએ મને બરાબર દેખાડી દીધું, કે કેવી રીતે કુંડલિની-શક્તિ જાગ્રત થાય. ક્રમે ક્રમે બધાં પદ્મો ખીલી જવા લાગ્યાં અને સમાધિ થઈ. આ બધી અતિ ગુપ્ત વાતો. મેં જોયું કે બરાબર મારા જેવો બાવીસ-ત્રેવીસ વરસનો જુવાન, સુષુમ્ણા નાડીની અંદર જઈને જીભ વડે યોનિરૂપી પદ્મ સાથે રમણ કરે છે! પ્રથમ ગુહ્ય, લિંગ, નાભિમાં. ચતુર્દલ (મૂળાધાર), ષડ્દલ (સ્વાધિષ્ઠાન), દશદલ (મણિપુર) પદ્મો, જે બધાં અધોમુખ થઈ રહેલાં હતાં તે ઊર્ધ્વમુખ થયાં!

‘હૃદયમાં જ્યારે એ આવ્યો તે મને બરાબર યાદ આવે છે. જીભ વડે રમણ કર્યા પછી દ્વાદશદલ (અનાહત) જે અધોમુખ પદ્મ હતું, તે ઊર્ધ્વમુખ થયું, અને પ્રસ્ફુટિત થયું! ત્યાર પછી કંઠે ષોડશદલ (વિશુદ્ધ), અને કપાળે (ભ્રૂમધ્યમાં) દ્વિદલ (આજ્ઞા). છેલ્લે સહસ્રદલ પદ્મ ખીલી ઊઠ્યું! ત્યારથી જ મારી આ અવસ્થા.’

Total Views: 383
ખંડ 50: અધ્યાય 1 : દક્ષિણેશ્વરમાં રાખાલ, માસ્ટર, મહિમાચરણ વગેરે ભક્તો સાથે
ખંડ 50: અધ્યાય 3 : પૂર્વકથા - ઠાકુર મુક્તકંઠ - ઠાકુર સિદ્ધપુરુષ કે અવતાર?