શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે ભક્તો સાથે પોતાના ઓરડામાં બેઠા છે. રવિવાર, ૨૦મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૫; આસો સુદ અગિયારસ. નવગોપાલ, હિંદુ સ્કૂલના શિક્ષક હરલાલ, રાખાલ, લાટુ તથા કીર્તનકાર ગોસ્વામી વગેરે કેટલાય હાજર છે.

બહુબજારના રાખાલ ડૉક્ટરને સાથે લઈને માસ્ટર આવી પહોંચ્યા.

ડૉક્ટરને ઠાકુરનું દરદ દેખાડવા માટે.

ડૉક્ટર ઠાકુરના ગળામાં શું દરદ થયું છે એ તપાસે છે. એ બેવડી કાઠીના માણસ. આંગળાં જાડાં જાડાં.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય, ડૉક્ટરને) – જેઓ આમ આમ કરે (કુસ્તી કરે), તેમના જેવાં તમારાં આંગળાં! મહેન્દ્ર સરકારે (મને) તપાસ્યો હતો, પણ જીભ એવા જોરથી દાબી હતી કે ખૂબ વેદના થયેલી, જાણે કે ગાયની જીભ દાબી રાખી!

ડૉક્ટર રાખાલ – જી, હું તપાસું છું તેથી તમને જરાય દુઃખશે નહિ.

(શ્રીરામકૃષ્ણને રોગ શા માટે?)

ડૉક્ટરે તપાસી લીધા પછી શ્રીરામકૃષ્ણ પાછા વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – વારુ, લોકો કહે છે કે આ (પોતે) જો આવડા મોટા (મહાત્મા), તો પછી રોગ (થાય) શા માટે?

તારક – ભગવાનદાસ બાબાજી ઘણાય દિવસ સુધી માંદગીથી પથારીવશ થયા હતા.

શ્રીરામકૃષ્ણ – મધુ ડૉક્ટર સાઠ વરસની વૃદ્ધ ઉંમરે રખાત માટે એને ઘેર ખાવાનું પહોંચાડે; છતાં એને કશોય રોગ નહિ.

ગોસ્વામી – જી, આપનું જે આ દરદ, એ બીજાઓને લીધે. જેઓ આપની પાસે આવે તેઓનાં પાપ આપને લેવાં પડે, એ બધાંથી આપને રોગ થાય.

એક ભક્ત – આપ જો માને કહો કે મા આ દરદ મટાડી દો, તો તરત મટી જાય.

(સેવ્યસેવકભાવ ઓછો – ‘હું’ શોધી શકતો નથી)

શ્રીરામકૃષ્ણ – રોગ મટાડવાની વાત કહી શકતો નથી. તેમ વળી હમણાં હમણાં સેવ્ય-સેવકભાવ ઓછો થતો જાય છે. ક્યારેક ક્યારેક કહું, કે મા તલવારનું મ્યાન જરા સમું કરી આપો. પરંતુ એ જાતની પ્રાર્થના ઓછી થતી જાય છે. આજકાલ ‘અહં’ શોધ્યોય જડતો નથી. જોઉં છું કે ઈશ્વર જ આ ખોળિયાની અંદર રહ્યો છે.

કીર્તનને માટે ગોસ્વામીને બોલાવવામાં આવ્યા છે. એક ભક્તે પૂછ્યું, ‘કીર્તન થવાનું કે?’ શ્રીરામકૃષ્ણ બીમાર છે, કીર્તન થાય તો તેમને મત્તતા થાય એવી બીક સૌને લાગે છે.

શ્રીરામકૃષ્ણ કહે છે કે ‘ભલે થોડી વાર થઈ જાય. મને ભાવ થાય, એટલે બીક લાગે. ભાવ થાય એટલે ગળામાં અહીં મને દુઃખે.’

કીર્તન સાંભળતાં સાંભળતાં ઠાકુર ભાવ અટકાવી શક્યા નહિ; ઊભા થઈ ગયા અને ભક્તો સાથે નૃત્ય કરવા લાગ્યા.

ડૉક્ટર રાખાલે બધું જોયું. એની ભાડુતી ગાડી ઊભેલી છે; એટલે એ અને માસ્ટર ઊઠ્યા કોલકાતા પાછા જવા માટે. બન્નેએ ઠાકુર શ્રીરામકૃષ્ણને પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (સસ્નેહ માસ્ટરને) – તમે જમ્યા છો?

(માસ્ટરને આત્મજ્ઞાનનો ઉપદેશ – દેહ ખોખું જ)

ગુરુવાર, ૨૪મી સપ્ટેમ્બર, પૂર્ણિમાની રાત્રે શ્રીરામકૃષ્ણ તેમના ઓરડામાં નાની પાટ પર બેઠા છે. ગળાના દરદને લીધે ચિંતાતુર થયા છે. માસ્ટર વગેરે ભક્તો જમીન પર બેઠેલા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે આ દેહ તો ખોખું માત્ર છે; એની અંદર એ અખંડ સચ્ચિદાનંદ સિવાય બીજું કંઈ નથી.

‘ભાવનો આવેશ આવ્યે ગળાનું દરદ એક બાજુએ પડ્યું રહે. અત્યારે એ ભાવ જરાજરા આવતો જાય છે અને હસવું આવે છે.’

દ્વિજની બહેન અને તેનાં નાનીમાનાં નાનાં બહેન ઠાકુરની માંદગીના ખબર સાંભળીને જોવા આવ્યાં છે. તેઓ પ્રણામ કરીને ઓરડામાં એક બાજુએ બેઠાં. દ્વિજનાં નાનીમાનાં નાનાં બહેનને જોઈને ઠાકુર પૂછે છે, ‘આ કોણ? જેમણે દ્વિજને મોટો કર્યો તે? વારુ, દ્વિજે આવું આવું (એકતારો) ખરીદ્યું છે શું કામ?’

માસ્ટર – જી, એમાં બે તાર છે.

શ્રીરામકૃષ્ણ – એક તો એના બાપા વિરુદ્ધમાં; બધા શું કહેશે? એને માટે છાનામાના ઈશ્વરને સમરવો એ જ સારું.

શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવાલ ઉપર ટાંગેલી ગૌર-નિતાઈની છબી એક વધારાની હતી. ગૌર-નિતાઈ પોતાના સઘળા ભક્તોને લઈને નવદ્વીપમાં સંકીર્તન કરી રહ્યા છે એ છબી.

રામલાલ (શ્રીરામકૃષ્ણને) – ત્યાર પછી, આ છબી આમને જ (માસ્ટરને) આપું છું.

શ્રીરામકૃષ્ણ – સારું; એ જ ઠીક.

(શ્રીરામકૃષ્ણ અને હરીશની સેવા)

ઠાકુર કેટલાક દિવસથી પ્રતાપની દવા લે છે. મધરાતે જાગી ગયા છે, જીવ અકળાય છે. હરીશ સેવા કરે છે, એ ઓરડામાં જ હતા; રાખાલ પણ છે. શ્રીયુત્ રામલાલ બહારની ઓસરીમાં સૂતેલા છે. ઠાકુર પાછળથી બોલ્યા કે ‘જીવ અકળાતો હતો એટલે હરીશને વળગી રહેવાની ઇચ્છા થઈ. મધ્યમ-નારાયણ તેલ લગાવવાથી સારું થયું; એટલે વળી નાચવા લાગ્યો.

Total Views: 442
ખંડ 50: અધ્યાય 11 : શ્રીયુત્ ડૉક્ટર ભગવાન રુદ્ર અને ઠાકુર શ્રીરામકૃષ્ણ
ખંડ 51: અધ્યાય 17 : વિજય વગેરે ભક્તોની સાથે પ્રેમાનંદે