ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરે જમ્યા પછી પોતાને આસને બેઠા છે. ડૉક્ટર ભગવાન રુદ્ર અને માસ્ટરની સાથે વાતો કરી રહ્યા છે. ઓરડામાં રાખાલ, લાટુ વગેરે ભક્તોય છે.

આજે નંદોત્સવ. બુધવાર, શ્રાવણ વદ અષ્ટમી – નવમી. બીજી સપ્ટેમ્બર, ૧૮૮૫. ઠાકુરની માંદગીનું વર્ણન બધુંય ડૉક્ટરે સાંભળ્યું. ઠાકુર નીચે જમીન પર આવીને ડૉક્ટરની પાસે બેઠા છે.

શ્રીરામકૃષ્ણ – જુઓ ભાઈ, (મારાથી) દવા સહન થતી નથી. (મારી) પ્રકૃતિ જુદી!

(રૂપિયાનો સ્પર્શ, ગાંઠ વાળવી, સંચય કરવો – આ બધું ઠાકુર માટે અસંભવ)

‘વારુ, આ તમને શું લાગે છે? રૂપિયાને અડતાં મારો હાથ ઠરડાઈ જાય! શ્વાસ બંધ થઈ જાય! અને જો હું ધોતિયાની ગાંઠ વાળું, તો જ્યાં સુધી એ ગાંઠ છોડવામાં ન આવે, ત્યાં સુધી શ્વાસ બંધ રહે!’

એમ કહીને એક રૂપિયો લાવવાનું કહ્યું. ડૉક્ટર તો જોઈને નવાઈ જ પામી ગયા કે ઠાકુરના હાથ ઉપર રૂપિયો મૂકવાથી હાથ ઠરડાઈ ગયો! અને શ્વાસ બંધ થઈ ગયો! રૂપિયો ઉપાડી લીધા પછી, એક પછી એક એમ ત્રણવાર નિઃશ્વાસ મૂક્યો, ત્યાર પછી હાથ વળી પાછો ઢીલો થયો.

ડૉક્ટર માસ્ટરને કહે છે, action on the nerves (જ્ઞાનતંતુઓ ઉપર પ્રભાવ).

(પૂર્વકથા – શંભુ મલ્લિકના બગીચામાં અફીણનો સંચય – જન્મભૂમિ કામારપુકુરમાં કેરીઓ તોડવી – સંચય અસંભવ)

ઠાકુર વળી પાછા ડૉક્ટરને કહે છે, ‘મારી બીજી એક અવસ્થા થઈ છે. કોઈ ચીજનો મારાથી સંચય કરી શકાય નહિ! શંભુ મલ્લિકના બગીચામાં એક દિવસ ગયો હતો. ત્યારે મને ખૂબ પેટનું દર્દ. શંભુએ કહ્યું કે જરા જરા અફીણનું સેવન કરતા જાઓ તો ઓછું થઈ જશે. એમ કહીને મારા ધોતિયાને છેડે થોડુંક અફીણ બાંધી દીધું. જ્યારે પાછો આવું છું ફાટકની પાસે, ત્યારે કોણ જાણે કેમ, પણ હું ચારે બાજુ ભમવા લાગ્યો, રસ્તો જ જડે નહિ! જ્યારે અફીણ ધોતિયાને છેડેથી છોડીને ફેંકી દીધું, ત્યારે વળી પાછી સહજ અવસ્થા થઈને બગીચામાં પાછો આવ્યો.

‘દેશમાંય કેરી ઝાડ પરથી પાડીને લઈ જાઉં છું, ત્યાં પછી આગળ ચાલી શકાયું જ નહિ, ઊભો થઈ રહ્યો! ત્યાર પછી એ કેરીઓ એક ખાબોચિયા જેવી જગામાં મૂકી દેવી પડી, ત્યારે આવી શકાયું! વારુ, એ શું?

ડૉક્ટર – એની પાછળ એક (શક્તિ) છે, મનની શક્તિ.

મણિ – આ (ઠાકુર) કહે છે કે એ God force ઈશ્વરની શક્તિ. આપ કહો છો કે મનની શક્તિ, Will-force.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – વળી એક એવી અવસ્થા થાય છે કે જો કોઈ કહે કે ‘ઓછું થઈ ગયું છે’ તો તરત દરદ ઘણુંય ઓછું થઈ જાય. તે દિવસે બ્રાહ્મણી બોલી કે ‘આઠ આના ઓછું થઈ ગયું છે!’ તરત હું તો નાચવા લાગ્યો!

ઠાકુર ડૉક્ટરનો સ્વભાવ જોઈને સંતુષ્ટ થયા છે. એ ડૉક્ટરને કહે છે કે ‘તમારો સ્વભાવ સરસ. જ્ઞાનનાં બે લક્ષણ : શાંત સ્વભાવ અને અભિમાન હોય નહિ.’

મણિ – આમને (ડૉક્ટરને) સ્ત્રી-વિયોગ થયો છે.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – હું કહું છું કે ત્રણ આકર્ષણ એકઠાં થયે ભગવાનને પામી શકાય. માનું છોકરાં તરફનું આકર્ષણ, સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું આકર્ષણ, અને વિષયીનું વિષય માટેનું આકર્ષણ.

‘એ ગમે તે હોય. મારું આ (ગળું) સારું કરી દો.’

ડૉક્ટર હવે દરદવાળી જગા તપાસવા જાય છે. ગોળ ઓસરીમાં એક ખુરશી પર ઠાકુર બેઠા. ઠાકુર પહેલાં ડૉક્ટર સરકારની વાત કરે છે, ‘સાલાએ જાણે કે ઢોરની જીભ દાબી!’

ભગવાન (ડૉક્ટર) – એમણે જાણી જોઈને એમ કર્યું નહિ હોય.

શ્રીરામકૃષ્ણ – ના, એમ નહિ; ખૂબ સારી રીતે જોવા માટે દાબી’તી.

Total Views: 410
ખંડ 50: અધ્યાય 10 : જન્માષ્ટમીના દિવસે નરેન્દ્ર, રામ, ગિરીશ, વગેરે ભક્તો સાથે
ખંડ 50: અધ્યાય 12 : અસ્વસ્થ શ્રીરામકૃષ્ણ અને ડો. રાખાલ - ભક્તો સાથે નૃત્ય