ઠાકુરની માંદગીના સમાચાર કોલકાતાના ભક્તોને પહોંચી ગયા. ગળાનો (કાકડાનો) દુખાવો થયો છે એમ સહુ કોઈ કહેવા લાગ્યા.

ઈ.સ. ૧૮૮૫, ૧૬મી ઓગસ્ટ, રવિવાર, ૧ ભાદ્રપદ શુક્લ છઠ. કેટલાય ભક્તો તેમનાં દર્શન કરવા આવ્યા છે, ગિરીશ, રામ, નિત્યગોપાલ, મહિમા ચક્રવર્તી, કિશોરી (ગુપ્ત), પંડિત શશધર તર્કચૂડામણિ વગેરે.

ઠાકુર પહેલાંની પેઠે આનંદમય. ભક્તોની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – માંદગીની વાત માને કહી શકતો નથી. કહેતાં શરમ આવે છે.

ગિરીશ – મારા નારાયણ આરામ કરશે.

રામ – સારું થઈ જશે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – હા, એવા આશીર્વાદ આપો! (સૌનું હાસ્ય).

ગિરીશ નવા નવા આવે છે. ઠાકુર તેને કહે છે કે ‘તમારે મોટી ઝંઝટની વચ્ચે રહેવાનું હોય છે, ખૂબ કામ; તમે હજી ત્રણ વાર આવજો!’

હવે ઠાકુર શશધરની સાથે વાતો કરે છે.

(શશધર પંડિતને ઉપદેશ – બ્રહ્મ અને આદ્યશક્તિ અભિન્ન)

પંડિત શશધર તર્કચૂડામણિ

શ્રીરામકૃષ્ણ (શશધરને) – તમે કંઈક આદ્યશક્તિની વાત કરો.

શશધર – હું શું જાણું?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એક જણ ઉપર બીજો એક માણસ ખૂબ ભક્તિ રાખે. એ બીજા માણસને પહેલાએ હુક્કો ભરવા સારુ દેવતા લઈ આવવાનું કહ્યું. એટલે એ માણસે કહ્યું કે ‘મારામાં તે તમારે માટે દેવતા લાવવાની શી યોગ્યતા?’ અને ખરેખર એ દેવતા લાવ્યો પણ નહિ! (સૌનું હાસ્ય).

શશધર – જી, ઈશ્વર જ નિમિત્ત કારણ, એ પોતે જ ઉપાદાન કારણ. એ જ જીવ, જગતની ઉત્પત્તિ કરે છે; તેમ વળી એ જ જીવ, જગત થઈ રહેલ છે. જેમ કે કરોળિયો. તેણે પોતે જાળું બનાવ્યું (નિમિત્ત કારણ); અને એ જ જાળું પોતાની અંદરથી બહાર કાઢ્યું (ઉપાદાન કારણ).

શ્રીરામકૃષ્ણ – ‘વળી, એમ છે કે પુરુષ એ જ પ્રકૃતિ, જે બ્રહ્મ એ જ શક્તિ. જ્યારે નિષ્ક્રિય, સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય કરતા નથી, ત્યારે એને બ્રહ્મ કહું, પુરુષ કહું. અને જ્યારે આ બધું કામ કરે છે; ત્યારે એને શક્તિ કહું, પ્રકૃતિ કહું. પરંતુ જે બ્રહ્મ એ જ શક્તિ; જે પુરુષ એ જ પ્રકૃતિ થઈ રહેલ છે. જળ સ્થિર હોય ત્યારેય જળ, અને હલેચલે ત્યારેય જળ. સાપ વાંકોચૂકો ચાલે ત્યારેય સાપ; તેમ વળી છાનોમાનો ગૂંચળું વળીને પડ્યો રહે ત્યારેય તે સાપ.

(શ્રીરામકૃષ્ણ બ્રહ્મજ્ઞાનની વાત કરતાં સમાધિસ્થ – ભોગ અને કર્મ)

‘બ્રહ્મ શું છે એ મોઢેથી બોલી બતાવી શકાય નહિ, મોં (વાણી) બંધ થઈ જાય. કીર્તનમાં, ‘નિતાઈ મારો મસ્ત હાથી!’ ‘નિતાઈ મારો મસ્ત હાથી!’ એ શબ્દો બોલતાં બોલતાં છેવટે બીજું કંઈ જ બોલી શકે નહિ. બોલે માત્ર ‘હાથી.’ તેમ વળી ‘હાથી, હાથી’ બોલતાં બોલતાં ‘હા…’ છેવટે એય બોલી શકે નહિ; બાહ્ય સંજ્ઞા રહિત.’

એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર સમાધિ-મગ્ન! ઊભા ઊભા જ સમાધિ-મગ્ન!

સમાધિ ભંગ થયા પછી થોડી વારે બોલે છે, ‘ક્ષર’ ‘અક્ષર’ની પેલી પાર શું છે, એ મોઢેથી બોલી શકાય નહિ.’

બધા ચૂપ થઈ રહ્યા છે. ઠાકુર વળી પાછા બોલે છે : ‘જ્યાં સુધી કંઈક ભોગ બાકી હોય કે કર્મ બાકી હોય, ત્યાં સુધી સમાધિ થાય નહિ.’ (ભોગૈશ્વર્યપ્રસક્તાનાં તયાપહૃતચેતસામ્। વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે॥ આ વાણીએ જેમનું મન આકર્ષી લીધું છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં ખૂબ આસક્ત છે તેવા લોકોની નિશ્ચયાત્મક બુદ્ધિ, સમતારૂપ સ્થિતિમાં ટકી શકતી નથી. (ગીતા.૨.૪૪)

(શશધરને) ‘અત્યારે ઈશ્વર તમારી પાસે કર્મ કરાવે છે, લેકચર આપવાં વગેરે. અત્યારે તમારે એ બધું કરવું જ પડે.

કર્મો ખલાસ થઈ ગયાં એટલે પાછું ફરવાનું નહિ. ઘરની સ્ત્રી ઘરનું બધું કામકાજ પરવારી કરીને નાહવા જાય, ત્યારે બૂમો પાડો તોય પછી એ પાછી વળે નહિ.’

Total Views: 492
ખંડ 50: અધ્યાય 5 : મૌનાવલંબી શ્રીરામકૃષ્ણ અને માયા-દર્શન
ખંડ 50: અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરમાં રાખાલ, માસ્ટર, પંડિત શ્યામાપદ વગેરે ભક્તોની સાથે - સમાધિ અવસ્થામાં પંડિત શ્યામાપદ પર કૃપા