ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરમાં સવારના આઠ વાગ્યાથી બપોર પછી ત્રણ વાગ્યા સુધી મૌન ધારણ કરીને બેસી રહ્યા છે. આજ મંગળવાર, ૧૧મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૫. શ્રાવણ શુક્લ પ્રતિપદ (એકમ), ગઈ કાલે સોમવતી અમાસ ગઈ છે.

શ્રીરામકૃષ્ણની માંદગીની શરૂઆત થઈ છે. એ શું જાણી શક્યા છે કે પોતે જલદી આ લોકનો ત્યાગ કરવાના છે ને વળી પાછા જગન્માતાને ખોળે જઈને બેસવાના છે? એટલે શું મૌન ધારણ કરી રહ્યા છે? તેઓ બોલતા નથી એ જોઈને મા શ્રી સારદામણિદેવી રડી રહ્યાં છે. રાખાલ અને લાટુ રડી રહ્યા છે. બાગબજારની બ્રાહ્મણીયે એ વખતે આવી પહોંચી હતી, તે પણ રડી રહી છે. ભક્તો વચ્ચે વચ્ચે પૂછતા રહે છે કે આપ શું હવે કાયમ મૂંગા થઈ રહેશો?

શ્રીરામકૃષ્ણ ઇશારત કરીને કહે છે, ‘ના!’

નારાયણ આવ્યો છે, ત્રણ વાગ્યાને સમયે. ઠાકુરે સ્વમુખે નારાયણને કહ્યું, ‘મા તારું સારું કરશે!’

નારાયણે આનંદથી ભક્તોને સમાચાર આપ્યા કે ‘ઠાકુર બોલ્યા છે!’ રાખાલ વગેરે ભક્તોની છાતી પરથી જાણે કે મોટો ભાર ઊતર્યાે. તેઓ બધા ઠાકુરની પાસે આવીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (રાખાલ વગેરે ભક્તોને) – મા દેખાડી દેતાં હતાં કે બધુંય માયા, એ પોતે જ સાચાં. તે સિવાય બીજું જે કાંઈ છે તે માયાનું ઐશ્વર્ય.

બીજું એક જોયું : ભક્તોમાંથી કોનો, (અધ્યાત્મ-માર્ગમાં વિકાસ) કેટલો થયો છે.

નારાયણ વગેરે ભક્તો – વારુ, કોનો કેટલો થયો છે?

શ્રીરામકૃષ્ણ – આ બધાયનું જોયું; નિત્યગોપાલ, રાખાલ, નારાયણ, પૂર્ણ, મહિમા ચક્રવર્તી વગેરેનું.

Total Views: 437
ખંડ 50: અધ્યાય 4 : મહિમાચરણનું બ્રહ્મચક્ર - પૂર્વકથા - તોતાપુરીનો ઉપદેશ
ખંડ 50: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણ ગિરીશ, શશધર પંડિત વગેરે ભક્તો સાથે