(આજ શુક્રવાર) ઓગસ્ટ ૨૮.

પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. અસ્વસ્થ હોવાને અંગે ભક્તો ઠાકુરના શ્રીમુખથી પેલું મધુર નામ-સ્મરણ સાંભળી શક્યા નહિ. ઠાકુર પ્રાતઃવિધિ પતાવીને ઓરડામાં પોતાના આસને આવીને બેઠા છે. મણિને કહે છે કે ‘વારુ, આ (ગળાનું) દરદ શા માટે થયું?’

મણિ – જી, માણસની પેઠે બધું ન થાય તો જીવોને હિંમત આવે નહિ. તેઓ જુએ છે કે આપના શરીરમાં આટલું દર્દ છે, છતાંય આપ ઈશ્વર સિવાય બીજુ કશું જાણતા નથી!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – બલરામે પણ કહ્યું કે આપને જ જો આમ, તો પછી અમને તો કેમ ન થાય?

‘સીતાના શોકથી રામ ધનુષ ઉઠાવી ન શક્યા એ જોઈને લક્ષ્મણ નવાઈ પામી ગયા. પરંતુ ‘પંચભૂતમાં પડે ત્યારે બ્રહ્મ સુધ્ધાં રડે.’

મણિ – ભક્તનું દુઃખ જોઈને ઈશુ ખ્રિસ્ત પણ સાધારણ માણસની પેઠે રડ્યા હતા.

શ્રીરામકૃષ્ણ – શું થયેલું?

મણિ – માર્થા ને મેરી બે બહેનો અને લેઝેરસ નામે તેમનો ભાઈ. એ ત્રણે ભાંડુ ઈશુ ખ્રિસ્તનાં ભક્ત. એમાં લેઝેરસનું મૃત્યુ થયું. ઈશુ તેમને ઘેર આવતા હતા. રસ્તામાં એક બહેન મેરી, દોડતી જઈને ઈશુને પગે પડી અને રડતાં રડતાં બોલી, ‘પ્રભુ, તમે જો આવી પહોંચ્યા હોત તો એ મરત નહિ!’ ઈશુ તેનું રુદન જોઈને રડ્યા હતા.

(શ્રીરામકૃષ્ણ અને સિદ્ધિઓ – Miracles)

ત્યાર પછી ઈશુ લેઝેરસની કબર પાસે જઈને તેનું નામ લઈને બોલાવવા લાગ્યા. તરત લેઝેરસ જીવતો થઈને ઊઠી આવ્યો!

શ્રીરામકૃષ્ણ – પરંતુ મારાથી એ બધું થાય નહિ.

મણિ – એ તો તમે કરતા નથી, જાણી જોઈને, એટલે. એ બધી તો સિદ્ધિઓ, Miracle (ચમત્કારો) છે, એટલે આપ કરતા નથી. એ બધી કરવાથી લોકોનું દેહમાં જ મન રહે, શુદ્ધ ભક્તિ તરફ મન જાય નહિ. એટલે આપ એવા ચમત્કારો કરતા નથી.

બાકી આપની સાથે ઈશુ ખ્રિસ્તનું ઘણુંય મળતું આવે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – બીજું શું શું મળતું આવે?

મણિ – આપ ભક્તોને ઉપવાસ કરવાનું કે બીજી કોઈ કઠોરતાવાળું તપ કરવાનું કહેતા નથી. ખાવાપીવા સંબંધેય કોઈ કઠિન નિયમ નહિ. ઈશુ ખ્રિસ્તના શિષ્યોએ રવિવારે ઉપવાસ ન કરતાં ભોજન કરેલું એટલે જેઓ (જૂનું યહૂદી) શાસ્ત્ર માનીને ચાલતા તેઓએ તેમનો તિરસ્કાર કર્યો હતો. ઈશુએ કહ્યું કે તેઓ ખાશે, પીશે અને આનંદ કરશે. જેટલો વખત વરરાજાની સાથે હોય તેટલો વખત જાનૈયા આનંદ જ કરે.

શ્રીરામકૃષ્ણ – એનો અર્થ શું?

મણિ – એટલે કે જેટલા દિવસ સુધી અવતારની સાથે હોય ત્યાં સુધી અવતારના સાંગોપાંગ ભક્તો કેવળ આનંદ જ કરવાના. શા માટે નિરાનંદ રહે? અવતાર જ્યારે સ્વધામે ચાલ્યા જશે ત્યારે તેમના નિરાનંદના દિવસો આવશે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – બીજું કંઈ મળતું આવે છે?

મણિ – જી, આપ જેમ કહો છો કે યુવકોની અંદર કામિની-કાંચન પેઠાં નથી, તેઓ ઉપદેશની ધારણા કરી શકે; જેમ નવી હાંડલીમાં દૂધ રાખી શકાય તેમ. દહીં જમાવવાની હાંડલીમાં દૂધ રાખવાથી દૂધ બગડી જવાનો ભય. ઈશુ પણ એમ કહેતા.

શ્રીરામકૃષ્ણ – શું કહેતા?

મણિ – ‘જૂની બાટલીમાં નવો દારૂ રાખવા જાઓ તો બાટલી ફાટી જવાનો ભય ખરો.’ અને ‘જૂનાં કપડાંને નવી ઘડી કરવાથી જલદી ફાટી જાય.’

‘આપ જેમ કહો છો કે ‘મા અને હું એક’, ઈશુ પણ એમ જ કહેતા કે ‘પિતા અને હું એક!’ (I and My Father are one)

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – બીજું કંઈ?

મણિ – આપ જેમ કહો છો કે ‘આતુર થઈને ઈશ્વરને સમર્યે, એ સાંભળવાનો જ!’ તેમ ઈશુય કહેતા કે ‘આતુર થઈને દરવાજે ધક્કો મારો, તો દરવાજો ઉઘાડવામાં આવશે.’ (Knock and it shall be opened unto you)

શ્રીરામકૃષ્ણ – વારુ, જો અવતાર હોય, તો તે પૂર્ણ કે અંશ કે કળા? કોઈ કોઈ તો કહે છે કે પૂર્ણ.

મણિ – જી, પૂર્ણ, અંશ, કે કળા, એ બધું તો સારી રીતે સમજી શકતો નથી. પરંતુ આપે જે કહેલું કે દીવાલની અંદર ગોળ બાકોરું, એ બરાબર સમજ્યો છું.

શ્રીરામકૃષ્ણ – શું, બોલો જોઈએ?

મણિ – દીવાલની અંદર એક ગોળ બાકોરું છે. એ બાકોરાની અંદર થઈને દીવાલની પેલી પારનું મેદાન થોડુંક જોવામાં આવે છે. એ જ પ્રમાણે આપની અંદર થઈને એ અનંત ઈશ્વર થોડો દેખાય છે.

શ્રીરામકૃષ્ણ – હા, એક સામટો બે ત્રણ ગાઉ સુધીનો દેખાય છે!

મણિ ચાંદનીને ઘાટે ગંગાસ્નાન કરીને પાછા ઠાકુરની પાસે ઓરડામાં આવ્યા. સમય આઠ વાગ્યાનો.

મણિ લાટુની પાસે સૂકા અન્નનો પ્રસાદ માગે છે, શ્રીજગન્નાથજીનો સૂકા ભાતનો પ્રસાદ.

શ્રીરામકૃષ્ણ પાસે આવીને મણિને કહે છે કે ‘તમે એ (પ્રસાદનો દાણો મોઢામાં નાખવો) કરો. જેઓ ભક્ત હોય, તેઓ પ્રથમ કંઈક પ્રસાદ લીધા વિના ભોજન કરે નહિ.

મણિ – જી. હું કાલે બલરામબાબુને ત્યાંથી શ્રીજગન્નાથજીનો પ્રસાદ લાવ્યો છું; તે રોજ એક બે દાણા ખાઉં છું.

મણિ જમીન પર નમીને ઠાકુરને પ્રણામ કરે છે અને જવાની રજા લે છે. ઠાકુર સ્નેહથી કહે છે, ‘ત્યારે તમે વહેલા વહેલા પહોંચી જાઓ. વળી ભાદરવાનો તડકો, બહુ જ ખરાબ.’

Total Views: 402
ખંડ 50: અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરમાં રાખાલ, માસ્ટર, પંડિત શ્યામાપદ વગેરે ભક્તોની સાથે - સમાધિ અવસ્થામાં પંડિત શ્યામાપદ પર કૃપા
ખંડ 50: અધ્યાય 9 : દક્ષિણેશ્વરના મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભક્તો સાથે - સુબોધનું આગમન - પૂર્ણ, માસ્ટર, ગંગાધર, ક્ષીરોદ, નિતાઈ