શ્રીરામકૃષ્ણ એ જ પૂર્વપરિચિત ઓરડામાં આરામ કરી રહ્યા છે. રાતના આઠ. સોમવાર, શ્રાવણ વદ છઠ; ૩૧મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૫.

ઠાકુર બીમાર. ગળાની માંદગીની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ દિનરાત એક જ ચિંતા કે કેમ ભક્તોનું કલ્યાણ થાય. કોઈ કોઈ વાર બાળકની પેઠે વેદનાને લીધે દુઃખી; પણ બીજી જ ક્ષણે એ બધું ભૂલી જઈને ઈશ્વરના પ્રેમમાં મતવાલા અને ભક્તો પ્રત્યે સ્નેહ અને વાત્સલ્યથી પાગલ જેવા.

બે દિવસ પહેલાં, ગયા શનિવારે રાત્રે શ્રીયુત્ પૂર્ણે પત્ર લખ્યો છે કે મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. વચ્ચે વચ્ચે રાત્રે આનંદને લીધે ઊંઘ આવતી નથી.

ઠાકુર પત્રનું વાંચન સાંભળીને બોલ્યા હતા કે ‘મને શરીરે રોમાંચ થાય છે! આ આનંદની અવસ્થા એની પાછળથી કાયમની થઈ જશે. જોઉં પત્ર.’

ગંગાધર (સ્વામી અખંડાનંદ)

પત્ર હાથમાં લઈ વાળીને દાબીને બોલે છે કે ‘બીજાનો કાગળ અડી શકું નહિ; આનો બહુ મજાનો પત્ર!’

એ રાત્રે ઠાકુર જરાક સૂતા છે. અચાનક શરીરે પરસેવો! પથારીમાંથી ઊઠીને કહે છે, ‘મને લાગે છે કે આ માંદગી મટવાની નથી!’

એ વાત સાંભળીને ભક્તો બધા ચિંતાતુર થયા છે.

શ્રીશ્રીમા ઠાકુરની સેવા કરવાને માટે આવ્યાં છે અને અજ્ઞાત રીતે નોબતખાનામાં રહે છે. એ ઓરડીમાં તેઓ રહે છે એ ભક્તોમાંથી ઘણા ખરા જાણતા નહિ. એક ભક્ત-સ્ત્રી (ગોલાપ મા) પણ કેટલાક દિવસ થયાં નોબતખાનામાં રહ્યાં છે. એ ઠાકુરના ઓરડામાં ઘણી વાર આવે અને દર્શન કરી જાય.

ઠાકુર તેને બીજે દિવસે રવિવારે કહે છે, ‘તમે ઘણા દિવસ થયાં અહીં છો, માણસો શું ધારશે? એના કરતાં દસ દિ’ ઘેર જઈને રહો… માસ્ટરે આ બધી વાત સાંભળી.

આજે સોમવાર. ઠાકુર બીમાર પડ્યા છે. રાતના લગભગ આઠ વાગ્યા છે. ઠાકુર નાની પાટ ઉપર પડખું ફેરવીને દક્ષિણ બાજુએ ઓશીકું કરીને સૂતેલા છે. ગંગાધર સંધ્યાકાળ પછી કોલકાતાથી માસ્ટરની સાથે આવ્યો છે. એ ઠાકુરના પગ તરફ બેઠેલો છે. ઠાકુર માસ્ટરની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – બે છોકરાઓ આવ્યા હતા. શંકર ઘોષના પૌત્રનો છોકરો (સુબોધ) અને એક તેમના પરામાંનો છોકરો (ક્ષીરોદ). બન્ને સારા છોકરા. મેં તેમને કહ્યું છે કે હમણાં મારી તબિયત ખરાબ છે એટલે ઉપદેશ લેવા માટે તમારી પાસે આવે એમ. તમે જરા સંભાળ લેજો.

સુબોધ (સ્વામી સુબોધાનંદ)

માસ્ટર – જી હા. અમારા લત્તામાં જ તેમનું ઘર છે.

(માંદગીનો પ્રારંભ – ભગવાન ડૉક્ટર – નિતાઈ ડૉક્ટર)

શ્રીરામકૃષ્ણ – તે દિવસે વળી શરીરે પરસેવો વળીને ઊંઘ ઊડી ગઈ’તી, આ તે શો રોગ થયો?

માસ્ટર – જી, અમે એક વાર ભગવાન રુદ્રને બતાવવાનું નક્કી કર્યું છે. એ એમ.ડી. થયેલો છે, ઘણો સારો ડૉક્ટર.

શ્રીરામકૃષ્ણ – કેટલું લેશે?

માસ્ટર – બીજે ઠેકાણે વીસપચીસ રૂપિયા લે છે.

શ્રીરામકૃષ્ણ – ત્યારે રહેવા દો.

માસ્ટર – જી, અમે વધુમાં વધુ ચાર પાંચ રૂપિયા દે’શું.

શ્રીરામકૃષ્ણ – વારુ, જો આવી રીતે તેને એક વાર કહો કે ‘કૃપા કરીને આપ એમને જોવા ચાલો.’ અહીંની વાતો કંઈ તેણે સાંભળી નથી?

માસ્ટર – એમ લાગે છે કે તેણે સાંભળી તો છે. કદાચ કંઈ લેશે નહિ; એમ તેણે કહ્યું છે, પરંતુ અમે આપીશું. કારણ કે તો ફરીથી પાછો આવે.

શ્રીરામકૃષ્ણ – નિતાઈ (ડૉક્ટર)ને લાવો તો એ એના કરતાં સારો. અને ડૉક્ટરો આવીનેય શું કરે છે? માત્ર દાબી દાબીને વધારી દે છે.

રાતના નવ. ઠાકુર જરાક રવાની ખીર ખાવા બેઠા.

ખાવામાં કશીય તકલીફ પડી નહિ. એટલે આનંદ કરતાં કરતાં માસ્ટરને કહે છે કે ‘જરાક ખાઈ શક્યો, મનમાં મજાનો આનંદ થયો.’

Total Views: 384
ખંડ 50: અધ્યાય 8 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત (Jesus Christ)
ખંડ 50: અધ્યાય 10 : જન્માષ્ટમીના દિવસે નરેન્દ્ર, રામ, ગિરીશ, વગેરે ભક્તો સાથે