શ્રીરામકૃષ્ણ અશ્વિનીકુમાર વગેરે ભક્તો સાથે
શ્રીયુત્ કેશવસેન (૧૮૮૧), દેવેન્દ્ર ઠાકુર, અચલાનંદ, શિવનાથ, હૃદય, નરેન્દ્ર, ગિરીશ
પ્રિય બંધુ શ્રી ‘મ.’ તમે મોકલેલું શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃત – (ચતુર્થ ખંડ), કોજાગરી પૂનમને દિવસે મળ્યું. તે આજે બીજને રોજ પૂરું કર્યું છે. ધન્ય છે તમને! આટલું બધું અમૃત દેશ આખામાં ફેલાવ્યું. વારુ, તમે ઘણા દિવસ થયા ઠાકુર સાથે મારે શી શી વાતો થઈ હતી તે જાણવાની ઇચ્છા દર્શાવી હતી, એટલે તે જણાવવાનો જરા પ્રયાસ કરું છું. છતાંય હું તો શ્રી ‘મ.’ના જેવું નસીબ લઈને આવ્યો નથી કે જેથી શ્રીચરણ-દર્શનનાં દિવસ, તારીખ, સમય, તિથિ અને શ્રીમુખથી નીકળેલી બધી વાતો એકદમ બરાબર લખી રાખું. જેટલી યાદ રહી છે તેટલી લખી જાઉં છું. કદાચ એક દિવસની વાતો બીજા એક દિવસની તરીકેય લખી નાખું; અને કેટલીયે તો ભૂલીય ગયો છું.
એમ લાગે છે કે ઈ.સ. ૧૮૮૧ના શરદોત્સવની રજામાં પરમહંસદેવનું પ્રથમ દર્શન થયેલું. એ દિવસે કેશવ બાબુના આવવાની વાત હતી. મેં હોડીમાં દક્ષિણેશ્વર જઈને ઘાટ પર ઊતરીને પગથિયાં ચડતાં એક જણને પૂછ્યું ‘પરમહંસદેવ ક્યાં છે?’
તેણે ઉત્તર તરફની ઓસરીમાં તકિયાને ઓઠિંગણ દઈને બેઠેલી એક વ્યક્તિને દેખાડીને કહ્યું, ‘એ જ પરમહંસ!’ કાળી કિનાર (Sic) નું ધોતિયું પહેરેલ અને તકિયાને અઢેલીને બેઠેલ જોઈને મને થયું કે આ વળી કઈ જાતનો ‘પરમહંસ!’ પરંતુ જોયું તો બન્ને ગોઠણ ઊંચા કરી વળી તે બન્નેને બે હાથથી વીંટી લઈને અર્ધા ચત્તા થઈને તકિયાને ઓઠિંગણ દીધું છે! મને મનમાં થયું કે આમને ક્યારેય પણ શેઠિયાઓની પેઠે તકિયાને ઓઠિંગણ દેવાની ટેવ લાગતી નથી, એવું લાગે છે કે આ જ પરમહંસ હશે. તકિયાની સાવ નજીક તેમની જમણી બાજુએ એક બાબુ બેઠેલા હતા. પછીથી મેં સાંભળ્યું કે તેમનું નામ રાજેન્દ્ર મિત્ર, કે જે બંગાળ ગવર્નમેન્ટના એસીસ્ટન્ટ સેક્રેટરી થયા હતા. તેમની જમણી બાજુએ બીજા કેટલાક માણસો બેઠા હતા. થોડી વાર પછી રાજેન્દ્ર બાબુને પરમહંસદેવે કહ્યું, ‘જુઓ ને, કેશવ આવે છે કે નહિ?
એક જણ જરા આગળ જઈને પાછા આવીને બોલ્યા, ‘ના.’ વળી જરા અવાજ આવતાં બોલ્યા, ‘જુઓ, ફરીથી જુઓ તો.’ એ વખતે પણ એક જણે જોઈ આવીને કહ્યું, ‘ના.’ તરત પરમહંસદેવ હસતાં હસતાં બોલ્યા, ‘પાન ઉપર પડે પાન, રાધા કહે લાગે આવ્યા પ્રાણનાથ.’ હાં, જુઓ ને કેશવની જાણે કે હમેશની આ જ રીત! આવે, આવે ને આવે નહિ.’
થોડીવાર પછી સંધ્યા થવા આવી, ત્યાં કેશવ પોતાની મંડળી સહિત આવી પહોંચ્યા.
આવીને જેવી રીતે તેમણે જમીન પર માથું નમાવીને પરમહંસદેવને પ્રણામ કર્યા, પરમહંસદેવે પણ બરાબર તેવી જ રીતે પ્રણામ કરીને જરા વાર પછી માથું ઊંચું કર્યું. એ વખતે ઠાકુર સમાધિમાં છે અને બોલી રહ્યા છે : ‘દુનિયા આખીના કોલકાતાના માણસોને ભેળા કરીને આવ્યા છો તે શું હું વ્યાખ્યાન આપું? એ મારાથી બને નહિ! દેવું હોય તો તમે દો. હું એ બધું કરી શકું નહિ.’
એ અવસ્થામાં થોડું દિવ્ય હાસ્ય કરીને બોલે છે, ‘હું તો મારે ખાઉં, પીઉં ને મજા કરું; હું તો મારે ખાઉં, સૂઉં ને ઝાડે જાઉં! હું એ બધું, લેક્ચર બેકચર કરી શકું નહિ!’
કેશવ બાબુ જોયા કરે છે અને ભાવમાં ભરપૂર થતા જાય છે. વચમાં વચમાં એકાદ વાર ભાવના નશામાં આઃ આઃ કરે છે.
હું ઠાકુરની અવસ્થા જોઈને વિચારમાં પડી ગયો કે આ શો ઢોંગ! અગાઉ તો ક્યારેય આવું જોયું ન હતું. અને હું કેટલો આસ્થાવાળો છું તે તો તમે જાણો છો!
સમાધિ ભંગ થયા પછી ઠાકુરે કેશવ બાબુને કહ્યું, ‘કેશવ, એક દિવસ તમારે ત્યાં ગયો હતો. ત્યાં મેં સાંભળ્યું કે તમે બોલી રહ્યા છો, ‘ભક્તિ-નદીમાં ડૂબકી મારીને સચ્ચિદાનંદ સાગરમાં જઈ પડીએ.’ એ પરથી હું ઉપરના માળ તરફ જોવા લાગ્યો (ાં કેશવબાબુની સ્ત્રી અને બીજાં બૈરાં બેઠેલાં હતાં) અને વિચાર કરવા લાગ્યો કે તો આ બધાંયની શી દશા થાય? તમે બધા રહ્યા ગૃહસ્થો, એકદમ સચ્ચિદાનંદ સાગરમાં કેમ કરીને જઈ પડો! તમે પેલા નોળિયાની પેઠે પૂંછડે ઈંટ બાંધેલા છો. કંઈક થયું એટલે નોળિયો દીવાલ માંહેના ખાંચામાં ઉપર ચડી ગયો. પણ ત્યાં રહે કેવી રીતે? પૂંછડે બાંધેલી ઈંટથી તણાય એટલે પાછો ખેંચાઈને પડે. તમે પણ જરા ધ્યાન બ્યાન કરી શકો, પણ સ્ત્રીપુત્રરૂપી ઈંટ તમને ફરીથી નીચે ખેંચી લાવે. તમારે ભક્તિ-નદીમાં એક વાર ડૂબકી મારવી ને પાછા ઉપર આવવું, વળી ડૂબકી મારવી અને વળી ઉપર આવવું. એમ જ ચાલશે. તમે એકદમ ડૂબી જાઓ કેમ કરીને?’
કેશવ બાબુ બોલ્યા કે શું ગૃહસ્થને ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ? મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર?
પરમહંસદેવે દેવેન્દ્રનાથ ઠાકુર, દેવેન્દ્ર, દેવેન્દ્ર, એમ બે ત્રણ વાર બોલીને તેમને ઉદૃેશીને કેટલીક વાર પ્રણામ કર્યા. પછી બોલ્યા – ‘તે તમને ખબર છે? એક જણને ત્યાં દુર્ગાેત્સવ થતો, સવારથી તે સાંજ સુધી બકરાંનાં બલિદાન આપવામાં આવતાં. કેટલાંક વરસ પછી એ બધી બલિદાનની ધામધૂમ બંધ થઈ ગઈ! એથી એક જણે પૂછ્યું, ‘મહાશય, આજકાલ આપને ત્યાં બલિદાનની ધામધૂમ નથી કેમ?’ પેલાએ જવાબ આપ્યો કે અરે ભાઈ, હવે તો દાંત પડી ગયા છે! દેવેન્દ્ર પણ હવે ધ્યાન ધારણ કરે છે, તે કરે જ ને? પણ મોટો માણસ!
જુઓ, જ્યાં સુધી માયા રહે ત્યાં સુધી માણસ હોય લીલા નાળિયેર જેવો. નાળિયેર જ્યાં સુધી લીલું હોય ત્યાં સુધી એનું કોપરું કાઢવા જાઓ તો કાચલીનો જરાક અંશ નીકળી આવે જ. પણ જ્યારે માયાનો અંત આવે ત્યારે જણ થાય સૂકો. ત્યારે કોપરું અને કાચલી જુદાં પડી જાય, ત્યારે પછી કોપરું અંદર ખડખડ કરે. તેમ આત્મા થાય અલગ અને શરીર થાય અલગ; પછી દેહ સાથે વધુ યોગ રહે નહિ.
આ જે અહં છે ને, તે જ મોટી તકલીફમાં ઉતારે છે. સાલો અહં શું જાય નહિ? જેમ કે એક જૂના ઘરની ભીંતમાં પીપળાનું ઝાડ ઊગ્યું છે તેને ખોદીને કાઢી નાખો. પણ બીજે દિવસે જુઓ, તો એક પૂંખડું ઊગી જ નીકળ્યું છે. આ અહંની પણ એવી જ રીત. ડૂંગળીવાળી વાટકી સાત વાર ધૂઓ ને, પણ સાલી ગંધ કોઈ રીતે જાય નહિ!’
કંઈક બોલતાં બોલતાં ઠાકુરે કેશવ બાબુને કહ્યું, ‘હેં કેશવ, તમારા કોલકાતાના બાબુઓ કહે છે કે ઈશ્વર નથી! બાબુ દાદરો ચડી રહ્યા છે, એક પગથિયું ચડીને બીજો એક પગ મૂકતાં જ ‘ઓહ, પડખામાં કંઈક થઈ ગયું!’ કહેતાંની સાથે જ બેભાન. બોલાવ, બોલાવ, ડૉક્ટરને બોલાવ! ડૉક્ટર આવતાં આવતાં તો થઈ ગયો ખલાસ! અેંહ! એ લોકો વળી કહેશે કે ઈશ્વર નથી!’
કલાક દોઢ કલાક પછી કીર્તન થયું. એ વખતે જે જોયું તે મને લાગે છે કે જન્મ-જન્માંતરમાંય ભૂલીશ નહિ. સૌ નાચવા લાગ્યા, કેશવનેય નાચતા જોયા. વચ્ચે ઠાકુર અને બીજા બધા એમને ઘેરીને નાચે છે. નાચતાં નાચતાં ઠાકુર સાવ સ્થિર, સમાધિ-મગ્ન. ઘણોય વખત એ રીતે ગયો. આ બધું સાંભળતાં જોતાં સમો કે આ પરમહંસ ખરો!’
બીજે એક દિવસે, મને લાગે છે કે ઈ.સ. ૧૮૮૩માં, શ્રીરામપુરના કેટલાક યુવકોને સાથે લઈને ગયો હતો. તે દિવસે એ યુવકોને જોઈને પરમહંસદેવ બોલ્યા, ‘આ લોકો આવ્યા છે શા માટે?’ મેં કહ્યું, ‘આપને જોવા માટે.’
ઠાકુર – મને શું જોવાના? તેઓ આ બિલ્ડિંગ ફિલ્ડિંગ જુએ ને?
હું બોલ્યો કે એ લોકો એ જોવા નથી આવ્યા; આપને જોવા આવ્યા છે.
ઠાકુર – ત્યારે તો એ બધા ચકમક પથ્થર જેવા! અંદર અગ્નિ છે! હજાર વરસ સુધી તેને પાણીમાં નાખી રાખો પણ જેવો ઘસો કે તરત જ અગ્નિ ઝરે! એવું લાગે છે કે આ બધાય એવી જાતના જીવ છે! પણ મને ઘસવાથી ક્યાં અગ્નિ ઝરે છે?
અમે એ છેલ્લું વાક્ય સાંભળીને હસી પડ્યા. તે દિવસે બીજી શી શી વાતો થઈ હતી એ બરાબર યાદ નથી, પણ અહંની ગંધ જાય નહિ, એ અને કામ-કાંચન ત્યાગની વાતો પણ જાણે કે થઈ હતી.
વળી એક દિવસે ગયો હતો, પ્રણામ કરીને બેઠો. ઠાકુર બોલ્યા, ‘પેલું જે બૂચ ખોલવાથી ફસ્ ફસ્ ફસ્ કરી ઊઠે ને જરા ખટમીઠું લાગે, એ એકાદું લાવી શકો? મેં પૂછ્યું – લેમોનેડ?’
ઠાકુર – લઈ આવો ને!
લાગે છે કે એકાદી લઈ આવ્યો હોઈશ. એ દિવસે મને યાદ છે ત્યાં સુધી બીજું કોઈ હતું નહિ. મેં તેમને કેટલાક પ્રશ્નો કર્યા હતા.
મેં પૂછ્યું, ‘શું આપને જાતિભેદ છે?’
ઠાકુર – ક્યાં હવે રહ્યો છે? કેશવ સેનને ઘેર શાક ખાધું છે! તેમ છતાંય એક દિવસની વાત કહું છું. એક જણ લાંબી દાઢીવાળો, બરફ લઈ આવ્યો હતો; તે કોણ જાણે કેમ, પણ ખાવાની ઇચ્છા થઈ નહિ. પછી વળી જરાક વાર પછી બીજો એક જણ તેની જ પાસેથી બરફ લઈ આવ્યો, તે કચડકચડ કરી ચાવીને ખાઈ ગયો. વાત એમ છે કે જાતિભેદ એની મેળે ખરી પડે. જેમ કે નાળિયેરી કે તાડનું ઝાડ મોટું થાય એટલે તેનું પાંદડું એની મેળે ખરી પડે, તેવી રીતે જાતિભેદ પણ એની મેળે ખરી પડે. આ સાલા લોકોની પેઠે તેને (જાતિભેદને) બળજબરીથી ખેંચી કાઢો મા.
મેં પૂછ્યું – કેશવ બાબુ કેવા માણસ?
ઠાકુર – વાહ, એ દૈવી માણસ.
હું – અને ત્રૈલોક્ય બાબુ?
ઠાકુર – સારો માણસ; સુંદર ગાયક.
હું – શિવનાથ બાબુ?
ઠાકુર – મજાનો માણસ, પણ વાદ બહુ કરે.
હું – હિંદુઓ અને બ્રાહ્મ-સમાજીઓમાં તફાવત શો?
ઠાકુર – તફાવત બીજો શો? અહીં ચોઘડિયાં વાગે છે. તેમાં એક જણ શરણાઈ પકડીને પોં-ઓં-ઓં વગાડ્યા કરે, જ્યારે બીજો તેની જ અંદરથી ‘રાધા મારીએ માન કર્યું છે’ વગેરે રંગ બેરંગી ગીત ઉપાડી લે. બ્રાહ્મ-સમાજીઓ નિરાકારનું પોં-ઓં-ઓં પકડીને બેઠા છે અને હિંદુઓ રંગ બેરંગી સૂર બજાવે છે.
જેમ કે જળ અને બરફ, તે જ પ્રમાણે નિરાકાર અને સાકાર. જે જળ તે જ ઠંડીથી બરફ થઈ જાય. જ્ઞાનની ગરમીથી બરફ જળ થાય, ભક્તિની ઠંડીથી જળ બરફ થાય.
‘પણ એ એક જ વસ્તુ. જુદા જુદા લોકો તેને જુદાં જુદાં નામ આપે. જેમ કે તળાવની ચાર બાજુએ ચાર ઘાટ છે. એક ઘાટે લોકો પાણી ભરે છે, તેમને પૂછો તો કહેશે જળ. બીજે ઘાટે પાણી ભરે છે, તેમને પૂછો તો કહેશે ‘પાની’. ત્રીજે ઘાટે ‘વોટર,’ અને ચોથે ઘાટે લેનારા કહેશે ‘એકવા,’ જળ તો એ એક જ.’
બોરીસાલમાં અચલાનંદ તીર્થાવધૂતની સાથે મારી મુલાકાત થઈ હતી એમ મેં કહ્યું. એટલે ઠાકુર બોલ્યા : ‘પેલો કોતરંગનો રામકુમાર ને?
મેં કહ્યું – જી હા.
ઠાકુર – તે કેમ લાગ્યો?
હું – બહુ સારો લાગ્યો.
ઠાકુર- વારુ, એ સારો કે હું સારો?
હું – તેની સાથે શું આપની સરખામણી થાય? એ પંડિત, વિદ્વાન માણસ, અને આપ કંઈ પંડિત, જ્ઞાની થોડા હતા?
એ જવાબ સાંભળીને ઠાકુર જરા અવાક થઈને ચૂપ બેસી રહ્યા. એકાદ મિનિટ પછી હું બોલ્યો, ‘પણ એ પંડિત હોઈ શકે, પણ આપ આનંદી માણસ, આપની પાસે મજા ખૂબ.’
આ વખતે પછી હસીને બોલ્યા, ‘ઠીક કહ્યું, બરાબર કહ્યું!’
મને પૂછ્યું – મારી પંચવટી જોઈ છે? મેં કહ્યું – જી હા.
ત્યાં પોતે શું શું કરતા એ પણ કંઈક કહ્યું : એ જુદા જુદા ભાવોની સાધનાની વાતો! નાગાજીની પણ વાત કરેલી.
મેં પૂછ્યું – ભગવાનની પ્રાપ્તિ કરવી શી રીતે?
ઠાકુર – અરે, એ તો લોહચુંબક જેમ લોઢાને ખેંચે, તેવી રીતે ભગવાન આપણને ખેંચી જ રહ્યા છે. લોઢાની ઉપર કાદવ, માટી ચડી ગઈ હોય તો ખેંચાણ લાગે નહિ. રડતાં રડતાં જેવો મન પરનો કાદવ વગેરે મેલ ધોવાઈ જાય કે તરત ટપ દઈને ખેંચાઈ જાય.
હું ઠાકુરની ઉક્તિઓ સાંભળીને લખી લેતો હતો. તેમણે કહ્યું, ‘હાં જુઓ, ભાંગ, ભાંગ, એમ બોલ્યે કંઈ વળે નહિ, ભાંગ લાવો, ભાંગ વાટો, અને ભાંગ પીઓ…’ એ પછી મને કહ્યું, તમે સંસારમાં રહેવાના, તે જરા ગુલાબી નશો કરીને રહેવું. કામકાજ કરતા જાઓ છો અને છતાં સાથે સાથે નશો પણ લાગેલો જ છે. તમે તો કંઈ શુકદેવજી જેવા થઈ શકવાના નથી? કે ખાઈ પીને અલમસ્ત થઈને નંગા-ધડંગા પડ્યા રહેશો?
સંસારમાં રહેવું હોય તો ઈશ્વરને મુખત્યારનામું આપો, વકીલાતનામું લખી આપો, ભગવાનની જેવી મરજી હોય તેમ તે કરે. તમારે રહેવું મોટા માણસના ઘરની કામવાળીની માફક. એ શેઠનાં છોકરાં છૈયાં ઉપર કેટલો પ્રેમ દેખાડે, નવડાવે, ધોવડાવે, ખવડાવે, પિવડાવે, જાણે કે પોતાનાં જ છોકરાં. પણ મનમાં મનમાં સમજે કે એ મારાં નથી! જે ઘડીએ નોકરી તૂટી ગઈ કે પછી ખલાસ; કશો સંબંધ જ નહિ.
જેમ કે ફણસ ચીરવું હોય તો હાથે તેલ ચોપડવું જોઈએ. તે પ્રમાણે આ તેલ ચોપડી લેશો તો પછી સંસારમાં લેપાશો નહિ.
અત્યાર સુધી જમીન પર બેસીને વાત થતી હતી, હવે પાટ ઉપર બેસીને લાંબા થઈ સૂતા. મને કહ્યું, ‘પવન નાખો.’ હું પંખો લઈને પવન નાખવા લાગ્યો. પોતે ચૂપ રહ્યા. થોડી વાર પછી બોલ્યા, ‘બહુ જ ગરમી છે, ભાઈ! પંખો જરા પાણીમાં ભીંજવી લેશો?’ મેં કહ્યું, ‘વળી શોખેય છે?’
ઠાકુર હસીને બોલ્યા, ‘કેમ હોય નહિ? કેમ હોય નહિ?’
મેં કહ્યું – ત્યારે ભલે રહ્યો, ભલે રહ્યો, ખૂબ ભલે રહ્યો!
તે દિવસે તેમની પાસે બેસીને જે સુખ મળ્યું છે તે કહ્યું જાય નહિ.
છેલ્લી વાર : જે વારની વાતોનો તમે કથામૃત (બંગાળી, ખંડ ૩)માં ઉલ્લેખ કર્યાે છે તે. એ વખતે અમારી સ્કૂલના હેડ માસ્ટરને લઈને ગયો હતો. તેણે બી.એ. પસાર કરી ત્યાર પછી તરત. આ વખતે પેલે દિવસે તમારી સાથે તેની મુલાકાત થઈ છે.
તેને જોતાં વેંત ઠાકુર બોલી ઊઠ્યા, ‘વળી આ ક્યાંથી મળ્યા? સરસ છે!’
‘અરે ભાઈ, તમે તો વકીલ, ઓહ બહુ બુદ્ધિ! મને થોડીક બુદ્ધિ આપી શકશો? તમારા બાપા તે દિવસે અહીં આવ્યા હતા. અહીં ત્રણ દિવસ રહ્યા હતા.’
મેં પૂછ્યું – એ તમને કેમ લાગ્યા?
ઠાકુર બોલ્યા – સારા માણસ. પણ વચ્ચે વચ્ચે નકામું બોલે બહુ.
મેં કહ્યું – હવે મેળાપ થાય ત્યારે તેમનું આલતુફાલતુ છોડાવી દેજો.
ઠાકુર જરા હસ્યા. મેં કહ્યું, ‘અમને કંઈક ઉપદેશ આપો.’
ઠાકુર બોલ્યા – હૃદયને ઓળખો છો? (હૃદય મુખોપાધ્યાય)
મેં કહ્યું – આપનો ભાણેજ ને? મારી સાથે પરિચય નથી.
ઠાકુર – હૃદય કહેતો કે મામા, તમારી વાતો બધી એક વખતે જ બોલી નાખો ને? એક જ વાત વારંવાર શા માટે બોલો છો. મેં કહ્યું કે ‘તે તેમાં તારું શું ગયું, સાલા? મારી વાતો હું લાખ વાર બોલીશ, તેમાં તને શું?’
મેં હસતાં હસતાં કહ્યું, ‘એ તો ખરું જ ને!’
થોડીવાર પછી બેઠા થઈને ૐ ૐ બોલતાં બોલતાં ગીત ઉપાડ્યું :
ડૂબ, ડૂબ, ડૂબ રૂપ-સાગરે મારા મન,’..
એક બે લીટી ગાતાં ગાતાં, ડૂબ ડૂબ બોલતાં બોલતાં જ ડૂબ!
સમાધિ ઊતરી. ઠાકુર આંટા મારવા લાગ્યા. પોતે જે ધોતિયું પહેર્યું હતું તે બેઉ હાથથી ઉપર ખેંચતાં ખેંચતાં એકદમ કમરની ઉપર લઈ લીધું. આ બાજુથી થોડુંક જમીન ઉપર ઢસડાતું જાય છે, પેલી બાજુએ થોડું એમ જ પડ્યું છે. હું ને મારો સાથી એક બીજાને આંગળીના ગોદા મારીને છાનામાના કહીએ છીએ કે ‘ધોતિયું પહેર્યું છે મજાનું!’ થોડી વાર પછી જ ‘હટ્ સાલું ધોતિયું!’ એમ કહીને ધોતિયું ફેંકી દીધું. ફેંકીને દિગંબર થઈને ફરવા લાગ્યા. ઉત્તર બાજુએથી કોઈકની છત્રી અને લાકડી અમારી સામે લાવીને પૂછવા લાગ્યા, ‘આ છત્રી, લાકડી તમારાં છે? મેં કહ્યું ‘ના.’ એટલે તરત જ બોલ્યા, ‘મેં પહેલેથી જ જાણ્યું હતું કે તમારાં નથી.’ હું છત્રી, લાકડી જોતાં જ માણસને સમજી શકું. પેલો એક માણસ હડફ હડફ કરીને કેટલાક (પ્રસાદના ટુકડા) ગળી ગયો ને? આ ચોક્કસ તેનાં જ!’
થોડી વાર પછી એ સ્થિતિમાં જ ખાટની ઉત્તર બાજુએ પશ્ચિમાભિમુખ થઈને બેસી ગયા. બેસતાંની સાથે જ મને પ્રશ્ન – ‘અરે એય, મને તમે શું અસભ્ય માનો છો?’
મેં કહ્યું : ‘ના, આપ બહુ જ સભ્ય! વળી એ પૂછો છો શા માટે!’
ઠાકુર – અરે શિવનાથ બિવનાથ મને અસભ્ય ગણે. એ લોકો આવે એટલે જેમ તેમ કરીને એકાદું ધોતિયું પોતિયું વીંટાળીને બેસવું પડે. ગિરીશ ઘોષને ઓળખો છો?
હું – કયો ગિરીશ ઘોષ? નાટક કરે છે તે?
ઠાકુર – હા.
હું – કોઈ વાર જોયેલ નથી; નામ સાંભળ્યું છે.
ઠાકુર – એ સારો માણસ છે.
હું – સાંભળ્યું છે કે એ દારૂ પીએ છે?
ઠાકુર – ભલે ને પીએ, ભલે ને પીએ. કેટલાક દિ’ પીશે? તમે નરેન્દ્રને ઓળખો છો?
હું – જી ના.
ઠાકુર – મારી ઘણી ઇચ્છા છે કે તેની સાથે તમારી મુલાકાત થાય. તે બી.એ.માં પાસ થયો છે, વિવાહ કર્યાે નથી.
હું – જી, વાતચીત કરીશ.
ઠાકુર – આજે રામ દાને ઘેર કીર્તન થશે. ત્યાં મળશે સંધ્યા-ટાણે; ત્યાં જજો.
હું – જેવી આજ્ઞા.
ઠાકુર – આવશો ને? જરૂર આવજો.
હું – આપનો હુકમ થયો ને ન માનું? જરૂર જઈશ.
ઓરડામાં કેટલીક છબીઓ દેખાડી. પછી મને પૂછ્યું, બુદ્ધદેવની છબી મળે છે?
હું – મેં સાંભળ્યું છે કે મળે છે.
ઠાકુર – એ એક છબી તમે મારા સારુ લઈ આવજો.
હું – જી ભલે. હવે જ્યારે આવીશ ત્યારે લાવીશ.
એ પછી મેળાપ થયો જ નહિ! એ પછી એ શ્રીચરણ તળે બેસવાનું મારા ભાગ્યમાં નિર્માયું ન હતું!
તે દિવસે સંધ્યાકાળે રામ બાબુને ઘેર ગયો. નરેન્દ્રની સાથે મેળાપ થયો. ઠાકુર એક ઓરડામાં તકિયાને અઢેલીને બેઠેલા હતા. નરેન્દ્ર તેમની જમણી બાજુએ, હું સામે. નરેન્દ્રને મારી સાથે વાતચીત કરવા કહ્યું.
નરેન્દ્ર બોલ્યા, ‘આજે મારું માથું બહુ જ ચડ્યું છે, એટલે વાત કરવાની ઇચ્છા થતી નથી.’ એટલે મેં કહ્યું, ‘રહેવા દો. બીજે કોઈ દિવસે વાતચીત થશે.’
એ વાતચીત થઈ ઈ.સ. ૧૮૯૭ના મે કે જૂન મહિનામાં, અલમોડામાં.
ઠાકુરની ઇચ્છા તો પૂર્ણ થવી જ જોઈએ. એટલે બાર વરસ પછી એ પૂર્ણ થઈ. અહા! એ સ્વામી વિવેકાનંદ સાથે અલમોડામાં કેટલાક દિવસો શા આનંદમાં કાઢ્યા છે! ક્યારેક તેમને મકાને, ક્યારેક મારે મકાને, એક દિવસ એકાન્તમાં તેમને સાથે લઈને એક પર્વતશૃંગ પર. એ પછી તેમની સાથે મેળાપ થયો નહિ. ઠાકુરની ઇચ્છા પૂર્ણ કરવા સારુ જ એ વખતનો મેળાપ!
ઠાકુરની સાથે ય માત્ર ચાર પાંચ દિવસનો જ મેળાપ. પરંતુ એ અલ્પ સમયની અંદર પણ એવું થઈ ગયું, કે એમ લાગતું કે જાણે ઠાકુરની સાથે એક વર્ગમાં ભણ્યા છીએ! કેવી બેઅદબની માફક વાતો કરી છે! તેમની પાસેથી ચાલ્યો આવતાં જ મનમાં થયું, ‘અરે બાપ રે! કોની પાસે ગયો હતો!’
એ કેટલાક દિવસોમાં જે જોયું છે અને મળ્યું છે તેણે જીવન મધુમય કરી રાખ્યું છે. એ દિવ્ય અમૃત વરસાવતું હાસ્ય જતનપૂર્વક પટારામાં પૂરી રાખ્યું છે. એ તો હું સંપત્તિહીનની અખૂટ સંપત્તિ, ભાઈ! આજે એ જ હાસ્યમાંથી ઝરતી અમૃત-કણીઓથી અમેરિકા સુધ્ધાં જગત અમૃતમય થઈ રહ્યું છે એમ વિચારીને હ્યષ્યામિ ચ મુહુર્મુહુઃ હ્યષ્યામિ ચ પુનઃ પુનઃ।
મારી પણ જો આવી અવસ્થા હોય તો પછી વિચાર કરો કે તમે કેવા ભાગ્યવાન!’




