ઠાકુર શ્યામપુકુરના મકાનમાં નરેન્દ્ર વગેરે ભક્તો સાથે બેઠા છે. સમય સવારના દસ. તા. ૨૭મી ઓક્ટોબર, ૧૮૮૫. મંગળવાર, આસો વદ ચોથ.

ઠાકુર નરેન્દ્ર, મણિ વગેરેની સાથે વાતો કરે છે.

નરેન્દ્ર – ડૉક્ટર કાલે શું કરી ગયા?

એક ભક્ત – દોરીમાં ગલ પરોવેલો હતો તે તોડાવી ગયા.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – પણ એમાં કાંટો બાંધેલો છે, મરીને તરી આવશે.

નરેન્દ્ર જરા બહાર ગયા. પાછા આવવાના છે.

ઠાકુર મણિની સાથે પૂર્ણને વિશે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – આ તો તમને જ કહું છું, આ બધી વાતો જીવોને સાંભળવા માટે નથી; મને પ્રકૃતિ-ભાવે પુરુષને (ઈશ્વરને) આલિંગન, ચુંબન કરવાની ઇચ્છા થાય છે!

મણિ – જુદી જુદી જાતનો ખેલ, આપનું દરદ સુધ્ધાં ખેલની અંદર. આ રોગ થયો છે એટલે તો અહીં નવા નવા ભક્તો આવે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – ભૂપતિ કહે છે કે દરદ ન થયું હોત તો અમથું મકાન ભાડે લેવાથી લોકો શું બોલત? વારુ, ડૉક્ટરનું શું થયું?

મણિ – આ બાજુએ દાસ્ય-ભાવ માને છે, ‘હું દાસ, તમે પ્રભુ એ ભાવ.’ પણ પાછા કહે છે કે માણસની ઉપમા વચ્ચે લાવો છો શા માટે?

શ્રીરામકૃષ્ણ – જોયું ને? આજે તમે હવે એની પાસે જવાના છો?

મણિ – જો સમાચાર આપવાના હોય, તો જાઉં.

શ્રીરામકૃષ્ણ – બંકિમ છોકરો કેવો? એ જો અહીં આવી ન શકે તો, તમે તેને બધું કહેજો; એને જાગૃતિ થશે.

(પહેલાં સંસારની વ્યવસ્થા કે ઈશ્વર? – કેશવ અને નરેન્દ્રને ઈંગિત)

નરેન્દ્રનાથ આવીને પાસે બેઠા. તેના પિતાનો સ્વર્ગવાસ થવાથી એ બહુ જ મૂંઝવણમાં પડી ગયા છે. મા અને નાનાં ભાંડુઓ વગેરે રહ્યાં છે, તેનું ભરણપોષણ કરવું પડે એમ છે. નરેન્દ્ર કાયદાની પરીક્ષાને માટે તૈયારી કરે છે. વચ્ચે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની બૌ-બજારની સ્કૂલમાં કેટલાક મહિના શિક્ષકનું કામ કર્યું હતું. ઘેર કંઈક ગુજરાનની વ્યવસ્થા કરી દઈને નિશ્ચિંત થવું, એનો જ પ્રયાસ કર્યા કરે છે.

ઠાકુરને બધી ખબર છે. નરેન્દ્રને એક નજરે સ્નેહપૂર્ણ નેત્રે જોઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વારુ, કેશવ સેનને કહ્યું કે યદૃચ્છાલાભ. જે મોટા ઘરનું છોરુ, તેને રોટલાની ચિંતા હોય નહિ. એને મહિને મહિને જિવાઈ મળે. પણ નરેન્દ્રનું આટલું ઊંચું ઘર, તોય થાય નહિ કેમ? ભગવાનને મન બધું સમર્પણ કરે તો એ બધી વ્યવસ્થા કરી દે!

માસ્ટર – જી, થશે; હજીયે કંઈ સમય ચાલ્યો ગયો નથી.

શ્રીરામકૃષ્ણ – પણ તીવ્ર વૈરાગ્ય હોય તો એ બધી ગણતરી રહે નહિ. ‘ઘરનો બધો બંદોબસ્ત કરી લઉં, ત્યાર પછી સાધના કરીશ,’ એવી ગણતરી તીવ્ર વૈરાગ્ય હોય તો મનમાં આવે નહિ. (સહાસ્ય) ગુસાંઈએ લેક્ચર દીધું’તું. તે કહે કે દસ હજાર રૂપિયા હોય (જમા) તો એમાંથી ખાવુંખાવું વગેરે બધું થયા કરે, ત્યાર પછી નચિંત થઈને ઈશ્વરને મજાનો યાદ કરી શકાય.

‘કેશવ સેનેય એવી જ ઇશારત કરી’તી. તે કહેતા કે ‘મહાશય, જો કોઈ ઘર વહેવારની બધી વ્યવસ્થા બરાબર કરીને ઈશ્વર-ચિંતન કરવા ઇચ્છે તો કરી શકે કે નહિ? એને એમ કરવાથી કંઈ દોષ લાગે ખરો કે?’

‘મેં કહ્યું કે તીવ્ર વૈરાગ્ય હોય તો સંસાર ઊંડા કૂવા જેવો લાગે, સગાંસંબંધી કાળા સાપ જેવાં લાગે. એ વખતે પછી ‘પૈસા ભેગા કરી લઉં,’ ‘ઘરબાર વગરેની વ્યવસ્થા બરાબર કરી લઉં’ એવી બધી ગણતરી આવે નહિ. ઈશ્વર જ સત્ય વસ્તુ, બીજું બધું ખોટું. ઈશ્વરને છોડીને વ્યવહાર-વિષયનો વિચાર!

‘એક બાઈને (મૃત્યુનો) ઘણો શોક થયેલો. ત્યારે પહેલાં નાકની નથ કાઢીને સાડલાને છેડે બાંધી દીધી, અને ત્યાર પછી ‘અરે રે! મારું તો સાવ ફૂટી ગયું રે!’ એમ કહીને પછડાટ ખાધી. પણ ખૂબ સાવચેત કે પેલી નથ ન તૂટી જાય.

સૌ હસે છે.

નરેન્દ્ર આ બધી વાતો સાંભળીને બાણથી વીંધાયેલની પેઠે જરા આડા થઈને સૂઈ ગયા. તેના મનની અવસ્થા સમજી જઈને માસ્ટર (નરેન્દ્રને, સહાસ્ય) – સૂઈ ગયા કે ભાઈ?

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને, સહાસ્ય) – ‘હું તો મારા જેઠને રાખીને બેઠી છું તેમાંય શરમાઈને મરી જાઉં છું, તો આ બધીઓ (બીજી સ્ત્રીઓ) પરપુરુષની સાથે કેમ કરીને રહેતી હશે?’

માસ્ટર પોતે સંસારમાં પડેલા છે, એણે શરમાવું જોઈતું હતું. પણ પોતાનો વાંક કોઈ દેખે નહિ, બીજાનો જ જુએ. ઠાકુર એ વાત કહે છે. એક બાઈ પોતાના જેઠની સાથે બગડેલી. એ પોતાનો દોષ ઓછો, ને બીજી બગડેલી બાઈઓનો દોષ વધારે, એમ માનતી. એ કહે કે ‘જેઠ તો આપણું પોતાનું માણસ કહેવાય, એથીયે હું તો શરમાઈને મરી જાઉં છું.’

(મુક્ત હસ્ત કોણ? – ચાકરી અને ખુશામતની કમાણી મોટી માયા)

નીચે એક વૈષ્ણવ ભિક્ષુ ગીત ગાતો હતો. ઠાકુર એ સાંભળીને ઘણા રાજી થયા. એ વૈષ્ણવને કંઈક પૈસા આપવાનું કહ્યું. એક ભક્ત કંઈક આપવા ગયો. ઠાકુર પૂછે છે, ‘એણે શું આપ્યું?’ એક ભક્તે કહ્યું કે, ‘એણે બે પૈસા આપ્યા.’

ઠાકુર કહે છે, ‘નોકરીના પૈસા ખરા ને! ખૂબ કષ્ટના રૂપિયા, ખુશામતના રૂપિયા! મેં ધાર્યું’તું કે ચાર આના દેશે!’

(Electricity – વિદ્યુતયંત્ર અને બાગચીએ ચીતરેલ ષડ્ભુજ અને રામચંદ્રની છબીનું દર્શન – પૂર્વકથા – દક્ષિણેશ્વરમાં દીર્ઘકેશી સંન્યાસી)

છોટા નરેને ઠાકુરને યંત્ર લાવીને વિદ્યુતની ક્રિયાઓ બતાવીશ એમ કહ્યું હતું. આજે એ યંત્ર લાવીને બધું બતાવ્યું.

બપોરના બે થયા છે. ઠાકુર ભક્તો સાથે બેઠેલા છે. અતુલ એક મુન્સફ બંધુને લઈ આવ્યા. શિકદાર પાડાના પ્રસિદ્ધ ચિત્રકાર બાગચી આવેલા છે. તેમણે કેટલાંક ચિત્રો ઠાકુરને ભેટ આપ્યાં.

ઠાકુર આનંદથી ચિત્રો જુએ છે. ષડ્ભૂજ-મૂર્તિનાં દર્શન કરીને ભક્તોને કહે છે કે, ‘જુઓ, કેવું સરસ ચિત્ર છે!’

ભક્તોને વળી બતાવવાને માટે ‘અહલ્યા ઉદ્ધાર’નું ચિત્ર લાવવાનું કહ્યું. ચિત્રમાં શ્રીરામચંદ્રને જોઈને આનંદિત થાય છે.

શ્રીયુત્ બાગચીના કેશ સ્ત્રીઓની પેઠે લાંબા. ઠાકુર કહે છે કે કેટલોય વખત થયો, દક્ષિણેશ્વરમાં એક સંન્યાસીને જોયો’તો. નવ હાથ લાંબા કેશ. એ સંન્યાસી ‘રાધે રાધે’ કરતો. ઢોંગી ન હતો.

થોડીવાર પછી નરેન્દ્ર ગીતો ગાય છે. ગીતો બધાં વૈરાગ્યપૂર્ણ! ઠાકુરને મુખે તીવ્ર વૈરાગ્યની વાત અને સંન્યાસનો ઉપદેશ સાંભળીને શું નરેન્દ્રને ઉદ્દીપન થયું હશે? નરેન્દ્રનાં ગીતો :

ગીત : ‘જશે શું રે દિન મારા નિષ્ફળ ચાલિયા?’

ગીત : ‘અંતરે જાગેલાં છો મા, અંતરયામિની!’

ગીત : ‘શું સુખ મમ જીવનમાં હે નાથ, દયામય હે;’
‘યદિ ચરણસરોજે, પ્રાણ-મધુપ ચિરમગન ન રહે હે!’

Total Views: 281
ખંડ 51: અધ્યાય 24 : અહૈતુકી ભક્તિ - પૂર્વકથા - શ્રીરામકૃષ્ણનો દાસભાવ
ખંડ 51: અધ્યાય 26 : શ્રીરામકૃષ્ણ - નરેન્દ્ર, ગિરીશ, સરકાર વગેરે ભક્તો સાથે ભજનાનંદે - સમાધિભાવમાં