બીજે દિવસે મંગળવાર, ૨૭મી ઓક્ટોબર ૧૮૮૫. સમય આશરે સાડા પાંચ. આજે નરેન્દ્ર, ડૉક્ટર સરકાર, શ્યામ વસુ, ગિરીશ, ડૉક્ટર દોકડી, છોટો નરેન, રાખાલ, માસ્ટર વગેરે અનેક હાજર છે. ડૉક્ટરે આવીને નાડ જોઈને દવાની વ્યવસ્થા કરી.

દરદ સંબંધી વાતચીત થઈ રહી અને પરમહંસદેવે દવા લીધી પછી ડૉક્ટર બોલ્યા, ‘ત્યારે તમે શ્યામબાબુની સાથે વાત કરો; હું રજા લઉં છું.’

શ્રીરામકૃષ્ણ અને એક ભક્ત બોલી ઊઠ્યા, ‘ગીત સાંભળવું છે?’

ડૉક્ટર – તમે તો એકદમ કૂદીને ઊભા થઈ જાઓ! એનું શું? ભાવ દાબી રાખવો જોઈએ.

ડૉક્ટર ફરીથી બેઠા. એટલે નરેન્દ્ર મધુર કંઠે ગીત ગાવા લાગ્યા. તેની સાથે તંબૂરો અને ઘનઘન મૃદંગ વાગી રહ્યું છે. ગીત ચાલી રહ્યું છે :

‘ચમત્કાર અપાર, જગત રચના તમારી! શોભાનો આગાર, વિશ્વ સંસાર;
અનંત તારલા ચમકે, રતન કાંચનહાર, અનેક ચંદ્ર અનેક સૂર્ય, તેનો નહીં પાર.
શોભે વસુંધરા, ધનધાન્યમય, પૂર્ણ તવ ભંડાર;
હે મહેશ, અગણન લોક ગાય, ધન્ય ધન્ય આ ગીત અનિવાર.’

ગીત :

ગાઢ અંધકારે મા, તવ ચમકે અરૂપ-રાશિ,
તેથી યોગી ધ્યાન ધરે, થઈ ગિરિગુહા-વાસી…
અનંત અંધાર-ખોળે, મહાનિર્વાણ-હિલ્લોળે,
ચિર-શાંતિ-પરિમલ, વહી વહી જાય ખાસી…
મહાકાલ-રૂપ ધારી, અંધકાર-વસ્ત્ર પહેરી,
સમાધિ-મંદિરે કોણ, રહી તું એકલી બેસી! …
અભય પદ-કમળે, પ્રેમ-વીજ ઝળહળે,
ચિન્મય મુખમંડળે, શોભે અટ્ટ અટ્ટ હાસિ…’

ડૉક્ટરે માસ્ટરને કહ્યું – It is dangerous to him. આ તેમને માટે નુકસાનકારક છે. (આ ગીત ઠાકુર માટે સારું નહિ. ભાવાવસ્થા થાય તો અનર્થ સર્જાય).

શ્રીરામકૃષ્ણે માસ્ટરને પૂછ્યું, ‘એ શું કહે છે?’ માસ્ટરે જવાબ આપ્યો કે ડૉક્ટરને બીક લાગે છે કે વખતે આપને ભાવ-સમાધિ થાય. એ બોલતાં બોલતાં જ શ્રીરામકૃષ્ણ જરા જરા ભાવ-મગ્ન થઈ ગયા છે. ડૉક્ટરના મોં સામે જોઈ હાથ જોડીને કહે છે કે ‘ના, ના’, ભાવ થશે શા માટે? પરંતુ એમ બોલતાં બોલતાં જ તે ગંભીર ભાવ-સમાધિમાં મગ્ન થયા, શરીર સાવ હલનચલન રહિત, નયન સ્થિર, વાણી બંધ, લાકડાના પૂતળાની માફક બેઠેલા છે, બહારનું ભાન જરાય નહિ! મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત બધુંય અંતર્મુખ; જાણે કે પહેલાંના માણસ જ નહિ. નરેન્દ્રના મધુર કંઠમાંથી મધુર ગીત ચાલી રહ્યું છે :-

‘આ શી આ સુંદર શોભા, શું મુખ દેખું આ!
આજે મારે ઘેર આવ્યા હૃદયનાથ, પ્રેમોત્સવ ઊછળે આજ;
કહો હે પ્રેમમય હૃદયના સ્વામી, કયું ધન તમોને દઉં ઉપહાર?
લો મારું હૈયું, પ્રાણ લો પ્રભુ, શું કહું વધુ!
મારું જે કંઈ છે, સકળ લઈ લો હે નાથ!’

ગીત

‘મારા જીવનમાં કયું સુખ નાથ, દયામય હે!
જો ચરણસરોજે પ્રાણમધુપ ચિરમગન ના રહે હે!
અગણિત ધનરાશિ પણ શો ફળોદય રે,
જો પામીને તે ધન પરમ રતન જતન નવ કરો રે –
સુકુમાર, કુમાર-મુખ જોવા નવ ઇચ્છું રે;
જો એ કુમારમુખમાં તવ પ્રેમમુખ ન જોઈ શકું રે,
શું ધૂળ શશાંક જ્યોતિ! દેખું અંધારમય રે-
જો એ ચંદ્ર પ્રકાશે તવ પ્રેમચંદ્ર નવ હોય ઉદય રે;
સતીનો પવિત્ર પ્રેમ, એ પણ મલિનતામય રે –
જો એ પ્રેમ-કનકમાં તવ પ્રેમ-મણિ નવ જડિત રહે રે;
તીવ્ર ઝેરીલી નાગણ સમ, સતત દંશે રે –
જો મોહ પ્રમાદ નાથ, તમ વિશે આણે સંશય રે;
બીજું શું કહું નાથ! હું તમને રે,
તમે મારા હૃદય-રતનમણિ આનંદ-ધામ રે –

સતીનો ‘પવિત્ર પ્રેમ,’ ગીતનો એ ભાગ સાંભળતાં સાંભળતાં ડૉક્ટર અશ્રુપૂર્ણ નેત્રે બોલી ઊઠ્યા ‘અહા! અહા!’

નરેન્દ્ર વળી ગાય છે –

‘દિન કેટલે થશે રે એ પ્રેમ સંચાર?
થઈ પૂર્ણ કામ લઈશ હરિનામ, નયને વહેશે પ્રેમ અશ્રુધાર –
ક્યારે થશે મારા શુદ્ધ પ્રાણ મન, ક્યારે જઈશ હું પ્રેમ વૃંદાવન;
સંસાર-બંધન થશે મોચન, જ્ઞાનાંજનથી જશે નેત્ર-અંધકાર –
ક્યારે પારસમણિ કરી સ્પર્શન, લોહમય દેહ થશે કાંચન;
હરિમય વિશ્વ કરશું દરશન, આળોટશું ભક્તિમાર્ગે અવિરામ –
ક્યારે છૂટે મારાં કરમ ધરમ, ક્યારે જાશે જાતિકુલનો ભરમ;
ક્યારે જશે ભય-ભાવના, શરમ છોડી લોકાચાર અભિમાન –
ચોળી સર્વાંગે ભક્ત-પદ-ધૂલિ, ખાંધે લઈ ચિર-વૈરાગ્યની ઝોળી;
પીઉં પ્રેમવારિ બેઉ હાથે લઈ, ખોબે ખોબે પ્રેમ-યમુનાનું –
પ્રેમે પાગલ થઈ હસું રડું, સચ્ચિદાનંદ સાગરે તરું;
પોતે મસ્ત થઈ સહુને મસ્ત બનાવું, હરિપદે નિત્ય કરું વિહાર -’

Total Views: 288
ખંડ 51: અધ્યાય 25 : શ્યામપુકુરના મકાનમાં નરેન્દ્ર, મણિ વગેરે ભક્તો સાથે - માંદગી શા માટે? નરેન્દ્રને સંન્યાસનો ઉપદેશ
ખંડ 51: અધ્યાય 27 : જ્ઞાનવિજ્ઞાન વિચારમાં - બ્રહ્મદર્શન