એટલામાં ઠાકુર શ્રીરામકૃષ્ણને બાહ્યસંજ્ઞા આવી છે. ગીત પૂરું થયું એટલે પાછી પંડિત અને મૂર્ખ, બાલક અને વૃદ્ધ, પુરુષ અને સ્ત્રી એ સર્વસાધારણનાં મનને મુગ્ધ કરનારી કથા થવા લાગી. આખી સભાનાં માણસો સ્તબ્ધ! સહુ પરમહંસદેવના મુખ સામે જોઈ રહ્યા છે. એ વખતે ગળાની કઠિન વેદના કોણ જાણે ક્યાંય ઊડી ગઈ છે! ચહેરો જાણે હજુ પણ પ્રફુલ્લ કમળ જેવો; જાણે કે ઈશ્વરીય જ્યોતિ બહાર નીકળી રહી છે.

તે વખતે ઠાકુર ડૉક્ટરને સંબોધીને કહે છે ‘શરમ છોડો, ઈશ્વરનું નામ લેવું, તેમાં વળી શરમ શી? લજ્જા, ઘૃણા, ભય એ ત્રણ રહે તો (ઈશ્વર-પ્રાપ્તિ) ન થાય.’ હું આટલો મોટો માણસ, હું હરિ હરિ કરતો નાચું? મોટા માણસો એ વાત સાંભળે તો મને શું કહે? વખતે એમ કહે કે અરે એય, પેલો ડૉક્ટર હરિ હરિ કરતો નાચ્યો છે. કેટલી શરમની વાત! આવો બધો ભાવ છોડો.’

ડૉક્ટર – મારું તો એ બાજુએ જવાનું જ નહિ; માણસો શું બોલે એની પરવા કરનારો હું નહિ!

શ્રીરામકૃષ્ણ – હા, તમારામાં એ ખૂબ છે. (સૌનું હાસ્ય). જુઓ, જ્ઞાન-અજ્ઞાનની પાર જાઓ તો જ ઈશ્વરને જાણી શકાય. વિવિધ જ્ઞાનનું નામ અજ્ઞાન. વિદ્વત્તાનો અહંકાર પણ અજ્ઞાન. એક ઈશ્વર સર્વ ભૂતમાં છે એવી નિશ્ચિત બુદ્ધિનું નામ જ્ઞાન. તેને વિશેષ રૂપે જાણવાનું નામ વિજ્ઞાન. પગમાં કાંટો વાગ્યો છે, એ કાંટો કાઢવા માટે બીજા એક કાંટાની જરૂર. કાંટો કાઢ્યા પછી એ બન્ને કાંટા ફેંકી દેવાય. પ્રથમ અજ્ઞાન કાંટો કાઢવા સારુ જ્ઞાન કાંટો લાવવો જોઈએ, ત્યાર પછી જ્ઞાન અજ્ઞાન બન્નેને ફેંકી દેવા જોઈએ. ઈશ્વર તો જ્ઞાન-અજ્ઞાનથી પર. લક્ષ્મણે કહ્યું કે ‘રામ આ શી નવાઈ! આટલા મોટા જ્ઞાની વસિષ્ઠ મુનિ પોતે પણ પુત્રશોકથી અધીરા થઈ ગયા હતા!’ રામ બોલ્યા, ‘ભાઈ! જેનામાં જ્ઞાન છે તેનામાં અજ્ઞાન પણ છે, જેનામાં એકનું જ્ઞાન છે તેનામાં અનેકનું જ્ઞાન પણ છે, જેને પ્રકાશનું જ્ઞાન છે તેને અંધકારનું જ્ઞાન પણ છે! બ્રહ્મ જ્ઞાન- અજ્ઞાનથી પર, પાપ-પુણ્યથી પર, ધર્મ-અધર્મથી પર, પવિત્ર-અપવિત્રથી પર.’

એમ કહીને શ્રીરામકૃષ્ણ રામપ્રસાદનું ગીત ગાવા લાગ્યા.

ગીત : ચાલ ને, મન ફરવા જઈએ!

કાલી કલ્પતરુ મૂળે (મન), ચારે ફળ વીણીને લઈએ;

(અવાઙ્મનસગોચરમ્ – બ્રહ્મનું સ્વરૂપ બીજાને સમજાવી ન શકાય)

શ્યામ વસુ – બેઉ કાંટા ફેંકી દીધા પછી શું રહે?

શ્રીરામકૃષ્ણ – નિત્યશુદ્ધબોધરૂપમ્. એ તમને કેવી રીતે સમજાવું? કોઈ પૂછે કે ‘ઘી ખાધે કેવું?’ એને હવે શી રીતે સમજાવું? બહુમાં બહુ કહી શકો કે ‘ઘી કેવું? તો કહે કે ઘી જેવું!’

એક યુવતીને તેની એક સખીએ પૂછ્યું, ‘તારો વર આવ્યો છે, ઠીક બહેન, હું પૂછું કે વર આવે ત્યારે કેવો આનંદ થાય?’ પેલી યુવતીએ જવાબ આપ્યો કે ‘અરે! સખી તારો વર આવશે એટલે તને ખબર પડશે. અત્યારે તને કેમ કરીને સમજાવું?’

‘પુરાણમાં છે કે સતી (ભગવતી) જ્યારે હિમાલયને ઘેર જન્મ્યાં ત્યારે સતી માએ તેમને જુદે જુદે રૂપે દર્શન દીધાં. એ બધાંય રૂપનાં દર્શન કરીને છેવટે ગિરિરાજે માને કહ્યું કે ‘મા! વેદમાં જે બ્રહ્મની વાત આવે છે એ બ્રહ્મનાં હવે મને દર્શન કરાવો.’ ત્યારે સતી બોલ્યાં ‘બાપુ! બ્રહ્મ-દર્શન કરવાની ઇચ્છા હોય તો સાધુ-સંગ કરો.’

બ્રહ્મ શું વસ્તુ એ મોઢેથી બોલી શકાય નહિ. એક જણ કહેતો હતો કે ‘બધું એઠું થઈ ગયું છે. માત્ર બ્રહ્મ એઠું થયું નથી.’ એનો અર્થ એ કે વેદ, પુરાણ, તંત્ર અને બધાં શાસ્ત્રો મોઢેથી બોલવાને લીધે એઠાં થઈ ગયાં છે એમ કહી શકાય. પરંતુ બ્રહ્મ શી વસ્તુ એ આજ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી, એટલે બ્રહ્મ આજ સુધી એઠું થયેલ નથી. વળી સચ્ચિદાનંદની સાથે ક્રીડા, રમણ કેવાં આનંદભર્યાં લાગે છે, એ મોઢેથી બોલી બતાવી શકાય નહિ. જેને થાય તે જ જાણે.’

Total Views: 340
ખંડ 51: અધ્યાય 26 : શ્રીરામકૃષ્ણ - નરેન્દ્ર, ગિરીશ, સરકાર વગેરે ભક્તો સાથે ભજનાનંદે - સમાધિભાવમાં
ખંડ 51: અધ્યાય 28 : પંડિતનો અહંકાર - પાપ અને પુણ્ય