શ્યામ વસુ – સૂક્ષ્મ શરીર શું કોઈ દેખાડી શકે? કોઈ શું એમ દેખાડી શકે, કે એ શરીર બહાર નીકળી જાય?

શ્રીરામકૃષ્ણ – જેઓ સાચા ભક્ત હોય, તેમને કઈ પડી છે તમને દેખાડવાની! કોઈ સાલા માણસ માને ન માને, તેની તેમને કઈ પડી છે? એકાદો મોટો માણસ હાથમાં રાખવો એ પ્રકારની ઇચ્છા સાચા ભક્તને હોય નહિ!

શ્યામ વસુ – વારુ, સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, એ બધામાં ભેદ શો?

શ્રીરામકૃષ્ણ – પંચભૂતનો જે દેહ, એ સ્થૂલ દેહ. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, એ લઈને સૂક્ષ્મ શરીર. જે શરીરમાં ભગવાનના આનંદની પ્રાપ્તિ થાય અને ભગવાનની સાથે સંભોગ થાય એ કારણ શરીર. તેને તંત્રોમાં કહે છે ‘ભાગવતી તનુ’. સૌથી અતીત ‘મહાકારણ’ (તુરીય). એ વિશે મોઢેથી બોલી શકાય નહિ.

(સાધનાનું પ્રયોજન – ઈશ્વરમાં એકમાત્ર ભક્તિ એ જ સાર)

‘એકલું સાંભળ્યે શું વળે? કંઈક કરો.’

‘ભાંગ ભાંગ’ મોઢેથી બોલ્યે શું વળે? એથી શું નશો ચડે?

ભાંગને વાટીને શરીરે ચોળ્યેથી પણ નશો ચડે નહિ. થોડી પીવી જોઈએ. કયું ચાલીસ નંબરનું સૂતર અને કયું એકતાલીસ નંબરનું, એ શું સૂતરનો ધંધો કર્યા વિના કહી શકાય કે? જેમનો સૂતરનો ધંધો છે તેમને માટે અમુક નંબરનું સૂતર કહી દેવું એ કંઈ કઠણ નથી. એટલે કહું છું કે કંઈક સાધના કરો, ત્યાર પછી સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ કોને કહે એ બધું સમજી શકશો. જ્યારે ભગવાનની પ્રાર્થના કરો, ત્યારે તેમનાં ચરણકમલમાં એક માત્ર ભક્તિની પ્રાર્થના કરવી.

‘અહલ્યાના શાપમોચન પછી શ્રીરામચંદ્રે તેને કહ્યું, ‘તમે મારી પાસે વરદાન માગો.’ અહલ્યા બોલી, ‘હે રામ, જો વરદાન આપવું હોય તો એ વરદાન આપો કે મારો ભલે સૂવરની યોનિમાં જન્મ થાય તેનોય વાંધો નહિ; પણ હે રામ! તમારાં ચરણકમલમાં મારું મન રહે!’

‘મેં માની પાસે એકમાત્ર ભક્તિ માગી હતી. માનાં ચરણકમલમાં ફૂલ ચડાવીને હાથ જોડીને બોલ્યો હતો કે ‘મા! આ લો તમારું અજ્ઞાન, આ લો તમારું જ્ઞાન; મને શુદ્ધાભક્તિ આપો. આ લો તમારી શુચિ, આ લો તમારી અશુચિ; મને શુદ્ધાભક્તિ આપો; આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય; મને શુદ્ધાભક્તિ આપો; આ લો તમારું સારુ, આ લો તમારું નરસું; મને શુદ્ધાભક્તિ આપો. આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ; મને શુદ્ધાભક્તિ આપો.’

‘ધર્મ એટલે દાન વગેરે કર્મ. ધર્મ લઈએ એટલે અધર્મ લેવો જ પડે. પુણ્ય લઈએ એટલે પાપ લેવું જ પડે. જ્ઞાન લઈએ એટલે અજ્ઞાન લેવું જ પડે. શુચિ લઈએ એટલે અશુચિ લેવી જ પડે. જેમ કે જેને પ્રકાશનું ભાન છે તેને અંધકારનુંય ભાન છે. જેને એકનું ભાન છે તેને અનેકનું ભાન પણ છે. જેને સારાનું ભાન છે તેને નરસાનું ભાન પણ છે.’

‘જો સૂવરનું માંસ ખાવા છતાંય કોઈને ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ હોય તો તે પુરુષ ધન્ય; અને હવિષ્યાન્ન ખાઈને રહેવા છતાંય જો સંસારમાં આસક્તિ હોય તો…’

ડૉક્ટર – તો તે અધમ. અહીં એક વાત કહી દઉં. બુદ્ધે સૂવરનું માંસ ખાધું હતું. સૂવરનું માંસ ખાધું અને પેટશૂળ પણ થયું! એ રોગની સારવાર માટે શુદ્ધ opium – અફીણ લેતા. નિર્વાણ બિર્વાણ શું ખબર છે? અફીણ લઈને બેહોશ થઈને પડ્યા રહેતા; બહારનું જ્ઞાન રહેતું નહિ; એટલે નિર્વાણ!

બુદ્ધદેવના નિર્વાણ સંબંધી આ વ્યાખ્યા સાંભળીને સૌ હસવા લાગ્યા. વળી વાતો ચાલવા લાગી.

Total Views: 332
ખંડ 51: અધ્યાય 28 : પંડિતનો અહંકાર - પાપ અને પુણ્ય
ખંડ 51: અધ્યાય 30 : ગૃહસ્થ અને નિષ્કામ કર્મ - Theosophy