શ્રીરામકૃષ્ણ (શ્યામ વસુને) – ગૃહસ્થ-ધર્મ; તેમાં દોષ નથી. પરંતુ ઈશ્વરનાં ચરણકમલમાં મન રાખી, કામનારહિત થઈને કાર્યાે કરવાં. જુઓ કોઈની પીઠ પર ગૂમડું થયું હોય તો તે સૌની સાથે વાતચીત કરે, વખતે કામકાજ પણ કરે; પણ તેનું મન પેલા ગૂમડામાં જ રહે, તે પ્રમાણે.

સંસારમાં વંઠેલ સ્ત્રીની પેઠે રહેવું. તે સ્ત્રી ઘરનું બધુંય કામકાજ કરતી હોય, પણ તેનું મન પોતાના યાર તરફ હોય. (ડૉક્ટરને) સમજો છો?

ડૉક્ટર – એ ભાવ ન હોય તો સમજું કેવી રીતે?

શ્યામ વસુ – થોડુંક તો જરૂર સમજો છો! (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – અને આ ધંધો તો ઘણાય દિવસ થયાં કરો છો, ખરું ને? (સૌનું હાસ્ય).

શ્યામ વસુ – મહાશય, થિયોસોફી વિશે આપ શું કહો છો?

શ્રીરામકૃષ્ણ – ટૂંકાણમાં વાત એટલી કે જેઓ ચેલા બનાવતા ફરે, તેઓ હલકી કોટિના માણસો. અને જેઓ સિદ્ધિઓ એટલે જુદી જુદી જાતની અલૌકિક શક્તિઓ ઇચ્છે, તેઓ પણ હલકી કોટિના. જેવી કે ગંગાના પાણી ઉપર ચાલતા જવું; એ એક જાતની શક્તિ. બીજા દેશમાં કોઈ માણસ શું બોલે છે એ સાંભળીને કહી શકવું એ બીજી એક જાતની શક્તિ. આવા માણસોમાં ઈશ્વર પ્રત્યે શુદ્ધ ભક્તિ આવવી બહુ કઠણ.

શ્યામ વસુ – પણ એ લોકો (થિયોસોફીવાળાઓ) હિન્દુધર્મને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.

શ્રીરામકૃષ્ણ – હું એમને વિશે વધારે જાણતો નથી.

શ્યામ વસુ – મરણ પછી જીવાત્મા ક્યાં જાય, ચંદ્રલોકમાં, નક્ષત્રલોકમાં વગેરે બધું થિયોસોફીથી જાણી શકાય.

શ્રીરામકૃષ્ણ – હશે! મારો (અંતરનો) ભાવ કેવો છે ખબર છે? હનુમાનને એક જણે પૂછ્યું કે આજ કઈ તિથિ?

હનુમાને જવાબ આપ્યો કે ‘હું વાર, તિથિ, નક્ષત્ર એમાંનું કંઈ જાણતો નથી. હું માત્ર એક રામનું ચિંતન કરું છું. મારો પણ બરાબર એવો જ ભાવ!

શ્યામ વસુ – એ લોકો કહે છે કે મહાત્મા વગેરે છે. તમારું શું કહેવું છે?

શ્રીરામકૃષ્ણ – મારી વાત માનો તો છે. એ બધી વાત મૂકો હવે. મારો મંદવાડ મટે પછી આવજો. જો મારામાં તમને શ્રદ્ધા હોય તો તમને જેથી શાંતિ મળે એવો ઉપાય થઈ જશે. તમે તો જુઓ છો ને કે હું રૂપિયા સ્વીકારતો નથી અને કપડુંયે લેતો નથી. અહીં ભેટ આપવી પડે નહીં એટલે ઘણાય આવે. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – તમને એટલું કહી દઉં; ખોટું ન લગાડતા. આ બધું તો ઘણુંયે કર્યું : ધન, કીર્તિ, લેક્ચર એ બધું. હવે મનને થોડો વખત ઈશ્વરમાં જોડો અને વચ્ચે વચ્ચે અહીં આવતા રહેજો. ઈશ્વર સંબંધી વાતો સાંભળીને જાગૃતિ આવશે.

થોડા વખત પછી ડૉક્ટર જવા સારુ રજા માગવા ઊઠ્યા. એટલામાં શ્રીયુત્ ગિરીશચંદ્ર ઘોષ આવી પહોંચ્યા અને ઠાકુરની ચરણરજ લઈને બેઠા. ડૉક્ટર તેમને જોઈને રાજી થયા અને વળી પાછા બેઠા.

ડૉક્ટર – હું હોઉં ત્યાં સુધી એ (ગિરીશ બાબુ) આવે નહિ અને જેવો ઊઠીને જવાની તૈયારી કરું, એટલામાં તરત આવીને હાજર. (સૌનું હાસ્ય).

ગિરીશની સાથે ડૉક્ટરની વિજ્ઞાન-સભા – (Science Association)ની વાત થવા લાગી.

શ્રીરામકૃષ્ણ – મને એક દિવસ ત્યાં લઈ જશો?

ડૉક્ટર – તમે ત્યાં જાઓ તો બેહોશ જ થઈ જવાના. ઈશ્વરનો એ બધો અદ્‌ભુત કાંડ દેખીને!

શ્રીરામકૃષ્ણ – એમ?

Total Views: 301
ખંડ 51: અધ્યાય 29 : સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ
ખંડ 51: અધ્યાય 31