ડૉક્ટર (ગિરીશને) – બીજું બધું કરો. પણ આમને ઈશ્વર માનીને પૂજા કરો મા. – but do not worship him as God. આવા સારા માણસનું માથું ખાઓ છો! શા માટે?

ગિરીશ – શું કરીએ મહાશય? જેમણે આ સંસાર-સમુદ્ર અને સંદેહ-સાગરમાંથી પાર કર્યા તેમને બીજું શું કરીએ કહો? તેમનો મળ શું મળ લાગે?

ડૉક્ટર – મળનો સવાલ નથી. એમ તો મનેય ઘૃણા નથી. અમારે ત્યાં એક દિવસ એક દુકાનદારનું બાળક આવ્યું હતું. તેને ઝાડો થઈ ગયો. સૌએ નાકે લૂગડું દાબ્યું. હું તો તેની પાસે અર્ધાે કલાક બેસી રહ્યો; નાકે લૂગડું નહીં! તેમજ ભંગી જ્યાં સુધી મેલું ઉપાડીને લઈ જતો હોય ત્યાં સુધી મારાથી નાકે લૂગડું દાબી શકાય નહીં. કારણ કે હું જાણું છું કે જેવો એ ભંગી છે તેવો જ હું છું; એટલે શા માટે તેની ઘૃણા કરવી? હું શું આમના (પરમહંસદેવના) પગની ધૂળ લઈ શકું નહિ? આમ જુઓ; લઉં છું. (ડૉક્ટર શ્રીરામકૃષ્ણની ચરણરજ લે છે.)

ગિરીશ – આ ક્ષણને Angles (દેવતાઓ) ‘ધન્ય! ધન્ય!’ કહે છે!

ડૉક્ટર – તે વળી પગની ધૂળ લેવી એમાં શી નવાઈ? હું તો સહુની લઈ શકું! એય આપો, એય આપો. (ડૉક્ટર સૌના પગની રજ લે છે.)

નરેન્દ્ર (ડૉક્ટરને) – આમને અમે ઈશ્વરના જેવા માનીએ છીએ. એ શેના જેવું? જેમ કે વેજિટેબલ ક્રિએશન (ઉદ્‌ભિજ્જ-સૃષ્ટિ) અને એનિમલ ક્રિએશન (પ્રાણી-સૃષ્ટિ) એ બેની વચ્ચે એવું એક પોઈન્ટ (સંધિસ્થળ) છે કે જ્યાં એ વસ્તુ વનસ્પતિ છે કે પ્રાણી એ નક્કી કરવું બહુ કઠણ. તેવી રીતે Man World (નરલોક) અને God World (દેવલોક) એ બેની વચ્ચે એવું એક સંધિ-સ્થળ છે કે જ્યાં કહેવું કઠણ કે એ વ્યક્તિ મનુષ્ય કે ઈશ્વર!

ડૉક્ટર – અરે એય, ઈશ્વરની વાતમાં ઉપમા ચાલે નહિ.

નરેન્દ્ર – હું God (ઈશ્વર) કહેતો નથી, God like man. (ઈશ્વર તુલ્ય વ્યક્તિ) કહું છું.)

ડૉક્ટર – એ બધો પોતપોતાનો ભાવ દાબી રાખવો જોઈએ, જાહેર કરવો સારો નહિ. મારો ભાવ કોઈ સમજતું નથી. My best friends (મારા પરમ મિત્રો) મને કઠોર, નિર્દય માને! આ તમે જ કદાચ મને જોડા મારીને કાઢશો!

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – એ શું! આ લોકો તમને કેટલા ચાહે છે! તમે આવવાના હો તે સારુ, જાણે કે ફૂલશય્યામાં જાગતી બેઠેલી નવોઢાની જેમ રાહ જોઈને બેસે છે!

ગિરીશ – Everyone has the greatest respect for you. (સૌને તમારા પ્રત્યે ઘણું જ માન છે.)

ડૉક્ટર – મારો છોકરો, મારી પત્ની સુધ્ધાં મને hard hearted કઠણ હૃદયનો માને છે. કારણ કે મારો વાંક એટલો કે હું મારા મનનો ભાવ કોઈ પાસે પ્રગટ કરું નહિ.

ગિરીશ – ત્યારે તો મહાશય, આપના મનનો કબાટ ઉઘાડો તો સારું; Atleast out of pity for your friends – ઓછામાં ઓછું તમારા મિત્રો પ્રત્યે દયા લાવીને. એમ સમજીને કે તેઓ આપને સમજી શકતા નથી માટે!

ડૉક્ટર – અરે, વાત શું કરું? તમારા કરતાંય મારી Feelings Worked up લાગણીઓ ઊભરાઈ આવે! (નરેન્દ્રને) I shed tears in solitude હું એકલો એકલો બેસીને રડું!

(મહાપુરુષ અને જીવનું પાપગ્રહણ – અવતાર આદિ અને નરેન્દ્ર)

ડૉક્ટર (શ્રીરામકૃષ્ણને) – ભાવ થાય ત્યારે તમે માણસોના શરીરે પગ લગાડો એ સારું નહિ!

શ્રીરામકૃષ્ણ – હું શું જાણી શકું છું કે હું કોઈના શરીરે પગ લગાડું છું કે નહિ?

ડૉક્ટર – એ સારું નહિ એટલો તો ખ્યાલ રહે ને?

શ્રીરામકૃષ્ણ – ભાવાવસ્થામાં મને શું થાય એ તમને કેવી રીતે કહું? એ અવસ્થા ગયા પછી એમ વિચાર આવે કે કદાચ રોગ થાય છે તે આને માટે! ઈશ્વરનો ભાવ આવતાં મને ઉત્તેજના થઈ આવે. ઉત્તેજનામાં એમ થાય, તેમાં હું શું કરું?

ડૉક્ટર – આમણે કબૂલ કર્યું છે. He expresses regret for what he does આ કામ sinful અયોગ્ય એવું એમને ભાન છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – તું તો ખૂબ શઠ (બુદ્ધિમાન); તું બોલ ને; એમને સમજાવી દે ને!

ગિરીશ (ડૉક્ટરને) – મહાશય! આપ ખોટું સમજ્યા છો. તેઓ એટલા સારુ દુઃખી થતા નથી. એમનો દેહ શુદ્ધ, અપાપ-વિદ્ધ. તેઓ જીવોના મંગલ સારુ તેમનો સ્પર્શ કરે છે. તેમનાં પાપ પોતા પર લઈ લઈને આમને રોગ થવાનો ખૂબ સંભવ. એટલે ક્યારેક ક્યારેક ચિંતા થાય. આપને જ્યારે પેટમાં શૂલનું દર્દ થયું હતું ત્યારે આપને શું પસ્તાવો થયો ન હતો? શા માટે રાતના ઉજાગરા વેઠીને આટલું બધું વાંચતા? પણ એટલા સારુ રાત જાગીને વાંચવાનું શું અયોગ્ય કામ કહેવાય? રોગને માટે રિગ્રેટ – પસ્તાવો થઈ શકે, પણ એથી જીવોનું મંગલ કરવા સારુ તેમને સ્પર્શ કરવાના કામને અયોગ્ય માનશો નહિ.

ડૉક્ટર (શરમાઈને ગિરીશને) – તમારી પાસે હારી ગયો. લાવો પગની ધૂળ લાવો. (ગિરીશના પગની ધૂળ લે છે.) (નરેન્દ્રને) બીજું કાંઈ નહીં, આની (ગિરીશની) his intellectual power તો સ્વીકારવી જ પડે.

નરેન્દ્ર (ડૉક્ટરને) – બીજી એક વાત, જુઓ. એકાદી Scientific discovery વૈજ્ઞાનિક શોધને માટે આપ life devote જીવન ફના કરી શકો, શરીરનો રોગ વગેરે કશાની પરવા કરો નહિ; અને ઈશ્વરને જાણવો કે જે grandest of all sciences સૌથી મહાન વિજ્ઞાન, એને માટે આ (ઠાકુર) શરીરનું health risk સ્વાસ્થ્ય જોખમમાં મૂકવાનું ન કરે?

ડૉક્ટર – religious reformer ધર્મના ક્ષેત્રમાં જેટલા સુધારકો થયા છે, જેવા કે Jesus-ઈશુ, ચૈતન્ય, બુદ્ધ, મહમ્મદ, એ બધા છેવટે અહંકારથી ભરેલા! કહેશે કે ‘મેં જે કહ્યું તે જ ખરું?’ એ શી વાત!

ગિરીશ (ડૉક્ટરને) – મહાશય! એ દોષ તો આપને પણ લાગુ પડે છે. તેમનામાં અહંકાર છે એમ આપ એકલા કહો છો. તો તે દોષ તો આપને પણ લાગુ પડે છે.

ડૉક્ટર શાંત થઈ ગયા.

નરેન્દ્ર (ડૉક્ટરને) – We offer to him Worship bordering on Divine Worship – અમે એમની પૂજા કરીએ છીએ તે ઈશ્વરની પૂજા લગભગ.

ઠાકુર શ્રીરામકૃષ્ણ આનંદથી બાળકની પેઠે હસી રહ્યા છે.

Total Views: 275
ખંડ 51: અધ્યાય 30 : ગૃહસ્થ અને નિષ્કામ કર્મ - Theosophy
ખંડ 51: અધ્યાય 32 : ડૉક્ટર અને માસ્ટર - સાર શું?