(ડૉક્ટર સરકાર, ભાદુડી, દોકડી, છોટોનરેન, માસ્ટર, શ્યામબસુ)

ડૉક્ટર અને માસ્ટર શ્યામપુકુરમાં એ બે મજલાવાળા મકાનમાં આવી પહોંચ્યા. એ મકાનના બહારના ભાગમાં ઉપર ઓસરીવાળા બે ઓરડા છે. એક પૂર્વ-પશ્ચિમ અને બીજો ઉત્તર-દક્ષિણ લાંબો. તેમાંના પહેલા ઓરડામાં જઈને જુએ છે તો શ્રીરામકૃષ્ણ બેઠા છે. ચહેરો હસમુખો. પાસે ડૉક્ટર ભાદુડી અને ઘણાય ભક્તો.

ડૉક્ટર સરકારે નાડી તપાસી અને બીજી હકીકત પૂછી. ત્યારબાદ ઈશ્વર સંબંધી વાતો થવા લાગી.

ભાદુડી – વાત એમ છે, કે બધું સ્વપ્ન જેવું!

ડૉક્ટર – બધુંય ડિલ્યુઝન-ભ્રમ? પણ ભ્રમ કોનો અને શા માટે? અને ભ્રમ જાણવા છતાં બધા વાતોય કરે છે શા માટે? I cannot believe that God is real and creation is unreal. ઈશ્વર સત્ય, પણ તેની સૃષ્ટિ મિથ્યા એ હું માની શકતો નથી.

(સોઽહમ્ અને દાસભાવ – જ્ઞાન અને ભક્તિ)

શ્રીરામકૃષ્ણ – આ મજાનો ભાવ : તમે પ્રભુ, હું દાસ. જ્યાં સુધી દેહ સાચો એવું ભાન છે, હું તું છે, ત્યાં સુધી સેવ્ય-સેવક ભાવ જ સારો; હું એ (પરમાત્મા), એવી ભાવના સારી નહિ.

અને બીજી એક વાત. ઓરડાને એક બાજુથી જોઈએ કે ઓરડાને વચ્ચેથી જોઈએ, એ બન્ને સરખું.

ભાદુડી (ડૉક્ટરને) – આ બધી વાત જે હું બોલ્યો તે વેદાન્તમાં છે. શાસ્ત્ર બાસ્ત્ર જુઓ, તો ને!

ડૉક્ટર – કેમ? આ (ઠાકુર) શું શાસ્ત્રો ભણીને વિદ્વાન થયા છે? અને એ પણ એ જ વાત કહે છે. શાસ્ત્ર ન વાંચ્યે ચાલે નહિ?

શ્રીરામકૃષ્ણ – અરે પણ મેં સાંભળ્યું છે કેટલું?

ડૉક્ટર – એકલા સાંભળ્યે કેટલીયે ભૂલો હોઈ શકે. તમે એકલું – સાંભળ્યું નથી.

હવે અન્ય કથા ચાલે છે.

(એ પાગલ – ઠાકુરના પગની રજ દીધી)

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – સંભળાય છે કે આપ બોલ્યા છો કે આ (ઠાકુર) પાગલ! એને લીધે આ લોકો (માસ્ટર વગેરેને બતાવીને) તમારી પાસે આવવા ઇચ્છતા નથી.

ડૉક્ટર (માસ્ટરની તરફ નજર કરીને) – ક્યાં? પણ મેં કહ્યું છે કે અહંકાર છે. વારુ, ત્યારે તમે માણસને પગની રજ લેવા દો છો શું કામ?

માસ્ટર – ન લેવા દે તો માણસો રડે.

ડૉક્ટર – એ તેમની ભૂલ, તેમને સમજાવી દેવું ઉચિત.

માસ્ટર – કેમ? સર્વ ભૂતોમાં નારાયણ?

ડૉક્ટર – મને તેમાં વાંધો નથી, તો સહુને (પ્રણામ) કરો.

માસ્ટર – કોઈ કોઈ માણસમાં વધુ પ્રકાશ. જેમ કે જળ બધી જગાએ છે, પરંતુ તળાવમાં, નદીમાં, સમુદ્રમાં દેખાઈ આવે. આપ Faraday ફેરેડે (એક મહાન વૈજ્ઞાનિક)ને જેટલો માનશો, તેટલો એક Bachelor of Science નવા (વિજ્ઞાનના સ્નાતક)ને માનવાના?

ડૉક્ટર – એમાંય હું રાજી છું. પણ તો પછી God (ઈશ્વર) કહો છો શા માટે?

માસ્ટર – આપણે એક બીજાને નમસ્કાર કરીએ છીએ શા માટે? સૌનાં હૃદયમાં નારાયણ છે માટે. આપે એ બધા વિષયનો વધારે અભ્યાસ કર્યાે નથી, વિચાર કર્યાે નથી.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – કોઈ કોઈ વસ્તુમાં વધુ પ્રકાશ. આપને તો કહ્યું છે કે સૂર્યનાં કિરણ જમીનમાં એક રીતે પાછાં ફેંકાય, ઝાડપાનમાં બીજી રીતે તેમજ અરીસામાં વળી જુદી જ રીતે. અરીસામાં ઘણો વધુ પ્રકાશ. આમ જુઓ ને કે પ્રહ્લાદ વગેરે અને આ બધા શું એક સરખા? પ્રહ્લાદનું મન, પ્રાણ બધું ઈશ્વરમાં સમર્પિત થયું હતું.

ડૉક્ટર ચૂપ થઈને બેઠા છે. બધા ચૂપ બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – જુઓ, તમારું આના ઉપર (પોતાના શરીરને બતાવીને) ખેંચાણ છે. તમે મને કહ્યું છે કે ‘હું તમને ચાહું છું.’

(શ્રીરામકૃષ્ણ અને સંસારી જીવ – તમે લોભી, કામી અને અહંકારી)

ડૉક્ટર – તમે Child of Nature – પ્રકૃતિના બાળક જેવા છો, એટલે આટલું કહું છું. માણસો તમને પગે હાથ લગાડીને નમસ્કાર કરે, એથી મને દુઃખ થાય છે. એમ થાય છે કે આવા સારા માણસને બગાડે છે. કેશવ સેનનેય તેના ચેલાઓએ એ પ્રમાણે કર્યું હતું. હું તમને કહું, સાંભળો –

શ્રીરામકૃષ્ણ – તમારી વાત શું સાંભળું! તમે લોભી, કામી, અહંકારી.

ભાદુડી (ડૉક્ટરને) – અર્થાત્ તમારામાં જીવત્વ છે, જીવના ધર્માે છે. આ પૈસા ટકા, માન-મરતબાનો લોભ, કામ, અહંકાર, આ બધા જીવના જ ધર્માે.

ડૉક્ટર – જો એમ કહો તો પછી માત્ર તમારા ગળાનું દરદ જ જોઈ જઈશ. બીજી કોઈ વાતની જરૂર નહિ. ચર્ચા કરવી હોય તો બધું બરાબર બોલવાનો.

સૌ કોઈ મૂંગા બેઠા છે.

(અનુલોમ અને વિલોમ – Involution and Evolution – ત્રણ ભક્ત)

જરા વાર પછી ઠાકુર પાછા ભાદુડીની સાથે વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – વાત એમ છે કે (ડૉક્ટર) અત્યારે નેતિ નેતિ કરીને અનુલોમ તરફ જાય છે : ઈશ્વર જીવ નહિ, જગત નહિ, તે સૃષ્ટિની બહાર; આવા બધા તે વિચાર કરે છે. જ્યારે વિલોમે આવશે ત્યારે બધું માનશે.

કેળના ઝાડની છાલ ઉખેડતા જઈએ ત્યારે ગરભ મળે.

હવે એમાં છાલ જુદી વસ્તુ ને ગરભ જુદી વસ્તુ. ગરભ કાંઈ છાલ નથી, તેમ છાલ કાંઈ ગરભ નથી. પરંતુ છેવટે માણસ જુએ કે છાલ છે તો જ ગરભ છે અને ગરભ છે તો જ છાલ છે. બન્ને મળીને કેળાનું ઝાડ. ઈશ્વર જ ચોવીસ તત્ત્વો થઈ રહેલ છે. ઈશ્વર જ મનુષ્ય થઈ રહેલ છે.

(ડૉક્ટરને) ‘ભક્તો ત્રણ-પ્રકારના. નિમ્ન શ્રેણીનો ભક્ત, મધ્યમ ભક્ત, અને ઉત્તમ ભક્ત. નિમ્ન શ્રેણીનો ભક્ત કહેશે કે ઈશ્વર ત્યાં ત્યાં. તે કહે કે સૃષ્ટિ અલગ અને ઈશ્વર પણ અલગ. મધ્યમ શ્રેણીનો ભક્ત છે તે કહેશે કે ઈશ્વર અંતર્યામી, એ હૃદયની અંદર રહે છે. એ હૃદયની અંદર ઈશ્વરને જુએ. ઉત્તમ ભક્ત જુએ કે ઈશ્વર જ આ બધું થઈ રહેલ છે. તેઓ ચોવીસ તત્ત્વ થયેલ છે. એ જુએ કે નીચે ઉપર ઈશ્વર પરિપૂર્ણ.

તમે ગીતા, ભાગવત, વેદાંત એ બધું વાંચો ત્યારે આ બધું સમજી શકશો.

ઈશ્વર શું સૃષ્ટિમાં નથી?

ડૉક્ટર – એમ નહિ, એ બધી જગાએ છે; અને બધી જગાએ છે એટલે જ શોધી શકાતો નથી.

થોડી વાર પછી બીજી વાત નીકળી. ઠાકુર શ્રીરામકૃષ્ણને ઈશ્વરી ભાવ હંમેશાં થાય એથી રોગ વધવાનો સંભવ.

ડૉક્ટર (શ્રીરામકૃષ્ણને) – ભાવ દબાવવો. મનેય ખૂબ ભાવ થાય. તમારા બધાંય કરતાં વધારે નાચી શકું.

છોટો નરેન (હસીને) – ભાવ જો એથીયે જરા વધે તો શું કરો?

ડૉક્ટર – દાબવાની શક્તિ – Controlling Power પણ વધે.

શ્રીરામકૃષ્ણ અને માસ્ટર – એ તો તમે કહો છો.

માસ્ટર – ભાવ થયે શું થાય એ આપ કહી શકો?

થોડીવાર પછી પૈસા ટકાની વાત નીકળી.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – મને પૈસા ટકાની ઇચ્છા નથી એ તો જાણો છો ને? એ ઢોંગ નથી ને?

ડૉક્ટર – એ ઇચ્છા તો મનેય નથી, તો વળી તમને! પેટી ઉઘાડી પડી હોય ને તેમાં રૂપિયા પડ્યા હોય!

શ્રીરામકૃષ્ણ – યદુ મલ્લિક પણ એવો જ બેધ્યાન. એ જ્યારે ખાવા બેસે, ત્યારે એટલો બેધ્યાન કે ગમે તે શાકભાજી, સારું નરસું ખાધે જાય. વખતે કોઈ કહે કે પેલું ખાશો નહિ, એ સારું નથી થયું; ત્યારે કહેશે કે ‘હેં, એ શાક બરોબર નથી થયું? હાં, ખરેખર એમ જ છે!’

ઠાકુર શું એમ સૂચન કરીને કહે છે કે ‘ઈશ્વર-ચિંતન કરીને બેધ્યાન થવું અને સંસારી પદાર્થનું ચિંતન કરીને બેધ્યાન થવું, એમાં મોટો તફાવત?’

વળી ભક્તો પ્રત્યે દૃષ્ટિપાત કરીને ઠાકુર શ્રીરામકૃષ્ણ ડૉક્ટરને દેખાડીને હસતાં હસતાં કહે છે કે ‘જુઓ, સિદ્ધ થાય (બફાય) એટલે ચીજ નરમ થાય. આ (ડૉક્ટર) ખૂબ કઠણ હતા, હવે અંદરથી જરા નરમ થતા જાય છે.’

ડૉક્ટર – સિદ્ધ થયે ઉપરથી જ નરમ થાય. પણ આ જનમમાં તો મારું એ બન્યું નહિ. (સૌનું હાસ્ય).

ડૉક્ટર જવા સારુ રજા લે છે. ત્યાં વળી ઠાકુરની સાથે વાત કરે છે.

ડૉક્ટર – માણસો પગની ધૂળ લઈને માથે ચડાવે તે અટકાવી શકો નહિ?

શ્રીરામકૃષ્ણ – સૌ કોઈ અખંડ સચ્ચિદાનંદને પકડી શકે?

ડૉક્ટર – એટલે જે ખરી વાત હોય તે શું કહેવી નહિ?

શ્રીરામકૃષ્ણ – રુચિ-ભેદ અને અધિકાર-ભેદ છે.

ડૉક્ટર – એ વળી શું?

શ્રીરામકૃષ્ણ – રુચિ-ભેદ : જેમ કે કોઈને ઘઉંના લોટમાંથી બનાવેલો લાડુ ભાવે, કોઈને શીરો ભાવે, કોઈને સેવ ભાવે, તો કોઈને પૂરી ભાવે; અને અધિકારી-ભેદ. હું કહું કે પ્રથમ કેળાનું ઝાડ વીંધતાં શીખો, ત્યાર પછી દીવાની ોત, ત્યાર પછી ઊડતા પંખીને વીંધો.

(અખંડ દર્શન – ડૉક્ટર સરકાર અને હરિવલ્લભને દર્શન)

સંધ્યા થઈ. ઠાકુર ઈશ્વર-ચિંતનમાં મગ્ન થયા. આવું ભયંકર દર્દ છે પણ જાણે કે એ એક બાજુએ પડ્યું રહ્યું. બેચાર અંતરંગ ભક્તો પાસે બેસીને તેમને એક નજરે જોઈ રહ્યા છે. ઠાકુર ઘણીવાર સુધી એ અવસ્થામાં રહ્ય.

ઠાકુર સ્વસ્થ થયા છે. મણિ પાસે બેઠા છે. તેમને એકાંતમાં કહે છે, ‘જુઓ, મન અખંડમાં લીન થઈ ગયું હતું! ત્યાર પછી જોયું – એ ઘણી બધી વાત. ડૉક્ટરને જોયા, તેને (ઈશ્વર-પ્રાપ્તિ) થશે, પણ થોડા દિવસો પછી; હવે વધુ તેને કહેવું પડશે નહિ. બીજા એક જણને પણ જોયો. મનમાંથી ઊઠ્યું કે ‘તેને ય લઈ લો! એની વાત તને પછી કહીશ.’

(સંસારી જીવને વિવિધ ઉપદેશ)

શ્રીયુત્ શ્યામ વસુ અને દોકડી ડૉક્ટર અને બીજાય એક બે માણસો આવ્યા છે. હવે તેમની સાથે વાતો થાય છે.

શ્યામ વસુ – આહા, તે દિવસે આપે જે વાત કહી, તે કેવી અદ્‌ભુત!

શ્રીરામકૃષ્ણ (હસીને) – કઈ વાત?

શ્યામ વસુ – આપે જે કહ્યું કે જ્ઞાન અજ્ઞાનની પાર થયે શું રહે?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – વિજ્ઞાન. વિવિધ જ્ઞાનનું નામ અજ્ઞાન. સર્વભૂતમાં ઈશ્વર છે, એ જાણવાનું નામ જ્ઞાન. તેને વિશેષરૂપે જાણવાનું નામ વિજ્ઞાન. ઈશ્વરની સાથે વાતચીત, તેના પ્રત્યે પોતાના સગાપણાની ભાવના એનું નામ વિજ્ઞાન.

‘લાકડાંમાં અગ્નિ છે, અગ્નિ-તત્ત્વ રહેલું છે, એ જાણવાનું નામ જ્ઞાન. એ લાકડાં સળગાવીને ભાત રાંધીને ખાવો અને ખાઈને હ્યષ્ટપુષ્ટ થવું એનું નામ વિજ્ઞાન.’

શ્યામ વસુ (હસીને) – અને પેલી કાંટાની વાત!

શ્રીરામકૃષ્ણ (હસીને) – હા. જેમ પગમાં કાંટો વાગે તો બીજો એક કાંટો લાવવો જોઈએ. ત્યાર પછી પગમાંનો કાંટો કાઢીને બેઉ કાંટા ફેંકી દેવા જોઈએ. તેમ અજ્ઞાન કાંટો કાઢવા માટે જ્ઞાન કાંટો લાવવો જોઈએ. અજ્ઞાન-નાશની પછી જ્ઞાન અજ્ઞાન બેઉ ફેંકી દેવા જોઈએ. ત્યારે વિજ્ઞાન.

ઠાકુર શ્યામ વસુની ઉપર પ્રસન્ન થયા છે. શ્યામ વસુની ઉંમર પાકી ગઈ છે. હવે તેમની ઇચ્છા છે કે થોડા દિવસ ઈશ્વર-ચિંતન કરવું. પરમહંસદેવનું નામ સાંભળીને અહીં આવ્યા છે. અગાઉ પણ એક વાર આવ્યા હતા.

શ્રીરામકૃષ્ણ (શ્યામ વસુને) – સંસાર-વ્યવહારના વિષયની વાતો તદ્દન મૂકી દેવી. ઈશ્વરી વાતો સિવાય બીજી કોઈ વાત કરવી નહિ. સંસારી માણસ જોઈને ધીરે ધીરે ત્યાંથી સરકી જવું. આટલા દિવસ સુધી સંસાર કરીને તો જોયું ને, કે એ બધું ધુમાડાના બાચકા! ઈશ્વર જ વસ્તુ, બીજું બધું અવસ્તુ. ઈશ્વર જ સત્ય, બીજું બધું દો દિન કી ચાંદની. સંસારમાં છે શું? આંબોળિયાં અને એની ચટણી ખાવાની ઇચ્છા થાય, પરંતુ આંબોળિયામાં હોય શું? ઠળિયો અને છાલ. ખાઈએ એટલે અમ્લપિત્ત થાય.

શ્યામ વસુ – જી હાં. જે કહો છો તે બરાબર છે; બધું ખરું.

શ્રીરામકૃષ્ણ – ઘણા દિવસ સુધી, ખૂબ સંસાર-વહેવાર કર્યાે છે. હવે ગડબડમાં ધ્યાન, ઈશ્વર-ચિંતન થાય નહિ. જરા એકાન્તની જરૂર. એકાન્ત ન હોય તો મન સ્થિર થાય નહિ. એટલે ઘરથી જરા દૂર એકાદી ધ્યાનની જગા કરવી જોઈએ.

શ્યામ વસુ જરા મૂંગા રહ્ય. જાણે કે કંઈક વિચાર કરે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – અને જુઓ દાંત તો બધા પડી ગયા છે, તો પછી દુર્ગાપૂજા શા માટે? (સૌનું હાસ્ય). એક જણ બીજાને પૂછતો હતો કે ‘અમુક ભાઈ હવે દુર્ગા-પૂજા કરતા નથી કેમ? એ વ્યક્તિએ જવાબ દીધો કે ‘અરે ભાઈ, એમના દાંત પડી ગયા છે, બોકડા ખાવાની શક્તિ ગઈ છે, એટલે!’

શ્યામ વસુ – આહા! સાકર જેવી વાત!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – આ સંસારમાં રેતી ને ખાંડ સાથે ભળી ગયેલાં છે. તેમાંથી કીડીની પેઠે રેતી છોડી દઈને ખાંડ ખાંડ લઈ લેવી જોઈએ. જે ખાંડ લઈ શકે એ ચતુર. ઈશ્વર-ચિંતન કરવા સારુ કોઈ એક એકાંત જગા કરો, ધ્યાન કરવાની જગા. તમે એક વાર કરો ને, હું ત્યાં આવીશ.

(સૌ થોડીક વાર ચૂપ કરી રહ્યા છે.)

શ્યામ વસુ – મહાશય, શું પુનર્જન્મ છે? વળી શું જન્મવું પડશે?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને કહો, અંતરથી બોલાવો. એમની ઇચ્છા હશે તો એ જ સમજાવી દેશે. યદુ મલ્લિકની સાથે પરિચય કરો, એટલે યદુ મલ્લિક જ કહી દેશે કે તેનાં કેટલાં મકાન, કેટલા રૂપિયાના સરકારી કાગળ. પહેલાંથી જ એ બધું જાણવાનો પ્રયાસ કરવો એ ઠીક નહિ. પહેલાં ઈશ્વર-પ્રાપ્તિ કરો. ત્યાર પછી જો તેની ઇચ્છા હશે તો તે જ બધું જણાવી દેશે.

શ્યામ વસુ – મહાશય, માણસ સંસારમાં રહીને કેટલો અન્યાય કરે, પાપ કરે. એ માણસ શું ઈશ્વરને પ્રાપ્ત કરી શકે?

શ્રીરામકૃષ્ણ – દેહત્યાગ પહેલાં જો કોઈ ઈશ્વરની સાધના કરે અને સાધના કરતાં કરતાં, ઈશ્વરને પોકારતાં પોકારતાં જો દેહત્યાગ થાય, તો પછી તેને પાપ ક્યારે સ્પર્શ કરે? હાથીનો એ સ્વભાવ ખરો, કે નવરાવી દીધા પછીયે પાછો ધૂળ-કાદવ ઉડાડે. પણ મહાવત તેને નવડાવીને જો હાથીખાનામાં પૂરી દે, તો પછી તે ધૂળ-કાદવ ઉડાડી શકે નહિ.

ઠાકુરને ખૂબ પીડા. ભક્તો નવાઈ પામીને જોઈ રહ્યા છે કે અહેતુક-કૃપાસિન્ધુ દયાળુ ઠાકુર શ્રીરામકૃષ્ણ જીવોના દુઃખે દુઃખી. અહોરાત્ર જીવોના કલ્યાણની ચિંતા કરે છે. શ્યામ વસુને હિંમત આપે છે, અભય આપે છે કે ઈશ્વરને બોલવતાં બોલાવતાં જો દેહત્યાગ થાય તો પછી પાપ સ્પર્શ કરે નહિ!

Total Views: 336
ખંડ 51: અધ્યાય 32 : ડૉક્ટર અને માસ્ટર - સાર શું?
ખંડ 51: અધ્યાય 34 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતાના શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે