શુક્રવાર, આસો વદ સાતમ. તારીખ ૩૦મી ઓક્ટોબર, ઈ.સ. ૧૮૮૫. શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરમાં દવા કરાવવા આવ્યા છે. ઉપરને મજલે એક ઓરડામાં બેઠા છે. સમય સવારના નવ. માસ્ટરની સાથે એકલા વાતો કરે છે. માસ્ટરે ડૉક્ટર સરકારને ત્યાં દરદની હકીકત કહેવા જવાનું છે અને તેમને સાથે લઈને આવવાનું છે. ઠાકુરનું શરીર આટલું અસ્વસ્થ.

પરંતુ કેવળ ભક્તોના કલ્યાણની જ ચિંતા!

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને, હસીને) – આજે સવારે પૂર્ણ આવ્યો હતો. બહુ સરસ સ્વભાવ. મણીન્દ્રનો પ્રકૃતિ-ભાવ. શી નવાઈ! ચૈતન્ય-ચરિતામૃત વાંચીને એના મનમાં એ ધારણા થઈ છે : ગોપીભાવની, સખીભાવની. ઈશ્વર પુરુષ અને પોતે જાણે કે પ્રકૃતિ!

માસ્ટર – જી હા.

પૂર્ણચંદ્ર સ્કૂલનો વિદ્યાર્થી, વય ૧૫-૧૬. પૂર્ણને મળવા માટે ઠાકુર બહુ જ આતુર થાય. પણ પૂર્ણના ઘરનાં માણસો તેને આવવા દે નહિ. તેને મળવા માટે શરૂશરૂમાં એટલા બધા વ્યાકુળ થયા હતા કે એક દિવસે રાત્રે દક્ષિણેશ્વરથી અચાનક માસ્ટરને ઘેર આવીને હાજર. માસ્ટરે પૂર્ણને તેને ઘેરથી સાથે લઈને તેડી આવીને ઠાકુરની સાથે મેળાપ કરાવી આપ્યો હતો. ઈશ્વરનું કેવી રીતે ધ્યાન કરવું, તે પ્રકારની તેની સાથે ઘણીએ વાતચીત કર્યા પછી ઠાકુર દક્ષિણેશ્વર પાછા ફરેલા. મણીન્દ્રનું વય પણ ૧૫-૧૬ હશે. ભક્તો તેને ‘ખોકા’ (નાનો બાબલો) કહીને બોલાવતા. એ છોકરો ભગવાનનાં નામ-ગુણ-કીર્તન સાંભળીને ભાવમાં વિભોર થઈને નૃત્ય કરતો.

Total Views: 269
ખંડ 51: અધ્યાય 33 : શ્રીરામકૃષ્ણ, ડૉક્ટર સરકાર, ભાદુડી વગેરે ભક્તો સાથે વાર્તાલાપ
ખંડ 51: અધ્યાય 35 : ડૉક્ટર અને માસ્ટર