શરદ ઋતુ. અમાસ. રાતના સાત. એ ઉપરના ખંડમાં જ પૂજાની બધી તૈયારી થઈ છે. વિવિધ પ્રકારનાં પુષ્પો, ચંદન, બિલ્વપત્ર, જાસૂદનાં ફૂલ, દૂધપાક તથા જાતજાતની મીઠાઈ વગેરેનું નૈવેદ્ય. ભક્તો ચારે બાજુ ઘેરી વળીને બેઠા છે. શરત, શશી, રામ, ગિરીશ, ચૂનીલાલ, માસ્ટર, રાખાલ, નિરંજન, છોટો નરેન, વિહારી વગેરે ઘણાય ભક્તો છે.

ઠાકુર કહે છે, ‘ધૂપધૂણો કરો.’ થોડી વાર પછી ઠાકુરે જગન્માતાને બધું અર્પણ કર્યું. માસ્ટર પાસે બેઠા છે. માસ્ટરની તરફ જોઈને ઠાકુર કહે છે, ‘સૌ જરા ધ્યાન ધરો.’ ભક્તો બધા જરા ધ્યાન કરે છે.

જોતજોતામાં ગિરીશે ઠાકુરનાં ચરણમાં માળા મૂકી. માસ્ટરે પણ ચંદન-પુષ્પ ચડાવ્યાં. ત્યાર પછી રાખાલ, ત્યાર પછી રામ વગેરે બધા ભક્તો ઠાકુરને ચરણે ફૂલ ચડાવવા લાગ્યા.

નિરંજન પગે ફૂલ ચડાવીને ‘બ્રહ્મમયી બ્રહ્મમયી’, કહીને ઠાકુરને પગે માથું મૂકીને પ્રણામ કરે છે. ભક્તો બધા ‘જય મા! જય મા!’ કહીને જય જયકાર કરી રહ્યા છે.

જોતજોતાંમાં ઠાકુર શ્રીરામકૃષ્ણને સમાધિ-અવસ્થા થઈ છે. શી નવાઈ! ભક્તો ઠાકુરમાં અદ્‌ભુત પરિવર્તન જોઈ રહ્યા છે. ઠાકુરનું વદન-મંડલ જ્યોતિર્મય! હાથ બન્ને અભયદાન અને વરદાન આપવાની સ્થિતિમાં! ઠાકુર નિષ્કંપ, બાહ્યજ્ઞાન રહિત! ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. સાક્ષાત્ જગન્માતા ઠાકુરની અંદર પ્રગટ થયાં છે!

સહુ કોઈ આશ્ચર્યચકિત થઈને આ અદ્‌ભુત વરદાન અને અભયદાયિની જગન્માતાની મૂર્તિનાં દર્શન કરી રહ્યા છે.

હવે ભક્તો સ્તવન કરે છે. એક જણ ગીત ગાય છે અને બીજા બધા મળીને ઝીલે છે. ગિરીશ સ્તુતિ કરે છે :

કોણ પ્રગાઢ નીલ કદંબિની સુર-સમાજે;
કોણ રક્તકમલ ચરણયુગલ લઈ હરહૃદયે બિરાજે-
કોણ રજનીકર નખે નિવાસે, દિનકર રાતા પદે પ્રકાશે;
મૃદુ મૃદુ હસે, વિલસે, ઘન ઘન ઘન ગરજે -’
વળી પાછા ગાય છે :
‘દીનતારિણી દુરિતહારિણી; સત્ત્વ રજ તમ, ત્રિગુણધારિણી;
સૃજન, પાલન, નિધનકારિણી; સગુણા નિર્ગુણા સર્વસ્વરૂપિણી –
ત્વં હિ કાલી તારા, પરમા પ્રકૃતિ; ત્વં હિ મીન, કૂર્મ, વરાહ ઇત્યાદિ;
ત્વં હિ સ્થલ, જલ, અનિલ, અનલ; ત્વં હિ વ્યોમે, વ્યોમકેશ-પ્રસવિની
સાંખ્ય, પાતંજલ, મીમાંસા, ન્યાય, ખૂણે ખૂણે જ્ઞાને ધ્યાને સદા ધ્યાય;
વેદાન્ત ભ્રમે થાય ભ્રાન્ત તોય, હજી સુધી જાણી શકે નહિ-
નિરુપાધિ આદિ અંત રહિત, કરવા સાધક જનો કેરું હિત;
ગણેશાદિ પંચરૂપે કાલ કાપો, ભવ-ભયહરા ત્રિકાલવર્તિની –
સાકાર સાધકને તમે છો સાકાર, નિરાકાર ઉપાસકને નિરાકાર;
કોઈ કોઈ કહે બ્રહ્મ જ્યોતિર્મય, એય તમે ગિરિતનયા જનની –
જ્યાં સુધી જેનું અનુસંધાન થાય, ત્યાં સુધી તો પરબ્રહ્મ કહેવાય;
એથી પર તુરીય અનિર્વચનીય, સકલ મા તારા ત્રિલોકવ્યાપિની -’

વિહારી સ્તવન કરે છે :

મનની વાસના શ્યામા, શબાસના સાંભળો હું કહું!
હૃદયમાં ઉદય થાઓ મા, જ્યારે કરે અંતર્જળી,
ત્યારે હું મનોમન, તોડું જાસૂદ ફરી વનોવન;
ભક્તિચંદન મેળવીને, ચરણે દઉં પુષ્પાંજલિ.
અર્ધું અંગ ગંગાજળે, અર્ધું અંગ રહે સ્થળે,
કોઈક લખશે કપાળે, કાલી નામાવલિ
કોઈ વળી કર્ણકુહરે, બોલશે કથા ઉચ્ચ સ્વરે.
કોઈ કહે હરે હરે, હાથે હાથે દિયે તાલી.
અંતિમ કાલે જિહ્વા જાણે, બોેલે કાલી કાલી.
મણિ ગાય છે, ભક્તો સાથે :-
‘સકળ તમારી ઇચ્છા મા, ઇચ્છામયી તારા તમે..
તવ કર્મ તમે કરો, લોકો બોલે કરીએ અમે..
પંકમાંહી બાંધો હાથી, પંગુથી ઓળંગાવો ગિરિ;
કોઈને આપો બ્રહ્મપદ; કોઈને કરો અધોગામી…
અમે યંત્ર, તમે ચાલક, અમે ઘર, તમે માલિક;
અમે રથ, તમે રથિ; ચલાવો જેમ, તેમ ચાલી..

ગીત : તમારી કરુણાથી મા સર્વ બની શકે

અલંય પર્વત સમ વિઘ્ન દૂર થઈ શકે…
તમે મંગલ-નિધાન, કરો છો મંગલ વિધાન,
તો પછી શાને વૃથા મરીએ, ફળાફળની ચિંતા કરીએ?’

ગીત : ‘મા આનંદમયી થઈ, મને નિરાનંદ કરો મા…

ગીત : ‘ગાઢ અંધકારે મા, તવ ચમકે અરૂપ-રાશિ..’

ઠાકુર સ્વસ્થ થયા છે, અને આદેશ કરે છે કે આ ગીત ગાઓ :

‘ક્યારે કયે રંગે રહો મા શ્યામા, સુધાતરંગિણી!’

ગીત પૂરું થયું એટલે ઠાકુર વળી આદેશ આપે છે કે આ ગીત ગાઓ :

‘શિવસંગે સદા રંગે, આનંદે મગના…

ભક્તવૃંદના આનંદને માટે ઠાકુર થોડું દૂધપાકનું નૈવેદ્ય ચાખે છે. પરંતુ ભાવમાં એકદમ વિભોર. બાહ્યસંજ્ઞા રહિત થઈ ગયા છે.

થોડીક વાર પછી સૌ ભક્તોએ ઠાકુરને પ્રણામ કર્યા અને પ્રસાદ લઈને દીવાનખાનાના ઓરડામાં ગયા. ત્યાં સૌએ આનંદ કરતાં કરતાં એ પ્રસાદ લીધો.

રાતના નવ. ઠાકુરે કહેવડાવ્યું કે રાત થઈ ગઈ છે. સુરેન્દ્રને ઘેર આજે કાલી-પૂજા થવાની છે; તમે બધા ત્યાં દર્શને જાઓ.

ભક્તો આનંદ કરતાં કરતાં સિમલા સ્ટ્રીટમાં સુરેન્દ્રને ઘેર જઈ પહોંચ્યા. સુરેન્દ્રે અતિ આદરસત્કારપૂર્વક તેમને ઉપરને માળે દીવાનખાનામાં લઈ જઈને બેસાડ્યા. ઘેર પૂજાનો ઉત્સવ. સહુ કોઈ સંગીતનાં વાજિંત્રો લઈને આનંદ કરી રહ્યા છે.

સુરેન્દ્રને ઘેર જગદંબાનો પ્રસાદ લઈને ઘેર પાછા ફરતાં ભક્તોને લગભગ મધ્ય રાત્રિથીયે વધુ સમય થઈ ગયેલો.

Total Views: 381
ખંડ 51: અધ્યાય 43 : કાલીપૂજા દિવસે ભક્તો સાથે
ખંડ 52 : અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનગૃહમાં ભક્તો સાથે