ઠાકુર એ ઉપરના ઓરડામાં ભક્તો સાથે બેઠા છે. સમય દશ વાગ્યાનો. બિછાના પર તકિયાને અઢેલીને બેઠા છે. ભક્તો ચારે બાજુ બેઠેલા છે. રામ, રાખાલ, નિરંજન, કાલીપદ, માસ્ટર વગેરે અનેક ભક્તો છે. ઠાકુરના ભાણેજ હૃદય મુખર્જીની વાત થાય છે.

શ્રીરામકૃષ્ણ (રામ વગેરેને) – હૃદય હજીએ જમીન જમીન કરે છે. જ્યારે દક્ષિણેશ્વરમાં હતો ત્યારે કહેતો કે શાલ આપો, નહિતર તમારા પર ફરિયાદ કરીશ.

છેવટે માએ તેને ત્યાંથી હટાવી દીધો. મારી પાસે કોઈ ભક્ત આવે એટલે એ કેવળ રૂપિયા, રૂપિયા કરતો. એ જો રહેત તો આ બધા માણસો આવત નહિ. એટલે માએ તેને હટાવી દીધો!

ગો… એ પણ એમ કરવા માંડ્યું હતું. એ બીજા પ્રત્યે અણગમો બતાવ્યા કરતો. ગાડીમાં મારી સાથે આવવાનો હોય તો મોડું કરતો. બીજા છોકરાઓ મારી પાસે આવે તો નારાજ થતો. હું જો તેમને મળવા કોલકાતા જતો, તો મને કહેતો કે એ બધા સંસાર છોડીને આવવાના હતા કે તમે તેમને મળવા જાઓ છો? છોકરાઓને કંઈક ખાવાનું આપતાં પહેલાં હું તેની બીકથી કહેતો, કે તું ખા અને એમને પણ આપ. મને ખબર પડી ગઈ કે એ ટકશે નહિ.

ત્યારે મેં માને કહ્યું, ‘મા! એને હૃદયની પેઠે તદ્દન હઠાવી દઈશ નહિ.’ ત્યાર પછી સાંભળ્યું કે એ વૃંદાવન જાય છે.

ગો… જો રહેત તો આ બધા છોકરાઓને ઈશ્વર-લાભ થાત નહિ. એ વૃંદાવન ચાલ્યો ગયો એટલે આ બધા છોકરાઓ આવજા કરવા લાગ્યા.

ગો… (નમ્રતાથી) – મારા મનમાં એવું કંઈ ન હતું.

રામ (દા) – તમારા મનને ઠાકુર જેટલું સમજે છે એટલું તમે સમજો?

ગો… ચૂપ રહ્યો.

શ્રીરામકૃષ્ણ (ગો… ને) – તું શા માટે એમ કરે છે? હું તો તને દીકરાથીએ વધુ ચાહું છું!

તું મૂંગો રહે ને.. હવે તારો એ ભાવ નથી.

ભક્તોની સાથે વાતચીત પછી તેઓ બીજા ઓરડામાં ચાલ્યા ગયા એટલે ઠાકુરે ગો… ને બોલાવ્યો અને કહ્યું કે તને કંઈ માઠું લાગ્યું છે?

ગો… એ કહ્યું – ‘જી ના.’

ઠાકુરે માસ્ટરને કહ્યું કે આજે દિવાળી, કાલીપૂજા. પૂજા માટે કંઈક તૈયારી કરો તો સારું. એ લોકોને એક વાર કહી આવો. રવાડી-માંડવી (વિશેષ પૂજા વખતે ઘટની આસપાસ એક પ્રકારની કાઠી વિ.) લાવ્યા છે કે નહિ, એ પૂછો.

માસ્ટરે દીવાનખાનામાં જઈને ભક્તોને બધું કહ્યું. કાલીપદ અને બીજા ભક્તો પૂજાની તૈયારી કરવા લાગ્યા.

લગભગ બે વાગ્યાને સમયે ડૉક્ટર ઠાકુરને જોવા લાગ્યા. સાથે પ્રાધ્યાપક નીલમણિ. ઠાકુરની પાસે ગિરીશ, કાલીપદ, નિરંજન, રાખાલ, ખોકા (મણીન્દ્ર), લાટુ, માસ્ટર વગેરે ઘણાય ભક્તો બેઠા છે. ઠાકુર હસમુખે ચહેરે ડૉક્ટરની સાથે દરદની સ્થિતિ તથા દવા વગેરેની જરા વાતચીત થયા પછી કહે છે કે તમારે માટે આ ચોપડીઓ આવી છે. ડૉક્ટરના હાથમાં માસ્ટરે બે ચોપડીઓ મૂકી, ડૉક્ટરે ગીત સાંભળવાની ઇચ્છા દર્શાવી. ઠાકુરની આજ્ઞા પ્રમાણે માસ્ટર અને એક ભક્ત રામપ્રસાદનાં ગીતો ગાય છે.

ગીત : ‘મન શું શોધ કરો તેની પાગલ પેઠે અંધારા ઘરમાં?’

ગીત : ‘કોણ જાણે કાલી કેવી, ષડ્દર્શન નવ પામે દર્શન.’

ગીત : ‘મન તું ખેતી-કામ ન જાણે.’

ગીત : ‘ચાલ ને મન, ફરવા જઈએ!’

ડૉક્ટર ગિરીશને કહે છે કે તમારું આ ગીત મજાનું! – વીણાનું ગીત, બુદ્ધચરિત્રનું.

ઠાકુરની ઇશારતથી ગિરીશ અને કાલીપદ બેઉ જણ મળીને ગીત સંભળાવે છે.

ગીત : ‘મારી આ શોખની વીણા, યતને ગૂંથ્યો તારનો હાર,
જે જુગતે જાણે, બજાવે વીણા, ઊઠે સુધા વારંવાર –
તાને માને બાંધી રે દોરી, શત ધારે વહે માધુરી;
વાગે નહિ અલગ તારે, તાણ્યે તૂટે કોમળ તાર…’

ગીત :

‘શાંતિ ચાહું, પામું ક્યાં હું, ક્યાં થકી આવું, જાઉં ક્યાં હું;
ફરી ફરી આવું, હસું અને રોઉં, જાઉં હું ક્યાં એ સદા વિચારું.
કોણ ખેલાવે, હું ખેલું શું કામે, જાગતો છતાં ઊંઘું મર્ત્ય-ધામે;
આ તે કેવી નિશા, થશે નહિ શું ઉષા;
દ્રુત ગતિ વહે કર્મ-વાયુ, અવિરામ ગતિએ દોડ્યે જાઉં –
જાણું નહિ હું કોણ, ક્યાંહાં શા માટે આવ્યો, લઈ જાય ક્યાં;
જાઉં તણાયો જુદે જુદે દેશે, ઊઠે ગોટાળા બહુ દશ દિશે;
કેટલા આવે જાય, હસે રડે ગાય, ક્ષણમાં છે ને ક્ષણે નષ્ટ થાય-
શું કામે આવ્યો છું, શું કામે ગયો, કોણ જાણે કેવો, શું ખેલ થયો;
વારિ પ્રવાહે રોકી શું શકું, જાઉં ક્યાં હું તો કાંઠો ન દેખું –
કરો રે ચેતન, કોણ છો ચેતન, ક્યારે હવે આ ભાંગશે સ્વપ્ન;
કોણ છો ચેતન, સૂઓ નહિ આ વાર, દારુણ આ ઘોર ગાઢ અંધકાર-
કરો તમોનાશ, થાઓ રે પ્રકાશ, તમ વિના નહિ બીજો ઉપાય;
એથી પ્રકાશમય તત્ત્વ ચરણે, શરણાગત થઈને, આ દીન જાય-’

ગીત : ‘મને ઝાલો નિતાઈ,

મારા પ્રાણમાં આજે થાય કાંઈ કાંઈ.
નિતાઈ, જીવને હરિનામ વહેંચવા.
ઊઠ્યું છે મોજું પ્રેમ નદીએ જાઉં હું વહી એ જ તરંગે.
નિતાઈ, જે દુઃખ છે મારા અંતરે, એ દુઃખની વાત કોને કહું રે!
જીવના દુઃખે તણાઈ રહું રે…’

ગીત : ‘પ્રાણ ભરી આવ હરિ બોલીએ; જગાઈ, માધાઈ, આવ નાચીએ…

ગીત : ‘કિશોરીનો પ્રેમ લેવા આવ, પ્રેમની ભરતી વહી જાય;
વહે છે રે પ્રેમ શત ધારે, જેને જોઈએ તેટલો લઈ શકાય.
પ્રેમની કિશોરી, પ્રેમ વહેંચે ઇચ્છા કરી, રાધા-પ્રેમે બોલો રે હરિ;
પ્રેમની લાણ પ્રાણ મસ્તકારી, પ્રેમ-તરંગે પ્રાણ નચાવે;
રાધા-પ્રેમે હરિ બોલું, આવો આવો આવો.’

ગીત સાંભળતાં સાંભળતાં બે ત્રણ ભક્તોને ભાવ-અવસ્થા થઈ ગઈ, ખોકા (મણીન્દ્ર)ને, લાટુને! લાટુ નિરંજનની બાજુમાં બેઠો હતો. ગીત પૂરાં થયાં પછી ડૉક્ટર વળી ઠાકુરની સાથે વાતો કરે છે. ગઈ કાલે પ્રતાપ મજુમદારે ઠાકુરને ‘નકસ વોમીકા’ દવા આપી હતી. એ સાંભળીને ડૉક્ટર સરકાર નારાજ થયા છે.

ડૉક્ટર – હું તો હજી મર્યાે નથી, તે પેલાએ ‘નકસ વોમીકા’ આપ્યું?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – તમારી અવિદ્યા મરો!

ડૉક્ટર – મારે કોઈ દિવસ અવિદ્યા હતી જ નહિ!

ડૉક્ટર અવિદ્યાનો અર્થ વંઠેલ સ્ત્રી સમજ્યા છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – ના ભાઈ! સંન્યાસીની અવિદ્યારૂપી મા મરી જાય અને વિવેક-જ્ઞાન રૂપી દીકરો જન્મે. અવિદ્યા મા મરે અને જ્ઞાનરૂપી પુત્ર જન્મે, એમ બેઉ રીતે સૂતક લાગે; એટલે કહે છે કે સંન્યાસીને અડવું નહિ!

હરિવલ્લભ આવ્યા છે. ઠાકુર કહે છે કે તમને જોઈને આનંદ થાય. હરિવલ્લભ બહુ નમ્ર. ચટાઈથીયે નીચે સાવ ભોંય પર બેસીને ઠાકુરને પવન નાખે છે. હરિવલ્લભ કટકના મોટા વકીલ.

પાસે પ્રાધ્યાપક નીલમણિ બેઠા છે. ઠાકુર તેનું બહુમાન કરે છે ને કહે છે કે આજે તો મારો મોટો દિવસ. થોડી વાર પછી ડૉક્ટર અને તેમના મિત્ર નીલમણિએ રજા લીધી. હરિવલ્લભ પણ ઊઠ્યા. જતી વખતે બોલ્યા કે ‘હું પાછો આવીશ.’

Total Views: 209
ખંડ 51: અધ્યાય 42 : કાલીપૂજા દિવસે શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે
ખંડ 51: અધ્યાય 44 : જગન્માતા કાલીની પૂજા