નરેન્દ્રને જ્ઞાનયોગ અને ભક્તિયોગના સમન્વય વિશે ઉપદેશ

ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાંના મકાનમાં ઉપરના મોટા હૉલમાં ભક્તો સાથે છે. રાત્રિના લગભગ આઠ વાગવા આવ્યા છે. ઓરડામાં નરેન્દ્ર, શશી, માસ્ટર, વૃદ્ધ ગોપાલ, શરત. આજ ગુરુવાર, ફાગણ સુદ છઠ. તારીખ ૧૧મી માર્ચ, ૧૮૮૬.

ઠાકુર બીમાર છે. સહેજ સૂતેલા છે. ભક્તો પાસે બેઠેલા છે. શરદ ઊભો ઊભો પંખો કરી રહ્યો છે. ઠાકુર માંદગીની વાત કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – ભોલાનાથની પાસે જશો તો એ તેલ આપશે. અને એ કહી દેશે કે કેવી રીતે એ લગાડવું.

વૃદ્ધ ગોપાલ – તો પછી કાલે સવારે અમે જઈને લઈ આવીશું.

માસ્ટર – આજ કોઈ જાય તો લઈ આવી શકે.

શશી – હું જાઉં!

શ્રીરામકૃષ્ણ (શરતને દેખાડીને) – એ જઈ શકશે.

શરદ થોડીકવાર પછી દક્ષિણેશ્વર-મંદિરે ખજાનચી શ્રીયુત્ ભોલાનાથ મુખોપાધ્યાયની પાસેથી તેલ લઈ આવવા માટે રવાના થયા.

ઠાકુર સૂતા છે. ભક્તો નિઃશબ્દ બેઠા છે. અચાનક ઠાકુર ઊઠીને બેઠા. નરેન્દ્રને સંબોધીને વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – બ્રહ્મ અલિપ્ત. ત્રણે ગુણો તેનામાં છે, પરંતુ એ પોતે અલિપ્ત.

જેમ વાયુમાં સુગંધ દુર્ગંધ બેઉ આવે, પરંતુ વાયુ પોતે અલિપ્ત.

‘કાશીમાં શંકરાચાર્ય રસ્તા પર થઈને જતા હતા. એક ચાંડાળ ત્યાંથી માંસનો ટોપલો લઈને જઈ રહ્યો હતો, તે અચાનક તેમને અડી ગયો. આચાર્ય બોલી ઊઠ્યા કે ‘અરે, તું મને અડી ગયો?’ પેલા ચંડાળે જવાબ આપ્યો કે ‘મહારાજ, હું તમને અડ્યો નથી અને તમેય મને અડ્યા નથી! આત્મા અલિપ્ત. તમે તો એ શુદ્ધ આત્મા!

‘બ્રહ્મ અને માયા. જ્ઞાની માયાને ફેંકી દે.

‘માયા આવરણ-સ્વરૂપ છે. આમ જુઓ; આ અંગૂછો આડો રાખ્યો છે. હવે દીવાનો પ્રકાશ દેખાતો નથી.’

એમ કહીને ઠાકુરે અંગૂછો પોતાની અને ભક્તોની વચ્ચે આડો ધરી રાખ્યો. પછી કહે છે કે ‘આમ જુઓ, મારું મોં હવે જોઈ શકાતું નથી.

‘રામપ્રસાદ જેમ કહે છે કે ‘મચ્છરદાની ઊંચી કરીને જુઓ.’

‘પરંતુ ભક્ત માયાને છોડી દે નહિ. મહામાયાની પૂજા કરે. શરણાગત થઈને કહે, ‘મા, વચમાંથી ખસી જાઓ. તમે રસ્તો ખુલ્લો કરો તો બ્રહ્મ-જ્ઞાન થાય.’ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણે અવસ્થા જ્ઞાનીઓ ઉડાવી દે. ભક્તો એ બધી અવસ્થાઓને સ્વીકારે. જ્યાં સુધી ‘હું’ છે ત્યાં સુધી બધું છે.

જ્યં સુધી ‘હું’ છે ત્યાં સુધી જુએ કે ઈશ્વર જ માયા, જીવ, જગત, ચોવીસ તત્ત્વો વગેરે બધું થઈ રહ્યા છે.

(નરેન્દ્ર વગેરે ચૂપ બેઠા છે.)

શ્રીરામકૃષ્ણ – માયાવાદ સૂકો. શું કહ્યું બોલો તો.

નરેન્દ્ર – સૂકો!

ઠાકુર નરેન્દ્રને હાથે, મોઢે હાથ ફેરવવા લાગ્યા. વળી વાત કરવા લાગ્યા (નરેન્દ્રનાં) ‘આ બધાં ભક્તનાં લક્ષણ છે, જ્ઞાનીનાં જુદાં હોય; તેનું મોઢું, ચહેરો, એ બધાં સૂકાં હોય.

જ્ઞાની જ્ઞાન-પ્રાપ્તિ કર્યા પછી વિદ્યામાયા લઈને રહી શકે; ભક્તિ, દયા, વૈરાગ્ય વગેરે બધાં લઈને રહી શકે. એના બે હેતુ. પહેલો, એથી લોકોપદેશ (લોકસંગ્રહ) થાય, ત્યાર પછી બીજો રસાસ્વાદને માટે.

‘જ્ઞાની જો સમાધિ-મગ્ન થઈને ચૂપ રહે, તો લોકોપદેશ થાય નહિ. એટલે શંકરાચાર્યે વિદ્યાનો ‘હું’ રાખ્યો હતો.

‘અને ઈશ્વરનો આનંદ ઉપભોગ કરવાને માટે, ઈશ્વર-સંભોગ કરવાને માટે ભક્તિ-ભક્ત લઈને રહે.

‘આ જે ‘વિદ્યાનો હું,’ ‘ભક્તનો હું’ રહે એમાં વાંધો નહિ. ‘કમજાત હુંપણા’માં વાંધો. ઈશ્વરનાં દર્શન કર્યા પછી બાળકના જેવો સ્વભાવ થઈ જાય. ‘બાળકના હું’માં કશો દોષ નહિ. જેમ કે અરીસામાંનું મોં; એ માણસોને ગાળો ન દે. બળી ગયેલી સીંદરી જોવામાં જ સીંદરી જેવી લાગે, જરાક ફૂંક મારતાંવેંત ઊડી જાય. જ્ઞાનાગ્નિથી અહંકાર બળી ગયો હોય, તો એ પછી કોઈનું બૂરું કરે નહિ. એ માત્ર નામનો જ ‘હું’.

‘નિત્યે પહોંચીને વળી પાછું લીલામાં રહેવું! જેમ કે પેલે પાર જઈને પાછું આ કાંઠે આવવું : લોકશિક્ષણ અને આનંદને માટે; આમોદ, મજાને માટે.’

ઠાકુર અતિશય ધીમે અવાજે વાત કરી રહ્યા છે. જરા અટકી ગયા. વળી પાછા ભક્તોને કહે છે, ‘(મારા) શરીરમાં આવો રોગ છે, પરંતુ અવિદ્યા-માયા રહેવા દીધી નથી. આમ જુઓ, રામલાલ, શું ઘર, શું ઘરવાળી, એમાંનું કશુંય મારા મનમાં નથી. કોણ પૂર્ણ કાયસ્થ છે, એને માટે ચિંતા કરી રહ્યો છું. પેલાંઓને માટે તો ચિંતા થતી નથી.’

‘ઈશ્વરે જ વિદ્યા-માયા રાખી દીધી છે; લોકો માટે, ભક્તોને માટે.’

‘પરંતુ વિદ્યા-માયા હોય એટલે પાછું આવવું પડે. અવતાર વગેરે વિદ્યા-માયા રાખે. જરાક પણ વાસના હોય તો આવવું પડે, ફરી ફરીને આવવું પડે. બધી વાસના જાય ત્યારે પછી મુક્તિ. પરંતુ ભક્તો મુક્તિ ઇચ્છે નહિ.

‘જો કાશીમાં કોઈનો દેહત્યાગ થાય, તો મુક્તિ થાય અને ફરીવાર આવવું પડે નહિ. જ્ઞાનીઓને મુક્તિ.’

નરેન્દ્ર – તે દિ’ મહિમ ચક્રવર્તીને ઘેર અમે ગયેલા.

શ્રીરામકૃષ્ણ (હસીને) – ત્યાર પછી?

નરેન્દ્ર – એના જેવો શુષ્ક-જ્ઞાની મેં બીજો જોયો નથી!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – શું થયું હતું?

નરેન્દ્ર – અમને ગીત ગાવાનું કહ્યું. ગંગાધરે ગાયું :

‘શ્યામનામે પ્રાણ પામે, જુઓ આમતેમે,

દેખે છે તમાલવૃક્ષ રહ્યું સાવ સામે!-’

‘ગીત સાંભળીને એ બોલ્યા કે એ બધાં ગીત શું કામ? પ્રેમ બેમ ગમતો નથી. તે ઉપરાંત બૈરી છોકરાં લઈને રહીએ છીએ. એ બધાં ગીતો અહીં શું કામ?

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – કેવો ડરી ગયો છે!

Total Views: 390
ખંડ 52 : અધ્યાય 5 : ભક્તોનો તીવ્ર વૈરાગ્ય - સંસાર અને નરકની યંત્રણા
ખંડ 52 : અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનગૃહમાં અંતરંગ અને ગૃહસ્થભક્તો સાથે