ભક્તોને કાજે શ્રીરામકૃષ્ણે દેહ ધારણ કર્યાે છે

ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં રહ્યા છે. સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર બીમાર છે. ઉપરના હોલમાં ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. નરેન્દ્ર અને રાખાલ બન્ને પગચંપી કરી રહ્યા છે. મણિ પાસે બેઠા છે. ઠાકુર ઇશારત કરીને તેમને પણ પગચંપી કરવાનું કહે છે. મણિ પણ સેવામાં જોડાય છે.

આજ રવિવાર, ૧૪મી માર્ચ, ઈ.સ. ૧૮૮૬. ફાગણ સુદ નોમ. આગલે રવિવારે ઠાકુરની જન્મતિથિની બગીચામાં પૂજા થઈ ગઈ છે. પાછલે વર્ષે જન્મ-મહોત્સવ દક્ષિણેશ્વર કાલીમંદિરના બગીચામાં ખૂબ ધામધૂમથી ઊજવાયો હતો. આ વરસે ઠાકુર બીમાર છે. ભક્તો વિષાદ-સાગરમાં ડૂબેલા છે. પૂજા થઈ. ઉત્સવ નામમાત્ર થયો.

ભક્તો બધો વખત કાશીપુર-બગીચામાં હાજર રહે છે અને ઠાકુરની સેવા કરે છે. શ્રીમા સારદામણિદેવી પણ સેવામાં રાતદિન જોડાયેલાં છે. જુવાન ભક્તો ઘણાખરા બધો વખત રહે છે : નરેન્દ્ર, રાખાલ, નિરંજન, શરત, શશી, બાબુરામ, યોગીન, કાલી, લાટુ વગેરે.

મોટી ઉંમરના ભક્તો વચ્ચે વચ્ચે આવીને રહે છે અને લગભગ દરરોજ ઠાકુરનાં દર્શન કરવા અને ખબર કાઢવા આવે છે. તારક, સિંથિનો ગોપાલ પણ કાયમ રહે છે. છોટો ગોપાલ પણ રહે છે.

ઠાકુર આજે વધુ બીમાર. રાતનો બીજો પહોર. આજે અજવાળિયાની નોમ. ચંદ્રના પ્રકાશમાં ઉદ્યાનભૂમિ જાણે કે આનંદમય થઈ રહી છે. ઠાકુરને પીડા બહુ જ થાય છે. એટલે ચંદ્રનાં વિમલ કિરણો જોઈનેય ભક્ત-હૃદયોમાં આનંદ નથી. જેમ કે એક નગરીની અંદરનું બધુંય સુંદર, પરંતુ શત્રુસૈન્ય તેને ઘેરીને પડ્યું છે. ચારે બાજુ નિઃસ્તબ્ધતા, માત્ર વસંતના વાયુથી વૃક્ષોનાં પાંદડાંનો મધુર, મર્મર, મર્મર, શબ્દ થાય છે. ઠાકુર ઉપરના ઓરડામાં સૂતા છે. બહુ જ વેદના, નિદ્રા નથી. એક બે ભક્તો અવાજ કર્યા વિના પાસે બેઠા છે, ઠાકુરને ક્યારે શેની જરૂર પડે એ માટે. ઠાકુરને વખતે વખતે તંદ્રા જેવું આવે છે અને જાણે કે નિદ્રિત જેવા લાગે છે.

આ તે શું નિદ્રા કે મહાયોગ? ‘યસ્મિન્ સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે।’ આ શું તે યોગાવસ્થા?

માસ્ટર પાસે બેઠા છે. ઠાકુર ઇશારત કરીને વધારે નજીક બેસવાનું કહે છે. ઠાકુરની પીડા જોઈને પાષાણ પીગળી જાય! માસ્ટરને આસ્તે આસ્તે કષ્ટપૂર્વક કહે છે, ‘તમે સૌ ભક્તો પાછા રડવા લાગો એટલા માટે આટલી પીડા વેઠું છું. જો સૌ કહો કે (આપને) આટલી ભારે પીડા થાય છે, તો ભલે (આપનો) દેહ જાય, તો શરીર છૂટી જાય!’

એ શબ્દો સાંભળીને ભક્તોનાં હૃદય વિદીર્ણ થઈ જાય છે. જે તેમના પિતા, માતા, રક્ષણકર્તા તે આ શબ્દો બોલે છે! સૌ નિઃશબ્દ બેસી રહ્યા છે. કોઈક પોતાના મનમાં વિચાર કરે છે કે ‘આનું જ નામ શું Crucifixion! ‘(ક્રુસિફિકશન)’, ભક્તો માટે દેહ-વિસર્જન!’

ગંભીર રાત્રિ. ઠાકુરની પીડા વધતી જાય છે! શો ઉપાય થઈ શકે? કોલકાતા માણસ મોકલવામાં આવ્યો. શ્રીયુત્ ઉપેન્દ્ર ડૉક્ટર અને શ્રીયુત્ નવગોપાલ વૈદ્યરાજને સાથે લઈને ગિરીશ એ ગંભીર રાત્રે આવ્યા.

ભક્તો પાસે બેઠા છે. ઠાકુર સ્હેજ સ્વસ્થ છે. તે બોલે છે, ‘દેહની પીડા, એ તો હોય; પણ હું તો જોઉં છું કે દેહ પંચભૂતનો છે.’ ગિરીશની સામે જોઈને બોલે છે, ‘ઈશ્વરનાં અનેક સ્વરૂપો દેખું છું. તેની અંદર આ સ્વરૂપ (પોતાની મૂર્તિ) પણ જોઉં છું!’

Total Views: 393
ખંડ 52 : અધ્યાય 6 : કાશીપુર ઉદ્યાનગૃહમાં શ્રીયુત્ નરેન્દ્ર વગેરે ભક્તો સાથે
ખંડ 52 : અધ્યાય 8